Monthly Archives: August 2011


અક્ષરનાદ પર ૧૦૦૦ કૃતિઓનો પડાવ – એક આંતરદર્શન 24

આપ સૌના સહકાર, આશિર્વાદ અને શુભેચ્છાઓને લીધે આજના આ લેખથી અક્ષરનાદ.કોમ વેબસાઈટ ૧૦૦૦ કૃતિઓ પ્રસ્તુત કર્યાના પડાવ પર પહોંચી છે. એક ખૂબ વિશાળ વાચકવર્ગ સાથે, સતત પ્રોત્સાહન આપનાર, પડખે રહેનાર મિત્રો સાથે, વડીલો, વિદ્વાન સાહિત્યકારો અને શુભેચ્છકો સાથે – તેમની મદદે થઈ રહેલા વિકાસની ઝાંખી આપવાની ઈચ્છા અને મનમાં લાંબા સમયથી રહેલી વાત કરવાનો અને વધુ તો આંતરખોજ કરવાનો અવસર પણ આવા સમયે ઝડપી લેવાય તો સરસ મજાનો સંવાદ થઈ શકે એ જ હેતુથી આજની આ વાત મૂકી છે.


લક્ષ્મીનું વેપારી-ચક્ર કે વિપરીત ચક્કર? – મુર્તઝા પટેલ 13

જો પોતાની માતૃભાષામાં લખવાની ઈચ્છા હોય તો વિશ્વના કોઈ પણ ખૂણેથી હવે નેટજગતમાં હાજરી પૂરાવી શકાય છે, અમેરીકા, બ્રિટન, ઓસ્ટ્રેલીયા, દુબઈ જેવી જગ્યાઓથી તો અનેક ગુજરાતી બ્લોગર મિત્રો છે જ, ઈજીપ્તના પાટનગર કેરોથી શ્રી મુર્તઝાભાઈ પટેલ તેમનો “નેટવેપાર” નામનો સરસ બ્લોગ ચલાવી રહ્યા છે. સાહિત્ય સિવાયના વિષય પીરસતો બ્લોગ પણ ધમધોકાર ચાલી શકે છે તેમના બ્લોગથી એ વાત સાબિત કરી રહ્યા છે. શુદ્ધ સાહિત્ય પીરસવાનો તેમનો પ્રયત્ન નથી, પરંતુ ફક્ત માતૃભાષાના આશ્રયે વેપારી ગણાતા ગુજરાતીઓને પોતીકી ભાષામાં વેપાર અને મેનેજમેન્ટ વિષયે તેઓ ઘણું કહી રહ્યા છે. આજની આ કૃતિ અક્ષરનાદને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


માઇકલ – રસિક ઝવેરી 28

રસિક ઝવેરી આપણી ભાષાના એક આગવા પ્રવાસલેખક, ઝવેરાતનો વ્યવસાય કરતા કરતાં તેમણે ‘ગ્રંથાગાર પ્રવર્તક પુસ્તકાલય’ શરૂ કર્યું, ‘ગ્રંથાગાર’ માસિકનું પ્રકાશન કરતાં અને ‘અખંડ આનંદ’ તથા ‘સમર્પણ’ જેવા સામયિકોના તંત્રી. તેમના પુસ્તક ‘અલગારી રખડપટ્ટી’ માંથી આ વિશેષ પાત્રાલેખન – નિબંધ લેવામાં આવ્યો છે. લેખક લંડનના પ્રવાસે જાય છે, અને અચાનક જ એક મોહક ત્રિપુટી સાથે તેમની મુલાકાત થઈ જાય છે, ટૉમ, મેરિયાના અને નાનકડો માઇકલ. નાનકડા માઇકલનું હ્રદયસ્પર્શી પાત્રાલેખન પ્રસ્તુત નિબંધની આગવી વિશેષતા છે. અજાણ્યે બંધાઈ જતા અને અવિસ્મરણીય એવા માઇકલ સાથેના ઋણાનુબંધની વાત લેખકે હ્રદયસ્પર્શી રીતે અહીં આલેખી છે. જેટલી ચોટદાર નિબંધની પ્રસ્તુતિ છે એથીય વધુ કરુણ અંત ભાવકોની આંખને ભીની કરી દે છે.


