સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : પ્રેમ એટલે


પ્રેમને ઈન્સ્ટોલ કઈ રીતે કરશો?.. – ડૉ. હાર્દિક યાજ્ઞિક 22

હાર્દિકભાઈ યાજ્ઞિક લાંબા સમય બાદ અક્ષરનાદ પર તેમની કૃતિ સાથે પ્રસ્તુત થયા છે. અને આજનો તેમનો વિષય છે ‘પ્રેમને ઈન્સ્ટોલ કઈ રીતે કરશો?’ આજની યુવાપેઢીને જો તમે ‘પ્રેમ કઈ રીતે કરવો’ એ સમજાવવાનો પ્રયત્ન કરશો તો કોણ સાંભળશે? પણ કોમ્પ્યુટર, સોફ્ટવેર, હાર્ડવેર અને ઈન્ફોર્મેશન ટેકનોલોજીની ભાષામાં આ જ વાત કહેવાનો પ્રયત્ન કરવામાં આવે તો? આવો જ કાંઈક સુંદર અને અનોખો પ્રયત્ન હાર્દિકભાઈએ કર્યો છે. એ જ વાત પણ જુદી રીતે કહેવાય તો કેવી સુંદર કૃતિ સર્જાય તે આ પ્રસ્તુતિ દર્શાવે છે. અક્ષરનાદને આ રચના પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ હાર્દિકભાઈનો ખૂબ આભાર. તો આવો જાણીએ પ્રેમને તમારા હ્રદયમાં ઈન્સ્ટોલ કરવાની ‘સ્ટૅપ બાય સ્ટૅપ’ પદ્ધતિ.


આયુની ઋતુ – ઉત્સવ તલાટી 19

અમેરીકાની ટેક્સાસ એ એન્ડ એમ યુનિવર્સિટીમાં ઈન્ડસ્ટ્રીયલ એન્જીનીયરીંગમાં માસ્ટર્સનો અભ્યાસ કરી રહેલા ઉત્સવભાઈ તલાટીની આ પ્રથમ રચના છે. આયુ ઋતુને પ્રેમ હ્રદયથી કરે છે, બંને મળી શક્યા નથી – મળી શકવાના નથી એ હકીકત છે. અણધારી રીતે યુવાનીમાં જ જીવનના અંતિમ પડાવ પર ઊભેલા આયુને એ હકીકતની ખબર છે અને એ વાતને લઈને તેનો ઋતુને સંબોધીને લખાયેલ આ પત્ર વિશેષ બની રહે છે. પ્રસ્તુત કૃતિ પ્રસિદ્ધ કરવા તેમણે અક્ષરનાદને પાઠવી છે. પ્રથમ સર્જન વિશેષ હોય છે અને અનેક મિત્રોએ એ માટે અક્ષરનાદને તક આપી છે. અક્ષરનાદને કૃતિ પાઠવવા બદલ ઉત્સવભાઈનો આભાર. તેમની કલમને અનેક શુભકામનાઓ.


તારે અનંતકાળ માટે મને ચાહવી પડશે! – સુરેશ દલાલ 7

તારે અનંતકાળ માટે મને ચાહવી પડશે! પ્રત્યેક સ્ત્રીમાં એક મીરાં હોય છે. મીરાં એટલે અનન્ય ભક્તિ. અદ્વિતિય નિષ્ઠા. મેરે તો ગિરિધર ગોપાલ દુસરો ન કોઈ. આપણ કહે છે કે માત્ર મારે થવું તારા પ્રિય પાત્ર. હું અને તું, તું અને હું. આપણે બંને – ત્રીજું કોઈ નહીં. સમજાય એવી વાત છે કે જેને ઉદ્દેશીને આ કાવ્ય લખાયું છે એ વ્યક્તિ હયાત નથી. શારીરિક રીતે હયાત નથી, પણ પોતાના અસ્તિત્વમાં તો એના સિવાય કોઈ નથી. મરણ સાથે વ્યક્તિ મરે છે. પ્રેમ મરતો નથી. સાચો પ્રેમ માણસને દુર્બળ અને અસહાય નથી બનાવતો, પણ એને સબળ બનાવે છે. આવા સુંદર ચિંતન સાથેનો અનેરો પ્રેમાળ નિબંધ.


દોસ્તીના રંગે રંગાયેલો ઉત્સવ એટલે જીંદગી – જીજ્ઞેશ અધ્યારૂ 11

હોળીના, રંગોના આ પવિત્ર તહેવારમાં જીવનમાં સંબંધોના અનેકવિધ રંગોની વચ્ચે એક અનોખો, સુંદર રંગ એટલે મિત્રતા. રંગોનો તહેવાર ઉજવાય છે હૈયાની નજીક રહેલી વ્યક્તિઓ સાથે, એવા લોકો સાથે જેમના સુખ દુઃખના રંગો આપણા જીવનમાં પણ ભળે છે. ઘણા સંબંધોના રંગો હોય છે, ઘણાં બિનહાનીકારક કુદરતી રંગો પણ હોય છે, મિત્રતા કદાચ આવો જ રંગ છે. મિત્રતા એક રંગ નથી, એ એક ઈન્દ્રધનુષ છે. તેમાં સુખમાં મહાલવાનો રંગ છે, તો એક મિત્રના દુઃખમાં સાથ આપવાનો, આધાર આપવાનો રંગ પણ છે, તેનાથી દૂર રહીને તેને સતત યાદ રાખવાનો રંગ છે તો તેની સાથે જીવનને એક અવસર બનાવીને ઉજવવાનો રંગ પણ છે. કઈ એવી ધુળેટી તમે ઉજવી છે જે મિત્રો વગર સંપૂર્ણ હોય?


માતૃવંદના – જીગ્નેશ ચાવડા 9

“માં’ ની કોઇ વ્યાખ્યા ન હોઇ શકે. માતાના બાળક પ્રત્યેના સ્નેહ અને તેની અપાર મમતા વિશે આપણે સૌ જાણીએ છીએ, પણ હવે વાત એ છે કે આપણે તેના પ્રત્યે કેટલી વફાદારી અને સન્માન જાળવીએ છીએ. તેને સાચવવાની, જાળવવાની આપણી ફરજ વિશે આપણે કેટલા સભાન છીએ? માતૃવંદના વિશેષ અઠવાડીયા માટે અક્ષરનાદને આ કૃતિ મોકલવા તથા પ્રસિધ્ધ કરવાની તક આપવા બદલ શ્રી જીગ્નેશ ચાવડાનો ખૂબ ખૂબ આભાર.


