Monthly Archives: May 2010


વિદાય વેળાએ … – ખલિલ જિબ્રાન (અનુ. કિશોરલાલ મશરૂવાળા) 1

ખલિલ જિબ્રાનના વિશ્વવિખ્યાત પુસ્તક “The Prophet ” નો ગુજરાતી અનુવાદ શ્રી કિશોરલાલ મશરૂવાળાએ “વિદાય વેળાએ…” નામથી કરેલો છે. આ પુસ્તક વિશે જ્યોર્જ રસેલ કહે છે, “મને નથી લાગતું કે રવિન્દ્રનાથ ઠાકુરની ગીતાંજલી પછી પૂર્વમાંથી એવો સુંદર ધ્વનિ નીકળ્યો હોય જેવો – ખલિલ જિબ્રાન – જે ચિત્રકાર તેમજ કવિ છે – તેમના ‘ધ પ્રોફેટ’ માંથી સંભળાય છે. વિચારમાં આના કરતાં વધારે સુંદર પુસ્તક મેં વર્ષોથી જોયું નથી. અને એ વાંચતા સોક્રેટીસે ‘ધ બેંક્વેટ’ માં કહેલું વાક્ય કે – વિચારનું સૌંદર્ય આકૃતિના સૌંદર્ય કરતા વધારે જાદુઈ અસર ઉપજાવે છે – એ મને વધારે સ્પષ્ટપણે સમજાય છે.” આ અનુવાદમાંથી આજે ધર્મ અને પ્રાર્થના વિશેના બે પ્રકરણો અહીં પ્રસ્તુત છે.


અક્ષરના નાદનો ચોથા વર્ષમાં પ્રવેશ…. 6

“અધ્યારૂ નું જગત” થી “અક્ષરનાદ” ….. સફર શરૂ થયે આજે ત્રણ વર્ષ પૂરા થયાં, જો કે પૂરા થયાં એથી વધુ મહત્વનું છે કે એ સફરની ક્ષણેક્ષણ સુગંધી અને આનંદસભર કરતા ગયાં. નવી થીમ સાથે થોડીક જ અદલાબદલી કરી અને અક્ષરનાદને એક નવા સ્વરૂપે મૂકવાની ઈચ્છા પૂરી કરી રહ્યો છું. આ પ્રસંગે થોડુંક મનન અને અંતરદર્શન કરવાની ઈચ્છાનો પડઘો આજે અહીં પ્રસ્તુત કર્યો છે.


મારી દીકરી જ મારી ખુશી … – હિમાંશુ દવે 15

ગુજરાત ના ભાવનગરમાં જન્મેલા હિમાંશુ દવે, ૩૭ વર્ષના અને છેલ્લા ૧૦ વર્ષથી બેંગલોર સ્થાયી થયેલ છે. વ્યવસાયે મિકેનિકલ એન્જિનીયર અને એમ.બી.એ. – ફાઇનાન્સ, અત્યારે બેંગલોરમાં મલ્ટીનેશનલ કંપની માં ઉચ્ચ પદવી ઉપર કાર્યરત છે. ગુજરાતી કવિતા અને સાહિત્ય એ હિમાંશુ માટે શોખ, નિજાનંદ અને લાગણી વ્યક્ત્ત કરવાનુ શ્રેષ્ઠ માધ્યમ છે. ઉપરોક્ત કવિતા, પોતાની ૧૦ વર્ષની દીકરી – ખુશી, કે જે હાલમાં અમેરિકાના વેકેશન પ્રવાસે છે અને તેના જન્મદિવસે, તેની યાદ આવતા, એક પિતાની – દીકરીને આપેલ – જન્મદિવસની ભેંટ છે. તેમની કલમે આવી અનેક રચનાઓ આપણને મળતી રહે તેવી શુભકામનાઓ.


કવિતાની ઓળખ – સ્નેહરશ્મિ (ભાગ ૨) 4

કવિતા અંગેની પ્રાથમિક સમજ શ્રી સ્નેહરશ્મિએ સાતમી શ્રેણીના બાળકોને કેટલી સુંદર રીતે આપી, કવિતાની વ્યાખ્યા કઈ રીતે તેમણે બાળકો પાસે બંધાવી એ આપણે ગઈકાલની રચનામાં જોયું. આજે એનો બીજો ભાગ અહીં છે, વ્યાખ્યાથી આગળ વધીને એક કવિતાના ભાવને આત્મસ્થ કરવાથી લઈને તેના હાર્દને કવિ કઈ રીતે શબ્દસ્થ કરે છે એ આખીય પ્રક્રિયા અહીં ખૂબ સુંદર રીતે સમજાવી છે. બાળપણમાંજ કવિતા વિશે આવું સુંદર અનુભવજ્ઞાન મળી રહે તો એ જ્ઞાનનો પ્રભાવ ખરેખર જ અદકેરો બની રહેવાનો. ઉમાશંકરની કવિતાનું ઉદાહરણ પણ કેવું સરસ ! કવિતા વિશે આનાથી વધુ સમજ કોણ આપી શકે?