ત્રણ ઇન્દ્રધનુષી પદ્યરચનાઓ – મનોજ શુક્લ 4

રાજકોટ જીલ્લામાં ન્યાયાધીશશ્રીના અંગત મદદનીશ તથા અંગ્રેજી લઘુલિપિજ્ઞ શ્રી મનોજભાઈ શુક્લની ભાવઉર્મિઓ તેમના વ્યવસાય ક્ષેત્રથી અલગ સાહિત્યગંગામાં તેમના પદ્યસંગ્રહ ‘લઈ ખિસ્સામાં તડકો’ દ્વારા ગીત, અછાંદસ અને ગઝલ જેવા વિવિધરંગી કાવ્યપ્રકારોમાં અભિવ્યક્ત થાય છે. રાજકોટની સાહિત્યિક અભિગમની સંસ્થા ‘વ્યંજના’ સાથે તેઓ જોડાયેલા રહ્યા છે. અનેક સાહિત્યિક સામયિકોમાં તેમની રચનાઓ પ્રસિદ્ધ થઈ છે. કાવ્યસંગ્રહની પ્રસ્તાવનામાં તેઓ કહે છે તેમ, ‘સાહિત્યમાં સમાયેલ સહિત કે જેનો વ્યાપ અણુ પરમાણુથી બ્રહ્માંડ અને વ્યક્તિ, વ્યક્તિથી સમષ્ટિ સુધી અનેક તત્વો, ભાવો, તેની પ્રકૃતિ અને પ્રવૃત્તિના સ્થિત્યંતરો અનેકવિધ રીતે અભિવ્યક્ત થયા કરતાં હોય તે મેં મારા હોવાપણાની ક્ષુલ્લકતા સાથે ચાલતી સતત પ્રક્રિયામાં જે મન, હ્રદયને સ્પર્શી અને વ્યક્ત થવા મથ્યું અને જે થયું તે આ, અહીં થયું.’ આજે આ સંગ્રહમાંથી જ ત્રણ વિવિધરંગી રચનાઓ પ્રસ્તુત કરી છે.


પાણીપૂરી ડોટ કોમ – ચિત્રસેન શાહ 14

શ્રી ચિત્રસેન શાહ આમ તો એન્જીનીયર છે છતાં સાહિત્યરચનામાં તેમની હથોટી અનોખી છે. તેમનો પ્રસ્તુત હળવો હાસ્ય લેખ ‘ગુજરાતી હાસ્ય – ગઈકાલ અને આજ’ માંથી સાભાર લેવામાં આવ્યો છે. આજકાલ બે સિવાયના લગભગ બધા જ બિઝનેસમાં મંદી ચાલે છે. જે બે બિઝનેસમાં તેજી છે તેમાં એક છે ‘ખાણીપીણી’ (એટલે કે પાણીપૂરી વગેરે) અને બીજો છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી (ડોટ કોમ) નો! આ લેખમાં લેખકે આ બે વસ્તુની ચટાકેદાર ભેળ (!) બનાવી છે.


પાદરનો પીપળો – ચુનીલાલ મડિયા 2

આપણી ભાષાના એક જાણીતા સાહિત્યકાર, શ્રી ચુનિલાલ મડિયાએ અનેક યાદગાર નાટકો, નવલકથાઓ, વાર્તાઓ, કાવ્યો અને વિવેચનો લખ્યાં છે. અહીં પ્રસ્તુત નિબંધમાં પાદરના પીપળાની આત્મકથા આલેખાઈ છે. પીપળો જાણે પોતાની કથા કહે છે. આપણા સમાજજીવનમાં પીપળાનું મહત્વ અહીં સુપેરે આલેખાયું છે. રૂઢિઓ, માન્યતાઓ વગેરેની વચ્ચે એક પીપળાના અસ્તિત્વની મહત્તા અહીં આલેખાઈ છે. જો કે હવેના સમયમાં, ઔદ્યોગિકરણને લીધે વૃક્ષો આડેધડ કપાઈ રહ્યાં છે ત્યારે આ માન્યતાઓ અને રૂઢિઓ ફક્ત નિબંધોમાં જ ન રહી જાય એ જોવું રહ્યું.


