Monthly Archives: October 2010


ચાલો ગઝલ શીખીએ… ભાગ ૧૪ – અલ્પ ત્રિવેદી (ગઝલરચનાની લપસણી ભૂમી) 2

આ પહેલા આ શૃંખલામાં આપણે ગઝલની પૃષ્ઠભૂમી, લઘુ ગુરૂ અક્ષરો વિશે, ગઝલના શુદ્ધ તથા મિશ્ર અને વિકારી છંદો, છંદશાસ્ત્ર પ્રમાણેના ગઝલ સિવાયના પ્રકારો, એના અંગો રૂપ રદીફ, કાફીયા, મત્લા અને મક્તા, ફિલ્મી ગઝલો, ગઝલના છંદો પારખવા તથા ગઝલરચના વિશેના ખ્યાતનામ પુસ્તકો વિશે ટૂંક પરિચય વગેરે વિશે જાણ્યું. આજે પ્રસ્તુત છે ‘ગઝલની લપસણી ભૂમી’ એ વિષય પર શ્રી અલ્પ ત્રિવેદી દ્વારા આ શૃંખલા માટે લખાયેલ વિશેષ લેખ. તેમનું મૂળ નામ હરેશભાઈ ત્રિવેદી, વ્યવસાયે પ્રાથમિક શિક્ષક – આચાર્ય. આરંભકાળથી પ્રતિભા સંપન્ન અને ચીવટવાળા કવિ. તેમની સર્જનયાત્રામાં ક્યાંય જરાય ઉતાવળ નહીં, ઉલટું ખૂબ સંયમના દર્શન થાય છે. થોડા જ સમય પહેલા તેમના ગઝલસંગ્રહ ‘પછી…’ નું વિમોચન થયું હતું. અક્ષરનાદ પર ચાલી રહેલી ‘ચાલો ગઝલ શીખીએ…’ શૃંખલા માટે પ્રસ્તુત વિશેષ કૃતિ બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


દસ વાતો જે દરેક બાળકને હું કહેવા ઈચ્છું છું – માનલ ઘોસેંન, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ 7

નવી ઉગતી દરેક પેઢી સાથે માનવજાત જ્ઞાન અને જીવનની ગુણવતા સુધારતી આવી છે, સુધરી રહી છે. પ્રગતિની સૌથી ઉત્તમ તકોને સૌથી કપરો સમય કે સૌથી ભયાનક પડકારો તરીકે જોવામાં આવે છે. આપણામાંના દરેકે, આપણા જીવનમાં જે તકલીફો કે યાતનાઓ વેઠી છે, એ ન આવી હોત તો આજે જ્યાં છીએ ત્યાં પહોંચી શક્યા હોત ખરાં? નવી પેઢી વિશે આપણું તારણ શું છે? શું આપણે એવું ઈચ્છીશું કે નવી પેઢીને આપણે ભોગવેલી તકલીફો અને કપરો સમય અનુભવવા દેવો જોઈએ? કે પછી આપણા સંગ્રહિત સારા-નરસા અનુભવોમાંથી તેઓ કાંઈક પદાર્થ પાઠ શીખે તેમ થવું જોઈએ? જો તમે કદાચ એકાદ મિનિટ પૂરતું પણ થોભો, અને તમારા જીવનના સારા-ખરાબ અનુભવો, જે પાઠ જીવને તમને અત્યાર સુધી ભણાવ્યા તે વિશે વિચારો તો એવી કઈ વાત છે જે તમે એમની ઊંમરે જાણતા નહોતા પણ જાણી હોત તો ઘણી ઉપયોગ થઈ પડી હોત એવું તમને લાગે છે? હું તેમને આ વાતો અવશ્ય કહેવા માગું.


એબ્રાહમ લિંકન – મણિભાઇ દેસાઇ (પુસ્તક ડાઉનલોડ) V. 2.0 2

શ્રી મણિભાઈ દેસાઈનું પુસ્તક જેને શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીએ સંપાદિત કરેલું છે, “એબ્રાહમ લિંકન” આજે એક વખત ફરીથી અક્ષરનાદ પર ડાઊનલોડ વિભાગમાં મૂકતા અનેરા હર્ષની લાગણી થાય છે. એક સત્યકામ, સત્યસંકલ્પ સત્પુરુષની એક ધર્માવતારની આધુનિક સમયના એક પુણ્યશ્લોકની આ જીવનકથા પ્રજા સમક્ષ સાદર કરવાનું શ્રેય મણિભાઈ દેસાઈના ફાળે જાય છે. તેમણે ૧૯૮૦માં ‘એબ્રાહમ લિંકન’ નામનું પુસ્તક આપેલું. આ પુસ્તકનો સંક્ષેપ કરીને શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીએ ખિસ્સાપોથી સ્વરૂપે લિંકન જયંતિ, તા. ૧૨ ફેબ્રુઆરી, ૧૯૯૨ના દિવસે પ્રકાશિત કરેલો. આ આચમનરૂપ પુસ્તકની ઓનલાઈન આવૃત્તિ શ્રી મહેન્દ્રભાઈની જ અનુમતિસહ આજથી સાત મહીના પહેલા અક્ષરનાદ પર ડાઊનલોડ માટે મૂકેલી, અને વાંચકમિત્રોનો પ્રેમ જુઓ કે આ પુસ્તિકાના એક હજાર ડાઊનલોડ પૂરા થઈ ગયાં. આજે તેમાં રહેલી નાની ભૂલો જોડણી વગેરેની ક્ષતિ સુધારીને એક નવા સ્વરૂપે પ્રસ્તુત કરી રહ્યો છું. આશા છે વાંચકમિત્રોને ગમશે.