પ્રેમ જો છે આપણો તો… – જીગ્નેશ અધ્યારૂ 9

હું અને તું એ બે પાત્રો સમાજજીવનના, પ્રેમજીવનના અભિન્ન અંગો છે. ક્યારેક હું તો ક્યારેક તું, પ્રેમના સફરમાં એક બીજાને અજાણે દુ:ખ કે ઝખમ આપી બેસે છે. એક નાનકડો ઝખમ જો સાથીના સ્મિતના, સમજણના ઇલાજને ન પામે તો જીવનની ઘણી વાસ્તવિકતાઓ અને સ્વપ્નો બદલાઇ જાય છે. કાંઇક એવો જ ભાવ આ પ્રેમગીતમાં ઉદભવ્યો છે. હું અને તું વચ્ચે પ્રેમ છે, પણ કોઇક ગેરસમજણ, અણબનાવે તેમને એક બીજાથી દૂર કરી દીધાં છે. આવી પરિસ્થિતિઓમાં એક બીજાને માટે વલખતા અને તોય પોતાના અંતરને છેતરી મુખ પર સ્મિત રાખી ફરતા એવા હું અને તું ના મનના ભાવો આ ગીતમાં વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો છે.


જ્યારે આપણે પ્રેમ કરીએ છીએ – મંગેશ પાડગાંવકર, અનુ. સુરેશ દલાલ 6

10 માર્ચ 1929 ના રોજ મહારાષ્ટ્રના રત્નાગિરીમાં જન્મેલા કવિ લેખક શ્રી મંગેશ પાડગાંવકર અછાંદસ કવિતાઓના અનોખા જાદુગર છે. તેમની કેટલીક મરાઠી કવિતાઓના ગુજરાતી અનુવાદો કરીને ‘કવિતાસંગમ’ – મરાઠી કવિતા હેઠળ 1977માં શ્રી સુરેશ દલાલે સંપાદિત કર્યા છે. આ પુસ્તકની પ્રસ્તાવનામાં શ્રી ઉમાશંકર જોશી કહે છે તેમ, “જમાનાની વિગતો આરપાર, તેના ઉંડાણમાં કવિની વાત રમતી હોય છે.” જ્યારે આપણે પ્રેમ કરીએ છીએ, સલામ, વિદુષક, હિપ્નોટીસ્ટ, મારાં ઘેટાંઓ, પ્રારંભ વગેરે તેમની કેટલીક અનન્ય અપ્રતિમ સુંદર અને મને ખૂબ ખૂબ ગમતી રચનાઓ છે. આજે તેમાંથી એકનો આનંદ આપ સૌ સાથે વહેંચી રહ્યો છું.


અમારી પુત્રી અને શાળાનો પ્રથમ દિવસ – પ્રતિભા અધ્યારૂ 6

જો આપ માતા પિતા હોવ તો આપને ખ્યાલ હશે કે બાળકને પ્રથમ દિવસે શાળાએ લઇ જવું, ત્યાં બેસાડવું, રડતું ચુપ રાખવું અને એ આખો દિવસ તેના પાછા આવવાની પ્રતીક્ષા કરવી…. મારા માટે આ અનુભવ કાંઇક આવો જ રહ્યો, જો કે વધારે ચિંતાજનક અને અકળાવનારો. આપની સાથે આજે વહેંચી રહી છું અમારી પુત્રી હાર્દીને શાળાએ લઇ જવાના પ્રથમ દિવસનો અનુભવ.


સોળ વર્ષની ઉંમરનો મુગ્ઘ પ્રેમ – પ્રતિભા કોટેચા 7

પ્રેમ એ પરમ તત્વ છે, સાત્વિક સત્વ છે, પરમેશ્વર સુધી પહોંચવાનો માર્ગ છે. સ્ત્રીને પુરૂષનું અને પુરૂષને સ્ત્રીનું આકર્ષણ રહે જ છે, એ કુદરતી છે, સહજ પણ સનાતન છે. અને આમ તો સમગ્ર જીવનની ગમે તે ક્ષણે પ્રેમમાં પડી શકાય છે, પણ સોળ વર્ષની ઉંમરના મુગ્ધ, સહજ અને અતાર્કિક પ્રેમ વિશે શું કહેવું? પ્રેમને શબ્દના વાઘા પહેરાવવા મુશ્કેલ છે, પ્રેમ એ મૌનની ભાષા છે. સોળ વર્ષની ઉંમરના મુગ્ધ પ્રેમ વિશે સુંદર લેખ માણો…


એક એવીતે પ્રીત અમે કીધી – જયંત પાઠક 5

શ્રી જયંતભાઇ પાઠકની કવિતાઓનો સંગ્રહ “સમગ્ર કવિતા” ઘણા દિવસોથી મમળાવી રહ્યો છું. એકે એક કાવ્યમાં છલકતા કવિના ભાવવિશ્વની સંવેદનાઓનું ખૂબજ મનોહર નિરૂપણ થયું છે. મને ખૂબ ગમી તેવી તેમની આ કવિતા પ્રીતના કારણે વિવિધ “પામવાની” સંવેદનાઓની સરસ અભિવ્યક્તિ કરાવી જાય છે.


ભૂતળ પ્રેમ પદારથ … – જીગ્નેશ અધ્યારૂ 7

પ્રેમને અને તેના પ્રભાવને શબ્દના વાઘાથી શણગારવો એ અશક્ય વસ્તુ છે, કારણકે પ્રેમ મૂળતો મૌનની ભાષા છે, મનનો વિષય છે, છતાંય પ્રેમ નામની એ અનોખી લાગણી, તેની અભિવ્યક્તિ, અને તેના સત્વ વિશે થોડાક વિચારો આલેખવાનો આ નમ્ર પ્રયત્ન છે.