ભાઈ બહેન – બાલમુકુન્દ દવે 3

બાલમુકુન્દ દવે આપણી ભાષાના જાણીતા કવિ છે. વડોદરાના આ કવિએ આપણને ‘કુંતલ’ અને ‘પરિક્રમા’ જેવા સરસ કાવ્યસંગ્રહો આપ્યા છે. પાછલા પહોરે જ્યારે ઘરનાં બધાં ઊંઘી ગયા હોય ત્યારે ભાઈ બહેન ચૂપકીદીથી બહાર છટકી જઈ ખુલ્લામાં કુદરતના સૌંદર્યનો કેવી રીતે આનંદ માણે છે તે પ્રસ્તુત ગીતમાં સુપેરે વર્ણવાયું છે. કુદરતની મોકળાશ અનુભવ્યા પછી તો ઘરમાં ગૂંગળામણ લાગે તે કવિએ ભાઈ બહેનના નિર્દોષ તોફાન અને હેતના ચિત્રણની સાથે સાથે સચોટ આલેખ્યું છે.


એક સંપાદકની અનુભવકથા – ગુલાબદાસ બ્રોકર 3

આપણી ભાષાના ઉત્તમ વાર્તાકાર, નાટ્યલેખક, પ્રવાસલેખક, અનુવાદક અને વિવેચક એવા શ્રી ગુલાબદાસ બ્રોકર (૧૯૦૯) ઘણાં અગ્રણી સામયિકોમાં તંત્રી તરીકે કાર્યરત રહેલાં, જેમ કે એકાંકી (૧૯૫૧-૫૩), ગુજરાતી નાટ્ય (૧૯૬૦) અને પરબ (૧૯૬૪-૭૪). સાહિત્ય સામયિકોના સંપાદકો – તંત્રીઓની અનુભવકથા વિગતે વર્ણવતા પ્રત્યક્ષ સામયિકના વિશેષાંક ‘નેપથ્યેથી પ્રકાશવર્તુળમાં’ (૧૯૯૬) માંથી પ્રસ્તુત અનુભવગાથા લેવામાં આવી છે.


વિચારમોતીઓ, અમૃતબિંદુઓ – મહાત્મા ગાંધી 5

શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી સંપાદિત ગાંધી ગંગાના બંને ભાગ હંમેશા મારા ડેસ્ક પર રહે છે. ગાંધી વિચારોની પારદર્શી, પ્રાયોગીક અને સ્પષ્ટ સરળતા અને વિષયોની વિવિધતા મને સદાય આકર્ષે છે, અને એવા જ સરસ વિચારો અને પ્રસંગોનો સંચય શ્રી મહેન્દ્રભાઈએ આપ્યો છે. આ જ ગાંધીગંગાના કેટલાક અમૃતબિંદુઓ આજે અહીં સંકલિત કર્યા છે. ગાંધી ચીંધ્યા પથ પર ચાલનાર અન્ના હઝારેનું અનશન ચાલી રહ્યું છે ત્યારે મમળાવવા જેવા આ વિચારો આજના સમયની તાતી જરૂરીયાત છે.