ચાણક્યના નીતિશાસ્ત્રના કેટલાક સૂત્રો 17

વિકાસની વાતોમાં નીતિશાસ્ત્ર એ પહેલું પગથિયું છે. જો તમે રાજનીતિ, સમાજનીતિ, અર્થનીતિ વગેરેમાં પારંગત હો, જાણકાર હો તો જીવનમાં સફળતાનાં દ્રાર આપોઆપ ખૂલી જાય છે, લોકચાહના મળે છે તથા જીવન જીવવાનો સંતોષ મળે છે. માનવીની તેજસ્વિતા તથા ગહન બુદ્ધિની પરીક્ષા એ જ છે કે તે ચાણક્યના લખેલા નીતિશાસ્ત્રની એરણ પર ખરી ઊતરે! જો તમે આ નીતિશાસ્ત્ર સમજો, વ્યવહારમાં ઉતારો તો દરેક મુશ્કેલ પળમાં પણ એ કામ આવશે. આવા અદભૂત જ્ઞાનના કેટલાક અંશો અહી આપવા કોશિશ કરી છે, જેથી આ નીતિશાસ્ત્રનો આસ્વાદ સૌ માણે. તેના વિચારોને ટૂંકી જાણકારીના સ્વરૂપમાં કોઈપણ જાતની ટીકા-ટિપ્પણી વગર આપ્યા છે.


હરિ તણું હેત – નરસિંહ મહેતા 3

અખિલાઈનો આજીવન અહર્નિશ આરાધક ભક્તકવિ નરસૈંયો કેવળ મધ્યકાલીન ગુર્જર પ્રદેશનો એક આદિકવિ જ નહીં, પરંતુ ગુજરાતી અસ્મિતા અને સાંસ્કૃતિક વારસાનું એક ઉત્કૃષ્ટ પ્રતીક છે. તેણે સદાય પ્રેમરસની યાચના કરી, અનંત ઓચ્છવમાં પંથ ભૂલીને જે ભક્તિરચનાઓ કરી તે યુગો પર્યંત જીવતી રહી છે – રહેશે. સૌરાષ્ટ્રના તળાજામાં જન્મેલા નરસિંહ મહેતાની જન્મભૂમી જુનાગઢ રહી. તેમના પ્રભાતિયાં અને પદ્યમાં જ્ઞાન, ભક્તિ અને ઉર્મિલતાનો ત્રિવેણી સંગમ થયો છે. પ્રસ્તુત રચનામાં નરસિંહ માનવને ઈશ્વરપ્રાપ્તિ અને સત્કાર્યો પ્રત્યે સજાગ રહેવાનું સૂચવે છે. ચોટદાર ઉદાહરણો દ્વારા ઈશ્વરના વૈશ્વિક સ્વીકાર, પરબ્રહ્મનું પરીરૂપ જોવાની નવી દ્રષ્ટિ અર્પવાનો એક પ્રયત્ન નરસૈયાએ અહીં કર્યો છે.


તને એકલતા ના નડી – રામભાઈ રામ 4

અમારા સહકર્મચારી અને ભેરાઈના રહેવાસી (તા. રાજુલા, જી. અમરેલી) મિત્ર શ્રી રામ રામભાઈ આ પહેલા ઘણાં વખત ઉપર અક્ષરનાદ માટે એક રચના આપી રહ્યાં છે. રાત્રે ઘરની આગળની વિશાળ ઓશરીમાં સૂતા સૂતાં, તેમને આ રચના સ્ફૂરી છે, અને કાંઈ લખવાનું માધ્યમ ન મળ્યું તો એસ એમ એસ સ્વરૂપે તેને સંગ્રહી બીજા દિવસે તેમણે મને પહોંચાડેલી. આ સુંદર રચના બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. આવી રચનાઓ પણ અક્ષરનાદની આગવી મૂડી જ છે ને! મને લાગે છે ત્યાં સુધી ભજનની શ્રેણીમાં તેને મૂકવી જોઈએ.