વારિસ શાહને – અમૃતા પ્રીતમ 6

અમૃતા પ્રીતમને ભાગ્યેજ કોઈ સાહિત્યરસિક વાચક ન ઓળખે. તેમની ઘણી કવિતાઓ મેં હિન્દીમાં અનુવાદિત થયેલી વાંચી છે. મને ખ્યાલ નથી કે ગુજરાતીમાં તેનો અનુવાદ થયો હોય. હમણાં તેમની જીવનકથા રેવન્યુ સ્ટેમ્પ વાંચવાનો અવસર મળ્યો. એક લેખિકા અને એક કવિયત્રી જેમને ફક્ત “પીંજર” (તેમની નવલકથા પરથી બનેલી ફિલ્મ ) ને લીધે ઓળખતો હતો તેમની ઘણી રચનાઓ વિશે, જીવનના વિવિધ પડાવો વિશે અને તેમના જીવનનાં પ્રેરકબળો વિશે વાંચવા મળ્યું. તેમની જીવનકથામાં તેમની અનેક રચનાઓ માંથી વારિસ શાહને સંબોધીને લખાયેલી એક કવિતાનો ખાસ ઉલ્લેખ આવે છે. પંજાબી જાણતા એક મિત્ર મારફત એ કવિતાનો હિન્દી ભાવ મેળવ્યો અને તેનો અનુવાદ કરવાનો નાનકડો પ્રયત્ન અત્રે કર્યો છે. એક થી બીજી ભાષામાં સમજતા તેનો ભાવ “વાયા” થઈને આવ્યો છે એટલે કદાચ શરતચૂક હોય પણ ખરી,  તેનો હેતુ વૈશ્વિક જાગૃતિનો છે, એક એવી તકલીફનો એમાં નિર્દેશ છે જે બધાને ક્યાંકને ક્યાંક અડે છે, પૂરી હોય કે અછડતી….. આશા છે આપને ગમશે… અમૃતા પ્રીતમ તેમની જીવનકથામાં કહે છે, ” પ્રાચીન ઈતિહાસમાં ભીષણ અત્યાચારી કાંડ આપણે ભલે વાંચ્યા હોય, પણ તોયે આપણા દેશના ભાગલા વખતે જે થયું એના જેવો ખૂની, બર્બર કાંડ કોની કલ્પનામાં આવે? દુઃખની વાતો કહી કહીને લોકો થાકી ગયા હતા, પણ આ વાતો જિંદગીની પહેલા પૂરી થાય એવી નહોતી. લાશ જેવા લોકો જોયા હતા, અને જ્યારે લાહોરથી આવીને દેહરાદૂનમાં આશરો લીધો, ત્યારે નોકરીની અને દિલ્હીમાં રહેવા માટેની જગા શોધવા ત્યાં આવી અને પાછી ફરી રહી હતી, ચાલતી ગાડીમાં ઉંઘ આંખની પાસે પણ ફરકતી નહોતી. ગાડીની બહારનું ઘોર અંધારૂ સમયના ઈતિહાસના જેવુ હતું. હવા એ રીતે સૂસવાતી હતી કે જાણે ઈતિહાસની લગોલગ બેસીને રડી રહી હોય. બહાર ઉંચા […]


તજ લવિંગ એલચી – પ્રેમનો મુખવાસ (સંકલિત) 9

તારાઓ આગના તણખા હોવાનો શક કરજો, પૃથ્વી ફરતી નથી, શક કરજો, સત્યને જૂઠાંણુ હોવાનો શક પણ કરજો, પરંતુ મારા પ્રેમ પર શંકા ન કરશો – વિલિયમ શેક્સપીયર (હેમલેટ) પ્રેમની ક્ષણોને સંઘરી લો, પ્રેમ કરો અને પ્રેમ પામો, આ જ જીવનનું શાશ્વત સત્ય છે, બાકી બધુંય જૂઠાણું છે. – લીયો ટોલ્સટોય (વોર એન્ડ પીસ) પ્રેમના વિકાસમાં જટિલતાઓ અને નિરાશા અવગણી ન શકાય એવા હોય છે પણ તે ઘણી વાર પ્રેમ માટે બહુ સબળ પ્રેરકબળ બની રહે છે. – ચાર્લ્સ ડિકન્સ (નિકોલસ નિકલાય) મારા હ્રદય, હે મારા હ્રદય, સંપૂર્ણ અને મુક્ત બન, બસ, ફક્ત પ્રેમ જ તારો એકમાત્ર શત્રુ છે. – જ્યોર્જ બર્નાર્ડ શો (સીઝર અને ક્લિયોપેટ્રા) પ્રેમ આપણા સ્વપ્નો, ઈચ્છાઓને પાંખો આપે છે. – એલેક્ઝાન્ડર ડુમસ (ધ કાઉન્ટ ઓફ મોન્ટે ક્રિસ્ટો) ઉંમરલાયક થયેલો પ્રેમ એ ક્યારેકનો નવો પ્રેમ નથી. – જ્યોફ્રી ચૌસર (ધ કેન્ટબરી ટેલ્સ) ઓહ હું! એ ક્યાંક બધેય વાંચ્યુ છે, અને ઈતિહાસ પણ એ જ કહે છે કે સાચા પ્રેમનો રસ્તો કદી સરળ હોતો નથી – વિલિયમ શેક્સપીયર ( મીડસમર નાઈટસ ડ્રીમ ) નરક શું છે?, મારા મતે પ્રેમ ન કરી શકવાના લીધે થતી તકલીફ એટલે નરક – ફયોદર દોસ્તોવસ્કી (ધ બ્રધર્સ કારઝોવ) પ્રેમ, પ્રેમીઓ માટે ધરતી પર બધું જ એ છે, પ્રેમ જે સમય અને સ્થળથી પર છે. પ્રેમ જે દિવસ અને રાત છે, પ્રેમ જે સૂર્ય ચંદ્ર અને તારાઓ છે. પ્રેમ જે આદત છે, અને એવી સુગંધી બીમારી છે, બીજા કોઈ શબ્દો નહીં, ફક્ત પ્રેમના, બીજો કોઈ વિચાર નહીં પરંતુ ફક્ત પ્રેમ. – વોલ્ટ વ્હીટમેન (લીવ્સ ઓફ ગ્રાસ) પુરૂષ અને સ્ત્રિ પ્રેમના કાર્યમાં એક બીજામાં પૂરેપૂરા મળી જાય, કે પછી લગ્ન કરીને […]