સાદુ જીવન જીવવાના મહામંત્રો – લિઓ બબૌતા, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ 14

‘જીવન’ એ એક શબ્દના જ ભિન્ન ભિન્ન વ્યક્તિઓ માટે ભિન્ન ભિન્ન અર્થો અને અલગ અલગ કિંમત હોય છે. મારા માટે તેનો અર્થ છે ખૂબ જ જરૂરી હોય તે સિવાયના બંધનોને, વધારાની જરૂરતોને ફગાવી દેવી, શાંતિ માટે બધી જ ગૂંચવણોને ફગાવીને જીવવું, અને જે તમારા માટે ખરેખર અગત્યનું છે તેના માટે જ જીવવું. ઝેનહેબિટ્સના સર્જક લિઓ બબૌતાના બ્લોગ પરની યાદીને સરળ કરીને અહીં પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કર્યો છે જે જીવનને સરળ કરવાની કેટલીક રીતો બતાવે છે.


બે પદ્યરચનાઓ – સંકલિત 7

અક્ષરનાદના વાંચકમિત્રો શ્રી હર્ષદ દવે અને શ્રી ધવલભાઈ સોની દ્વારા પાઠવવામાં આવેલી આ સુંદર રચનાઓ આજે પ્રસ્તુત કરી છે. બંને રચનાઓ મૌલિક છે અને અનોખા વિચારો લઈને આવે છે. શેરબજારના વ્યવસાયી એવા શ્રી ધવલભાઈ સોની જ્યાં ઈશ્વરની ઉપસ્થિતિ વિશેની એક સરસ રચના લઈને આવે છે તો હર્ષદભાઈ દવે એ જ ઈશ્વરને પામવાના દુન્યવી પ્રયત્નોની વ્યર્થતા સમજાવવાનો પ્રયત્ન કરતા જણાય છે. આ રચનાઓ અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ બંને મિત્રોનો ખૂબ ખૂબ આભાર.


ગજેન્દ્રમોક્ષ – કરસનદાસ માણેક 5

આપણી પુરાણકથાઓ રસસંપન્ન, બોધપ્રદ અને માહિતિસભર હોય છે. આવી જ એક કથા એટલે ગજેન્દ્રમોક્ષ. શ્રી કરસનદાસ માણેકની નીવડેલી કલમે આજે માણીએ ગજેન્દ્રમોક્ષ. હૂહૂ નામે એક ગંધર્વ પોતાની કળાસિદ્ધિને કારણે મદોન્મત્ત બનીને, તપસ્વી પુરુષોનું અપમાન કરતો કરતો જગતમાં ફરી રહ્યો હતો. એવામાં એકવાર તેને ધૌમ્ય માનમા એક મહામુનિનો ભેટો થઇ ગયો. ધૌમ્ય પોતાની ફકીરીની મસ્તીમાં જ મશગૂલ હતા. પણ ગર્વથી ચકચૂર બનેલા ગંધર્વને, એ મસ્તી શી રીતે સમજાય? એણે તો એ મસ્તીને જડતા જ સમજી લીધી અને ઉપહાસ અને અપમાનથી નવાજી. ઋષિએ એને શાપ આપ્યો:’તારો દેહ ગંધર્વનો છે,’ તેમણે કહ્યું.’પણ તારો આત્મા એક હિંસક મગરમચ્છ જેવો છે; માટે જા, તું મગરમચ્છ થઇ ને પડ.’…


જ્યારે વિધાતાએ દીકરી સરજી – અજ્ઞાત, અનુ. મકરન્દ દવે 9

પ્રસ્તુત મૂળ કવિતા અંગ્રેજીની ખૂબ પ્રચલિત રચના છે અને શ્રી મકરન્દ દવે દ્વારા કરાયેલો તેનો અનુવાદ પણ એટલો જ મનોહર અને સુંદર છે. બંનેના ભાવ સામિપ્યને જોઈ શકાય તે હેતુથી અહીં મૂળ કૃતિ પણ પ્રસ્તુત કરી છે. દીકરીઓ વિશેની અનુવાદિત કૃતિઓમાં આ રચનાનું સ્થાન અદ્વિતિય છે અને અનુવાદની સૌથી સરસ વાત એ છે કે પ્રસ્તુત રચના આપણી ભાષામાં જ રચાઈ હોય એટલી જ અસરકારક અને પોતીકી લાગે છે.