ચાલો ગઝલ શીખીએ… ભાગ ૧૩ – સંકલિત (ગઝલ વિશેનાં પુસ્તકો) 1

ગઝલ છંદો અને તેના વિવિધ રૂપો, ગઝલની મૂળભૂત સંરચના વગેરે વિશેની ચર્ચા આપણે આ શૃંખલાની આ પહેલાની કડીઓમાં કરી. ગુજરાતી ગઝલના અરૂઝનાં અનેકવિધ પુસ્તકો વિશેની છણાવટ વિશેની આ શૃંખલા અંતર્ગત શ્રી રણછોડભાઈ ઉદયરામની ‘ફારસી કવિતા રચના’, ઝાર રાંદેરી કૃત ‘શાઈરી ભાગ ૧-૨’ અને જમિયત પંડ્યા ‘જિગર’ કૃત ‘ગઝલનું છંદશાસ્ત્ર’, શકીલ કાદરીનું ‘ગઝલનું પિંગળશાસ્ત્ર’, શ્રી જિતુ ત્રિવેદીનું ‘સમજીએ ગઝલનો લય’ અને શ્રી આશિત હૈદરાબાદીની પુસ્તિકા ‘ગઝલ શીખવી છે?’, ડૉ. રઈશ મનીઆર કૃત ‘ગઝલનું છંદોવિધાન’, ડૉ. પ્રફુલ્લ દેસાઈ કૃત ‘ગઝલ શીખીએ’, અને શ્રી રાજેશ વ્યાસ મિસ્કીન કૃત ‘ગઝલ વિમર્શ’ એ પુસ્તકો વિશે આપણે જોયું. આજે શ્રી નઝર ગફૂરીનું ‘છંદસમજ ગઝલસહજ’, પ્રો. સુમન અજમેરી કૃત ‘ગઝલ – સંરચના અને છંદવિધાન’ અને શ્રી ગુણવંત ઉપાધ્યાયનો વિવેચનગ્રંથ ‘ગઝલગ્રાફ’ એ પુસ્તકો વિશે ટૂંકી ચર્ચા કરીશું. ગઝલરચના વિશેના પુસ્તકોનો ટૂંક પરિચય આ સાથે પૂર્ણ થાય છે. ગઝલરચના વિશે વિદ્વાનોના લેખો આવતા અંકથી શરૂ થશે.


કારણ તો બીજુ કાંઈ નહીં – બકુલ ટેલર 5

બે સ્પંદિત હૈયાઓ વચ્ચે પ્રણયાંકુર ફૂટે અને એ પ્રણયના બીજ સ્નેહની વેલ થઈને શ્રદ્ધા અને પરસ્પરના વિશ્વાસને આધારે પાંગરે છે એ દરમ્યાનનો એ પછીનો સૌથી મહત્વનો પડાવ ગણાય છે લગ્ન. પ્રેમ પછી લગ્ન અને પછી સંસારની અનેક અનોખી લાગણીઓ અનુભવવી તથા સંબંધોનું વહન કરવામાં પ્રેમ ક્યાંક અદ્રશ્ય થઈ જતો હોય એમ લાગે છે, આવામાં કવિહ્રદય પોતાની પ્રેયસીને લગ્ન ન કરવા માટેના કારણો સમજાવે છે. એક ખૂબ જ સુંદર અને સચોટ અછાંદસ ઓક્ટોબર ૨૦૧૦ ના નવનીત સમર્પણ સામયિકમાંથી સાભાર લેવામાં આવ્યું છે.


આ-બૈલ ના કસ્ટમર કેરમાં – જીજ્ઞેશ અધ્યારૂ 2

મોબાઈલ અજબની વસ્તુ છે. ફક્ત બે માણસોને નહીં, બે વિચારધારાને, બે પેઢીઓને જોડતી એ અનેરી કડી થઈ રહી છે. સંદેશાવ્યવહાર ઉત્ક્રાંતિની શરૂઆતમાં પેજર આવ્યા, જે વચેટીયા જેવા હતાં, પણ ટૂંક સમયમાં એ પ્રજાતિ નામશેષ થઈ ગઈ. પછી મોબાઈલ આવ્યા, અને છવાઈ ગયા, તેમની નવી નવી જાતો ઉત્તરોત્તર વિકસતી રહી, આજે કોમ્પ્યુટરનું કામ સુધ્ધાં કરી આપતા મોબાઈલ ઉપલબ્ધ છે. સંદેશ પહોંચાડવાના મૂળભૂત કાર્યની સાથે અનેક અન્ય સુવિધાઓ પણ એમાં મળી રહે છે. મોબાઈલ સુવિધાઓનો હજુ ગ્રામ્ય વિસ્તારોમાં વસતા લોકોને પૂરતો પરિચય નથી. આવા જ કોઈ ગામઠી મિત્ર કસ્ટમર કેરમાં ફોન કરે તો શું કરી શકે તેવી સંભાવનાઓ સભર વાર્તાલાપ કેવો હોય? હજુ આવા સરળ લોકો આપણી નજીક વસે છે એ પણ એક હકીકત છે.