સંબંધોની પેલે પાર – ડીમ્પલ આશાપુરી 7

એકમેકને ઓગાળી દઈએ આરપાર, બદલાતી પરિભાષાઓ અહીં પ્રેમની પામી લઈએ. શું મીરાનો, શું રાધાનો, કાન સૌનો વહેંચી લઈએ, ચાલ સંબંધોની પેલે પાર જીવી લઈએ ના હો ખોવાનો ડર, ના પામવાનું ગુમાન અમથું અમથું રડવાનું વીસરી જઈએ. ચાલ…. આમ જુઓ તો બધું મારું આમ જુઓ તો બધું નકામું દોસ્ત! તૃષ્ણા કેરો ભ્રમ ભાંગી લઈએ. ચાલ ….. આઘાત પ્રત્યાઘાત ના ઘોંઘાટથી દૂર સૃષ્ટિનાં અમરત્વના સોપાન સરી લઈએ. ચાલ ….. પછીતો ના ફરીયાદો, ના વિનંતિ, આજ એકમેકનાં શણગાર બની જઈએ. ચાલ …… વિરામ ના ખપે હવે, આ જીંદગીને દોસ્ત, વિશ્વાસના પ્રવાસને ખેડી લઈએ, તૃષ્ણાની બૂંદબૂંદ સમ આ ‘પગલી’ ને ‘પિયુષ’નાં સાગરમાં સમાવી લઈએ,…. ચાલ સંબંધોની પેલે પાર જીવી લઈએ **************** મારી અંદર વરસે છે તું મારી અંદર વરસે છે ધોધમાર તું પ્રણયનાં એ પહેલા વરસાદસમ તું આજ રાધાનો કા’ન મને ફિક્કો લાગે વાલમ એવા કા’ન ની ઈચ્છાનું કારણ થઈ તું, મારી અંદર વરસે છે ક્યાંક ધોધમાર તું. જો ! આ ઝાકળભીનો સ્પર્શ એક તારો ભીંજવે મારા યુગો અનેક એવા મનની તૃષ્ણાઓનો પિયુષ તું મારી અંદર વરસે છે ક્યાંક ધોધમાર તું. – શ્રીમતી ડીમ્પલબેન આશાપુરી ( શ્રીમતી ડીમ્પલબેન આશાપુરી તરફથી સ્નેહ અઠવાડીયામાં પ્રગટ કરવા માટે મળેલી આ બે રચનાઓ ખૂબ ઉર્મિસભર છે અને પ્રેમમાં મગ્ન એવા એક હ્રદયની લાગણીઓ ખૂબ સરસ શબ્દોમાં કહી જાય છે. આ રચનાઓ અધ્યારૂ નું જગતને પ્રકાશિત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ આભાર. )


એક પતિનો પ્રથમ પ્રેમપત્ર – મૈત્રેયી દેવી (અનુ. નગીનદાસ પારેખ) 4

કુમારીશ્રી, આપ જીવનસાથીની પસંદગી કરવાનાં છો એવું જાણવામાં આવતા એ ખાલી જગ્યા માટે હું મારી જાતને એક ઉમેદવાર તરીકે રજૂ કરવાની રજા લઉં છું. મારી લાયકાતની બાબતમાં જણાવવાનું કે હું નથી પરણેલો કે નથી વિધુર. ખરું જોતા હું અસલી માલ છું. – સાચો કુંવારો માણસ છું, એટલું જ નહીં, હું પાક્કો એકલો માણસ છું કારણ હું લાંબા સમયથી કુંવારો છું. ન્યાયની ખાતર મારે મારી ગેરલાયકાતો પણ જણાવવી જોઈએ. હું નિખાલસ ભાવે કબૂલ કરું છું કે આ કામમાં હું તદ્દન નવો છું. અને આ લાઈનમાં પહેલાનાં કશા અનુભવનો દાવો કરી શકું તેમ નથી., કારણ પહેલા કોઈ સાથે આવી ભાગીદારીમાં જોડાવાનો મને કદી પ્રસંગ મળ્યો નથી. મારો અનુભવનો આ અભાવ મને ડર રહે છે કે, નડતરરૂપ અને ગેરલાયકાત ગણાવાનો સંભવ છે. તેમ છતાં હું એટલું જણાવવાની રજા લઉં છું કે ‘અનુભવનો અભાવ’ એ જીવનમાં બીજા કોઈ ક્ષેત્રોમાં ગેરલાયકાત હોવા છતાં જીવનનું આ એક જ એવું ક્ષેત્ર છે જેમાં એ બધી રીતે ઈચ્છવાયોગ્ય ગણાય, એથી પણ મોટી નડતર કદાચ એ હકીકત ગણાય એવો સંભવ છે કે હું લાંબા સમયથી કુંવારો માણસ છું અને કુંવારાપણાની મારી ટેવો દ્રઢ થઈ ગઈ છે. રખેને નવી પરિસ્થિતિને અનુકૂળ થવાની મારી શક્તિ વિશે શંકા સેવવામાં આવે એટલા ખાતર હું એ હકીકત તરફ આપનું ધ્યાન દોરવાની રજા લઉં છું કે મારો કેસ સર પી સી રાયના જેટલો છેક આશા છોડી દેવા જેવો નથી. વધુ માહિતી માટે હું આપને આપના માતાને મળવાની વિનંતી કરું છું જેઓ જેમણે કોઇ વિરલ મમીને તપાસતા કોઇ વિખ્યાત મિસરવિદને પણ જેબ આપે એટલી જિજ્ઞાસા અને રસપૂર્વક મારો અભ્યાસ કર્યો હતો. અંતમાં હું આપને ખાતરી આપું […]


મૃત્યુ, થોભી જા બે ઘડી – પ્રવીણભાઈ ઠક્કર 5

મૃત્‍યુને જીવનમાં ફેરવી દઉં   જીંદગીએ કરી નરી બેવફાઇ,   હે મૃત્યુ સાચી સમજ તું તો દેજે,   નફરત ને ધિક્કારને   પ્રેમમાં પલટાવવાની રીત તો દેજે.   કંઇક શબ્‍દોના વ્‍યર્થ પૃથ્થકરણે   જીવનના સંબંધો બગાડ્યા,   હે મૃત્‍યુ, તું તો સુધારી દે,   આપી અભય વરદાન એ શાશ્વત સ્‍નેહનું   પરીક્ષાની આગલી રાત્રિએ જ   ગણિતના અઘરા કોયડા ઉકલ્‍યા,   તેમ મૃત્યુએ તેના છેલ્લા પ્રકરણમાં   સ્‍નેહના પગરણ માંડ્યા   જીંદગી ફરી મળે તો,   પ્‍યાર વહાવી દઉં અફાટ અવકાશમાં   ધિક્કારના અવકાશને સ્‍નેહથી ભરી દઉં,   આપ ઘડી બે ઘડી, હે મૃત્‍યુ,     હે મૃત્‍યુ થોડું તો થોભી જા,   તું તો ના કર બેવફાઇ,   તું ક્યાં જીંદગી છે?   હે મૃત્‍યુ, તને વ્‍હાલ કરી લઉં   નફરતને પ્‍યારમાં ફેરવી દઉં,   મૃત્‍યુને જીવનમાં ફેરવી દઉં.   *********************   ઈશ્વર પ્રવેશે છે,   સ્નેહના આ સાગરમાં   અમારા દીપ પ્રગટી ઉઠ્યા.   શ્રધ્ધાના અમારા દીવડાઓમાંથી   નીકળતા કિરણોમાં જોયું તો   અહમના વજનથી મુક્ત એવા અમે   આયાસ વિના જ તરી રહ્યા હતા   એક આનંદ સાગરમાં   આનંદ સાગરના આ નવા અનુભવથી   રોમાંચિત થયું રોમે રોમ   અને હ્રદયતલમાંથી ઉભરી રહેલા આનંદ સાથે   વૃક્ષો રસ્તાઓ અને ગગન સાગર અને સર્વે   મંદ મંદ મુસ્કુરાતા લાગ્યા   એ સઘળામાંથી પ્રાપ્ત શાંતિના વિશ્વમાં   અભિન્ન લાગ્યા   દીપક કિરણો શ્રધ્ધા સ્નેહ સાગર અને સઘળા કદાચ એ જ દ્વાર છે   જ્યાંથી ઈશ્વર પ્રવેશે છે    – પી. યુ. ઠક્કર   ( પ્રવીણભાઈ ઠક્કરનો જ્યારે પ્રથમ વખત આ અઠવાડીયા માં લેખ આપવા માટે સંપર્ક કર્યો ત્યારે તેમણે એ શંકા […]