આપણું પ્રતિજ્ઞાપત્ર (Audiocast) 9

ભારતીય ગણતંત્રની આ પ્રતિજ્ઞા છે, સંવિધાનમાં આ પ્રતિજ્ઞાપત્ર સમાવિષ્ટ છે. આ પ્રતિજ્ઞા સ્વામી વિવેકાનંદ દ્વારા રચાઈ હોવાનું માનવામાં આવે છે. શાળામાઁ રોજ પ્રાર્થનાને અંતે, ૧૫મી ઓગસ્ટ અને ૨૬મી જાન્યુઆરી જેવા દિવસોએ આ પ્રતિજ્ઞા વિદ્યાર્થીઓ દ્વારા લેવામાં આવે છે. શ્રી માર્કંડભાઈ દવે દ્વારા પ્રસ્તુત ઑડીયો અક્ષરનાદ સાથે વહેંચવામાં આવ્યો છે, એ બદલ તેમનો ખૂબ આભાર.


થોડા માટે તાલ ન બગડે… – રંભાબહેન ગાંધી 7

સન્માર્ગે જવાની પ્રેરણા આપનાર કે અંધકારભર્યા રસ્તે પ્રકાશના એક જ કિરણે મંઝિલ દેખાડનાર પ્રસંગો, વાક્યો કે પ્રેરણાદાયી જીવનચરિત્રો એવા તે અનોખા હોય છે કે તેમની અસર સજ્જડ છાપ મૂકી જાય છે. એક જ દુહાની ભૂમિકા કેટકેટલા લોકોને પોતપોતાની નબળાઈઓ સ્વીકારીને સાચા રસ્તે લઈ જવામાં ભાગ ભજવે છે તે ઉપરોક્ત સુંદર દ્રષ્ટાંતકથા પરથી સુંદર રીતે ફલિત થાય છે. આવા નાનકડા અને ટૂંકા પ્રસંગો પણ કેટલા મહત્વના ઉપદેશના વાહક બની શકે છે તે પ્રસ્તુત વાત પરથી સ્પષ્ટ થાય છે.


‘કૃષ્ણાયન’ પુસ્તક પરિચય – કાજલ ઓઝા વૈદ્ય (Audiocast) 7

શ્રી કાજલ ઓઝા વૈદ્યનું પુસ્તક “કૃષ્ણાયન”, કૃષ્ણ તરફી વિવિધ પાત્રોના અવલંબન કે પ્રેમનું, તેમના પ્રત્યે સમર્પણનું અને તેમના સંસર્ગથી અભિભૂત થતાં લોકોના મનોભાવોનું મનોરમ્ય આલેખન છે. “કૃષ્ણાયન” માનવ થઈને જન્મેલા ઈશ્વરની વાત છે. એ સર્વાંગસંપૂર્ણ યુગપુરૂષની માનવીય ભાવનાઓના અનુભવની વાત છે. અક્ષરનાદ પર આ પુસ્તક વિશેના મારા વિચારો ગતવર્ષે મૂક્યા હતાં. હવે આ સમગ્ર પુસ્તક કાજલબહેનના સ્વરમાં ઑડીયો સીડી સ્વરૂપે પણ ઉપલબ્ધ છે. આ પુસ્તકનો ઑડીયો પરિચય કાજલબહેનના સ્વરમાં આજે અહીં મૂક્યો છે. અક્ષરનાદને આ પરિચય ઑડીયો પાઠવવા બદલ સી.ડીના પ્રકાશક સ્કેડ કન્સલ્ટન્ટ પ્રા. લિ. નો ખૂબ ખૂબ આભાર.