રાઘવનના સહકાર્યકરો – ધીરુબહેન પટેલ 6

પ્રસ્તુત વાર્તામાં મદ્રાસથી મુંબઈ નોકરી કરવા આવેલો રાઘવન સહકાર્યકરોથી અતડો રહી, પોતાના કામમાં મશગૂલ રહેતો હતો. આ કારણે એ શેઠનો માનીતો બન્યો, પણ સહકાર્યકરોમાં અપ્રિય બન્યો. સૌની મજાક-મશ્કરીનું પાત્ર બન્યો. રાઘવનના અતડાપણા પાછળ ને કામના ઢસરડા પાછળ એની ગરીબાઈ, કૌટુંબિક જવાબદારી અને કૉલેજનો અભ્યાસ પૂરો કરવાનું ધ્યેય કારણભૂત છે, એવું સાથીઓને જ્યાં સુધી સમજાયું નહિ ત્યાં સુધી રાઘવન અને એના સહકાર્યકરો વચ્ચે ખેંચતાણ ચાલતી રહી. પણ રાઘવનની ગંભીર માંદગીના પ્રસંગે રાઘવનને તેનાં સાથી પ્રેમ અને સહાનુભૂતિનો તો એ સાથીઓને રાઘવનની ગરીબીમાં પણ ટકી રહેલી અભ્યાસની ધગશનો ખ્યાલ આવે છે. સમજણની આ ભૂમિકા બંધાયા પછી અંતર ઘટી જાય છે. હદયની એકતા સ્થપાય છે. આપણે જુદા જુદા પ્રાંતના રહેવાસીઓ હોઈએ તો પણ એક જ રાષ્ટ્રના નાગરિક છીએ એવો રાષ્ટ્રીય એકતાનો સંદેશ પણ વાર્તામાં રહેલો છે.


વરસ પૂરું થવામાં છે – મહેશ શાહ 3

દીવાળીના દિવસો નજીક આવી રહ્યા છે. લોકો પોતાના ઘરની, ખૂણે ખાંચરેથી સફાઈ કરે છે, પણ મનમાં મેલના થર જામેલા જ રહે છે, એવી સફાઈનો શો અર્થ? એક તહેવાર ઉજવવા માટેના અવસરમાં વધારો ન કરે તો તેવા તહેવારનો એક સામાન્ય દિવસથી વધુ ઉપયોગ કેવો થઈ શકે? આ જ ભાવની વાત પ્રસ્તુત ગઝલમાં શ્રી મહેશ શાહ ખૂબ સુંદર રીતે કરી જાય છે. ‘વરસ પૂરું થવામાં છે’ જેવો સુંદર કાફિયા વાપરવાથી ગઝલ સાંગોપાંગ સુંદર અને માણવાલાયક રચના થઈ છે.


(મહમ્મદ ગઝનવી) ફ્રિક્વન્ટ રાઈડર – હરનિશ જાની 12

“માણસ ભલે ગુજરાતમાંથી નીકળી જાય, માણસામાંથી ગુજરાત નીકળતું નથી.” એમ કહેનારા હરનીશભાઈ જાની ભલે અમેરિકા વસે છે, પરંતુ તેમના સર્જનોને એવી કોઈ સરહદો બાંધી શક્તી નથી. શ્રી રતિલાલ બોરીસાગર તેમના માટે કહે છે તેમ, “સંવેદનશીલતા, સર્જકતા ઉપરાંત હાસ્ય પ્રેરવાની મૂળભૂત શક્તિ ધરાવતા ત્રિગુણમૂર્તિ સર્જક એટલે હરનીશ જાની. એમના લોહીમાં હાસ્ય ઘોળાયેલું છે, એટલે હાસ્યના ઉપલક્ષ્યમાં લોહીની તપાસ થાય તો તેમનું ગ્રૃપ H Positive નીકળે.” તેમની હાસ્યવાણી એક અમેરીકન ગુજરાતીની પ્રેમાળ, સંવેદનશીલ મજાક સાથે શિષ્ટ મિષ્ટ હાસ્યરસ સતત પીરસતી એક અમેરીકન ગુજરાતીની દ્રષ્ટિ છે, અને એક ગુજરાતી અમેરીકનનો દ્રષ્ટિકોણ. આજે તેમના હાસ્યનિબંધ સંગ્રહ ‘સુશીલા’ માંથી પ્રસ્તુત રચના અહીં સાભાર લીધી છે.


ચાલો ગઝલ શીખીએ… ભાગ ૧૨ – શહીદે ગઝલ (ગઝલ વિશેનાં પુસ્તકો)

