પ્રેમને ઈન્સ્ટોલ કઈ રીતે કરશો?.. – ડૉ. હાર્દિક યાજ્ઞિક 20


(પ્રખ્યાત લેખક રીક એન્ડરસનના વિચાર વક્તવ્યમાંથી પ્રેરણા લઇ લખેલ વાત)

સ્વર્ગમાં ઇશ્વર સત્સંગ ઇલેક્ટ્રીકલ્સના ભક્ત કેર યુનિટમાં ફોન રણકયો.

વ્યક્તિ – હલ્લો..

ભક્ત કેર પ્રતિનિધિ – હલ્લો, બોલો આજની આ શુભ સવારે હું આપની શું સેવા કરી શકું?

વ્યક્તિ – એમા એવુ છે કે ઘણુંબધું વિચાર્યા પછી મેં નક્કી કર્યું છે કે મારે મારામાં પ્રેમ ઇનસ્ટોલ કરવો છે. શું તમે મને ગાઇડ કરી શકશો?

પ્રતિનિધિ – કેમ નહી ? શું આપ પ્રોસેસ શરુ કરવા તૈયાર છો?

વ્યક્તિ – જુઓ, આમ જોવા જઇએ તો હું બહુ ધાર્મિક રીતે ટેકનિકલ માણસ છુ નહીં, ધર્મ, ધ્યાન કે પૂજા – કશું રોજ કરતો નથી. શું મારામાં આ સોફ્ટવેર ઇનસ્ટોલ થશે ખરુ?

પ્રતિનિધિ – સાહેબ જયારથી આ ડુપલિકેટ ઇશ્વરના પ્રતિનિધિઓએ પોતપોતાના નિયમો બનાવીને લોકોની સિસ્ટમ સાથે છેડખાની શરુ કરી છે ત્યારથી તમારા જેવા કેટલાંય લોકો આમ જ કન્ફ્યુઝ છે. ડોન્ટ વરી, પ્રેમ ઇનસ્ટોલ કરવાની મિનીમમ રિકવારમેન્ટમાં ઇશ્વરે ક્યાંય મંંદિરે રોજ જવાનું કે ધ્યાન પૂજા કરવાનું કહ્યુંં જ નથી.

વ્યક્તિ – તો વાંધો નહી, મને લાગે છે હું તૈયાર છું.

પ્રતિનિધિ – તો સૌ પ્રથમ તમારા હ્રદય નામની ડ્રાઇવ ખોલો. તમને ખબર છે ને કે આ ડ્રાઇવ તમારી સિસ્ટમમાં ક્યાં આવેલ છે?

વ્યક્તિ – હા હા કેમ નહી. પણ અત્યારે તે ડ્રાઇવમાં બહુ બધા પ્રોગ્રામ એક સાથે ચાલી રહ્યાં છે, તો શું એ ચાલુ હોય ત્યારે આ સોફ્ટવેર ઇનસ્ટોલ થશે?

પ્રતિનિધિ – ઉભા રહો, પહેલા મને એમ કહો કે કયા પ્રોગ્રામ હાલમાં ચાલી રહ્યાંં છે?

વ્યક્તિ – એક મિનિટ, જરા જોઇને કહું.. અત્યારે ભૂતકાળના દુઃખો.exe, અસંતોષ.exe, ક્રોધ.exe અને ઇર્ષા.exe ચાલી રહ્યાં છે.

પ્રતિનિધિ – ઓકે, કંઇ વાંધો નહી. એક વાર પ્રેમ.exe રન થશે ને એટલે ધીરે ધીરે એ ભુતકાળના દુઃખો.exe ને સિસ્ટમમાથી ભૂંસી નાખશે. કદાચ જો તમારી પરમેન્ટ મેમરીમાં આ exe હશે તો નિકળશે નહી પણ પ્રેમના કારણે એ સિસ્ટમમાં વધુ ક્ષતી નહી પંહોચાડે. રહી વાત અસંતોષ.exeની, તો એક વાર પ્રેમ આવશે એટલે એને ઓવરરાઇટ કરી દેશે અને નવી ફાઇલનુ નામ હશે સંતોષ.exe. પણ તમારે ક્રોધ.exe અને ઇર્ષા.exe ને તાત્કાલિક ધોરણે ટર્ન ઓફ કરવા પડશે. જંયા સુધી એ બંધ નહી થાય ત્યાં સુધી પ્રેમ ઇનસ્ટોલ કરવામાં error આવી શકે છે. સૌથી પહેલા તો એને બંધ કરો.

વ્યક્તિ – પણ સાહેબ મને કેમની ખબર કે એમને કેવી રીતે ટર્ન ઓફ કરાય. મે તમને પહેલા જ કહ્યું હતું કે આ બધી બાબતે હું ટેકનીકલ નથી.