અમરતાનું વસિયતનામું – રોબર્ટ એન ટેસ્ટ, અનુ. ડૉ. વસંત પરીખ 11

એક આદર્શ વસિયતનામું કેવું હોય? એમાં મને જે ઉપયોગી મળ્યું છે, જે શ્રેષ્ઠ મળ્યું છે, તેની જરૂરતમંદોને વહેંચણીની વાત હોય, એમાં ‘મારું છે’ તેમાં ભાગ પાડવાની નહીં, જે ‘મને મળ્યું છે’ તેને યોગ્ય પાત્રને અર્પવાની વાત હોય. મૃત્યુ એટલે તો ‘હું’પણાથી મુક્તિ, તો એ મુક્તિ વખતે ‘મારું’ મટીને સઘળું વિશ્વમય થઈ જાય એવી સરસ વાત અહીઁ ડૉ. વસંતભાઈ પરીખે ભાવાનુવાદ દ્વારા સમજાવી છે. નેત્રદાન અને શરીરદાનના આ સમયમાં પ્રસ્તુત વસિયતનામું એથી પણ એક કદમ આગળ જઈને પોતાની વાત કહે છે.


એહવા આગેવાનને – ઝવેરચંદ મેઘાણી 3

આજે મધ્યમવર્ગ તથા ગરીબીની રેખા નીચે જીવનારો વર્ગ અનેક વિષમતાઓ અને પડકારો વચ્ચે જીવે છે. મોઁઘવારી, અસુરક્ષા, ભ્રષ્ટાચાર, બેરોજગારી અને વધતી જતી ગરીબી, વિકાસના નામે ગણ્યાગાંઠ્યા લોકોની અઢળક સમૃદ્ધિમાં વધારો અને સરેરાશ લોકોની વધી રહેલી કંગાલીયત. આવા બધા સમવિષમ વિરોધાભાસોની વચ્ચે યાદ આવે ગાંધીજી અને તેમના માટે શ્રી ઝવેરચંદ મેઘાણીની પ્રસ્તુત રચના. એક અચ્છા આગેવાનની, એના લક્ષણોની તેમણે કરેલી વાત આજે ક્યાંય બંધબેસતી હોય એમ લાગે છે ખરું? જો કે એમણે અહીં મહદંશે સારા આગેવાનના લક્ષણો જ વર્ણવ્યા છે, તેની સામે કુ-નેતાઓ, પ્રજાને ખોટા રસ્તે દોરનારા અને પોતાના ખિસ્સા ભરનારા નેતાઓ વિશે તેમણે લખેલું એક પંક્તિયુગ્મ જ થોડામાં ઘણું કહી જાય છે!


ઝૂંપડાનુ વાસ્તુ – હાર્દિક યાજ્ઞિક 20

કહાની આમ તો સાવ સરળ અને સીધી સાદી છે. હજારો લોકોની જિંદગીમાં આ રોજની વાત છે, પણ એનાથી કોને ફરક પડે છે? બીજાઓની પીડાને સમજવાની ચિંતા કરવા જેટલો સમય સંકુચિત અર્થમાં આપણી પાસે અને બૃહદ અર્થમાં સમાજ પાસે વધ્યો છે ખરો? સમાજને આવી કહાનીઓથી કોઈ ફરક પડતો નથી. આવો જ એક રોજીંદો પ્રસંગ થોડીક અનોખી પશ્ચાદભૂમીમાં હાર્દિકભાઈ યાજ્ઞિકે અહીં આલેખ્યો છે. હાર્દિકભાઈની કલમ એક પછી એક કૃતિઓ સાથે નિખરતી જાય છે અને અક્ષરનાદને આવી સુંદર કૃતિઓ મોકલવા બદલ હવે તેમનો આભાર માનવા જેટલી ઔપચારિકતા હવે રહી નથી.