મારી દીવાનગી અને હું ઝરુખો! – વિજયભાઈ રાજ્યગુરુ 3

મારી દીવાનગી મારી દીવાનગીની ચર્ચા બધે થવાની, કારણ તરીકે તું પણ મશહૂર થઈ જવાની. સ્મરણો ને સાંજ સાથે હું સૂર્ય જેમ સળગું, પ્રાચી બની પ્રશંશા તો તું જ પામવાની. તારી હરેક પળમાં મારી જુએ નિશાની, તો વાત યાદ કરજે સુગંધ ને હવાની. સાગર બની હું ખળભળું ને બર્ફ જેમ પીગળું, ત્યારે જ તું સરિતા સુજલામ લાગવાની. મારી કથા વચાળે વિરામચિન્હ માફક, પ્રત્યેક વાક્યમાં તું બસ તું જ આવવાની. હું ઝરુખો ! રાતરાણી સુગંધ લાવે છે એમ તું આસપાસ આવે છે. હું ઉઝરડાતો જાઉં છું ને તું, ચાંદનીનો મલમ લગાવે છે. નામ મારું હવે છે ખાલીપો, ઝાંઝરી તું જ રણઝણાવે છે. ઝાંઝવાએ મને ઘણો ઘેર્યો, તું તમસની નદી વહાવે છે. શ્વાસને સાંધવા પડે કાયમ, અવનવાં સ્વપ્ન તું સજાવે છે. હું ઝરૂખો હવડ હવેલીનો કાંગરે તું કળશ મૂકાવે છે. સાવ જર્જર કિતાબ જેવો છું, લાભ ને શુભ તું લખાવે છે.  – વિજયભાઈ રાજ્યગુરુ ( વિજયભાઈ રવિશંકર રાજ્યગુરુ સિહોરની મુની હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે, પરંતુ તેથી સવિશેષ તો તેઓ એક કવિ, લેખક અને સારા રચનાકાર તરીકેનો કાર્યભાર ખૂબ ખંતથી અને નિષ્ઠાથી નિભાવી રહ્યા છે. તેમના પ્રકાશિત સંગ્રહો “ચાલ પલળીએ!” (૨૦૦૦), “તું બરફની મીણબત્તી” (૨૦૦૩) અને “રૂપેરી વાળ” (૨૦૦૫) તેમની સક્ષમતાઓનો પરિચય સુપેરે આપી જાય છે અને ત્રણેય પ્રકાશનો ખૂબ સુંદર રચનાઓનો ભંડાર છે. આજે મૂકેલી ગઝલો તેમના સંગ્રહ “અવઢવ” (૨૦૦૫ માં પ્રકાશિત) માંથી લેવામાં આવી છે. આ ગઝલો અધ્યારૂ નું જગતને સ્નેહ અઠવાડીયા માટે પ્રસિધ્ધ કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્ત કરવા માટે નું તેમનું સરનામુ છે રવિ મંગલ પ્રકાશન, ૪૦, ગૌતમેશ્વર નગર, રાજકોટ રોડ, પુલ પાસે, સિહોર, […]


દીકરીઓનો દબદબો – જીગ્નેશ અધ્યારૂ અને વિકાસ બેલાણી 11

  સૂરજ ઉગે તે પહેલા, ઉગતા તારા ટહુકા ઓ દીકરી. હોઉં ગમે તેટલો દૂર, પૂગતા તારા ટહુકા ઓ દીકરી. – જીગ્નેશ અધ્યારૂ દીકરી વિષે શું ને કેટલું લખવું? મારા અને મારી પત્નીના, અરે મારા આખાંય કુટુંબના પ્રેમનું, સ્નેહનું કેન્દ્ર એટલે મારી “દીકરી”. જે સૂવે તો અમારી દુનિયા પૂરી થાય અને ઉઠે તો શરૂ થાય એવી મારી દીકરી વિશે લખવું એટલે મારો પ્રિય વિષય. સ્નેહ અઠવાડીયા માટે તેનાથી, દીકરીઓથી સારી શરૂઆત બીજી કઈ હોઈ શકે? તેના વિશે લખેલી એક નાનકડી ગઝલ અહીં મૂકી રહ્યો છું. હોશ અને હાશ મારા, હૈયું ને શ્વાસ તું, દીકરી તું તો મારું ભાવી ઉજ્જાવલ ઉગતા ન સૂરજ ને ઉગતા ન તારલા દીકરી નહીં તો સૂની દુનિયા હરપલ તારા સથવારે મેં શમણાં જોયા ઘણાં શમણાં મા જોયું તારું ભાવિ નિશ્ચલ હસરતોની યાદીમાં, પહેલે થી છેલ્લે તું તારાથી ગૂંજે આ જીવન કલકલ, દીકરી છે શ્વાસ અને દીકરી છે આશ મારી દીકરીના શ્વાસે જીવું જીવન હરપલ, દીકરી છે મત્લા ને દીકરી છે મક્તા દીકરી છે કાફીયા ને જીવન ગઝલ  – જીગ્નેશ અધ્યારૂ **************************************************************************** હીર મારી આંખોનો ઉજાસ, મારા હ્રદયનો ધબકાર હીર હીર મારી નસોમાં વહેતું લોહી, મારા સ્નેહનો સાગર હીર, હીર મારો શ્વાસોચ્છવાસ, મારી ચેતનાનું બળ હીર, હીર મારો પડછાયો, મારી ઉર્મીનું ગીત હીર, હીર મારી ખુશીઓનું નંદનવન, મારા મોહની માયા હીર, હીર મારા શબ્દોની સાંકળ, મારા સર્જનનો સાર હીર હીર મારું પ્રિય સ્વજન, મારા નિત્યસ્મરણ ઇશ હીર, હીર મારા સ્નેહવૃક્ષનું ફળ, મારી લાગણીનો છોડ હીર. ( હીર તેમની પુત્રીનું નામ છે. ) આ રચના મેં મારી ઈચ્છાથી લખી નથી, એક દિવસ અમારી સાઈટ પર મારી વહાલી દીકરી “હીર” મને […]