ગઝલ છંદો અને તેના વિવિધ રૂપો, ગઝલની મૂળભૂત સંરચના વગેરે વિશેની ચર્ચા આપણે આ શૃંખલાની આ પહેલાની કડીઓમાં કરી. ગુજરાતી ગઝલના અરૂઝનાં અનેકવિધ પુસ્તકો વિશેની છણાવટ વિશેની આ શૃંખલા અંતર્ગત શ્રી રણછોડભાઈ ઉદયરામની ‘ફારસી કવિતા રચના’, ઝાર રાંદેરી કૃત ‘શાઈરી ભાગ ૧-૨’ અને જમિયત પંડ્યા ‘જિગર’ કૃત ‘ગઝલનું છંદશાસ્ત્ર’, શકીલ કાદરીનું ‘ગઝલનું પિંગળશાસ્ત્ર’, શ્રી જિતુ ત્રિવેદીનું ‘સમજીએ ગઝલનો લય’ અને શ્રી આશિત હૈદરાબાદીની પુસ્તિકા ‘ગઝલ શીખવી છે?’ એ પુસ્તકો વિશે આપણે જોયું. આજે ડૉ. રઈશ મનીઆર કૃત ‘ગઝલનું છંદોવિધાન’, ડૉ. પ્રફુલ્લ દેસાઈ કૃત ‘ગઝલ શીખીએ’, અને શ્રી રાજેશ વ્યાસ મિસ્કીન કૃત ‘ગઝલ વિમર્શ’ વિશે શહીદે ગઝલના વિવિધ અંકોમાં પ્રગટ થયેલા અવલોકનો જોઈએ. આવતા અંકોમાં શ્રી નઝર ગફૂરીનું ‘છંદસમજ ગઝલસહજ’, પ્રો. સુમન અજમેરી કૃત ‘ગઝલ – સંરચના અને છંદવિધાન’ અને શ્રી ગુણવંત ઉપાધ્યાયનો વિવેચનગ્રંથ ‘ગઝલગ્રાફ’ એ પુસ્તકો વિશે ટૂંકી ચર્ચા કરીશું.


કસર તો રહી છે – જીજ્ઞેશ અધ્યારૂ (ગઝલ) 5

જીવનમાં આવી, પોતાની આગવી અસર અને પ્રભાવ મૂકીને જતા રહેનારા, જીવનભર જુદાઈનો અભિશાપ આપી જનારા પ્રિયપાત્રને તેના પ્રિયતમનો સંદેશ કેવો હોઈ શકે? તે દ્રષ્ટિપટમાં નથી, તે સ્મરણોના રણમાં ઝાંઝવાસમ ભાસે છે, પણ છતાંય નિષ્ફળ પ્રેમની અભિલાષા તો જુઓ, એ હજુય એમ વિચારીને જીવે છે કે એમને પણ અમારી કસર ક્યાંક તો વર્તાતી જ હશે ને? તેમની નજરમાં પણ આપણા માટે થોડીક ફિકર ક્યારેક તો આવી હશે ને. મૃગજળોમાં જીવતા અભિપ્સાના હરણાંને તરફડતું મૃત્યુ જ મળે એમાં શી નવાઈ? એટલે અંત અવશ્યંભાવી હોવા છતાં વિચારોના મહેલોમાં વિહરનારાના મનોભાવોનું થોડુંક પ્રદર્શન પ્રસ્તુત ગઝલના માધ્યમથી કરવાનો પ્રયત્ન કર્યો છે.


પ્રેરણા પુષ્પો – સંકલિત 4

“આપ્યું તે આપણું થયું, રાખ્યું તે રાખ થઈ રહ્યું” જેવી ધ્રૃવપંક્તિ જેના શીર્ષપૃષ્ઠ પર અંકિત છે એવા અમદાવાદના શ્રી શંકરભાઈ લ. પટેલ દ્વારા સંકલિત સુંદર બોધપ્રદ અને ચોટદાર ટૂંકા પ્રસંગો અને મરમી વાતો સાથેનું પુસ્તક”પ્રેરણાનું પુષ્પ” પુષ્પ – ૨, એક શુભેચ્છક દ્વારા મને ભેટ મળ્યું. ઘણાં વખતે અનેક પુસ્તકોની વચ્ચેથી જેના વિધાનો સીધી અસર કરે એવું કોઈ પુસ્તક વાંચીને ખૂબ આનંદ થયો. એ જ પ્રેરણાદાયી પુસ્તકમાંથી અત્રે કેટલાક પ્રેરણાપુષ્પો લીધાં છે. દરેકે દરેક પુષ્પની આગવી સુવાસ, પોતાની સુંદરતા અને સંદેશ છે.


કેટલીક ઉપયોગી વેબસાઈટસ – ૧૨ 3

શૃંખલાની અન્ય કડીઓની જેમ જ આજે પ્રસ્તુત છે કેટલીક ઓછી જાણીતી પરંતુ સુંદર અને / અથવા ઉપયોગી વેબસાઈટસ. અહીં કળાને વહેંચવા, માણવા અને પ્રોત્સાહન આપવાની કોશીશ કરતી વેબસાઈટ છે તો ચિત્રો અને ગણિતિય સંજ્ઞાઓ / આલેખોથી સૂક્ષ્મ હાસ્ય નિષ્પન્ન કરતી વેબસાઈટ પણ છે, બાયોડેટા બનાવવાની અને વહેંચવાની ઓનલાઈન અને મફત સગવડ આપતી વેબસાઈટ છે તો પ્રેરણાત્મક પોસ્ટરો અને અન્ય સાધનો પર તેની પ્રિન્ટ આપતી વેબસાઈટ પણ છે. આપને આ શૃંખલા કેવી લાગે છે, અહીં આપને કયા પ્રકારની વેબસાઈટ વિશે જાણવું ગમશે?