હે શારદે માં, હે શારદે માં.. (શાળાની પ્રાર્થનાઓ) 7

શાળાની પ્રાર્થનાઓ સાથે એક અનોખી લાગણીનો સેતુ સદાય હોય છે. આ પહેલા શાળાની પ્રાર્થનાઓનું એક સંકલન કરવાનો અસફળ પ્રયત્ન કર્યો હતો, જે સદનસીબે હવે ફરી એક વખત શરૂ થયો છે અને ટૂંક સમયમાં અક્ષરનાદ પર ઈ-પુસ્તક તરીકે ઉપલબ્ધ થશે. આવી જ એક, મને ખૂબ જ ગમતી પ્રાર્થના આજે પ્રસ્તુત કરી છે. મારા આશ્ચર્ય વચ્ચે ગૂગલમાં આ પ્રાર્થનાની પહેલી પંક્તિના શબ્દો નાંખતા અનેકો શાળાની વેબસાઈટ પર તે મળી આવી, અને મોટાભાગની વેબસાઈટ્સમાં ક્યાંક કોઈક ફરક તો રહે જ છે. મારી યાદશક્તિને આધારે અમે જેવી ગાતા તેવી જ પ્રાર્થના અહીં મૂકવાનો પ્રયત્ન કર્યો છે.


ગુજરાતી લોકસંગીત : થોડું ચિંતન થોડી ચિંતા – ડૉ. નિરંજન રાજ્યગુરુ 2

લોકસંગીતના, લોકસાહિત્યના અભ્યાસુ અને મર્મજ્ઞ એવા ડૉ. શ્રી નિરંજનભાઈ રાજ્યગુરુ પ્રસ્તુત ચિંતનલેખમાં ગુજરાતી લોકસંગીત વિશે પોતાના વિચારો અભિવ્યક્ત કરે છે. લોકસંગીતના ઉદભવ અને વિશેષતાઓ દર્શાવવા સાથે પ્રસ્તુત સમયમાં ગુજરાતી લોકગીત-સંગીતના થઈ રહેલા હ્રાસ સામે તેઓ લાલબત્તી ધરે છે. આપણી આ આગવી ધરોહરને સંકલન – સંમાર્જન – સંપાદન અને તેમાં સંશોધન કરી શકાય અને તેની પૂર્ણપણે મૂળ સ્વરૂપમાં જાળવણી કરી શકાય તે માટે નિરંજનભાઈ સતત કાર્યરત છે, એ માટેની તેમની ચિંતા પણ પ્રસ્તુત લેખમાં દેખાઈ આવે છે.


સત્યવ્રત – ઉમાશંકર જોશી 8

ગુજરાતી સાહિત્યક્ષેત્રના અગ્રણી સાહિત્યકાર ઉમાશંકર જોશીએ કવિતા, વાર્તા, એકાંકી, નવલકથા, નિબંધ, ચરિત્ર, પ્રવાસ, વિવેચન જેવા અનેક સાહિત્યપ્રકારો ખેડ્યા છે. દારૂ, જુગાર અને ચોરીમાં પડેલો માણસ એક સાધુના માત્ર થોડાક સમયના સંપર્કે કેવો સુધરે છે, સાચું બોલવાના વ્રતથી તેના જીવનમાં અને ભાગ્યમાં કેવો પલટો આવે છે તે આ કથામાં બતાવ્યું છે. ચોર અને રાજા વચ્ચેના સંવાદો પ્રભાવશાળી છે તો ચોરની સાથે ક્યાંક પ્રધાનની સરખામણી અનાયાસ થઈ જ જાય! સરળ, સુઘડ અને બોધપ્રદ આ વાર્તા સાદ્યાંત અર્થગહન છે.


નવોદિત કવિમિત્રો માટે એક સરસ તક… 4

નવોદિત કવિમિત્રો માટે પોતાની રચનાઓને એક અનોખા સંકલનમાં સમાવિષ્ટ કરાવવા માટેની એક સરસ તક ઉપલબ્ધ થઈ રહી છે તે વિશેના સમાચાર અત્રે પ્રસ્તુત છે.