સ્નેહ અઠવાડીયું – શરૂઆત વસંતની 5

ગઈકાલે વિકાસભાઈ બેલાણીની કૃતિ સાથે હાસ્ય અઠવાડીયાનું સમાપન થયું છે. આ પ્રયત્નમાં મદદ કરવા બદલ તમામ મિત્રો, વાચકો અને ખાસ તો આ માટે સમય ફાળવી પોતાના લેખ સમય બંધનમાં રહીને અધ્યારૂ નું જગત સુધી પહોંચાડવા બદલ લેખક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. મેં પ્રસ્તાવનામાં કહ્યું હતું તેમ “પસંદગી એ મતભેદની માતા છે” એ ન્યાયે આમાંના કેટલાક લેખો કદાચ કોઈકને ન ગમે પણ આ અઠવાડીયામાં મૂકેલી રચના માત્રથી જે તે હાસ્યકારની યોગ્યતા નક્કી કરવાની નથી તે સમજી શકાય તેવી વાત છે. તક મળ્યે નવોદિત લેખકો પણ પોતાના જ્ઞાનનું પ્રદર્શન સુપેરે કરી શકે છે તે વાત અહીંથી સિધ્ધ થઈ શકે. આ સાથે આવતીકાલે સ્નેહ અઠવાડીયું શરૂ કરી રહ્યો છું. સ્નેહ પ્રેમ એ કોઈ સંબંધના બંધનમાં બંધાયેલા હોતા નથી, અને પ્રેમ એટલે ફક્ત પતિ પત્નીના કે પ્રેમી-પ્રેમીકાના એક જ સંબંધની વાત નથી, તે હોઈ શકે પિતાનો પુત્રી પ્રત્યે, ભક્તનો ભગવાન પ્રત્યે કે માનવનો માનવ પ્રત્યે. પ્રેમને કોઈ સંબંધના ચોકઠામાં પૂરી શકાય નહીં, અને કદાચ એટલે જ આ સ્નેહ અઠવાડીયાની શરૂઆત વિકાસભાઈ બેલાણીના તેમની પુત્રીને લક્ષ્યમાં રાખીને લખાયેલા કાવ્ય થી થઈ રહી છે. વસંત એ પ્રેમીઓનો ઉત્સવ છે, કબૂલ, પરંતુ એ પ્રેમ ફક્ત એક જ પરિમાણમાં ન હોઈ શકે, અને પ્રેમની અભિવ્યક્તિમાં આળસ કે શરમાળપણું ન હોવું જોઈએ, એ તો અભિવ્યક્ત થવો જ જોઈએ. એટલે જ આ અઠવાડીયાનું સંબોધન “સ્નેહ અઠવાડીયું” કર્યું છે. મંદમંદ આ મહેક ઉઠી છે, ચાલો રસભર થઈએ, એકમેકના મનમાં એવો સુંદર અવસર થઈએ ક્યાંક ગાઢ પ્રેમની શરમાળ અભિવ્યક્તિ એટલે વસંત તો ક્યાંક વર્ષો પહેલાના, હવે જે સ્મૃતિના ભંડકીયામાં ક્યાંક ખૂણે ખાંચરે ધૂળ ખાતા પડ્યા છે, તેવા તાજા ઝખ્મો જેવા તીખા, પ્રેમના સ્મરણોની અભિવ્યક્તિ એટલે વસંત, […]


માં = મારી પહેલી મિત્ર – ભગવતીકુમાર શર્મા 10

મા મારી પહેલી મિત્ર અને શ્રેષ્ઠ મિત્ર અને છેલ્લી પણ બીજી મિત્રતાઓમાં કદીક સ્વાર્થનું, નહીં તો અપેક્ષાનું વાળ જેવું બારીક પણ એકાદ કણ તો આવી જાય, પછી લસરકો, ઉઝરડો, તિરાડ ઉદારતાથી ક્ષમા કરીએ કે કોઈ આપણને ક્ષમા કરી દે તે વાત જુદી પણ થીંગડુ અને ભીંગડુ બંને ઉખડે, સ્ત્રી પુરૂષની મૈત્રી ઘણું ખરું પ્રેમમાં પરિણમે અને પ્રેમીજનો પતિ – પત્નિ બને, ન પણ બને, પતિ – પત્નિનો મિત્ર કે મિત્ર જેવા બનવું, આદર્શ તો પણ અતિ દોહ્યલું, ચડસા ચડસી, હું પદ, આળાપણું, ચામડીની જેમ ચીટક્યા તે ચીટક્યા, નખ જરાક અડી જાય, કે લોહી નીકળ્યું જ સમજવું હીંડોળાની ઠેસમાં, પાનનાં બીડામાં, ખબે મૂકાતા હાથમાં, બાળકો પ્રત્યેની મીટ માં, નેજવાની છાજલીમાં, પતિ – પત્નિ પણું ઓગળે તો ઓગળે નહીંતર પરસેવાની ગંધ નોખી તે નોખી મા ને તો આકાશ જેટલુ ચાહી શકાય, દેવમૂર્તિ જેમ પૂજી શકાય પણ એ એવું કશું માગે – ઈચ્છે – વિચારેય નહીં ! એટલે જ દોસ્તની જેમ એને ખભે કે ખોળામાં માથું મૂકી શકાય, ઝઘડીયે શકાય આપણાં હોઠો પરની દૂધિયા ગંધ, એની છાતીમાં અકબંધ, એના ખોળામાંની આપણા પેશાબની દુર્ગંધ એ સાથે લઈને જ જાય, ભગવાનની પાસે અને સ્વયં ભગવાન સુગંધ સુગંધ, (ભગવાનની યે માં તો હશે જ ને?)  – ભગવતીકુમાર શર્મા