સર્વે નંબર ૭ – જીજ્ઞેશ અધ્યારૂ (ટૂંકી વાર્તા) 11

આ એક ટૂંકી વાર્તા છે જેનું મૂળ એક સત્યઘટનારૂપી નાનકડા બીજમાં પડ્યું છે, ને વાર્તાની અન્ય કલ્પનાઓ મારી છે. ગ્રામ્ય વિસ્તારોમાં સામાન્ય રીતે સર્જાતી ઘટનાઓ અને રૂઢીઓથી ચાલતી આવેલી માન્યતાઓને આજના ઉપલક્ષ્યમાં, શહેરીકરણ અને ઔદ્યોગીકરણના ઓછાયા હેઠળ શબ્દાંકીત કરવાનો પ્રયત્ન કર્યો છે. એ સિવાય આ વાત માટે બીજુ કાંઈ કહેવાપણું રહેતું નથી.


હીરણ હલકારી, જોબનવાળી નદી રૂપાળી નખરાળી…. 9

ગીરના જંગલોની વચ્ચેથી, અનેક વહેળાઓને પોતાનામાં સમાવતી, સર્પાકારે, ક્યાંક ગહન તો ક્યાંક આછરતી વહેતી હીરણ નદી ગીરના જીવનનું એક જીવંત પાત્ર છે. ઉનાળામાં તેના પટની પાસે બેસીને નેસના મિત્રો સાથે કરેલી અનેક અલકમલકની વાતો અને ચોમાસામાં તેમાં નહાવાનો લીધેલો આનંદ એ બધુંય એક અનોખો અનુભવ છે. કવિદાદની પ્રસ્તુત રચના આ હીરણ નદીને અપાયેલી કદાચ સૌથી ઉચિત બિરદાવલી હોઈ શકે. મને યાદ છે લીલાપાણી નેસમાં કાનાને કંઠે ગવાયેલી આ બિરદાવલી શોધવાની મસમોટી ઈચ્છા ત્યારે તો પૂરી નહોતી થઈ, એ શ્રી ધ્રૃવ ભટ્ટ સાહેબની ગીરમય નવલકથા ‘અકૂપાર’માં મળી આવી. જેણે આ રચના હીરણને કાંઠે બેસીને કોઈક નિર્લેપ મનુષ્યના કંઠે લલકારીને ગવાતી નથી સાંભળી એણે એક અનેરો આનંદ ગુમાવ્યો છે.


ચાલો ગઝલ શીખીએ… ભાગ ૧૧ – શહીદે ગઝલ (ગઝલ વિશેનાં પુસ્તકો) 2

ગઝલ છંદો અને તેના વિવિધ રૂપો, ગઝલની મૂળભૂત સંરચના વગેરે વિશેની ચર્ચા આપણે આ શૃંખલાની આ પહેલાની કડીઓમાં કરી. ગુજરાતી ગઝલના અરૂઝનાં અનેકવિધ પુસ્તકો વિશેની છણાવટ ગતાંકથી શરૂ થયેલી આ શૃંખલા અંતર્ગત શ્રી રણછોડભાઈ ઉદયરામની ‘ફારસી કવિતા રચના’, ઝાર રાંદેરી કૃત ‘શાઈરી ભાગ ૧-૨’ અને જમિયત પંડ્યા ‘જિગર’ કૃત ‘ગઝલનું છંદશાસ્ત્ર’ એ ત્રણ પુસ્તકો વિશે આપણે જોયું. આજે શ્રી શકીલ કાદરીનું ‘ગઝલનું પિંગળશાસ્ત્ર’, શ્રી જિતુ ત્રિવેદીનું ‘સમજીએ ગઝલનો લય’, શ્રી આશિત હૈદરાબાદીની પુસ્તિકા ‘ગઝલ શીખવી છે?’ વિશે શહીદે ગઝલના વિવિધ અંકોમાં પ્રગટ થયેલા અવલોકનો જોઈએ.


રઢિયાળી રાતના ૭૦ રાસ-ગરબા (ઈ પુસ્તક ડાઊનલોડ) 8

75મી મેઘાણી જયંતિના અવસરે 1972માં ‘રઢિયાળી રાતના રાસ’ નામની 35 લોકગીતોની પુસ્તિકા બહાર પડી, તેની હજારો નકલોનો ફેલાવો થયો. એ પુસ્તિકાનું આ ઈ-પુનર્મુદ્રણ કરવાની તક અક્ષરનાદને મળી તે બદલ શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીને યશ આપવો રહ્યો. તો એને ટાઈપ કરીને મોકલવાની સઘળી મહેનત વાપીના ગોપાલભાઈ પારેખની એટલે આ પ્રક્રિયાના ધારક તેઓ છે. તો અક્ષરનાદના સંપાદક અને મારા પત્નિ પ્રતિભા અધ્યારૂને એમાં સુધારા – વધારા અને ગોઠવણી તથા ઈ પુસ્તક સ્વરૂપ આપવા બદલ અભિનંદન પાઠવવા કદાચ પોતાને થાબડ્યા જેવું થાય. આ રઢિયાળી રાતના રાસ સાથે અન્ય કેટલાક પ્રચલિત ગરબાઓ, વિશ્વંભરી સ્તુતિ અને જય આદ્યાશક્તિ આરતી સાથે કુલ ૭૦ નો આંકડો પહોંચ્યો છે. આશા છે ભાવકોને આ ગરબા – રાસનું ઈ-પુસ્તક ગમશે.