પ્રતિનિધિ – કોઇ પ્રોબલેમ નહી સર, હું કહું એમ કરો.. સૌ પહેલા ફરીથી સ્ટાર્ટ મેનુમાં જાવ અને ત્યાં તમને ક્ષમા.exe જોવા મળશે. એને રન કરો. એક વખત રન કરવાથી કશું નહી થાય, વાંરવાર એને રન કરતા રહો જંયા સુધી ક્રોધ.exe અને ઇર્ષા.exe કમ્પ્લીટ રીમૂવ ન થઇ જાય.

વ્યક્તિ – ઓહ.. મે આમ કર્યુ તો ડેસ્કટોપ ઉપર ઓટોમેટીક લવ ડાઉનલોડ થવા માંડ્યુ. શું આ નોર્મલ છે?

પ્રતિનિધિ – હા, એકવાર એ ડાઉનલોડ થઇ જશે એટલે જુઓ, એક મેસેજ તમને મળશે કે પ્રેમને આખી જીંદગી માંટે હ્રદયમાં રાખવો છે? એટલે યસના બટન ઉપર તમારે ક્લિક કરવાનુ, સમજ્યા?

વ્યક્તિ – ઓકે મને લાગે છે કે પ્રેમ ઇન્સ્ટોલ થઇ ગયો.

પ્રતિનિધિ – કોગ્રેચ્યુલેશન્સ સર, પણ મારે તમને એક વાત કહેવી પડશે. આ પ્રેમને વારેઘડીએ અપગ્રેડ કરવો પડશે, અને એને અપગ્રેડ કરવા માંટે તમારે તમારી આસપાસના દરેક લોકોના હ્રદયની રૂટ ડ્રાઈવ સાથે કનેકટ થવું પડશે.

વ્યક્તિ – અરે ઉભા રહો ઉભા રહો..મારામાં Error નો મેસેજ આવ્યો છે

પ્રતિનિધિ – જરાય ગભરાશો નહીં. મને જરા કહેશો કે મેસેજમાંં શું લખ્યું છે?

વ્યક્તિ – એમા લખ્યું છે કે “Error 412. પ્રોગ્રામ ઇન્ટરનલ કોમ્પોન્ટમાં રન થયો નથી.”

પ્રતિનિધિ – અરે સાહેબ નો પ્રોબ્લેમ, એનો મતલબ છે કે પ્રેમ બહારી આવરણમાં દેખાડા માટે જ ઈન્સ્ટોલ થયો છે. હજી ખરા અર્થમાં હ્રદયમાંં નથી થયો. એ માંટે કોઇ બહારના હ્રદયની રૂટ ડ્રાઈવ સાથે કોન્ટેકટ કરતા પહેલા તમારે તમારા હ્રદયમાં પ્રેમ મુકવો પડશે. થોડુ વધારે પડતુ ટેકનિકલ થઇ ગયુ, સાદી ભાષામાં કહું તો તમારે તમારી સિસ્ટમને (જાતને) પહેલા પ્રેમ આપવો પડશે, બીજાને પ્રેમ આપવાની શરૂઆત કરતા પહેલા, જાતને પ્રેમ નહી કરતા હોવ અને બીજાના હ્રદયને એક્સેસ કરવા જશો તો error જ આવશે..

વ્યક્તિ – તો હવે હુંં શુંં કરું?

પ્રતિનિધિ – સર જુઓ, તમારી સિસ્ટમમાં “સ્વયંને ચાહો” નામની ડિરેકટરી છે?

વ્યક્તિ – હા મળી

પ્રતિનિધિ – તેમાંથી માફી.doc, યોગ્યતા.txt અને મર્યાદાસ્વિકાર.pdf ને સિલેક્ટ કરી એને રાઇટ ક્લિક કરીને કોપી કરો, હવે ત્રણેયને “હ્રદય” ડિરેકટરીમાં પેસ્ટ કરી દો. તમરી સિસ્ટમ આપોઆપ જ નકામી ફાઇલોને ઇરેઝ કરશે અથવા તો ઓવરરાઇટ કરી દેશે. જોજો હિનભાવના.exe તમને કંયાય પણ દેખાય તો જોતાવેંત ડિલિટ જ કરી દેજો. સિસ્ટમને સૌથી મોટુ નુકશાન આજ પ્રકારની ફાઇલોથી થાય છે.

અને હા, આ બધું કરવાની સાથે સાથે તમારી રિતભાતની રિસાયકલ બિનને એમ્પટી કરવાનુ ભૂલશો નહી. નહી તો સિસ્ટમમાંથી આ બધું કંમ્પલિટલી ઇરેઝ નહી થાય.

વ્યક્તિ – અરે વાહ .. જુઓ તો ખરા, માંરી હાર્ટ ડ્રાઇવમાં નવી નવી ફાઇલો ડાઉનલોડ થવા માંડી છે. અત્યારે સ્મિત.mpg મારા ડેસ્કટોપ પર ફુલ સ્ક્રિન ચાલી રહ્યુ છે.