પ્રભુ ! તું અને દરીયો & સુખનો ફોટો – જીગ્નેશ અધ્યારૂ 4

( મિત્રો, આજે મારી બે ગઝલ અત્રે મૂકી રહ્યો છું. સામાન્ય રીતે મારી ગઝલો સાંભળીને મિત્રો કહે છે કે નકારાત્મક વિચાર ગઝલોમાંય ઝળકે છે. પરંતુ મારા હિસાબે હકારાત્મક વિચારો ત્યાંથી જ ઉદભવી શકે. પ્રથમ ગઝલ પ્રભુ અને દરીયા વચ્ચેનું સંયોજન દર્શાવવાનો પ્રયત્ન છે. ચાર વર્ષથી દરીયા કિનારે રોજ સવારે ઉભો રહી અફાટ સાગરને જોઈ, હવે ગઝલોમાં દરીયો આવી જ જાય તેમાં શું નવાઈ? અહીં મેં પ્રભુની વૈશ્વિકતા અને “મારો ઈશ્વર / અલ્લાહ / પ્રભુ” એવાં વાડાઓમાં રહેતા આપણે એ બે વચ્ચે થોડોક ભેદ કરવાનો પ્રયત્ન કર્યો છે. તો બીજી ગઝલમાં અનાયાસ જ આંસુ અને દુઃખોની વાત થઈ ગઈ છે. પરંતુ તેમાંય હિંમત ન હારવાની ક્ષમતા દેખાડવાનો પ્રયત્ન છે. (જો કે એક મિત્રએ એમ પણ કહ્યું કે શિકાર થયેલા હરણનાં છેલ્લા ચિત્કાર જેવી આ ગઝલ છે.) આપના દરેક પ્રકારના પ્રતિભાવોનું સ્વાગત છે. ) 1. પ્રભુ ! તું અને દરીયો તું જુએ જો મારી આંખોમાં તો, તારી આંખોમાં મને દેખાય દરીયો. ને જેવો ફેરવું હું નજરુંય તુજથી, બની ઝાંઝવા વહી જાય દરીયો઼. પ્રભુ ! તારી ગલીમાં હું ચોમેર ભટક્યો, તોયે મને ક્યાંયે ન દેખાય દરીયો. ને જોયું જો ભીતર જરી અમથું નમીને, બની લાગણી મુજથી ઉભરાય દરીયો. ઠેરવું જો મારો તો એમેય થાય મને, કિનારે ક્યાં કદી રોકાય દરીયો. પણ મારા માંથી જેવો અમારો કરું તો, કિનારા છોડી કદી ક્યાં જાય દરીયો. એક અડગ આશ ને પૂરો વિશ્વાસ પછી, અર્જુનના બાણે ભલે વીંધાય દરીયો. ખારો તો ખારો ભલે પીધો પીવાય નહીં, બની નદી ઠેર ઠેર પૂજાય દરીયો.   2. સુખનો ફોટો આંસુઓના ઉભરાતા દરીયાને ભોંઠો પાડવો છે, દુઃખ ઉભું રહે, મારે સુખનો ફોટો પાડવો છે. […]


પાગલ હંસ – દુલા ભાયા કાગ 14

તળાવ સુકાઈ જાય છે. બધાં પક્ષી ચાલ્યાં જાય છે. ફક્ત એક જ હંસ બાકી રહે છે. અને કાંકરી વીણીવીણીને ખાય છે. બીજો હંસ આવે છે, તે કહે છે  કેઃ  “તું ગાંડો થઈ ગયો લાગે છે ! બીજે પાણીવાળે તળાવે ચાલ, જ્યાં લાખો હંસો મોતી ચરે છે.” ત્યારે પહેલો હંસ ઉત્તર આપે છેઃ “જે તળાવે ખૂબ મોતી ખવરાવ્યાં તેને મૂકીને મારાથી ત્યાં અવાય નહિ. જરા જોતો ખરો, મારા માટે આ સરોવરનું  હ્યદય પણ ફાટી ગયું છે.” (પાણી સુકાય ત્યારે કાદવ ફાટી જાય છે.) ( ભૈરવી –  ગઝલ  ) ક્યા હંસ તૂ પાગલ ભયા, ચુનચુન કે કંકરી ખાત હૈ?  યહ સરોવર તો સૂખ ગયા, અબ ક્યોં ન તૂ ઊડ જાત હૈ? ભૂખા રહા પિંજર ભયા, અબ ક્યોં ન માનતા હૈ કહા? સંગી તિહારે ચલ ગયે, કિસ સ્વાદસે ઈસ ઠાં રહા અબ.              ૧ ચલ તૂ હમારે સંગમેં, લાખોં મરાલ સુ જહ વસે; દિલદાર્ સરકા યાર વહ, હંસા તભી મનમેં હસે . અબ.              ૨ “તૂમ ક્યા પિછાનો પ્યાર કો, હમ ના કભી ઇસકો હને; મેરે લિયે યહ ફટ ગયા, વહ છોડના કૈસે બને? અબ.                 ૩ મોતી વ ખાને કો દિયો, પાની જિસી કા મૈં પિયા; જબ ‘કાગ’ ઉસકો છોડ દૂંગા, ના મેરા જિયા. અબ                    ૪ – દુલા ભાયા કાગ


હું અને ઢળતો સૂરજ – જીગ્નેશ અધ્યારૂ 5

શું તું મને ચાહે છે? મેં તેને પૂછ્યું .. લાગણીમાં ભીંજાયેલા શબ્દોથી, અને એવા જ ઘેલા પ્રત્યુત્તરની હાર્દીક અપેક્ષા સાથે, પણ અચાનક “ના” સાવ કોરોધાકોર શુષ્ક ઉત્તર, એક રસ્તો ને બે ફાંટા, અને પછી વર્ષોનું લાંબુ મૌન. પણ પણ આજે આટલા વર્ષે જીવન સંધ્યાના અંતિમ પડાવો પર તું અને તું જ યાદ આવે છે. એક ટીસ ઉઠે છે, કે જો તું હોત તો મારા કોમ્પ્યુટરના વોલપેપરની જેમ તારા હાથમાં હાથ લઈને દરીયા કિનારે ડૂબતા સૂરજની સાક્ષીએ સંતોષનાં ઓડકાર લઈને જીવી શક્યો હોત પણ…. હું એકલો છું બસ એકલો અધૂરો તારા વગર ખૂબ અધૂરો સાવ નિરાધાર હજીય રાહમાં… અને સૂરજ જઈ રહ્યો છે… અસ્તાચળ તરફ શું ચંદ્ર ઉગ્યા વગર જ રાત થઈ જશે?  – જીગ્નેશ અધ્યારૂ