બે ઉર્દૂ ગઝલો – અહમદ ફરાઝ 6

અહમદ ફરાઝ પાકિસ્તાનની આજની પેઢીના અગ્રણી શાયર, પાકિસ્તાનની તત્કાલીન પરિસ્થિઓની મજબૂરીને લીધે ૧૯૮૩ પછી પાકિસ્તાન છોડી લંડન સ્થિર થયેલાં, ઉર્દુ ગઝલિયતના એક અનોખા ધારક, વાહક અને ચાહક. તેમની ગઝલોમાં પ્રેમ અને વિરહની વાતોની સાથે ક્યારેક અધ્યાત્મના ચમકારા અને સૂફી સાહિત્યની અસર પણ ઝળકી જાય છે. તેમની એક ખૂબ સુંદર ગઝલ જેને મહેંદી હસનનો સ્વર મળેલો અને જે ખૂબજ લોકપ્રિય થયેલી એ, “રંજિશ હી સહી, દિલ કો દુઃખાને કે લીયે આ” અત્રે પ્રસ્તુત છે. એની સાથે મહેંદી હસનના જ સ્વરમાં ગવાયેલી આ સુંદર ગઝલનો વિડીયો. અને તેની સાથે તેમની એવી જ બીજી સુંદર ગઝલ “અબ કે હમ બિછડે તો શાયદ કભી ખ્વાબોમેં મિલેં”.


લોકોની જીવનરેખા સાચવવાનો પ્રયાસ (લાઈફલાઈન ફાઊન્ડેશન) – જીજ્ઞેશ અધ્યારૂ 1

ક્યારેક કોઈકની સાથે થયેલા અકસ્માતો પણ અન્યો માટે આશિર્વાદની પૂર્વભૂમિકા સર્જી જતા હોય તો એવા અકસ્માતોને શું કહેવું? અકસ્માત માટે આપણે ત્યાં “દૈવયોગે થયેલી ઘટના” એવો શબ્દ પણ વપરાય છે, આવા અકસ્માતો પાછળ પણ દૈવ કાંઈક હકારાત્મક અને સમાજોપયોગી કરવાનો વિચાર મૂકતા હશે ! ક્યારેક અકસ્માત ભોગ બનવું પડ્યું હોય તેવી ઘટનાનાં પ્રત્યાઘાતો ધાર્યા પણ ન હોય એવા અનોખા હોઈ શકે છે. આવી જ એક અનોખી જીવન બચાવ ઝુંબેશ અનેક રાજ્યોના હાઈવે પર ચલાવી રહેલા ડૉ. સુબ્રતો દાસ અને તેમના પત્નિ શ્રીમતી સુસ્મિતા દાસના અનોખા કાર્યની વાત આજે પ્રસ્તુત છે.


ત્રણ ગઝલો – અમિત પંડ્યા 5

શ્રી અમિત પંડ્યાની અત્રે પ્રસ્તુત ત્રણ ગઝલો ભિન્ન વિષયાસ્વાદની અનુભૂતી કરાવે છે, એ ત્રણેય રચનાઓની પોતપોતાની આગવી ખૂબી છે, ત્રણેયના શીર્ષકો પણ એવાં જ ભિન્ન છે. ત્રીજી રચનામાં એક કૂતરાની વાત થઈ છે, જો કે એ વિશેષણ કોના માટે વપરાયું છે એ ભાવકો સુપેરે સમજી શકે તેમ છે. પ્રસ્તુત રચનાઓ અક્ષરનાદને મોકલવા બદલ શ્રી અમિત પંડ્યા (ઘાયલ બીજો) નો ખૂબ ખૂબ આભાર.