ત્રણ લઘુનિબંધો – ભરત કાપડીઆ 6

૧૯૭૫ થી ૧૯૮૫ ના ગાળામાં જેમની રચનાઓ જન્મભૂમિ પ્રવાસી, નવનીત, નવનીત સમર્પણ, ચાંદની, અભિષેક, કવિતા, વગેરે ખ્યાતિપ્રાપ્ત સામયિકોમાં પ્રકાશિત થયેલ તેવા શ્રી ભરતભાઈ કાપડીઆ તે પછી નોકરીના ભારણને લઈને લેખન ક્ષેત્રમાં નિષ્ક્રિય થઇ ગયેલા. હવે તેમણે ફરી વાર કલમનો સંગાથ કર્યો છે. આશા રાખીએ કે તેમની કલમની પહેલા જેવી જ, કદાચ તેથીય વધુ ચમત્કૃતિ આપણને માણવા મળે. તેમની સર્જનયાત્રા પહેલાથી ખૂબ વધારે સફળતા સાથે આગળ વધે તેવી શુભકામનાઓ. પ્રસ્તુત ત્રણ લધુનિબંધોમાં વિષયોની વિવિધતા છે. મિત્રતા, વિન્ડો શોપિંગ અને પ્રતિક્રિયા જેવા ત્રણ ભિન્ન વિષયો વિશે તેમણે ટૂંકમાં વિચારમોતી આપ્યા છે, આશા છે વાચકોને આ નવીન પ્રસ્તુતિ ગમશે.


બે અર્થસભર ગઝલો – જિતેન્દ્ર પ્રજાપતિ 8

મૂળ મહેસાણાના અને હાલ બગદાણા, તા. મહુવા પાસેના સરા ગામમાં પ્રાથમિક શિક્ષક એવા શ્રી જિતેન્દ્રભાઈ પ્રજાપતિ અત્યારની પેઢીના તરોતાઝા ગઝલકાર છે. અનેક સામયિકોમાં તેમની રચનાઓ છપાઈ રહી છે, સ્વીકારાઈ રહી છે. ગત મહીને ‘કવિતા’માં તેમની ગઝલ પ્રસ્તુત થઈ હતી. આજે ફરી તેમની બે સુંદર ગઝલ અહીં પ્રસ્તુત છે. આ પહેલા પણ તેઓની ઘણી રચનાઓ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ ચૂકી છે. પ્રથમ ગઝલમાં જ્યાં તેઓ જોષી પાસે જવાની વાતની ભૂમિકા સાથે અનેક અર્થગહન વાતો કહે છે, કઈ કઈ બાબતોના નસીબની જિજ્ઞાસા તેમને છે! જ્યારે બીજી ગઝલ અપ્રાપ્ય શક્યતાઓનો વિષય છે. બંને અર્થસભર ગઝલ ખૂબ સુંદર થઈ છે. અક્ષરનાદને પ્રસ્તુત ગઝલ પાઠવવા બદલ શ્રી જિતેન્દ્રભાઈનો ખૂબ આભાર.


કેટલીક ઉપયોગી વેબસાઈટ્સ – ૧૯ (નવોદિત લેખકો માટે) 6

અવનવી વેબસાઈટ્સ વિશે જણાવવાની આ શૃંખલા ઘણી વાર સમયની પ્રતિકૂળતાઓ વચ્ચે અટકી પડતી, પણ સમયાંતરે તેમાં નવા ઉમેરાઓ થતા રહે છે તે વાતનો આનંદ છે. નવોદિત લેખકોને માર્ગદર્શન મળી રહે તેવી કેટલીક ઉપયોગી અને સરસ વેબસાઈટ્સ વિશે આજે થોડીક માહિતિ પ્રસ્તુત છે. આ વેબસાઈટ્સ વેબવિશ્વની અગ્રણી છે અને સાથે સાથે તેમના લાખો વાંચકો તેમના અસરકારક હોવાની ખાત્રી આપે છે, પ્રાયોગીક અને ઉપયોગી સૂચનો સાથેનો એ ભંડાર આજે અહીં મૂક્યો છે. આપને આવી અન્ય કોઈ વેબસાઈટ વિશે માહિતિ હોય તો પ્રતિભાવ વિભાગમાં અવશ્ય વહેંચશો.