પહેલી ઉત્તરાયણ – જીગ્નેશ અધ્યારૂ 12

ઘણાંય વર્ષો પહેલા એક ઉત્તરાયણે મિત્રોના ટોળાં વચ્ચે બધાને અવગણીને વડીલો અને સંબંધીઓને છોડીને ફક્ત પ્રેમને ખાતર મારી ફીરકી પકડીને તું ઉભી હતી, એ તારી પહેલી હિંમત આપણો પ્રેમ પતંગ ખૂબ ચગ્યો બે હાથ અને એક દોરી બે પંખી અને એક આકાશ બે હૈયા અને એક શ્વાસ એ યાદ છે? હું જીવનભર તારી દોરી સાચવીશ એ તારૂં કહેલું વાક્ય મને હજીય યાદ છે અને મારા જીવનની દોરીને તેં કદી ગૂંચવાવા નથી દીધી કપાવા નથી દીધી ” WELL MANAGE ” કરી છે તે બદલ મારા જીવનસાથી, આ ઉત્તરાયણે “થેન્ક્યુ” કહી દઊં તો તને ખોટું તો નહીં લાગે ને?  – જીગ્નેશ અધ્યારૂ


જિંદગીની દડમજલ – વેણીભાઈ પુરોહિત 5

જિંદગીની દડમજલ થોડી અધૂરી રાખવી, ચાલવું, સાબિત કદમ, થોડી સબૂરી રાખવી. જીવવું છે, ઝૂરવું છે, ઝૂઝવું છે જાને મન! થોડી અદાઓ ફાંકડી, થોડી ફિતૂરી રાખવી. જોઈ લેવું આપણે જોનારને પણ છૂટ છે, આંખને આકાશના જેવી જ ભૂરી રાખવી. ભાનભૂલી વેદનાઓને વલૂરી નાંખવી જ્વાલાઓ ભલે ભડકી જતી, દિલમાં ઢબૂરી રાખવી. જામમાં રેડાય તેને પી જવાનું હોય છે, ઘૂંટડે ને ઘૂંટડે તાસીર તૂરી રાખવી. કેફીઓના કાફલા વચ્ચે જ જીવી જાણવું, થોડુંક રહેવું ઘેનમાં થોડીક ઘૂરી રાખવી. ઝંખનાઓ જાગતી બેઠી રહે છે રાતદિન, જાગરણની એ સજાને ખુદને પૂરી રાખવી, એમના દરબારમાં તો છે શિરસ્તો ઔર કંઈ, ફૂંક સુરીલી અને બંસી બેસૂરી રાખવી. બાજ થઈને ઘૂમવું અંદાજની ઉંચાઈ પર, ઈશ્ક ખાતર બુલબુલોની બેકસૂરી રાખવી. – વેણીભાઈ પુરોહિત઼ (આચમન પુસ્તક)


રોને ન દીયા – સુદર્શન ‘ફાખિર’

ઈશ્કમેં ગૈરતે જઝ્બાતનેં રોક લીયા, વરના ક્યા બાતથી જીસને રોને ન દીયા. આપ કહતેથે રોને સે ન બદલેંગે નસીબ ઉમ્ર ભર આપકી ઈસ બાતનેં રોને ન દીયા રોને વાલોંસે કહો ઉનકા ભી રોના રો લેં જીનકી મજબૂરી-એ-હાલાતને રોનેં ન દીયા તુજસે મિલકર હમેં રોના થા, બહુત રોના થા, તંગી એ વક્ત એ મુલાકાતને રોને ન દીયા એક દો રોજકા રોના હો તો રો લેં ‘ફાખિર’ હમકો હર રોજ કે સદમાતને રોનેં ન દીયા.  – સુદર્શન ‘ફાખિર’


ટહુકો – મનોજ ખંડેરિયા 5

છલકતું તળાવ એમ છલકાય ટહુકો પળેપળને ભીની કરી જાય ટહુકો. મહકતો રહે ફૂલ-ગજરની માફક હવામાં શી તાજપ ભરી જાય ટહુકો. તુટી પડશે તરડાઇને નીલિમા કંઇ જરા પણ જો નભ સાથે અફળાય ટહુકો. તમે મૌન દોરા સમું જો કરીને પરોવી શકો તો પરોવાય ટહુકો. ફૂટી નીકળે પાંખનું પીછું થઇને વિહગના ગળામાં જો રહી જાય ટહુકો. બરડ શુષ્ક શબ્દોના અવકાશમાં નિત લીલોછમ મૃદુ તારો સંભળાય ટહુકો. કોઇ મોરપીંછાંને મૂંગું કરી દો હવે મુજથી એકે ન સચવાય ટહુકો.  -મનોજ ખંડેરિયા


દીકરી – ભૂપેન્દ્ર ત્રિવેદી 21

દીકરી મારી સ્નેહ તણી સરિતા, કલ-કલ વહેતા ઝરણા સમી કવિતા. એકવીસ વરસ વહાલમાં ન્હાતા રહ્યા, સુગંધભર્યા વસંતના વાયરા વાતા રહ્યા. થઇ વિદાય ભીના થયા નયન, જાણે પાનખરે ઉજ્જ્ડ થયા વન. અંતરના અમી સીંચી, પુરા કર્યા સધળા કોડ, છતે પાણીએ કરમાઇ ગયો તુલસીનો છોડ્. ન કહેવાય દીકરી છે પારકી થાપણ્, એ તો અમીભર્યા પ્રેમની છે થાપણ. પડધા પડતા રહ્યા ઓરડે, થકી એના કલશોર, સુની થઇ ભીંતને મુંગા થયા ગમાણે ઢોર. મા ની મમતા ‘ને બાપના વાત્સલ્યનું ઝરણું, દીકરી માંથી વહુ બની સુકાઇ ગયું તે ઝરણું – ભૂપેન્દ્ર ત્રિવેદી


ફરી આવીશ – સિલાસ પટેલિયા

પરોઢના ઝાકળ બાઝ્યાં ઘાસ પરથી ચાલતાં ચાલતાં ઝાકળ ઝીલી લે છે તારાં આંસુઓ ઝાકળ તો ઉડી જશે કળ નહીં વળે તારા આંસુઓને લીલીઘટાનાં ઝુમ્મરોમાં સૂર્યકિરણો સળીઓ ગોઠવે છે એ સોનેરી માળામાં ફરફર ઉડતાં આવે પંખીઓ જેને રાતભર તેં તારા સ્વપ્નની કથા કહી છે. એ માળામાં ઝળહળતી તારી સ્વપ્નકથા જોવા ને એ ઘાસમાં ફરી તારી સાથે ચાલવા આવીશ.  – સિલાસ પટેલિયા ( નવનીત સમર્પણ જૂન ૨૦૦૩માં થી સાભાર…)