જીવરામ ભટ્ટ જમવા બેઠા – દલપતરામ 8

‘મિથ્યાભિમાન’ નાટકમાંથી આ નાટ્યખંડ લેવામાં આવ્યો છે. મિથ્યાભિમાની જીવરામ ભટ્ટના પાત્ર દ્રારા લેખકે હાસ્યનું નિરૂપણ કર્યું છે. જીવરામ ભટ્ટ આપણા સાહિત્યનું એક ચિરંજીવ પાત્ર છે. મિથ્યાભિમાનનું એ પૂતળું છે. એ રતાંધળો હોવા છતાં પોતે દેખે છે એવું બતાવવા જતાં એની મુર્ખતા અને મિથ્યાભિમાન પકડાઈ જાય છે, અને તેમાંથી હાસ્ય નિષ્પન્ન થાય છે. અહીં સંકલિત કરેલા નાટ્યખંડમાંથી જીવરામ ભટ્ટનું લાક્ષણિક વ્યક્તિત્વ ખડું થાય છે. પત્નીને તેડવા આવેલા જીવરામ ભટ્ટ અંધારું થવાથી ગામ બહાર ખાડામાં પડ્યા રહ્યા હતા, ત્યાંથી સસરા રઘનાથ ભટ્ટ અને સાળો સોમનાથ એમને દોરીને ઘેર લાવે છે, ત્યાર પછીનો આ જીવરામ ભટ્ટના જમવા બેસવાનો પ્રસંગ છે. જીવરામના નાહવાનો, પાઘડી લેવા બાબતનો, દીવાલ સામે અવળે મોઢે બેસવાનો, કંસાર પીરસતા સાસુને પાડી સમજી લાત મારવાનો, શાસ્ત્રજ્ઞાનના વાદ- વિવાદનો વગેરે પ્રસંગોમાં દલપતરામ જીવરામ ભટ્ટના પોકળ મિથ્યાભિમાનપણાને પ્રગટ કરીને હાસ્ય નિપજાવે છે. જીવરામ ભટ્ટના વ્યક્તિત્વ પર ટીકા-કટાક્ષ કરતું મશ્કરા રંગલાનું પાત્ર પણ ધ્યાન ખેંચે છે. માણસમાં છુપાયેલા દંભ -આડંબર અને પોકળતાને આ નાટ્યખંડમાં જીવરામ ભટ્ટના પાત્ર દ્રારા દલપતરામ દર્શાવી આપે છે.


ચાલો ગઝલ શીખીએ… ભાગ ૧૦ – શકીલ કાદરી (ગઝલ વિશેનાં પુસ્તકો)

ગઝલ છંદો અને તેના વિવિધ રૂપો, ગઝલની મૂળભૂત સંરચના વગેરે વિશેની ચર્ચા આપણે આ શૃંખલાની આ પહેલાની કડીઓમાં કરી. ગુજરાતી ગઝલના અરૂઝનાં અનેકવિધ પુસ્તકો વિશેની છણાવટ આજથી શરૂ થઈ રહેલી આ શૃંખલા અંતર્ગત ત્રણથી ચાર ભાગમાં વિભાજિત થશે. આજે આ અંતર્ગત શ્રી રણછોડભાઈ ઉદયરામની ‘ફારસી કવિતા રચના’, ઝાર રાંદેરી કૃત ‘શાઈરી ભાગ ૧-૨’ અને જમિયત પંડ્યા ‘જિગર’ કૃત ‘ગઝલનું છંદશાસ્ત્ર’ એ ત્રણ પુસ્તકો વિશે આપણે જાણીશું. આવતા અંકોમાં શ્રી શકીલ કાદરીનું ‘ગઝલનું પિંગળશાસ્ત્ર’, શ્રી નઝર ગફૂરીનું ‘છંદસમજ ગઝલસહજ’, શ્રી જિતુ ત્રિવેદીનું ‘સમજીએ ગઝલનો લય’, શ્રી આશિત હૈદરાબાદીની પુસ્તિકા ‘ગઝલ શીખવી છે?’, ડૉ. રઈશ મનીઆર કૃત ‘ગઝલનું છંદોવિધાન’, ડૉ. પ્રફુલ્લ દેસાઈ કૃત ‘ગઝલ શીખીએ’, શ્રી રાજેશ વ્યાસ મિસ્કીન કૃત ‘ગઝલ વિમર્શ’, પ્રો. સુમન અજમેરી કૃત ‘ગઝલ – સંરચના અને છંદવિધાન’ અને શ્રી ગુણવંત ઉપાધ્યાયનો વિવેચનગ્રંથ ‘ગઝલગ્રાફ’ એ પુસ્તકો વિશે ટૂંકી ચર્ચા કરીશું.


સ્વજનની વિદાય વેળાએ – કુન્દનિકા કાપડિઆ 6

મારા પત્નિ અને અક્ષરનાદના સંપાદનમાં મદદગાર પ્રતિભા અધ્યારૂના પપ્પાના મૃત્યુ વખતે વાપીના શ્રી ગોપાલભાઈ પારેખે આ સંદેશ મોકલ્યો હતો, ટેલીફોન પર લાઈવ સંભળાવેલો અને પછી ઈ-મેલ મારફત મળેલ. એ દિવસ અને સમય મને હજુ પણ તાજા દૂઝતા ઘા જેવો યાદ છે. પરિવારને પડેલી ખોટ તો પૂરી શકાતી નથી, પરંતુ આવા સ્વજનોની મદદ અને સાંત્વના જ ખરો સહારો અપાવે છે, હિંમત બંધાવે છે. એ પ્રાર્થના આજે અત્રે પ્રસ્તુત છે.