કવિતાની ઓળખ – સ્નેહરશ્મિ (ભાગ ૧) 8

ભગવદ્ગોમંડળ મુજબ કવિતા એટલે, “પદબંધ; અમુક નિયમાનુસાર ગોઠવાયેલ અક્ષર અને માત્રા એ બેના નિયમથી થતી રચના; છંદ; વૃત્ત. તેની ત્રણ જાત; ગીતકવિતા, વીરકવિતા અને નાટ્યકવિતા. અંતર્ભાવપ્રેરિત તે જ ખરી કવિતા ગણાય છે.” પરંતુ પ્રસ્તુત અનુભવવાણીમાં સ્નેહરશ્મિ કવિતા એટલે શું ? એ વિશેની એક નોખી, સાહજીક અને બાળમાનસમાં પણ સહેલાઈથી ઉતરી શકે તેવી વ્યાખ્યા બાંધવાનો યત્ન કરે છે. ક્યાંક બાળપણથીજ જો આવા શિક્ષકો મળી જાય તો એ શિક્ષણની મજા અને તેનો પ્રભાવ ખરેખર જ અદકેરો બની રહેવાનો એમાં શંકા હોઈ જ ન શકે. આજે પ્રસ્તુત છે શ્રી સ્નેહરશ્મિના પ્રયોગનો આ પ્રથમ ભાગ


મંદિરનો બંદી – પ્રભાબહેન પંજવાણી 1

પ્રભાબહેન પંજવાણીનો જન્મ ૧૯૧૨માં થયેલો. આઝાદી પછીના સમયમાં તેમના અનેક કાવ્યસંગ્રહો આવ્યાં હતાં. “અર્વાચીન ગુજરાતી કવયિત્રીઓના કાવ્યો” એ પુસ્તકના સંપાદક શ્રી ઉષાબહેન ઉપાધ્યાય તેમના ૨૩ કાવ્યસંગ્રહો નોંધે છે, જે ૧૯૫૧ થી ૧૯૬૬ વચ્ચેના સમયગાળા દરમ્યાન મુખ્યત્વે લખાયેલા છે. શ્રધ્ધાંજલી, પ્રાર્થનાપરાગ, ક્રાતિને પગલે, રણકારો, ગીત-ગુર્જરી, ફૂલ પાંદડી, શીળો સ્પર્શ, કેવડો, ગાંધીરાસ, ઉરસૌરભ વગેરે તેમના કાવ્યસંગ્રહો છે. પ્રસ્તુત ભક્તિરચનામાં કવયિત્રી પ્રભુને ફરીયાદ કરે છે. પ્રભુ હવે ફક્ત મંદિરમાં બંદી બનીને રહી ગયા છે અને માનવજાત પોતાના અનેક દુર્ગુણોની સાથે સ્વાર્થવશ થઈને પ્રભુની સૃષ્ટિમાં નફરત ભરી રહ્યાં છે, એક બીજાનું ખરાબ કરી રહ્યાં છે અને પોતાની ફરજો ભૂલી ગયાં છે. આ બધાં પાપમાંથી પોતાને બચાવવાની પ્રાર્થના તેઓ ભગવાનને કરે છે.


જ્ઞાનનો ઉદય – મહેન્દ્ર નાયક (પુસ્તક ડાઉનલોડ) 2

આપણાં માટે જ્ઞાનના મૂળભૂત સ્ત્રોત વેદો અને પુરાણો જ છે, જે આપણને આપણા પૂર્વજ ઋષિ મુનિઓએ વારસામાં આપ્યો છે. આ ઋષિ મુનિઓ પણ મંત્રદ્રષ્ટા જ કહેવાતા, દ્રષ્ટા એટલા માટે કે એમને આ મંત્રોનું કેવળ દર્શન થતું, જ્ઞાન થતું – એ યુગમાં જ્યારે અક્ષરની ઉત્પત્તિ હજી નહોતી થઈ ત્યારે આ મંત્રો એમને અસ્તિત્વ સાથે અનુસંધાન થતાં કેવળ નાદ કે અવાજ રૂપે જ પ્રાપ્ત થતાં અને એક પેઢીથી બીજી પેઢીને અપાતા. આપણે આજે એને શ્રૃતિ અને સ્મૃતિ સ્વરૂપે ઓળખીએ છીએ. આપણા વેદો, પુરાણો અને ઉપનિષદોમાં સંગ્રહાયેલું આ પાયાનું જ્ઞાન વહેંચવાનો આ એક પ્રયત્ન માત્ર છે, અને કોઈપણ ક્રિયા કે મંત્ર કોઈ એક માનવીનું સર્જન ન હોઈ શકે, એ તો કેવળ એની સમજ મુજબ એને અન્યો સમક્ષ રજુ માત્ર કરે છે. આવાં કેટલાક સુંદર વિચારોને અધ્યાત્મિક રીતે મૂકતું પુસ્તક “જ્ઞાનનો ઉદય” અત્રે મૂક્યું છે. અહીં શ્વાસ વિશે, શરીર અને મન વિશે, વિવિધ શક્તિચક્રો વિશે અને મનની કાર્યપ્રણાલી વિશેના વિચારો આ પુસ્તકમાં આવરી લેવાયાં છે. પ્રસ્તુત પુસ્તક ડાઉનલોડ વિભાગમાં સમાવેશ કરવાની પરવાનગી આપવા બદલ શ્રી મહેન્દ્ર નાયક નો ખૂબ ખૂબ આભાર.