પ્રતિનિધિ – ધર્મ ટેકનોલોજિસ પ્રાઇવેટ લિમીટેડ પાસે અમારી ઇશ્વર સત્સંગ ઇલેક્ટ્રીકલ્સે આ પ્રેમ નામનુ સોફટવેર ખાસ તૈયાર કરાવ્યુ છે. એટલે સાહેબ, આટલા વખતે પણ એની ડિમાન્ડ દુનિયામાં સૌથી વધુ છે. એટલે તો અમે એને ફ્રિવેર રાખ્યુ છે. કોઇપણ વ્યક્તિ ધારે ત્યારે ડાઉનલોડ કરી શકે છે. મઝાની વાત એ છે કે નાની, મોટી, નવી, જૂની, ગરીબ, પૈસાદાર એમ બધીજ સિસ્ટમ ઉપર ડાઉનલોડ થઇ શકે છે.

વ્યક્તિ – અરે વાહ

પ્રતિનિધિ – અને એક વાત કહેવાની રહી ગઇ સાહેબ, આજકાલ આ પ્રેમ નામની exe બગાડવા કેટલાય મોટા મોટા વાઇરસ બજારમાં વહેતા થયા છે. એટલે સમયે સમયે માણસાઇના એન્ટિવાઇરસથી સિસ્ટમ સ્કેન કરતા રહેવુ પડશે. એમાં ભૂલ ન થાય એનું ધ્યાન રાખજો.

વ્યક્તિ – નહીં થાય.. થેન્કયુ સાહેબ અને છેલ્લે જતા જતા તમારું નામ તો કહો..

પ્રતિનિધિ – અમારી કંપનીનો નિયમ છે કે અમે કોઇને અમારી ઓળખ સીધી રીતે નથી આપી શકતા સર .. તમે મને સંત કહી શકો, મૌલવી કે ફાધર કહી શકો… ગુરૂ કે શિક્ષકનું નામ પણ આપશો તો ચાલશે. આ શુંં કંંપની પોલીસી છે. બહુ બધા લોકો મથે છે અમને જાણવા, પણ એ માંટે જે કરવુ પડે તે નથી કરતા.

અમે તો માનીએ છીએ કે અમને નહીં ઓળખો તો ચાલશે.. ખાલી અમારી બનાવેલી ટેકનોલોજીને જાણી એનો સાચો ઉપયોગ કરશો એટલે બધું આવી ગયુંં..

– ડૉ. હાર્દિક યાજ્ઞિક

હાર્દિકભાઈ યાજ્ઞિક લાંબા સમય બાદ અક્ષરનાદ પર તેમની કૃતિ સાથે પ્રસ્તુત થયા છે. અને આજનો તેમનો વિષય છે ‘પ્રેમને ઈન્સ્ટોલ કઈ રીતે કરશો?’ આજની યુવાપેઢીને જો તમે ‘પ્રેમ કઈ રીતે કરવો’ એ સમજાવવાનો પ્રયત્ન કરશો તો કોણ સાંભળશે? પણ કોમ્પ્યુટર, સોફ્ટવેર, હાર્ડવેર અને ઈન્ફોર્મેશન ટેકનોલોજીની ભાષામાં આ જ વાત કહેવાનો પ્રયત્ન કરવામાં આવે તો? આવો જ કાંઈક સુંદર અને અનોખો પ્રયત્ન હાર્દિકભાઈએ કર્યો છે. એ જ વાત પણ જુદી રીતે કહેવાય તો કેવી સુંદર કૃતિ સર્જાય તે આ પ્રસ્તુતિ દર્શાવે છે. અક્ષરનાદને આ રચના પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ હાર્દિકભાઈનો ખૂબ આભાર. તો આવો જાણીએ પ્રેમને તમારા હ્રદયમાં ઈન્સ્ટોલ કરવાની ‘સ્ટૅપ બાય સ્ટૅપ’ પદ્ધતિ.

બિલિપત્ર

કરી તો જો….
કોઇકવાર password આપી તો જો
ને કોઇની સામે folders ખોલી તો જો
નહી આવે કોઇ’દી virus તમારામાં
માણસાઇનુ antivirus વાપરી તો જો
લાગણીઓની heartdisk માં segments ઘણા હોય છે
પ્રેમના softwareથી loading આપી તો જો..
ને switch off તો આ system કરવાની જ ન હોય
દરેક હ્રદય માંટે તારી “windows” ખોલી તો જો..

– ડૉ. હાર્દિક યાજ્ઞિક


આપનો પ્રતિભાવ આપો....

20 thoughts on “પ્રેમને ઈન્સ્ટોલ કઈ રીતે કરશો?.. – ડૉ. હાર્દિક યાજ્ઞિક