એક નહિં જન્મેલી દીકરીનો મરસિયો – સરૂપ ધ્રુવ (કાવ્ય) 6

એક નહિં જન્મેલી દીકરીનો મરસિયો ‘, શિર્ષકમાં જ કેટલી ધગધગતી વાત સાથે આ રચનાની શરૂઆત કરાઈ છે. અહીં કવયિત્રી ખરેખર તો એક દીકરીનો નહીં જન્મવા પહેલાનો, ગર્ભમાં આવે અને ગર્ભમાં જ મૃત્યુને ભેટે એ દરમ્યાનનો સમયગાળો, એ જીવનકાળ એક પરપોટો લેખીને આખીય રચના પ્રસ્તુત કરે છે. એ જીવને વિશ્વમાં પગ પણ માંડવા નથી મળવાના, જેમ પરપોટાને આયુષ્યની કોઈ બાંહેધરી હોતી નથી તેમ આવી ગર્ભસ્થ પુત્રીની જરૂરત તેની માં ને નથી, તો પિતાને પણ એ ઝાંખપ જેવી લાગે છે, પુત્રી ભ્રૃણહત્યાની આખીય કુપ્રથાને ખૂબ આકરા પ્રહારોથી, જાણે વખોડતી આ રચના અત્યાર સુધીની આવા વિષય પર વાચેલી કોઈ પણ રચના કરતાં સ્પષ્ટ અને ભાવપૂર્વક પોતાની વાત કહી જાય છે. અને એ આકરી રચના બદલ કવયિત્રી ખરેખર ખૂબ અભિનંદનને પાત્ર છે.


અપ્રાપ્ય પુસ્તક (અને માણસ) – ગિરીશ ગણાત્રા 8

ક્યારેક એક નાનકડો પ્રસંગ પણ જીવનભરનું સંભારણું બની રહે છે, એક નાનકડી ઘટના પણ માનસપટ પર તેની અમિટ છાપ છોડી જાય છે. આવી જ કાંઈક વાત અહીં પ્રસ્તુત વાતમાં લેખક કહે છે. એક પુસ્તકની શોધ માટેનો પુસ્તકવિક્રેતાનો પ્રયત્ન અને પુસ્તક મળ્યા પછી તેની સાથે જોડાયેલા સંસ્મરણો લેખક માટે એક આગવો પ્રસંગ બની રહ્યાં એ ઘટનાનું સુંદર આલેખન અત્રે થયું છે. પ્રસ્તુત લેખ ‘પ્રસાર’ ના પુસ્તક ‘વાચન – ૨૦૦૮’ માંથી સાભાર લેવામાં આવ્યો છે.


આણાં – દામોદર બોટાદકર (ગીત) 1

લગ્ન પછી પહેલું આણું વાળીને પિયર જવા તૈયાર દિકરી રાહ જુએ છે કે પિયરથી ભાઈ તેને લેવા ક્યારે આવે. આપણાં લોકજીવનની અને ખાસ તો હજુયે ગ્રામ્યસમાજમાં સચવાઈ રહેલી આણું વાળવાની આ પરંપરા અનેરી છે. લગ્ન થઈ ગયા પછી પ્રથમ વખત પોતાના પિયરે પાછાં જવાનો ઉત્સાહ સમાતો નથી એવામાં ભાઈને આવવામાં સહેજ મોડું થાય તો અનેક વિચારો તેના મનને ઘેરી વળે છે, અને અંતે ભાઈ આવે ત્યારે તેની સાથે પિયરની બધી યાદોને ફરી જીવવા તે નીકળે છે એમ દર્શાવતું આ ગીત ખરેખર એક લોકગીતનો હોદ્દો ભોગવે છે. કવિ શ્રી બોટાદકરનું આ ગીત તેમના ગીતોનું સંપાદન એવા મધુરૂ માંગલ્ય માંથી સાભાર લેવામાં આવ્યું છે.


દર્પણ – મીનળ દીક્ષિત (ટૂંકી વાર્તા) 4

પ્રસ્તુત ટૂંકી વાર્તા સંબંધોના અનોખા જાળાને વર્ણવે છે. ખૂબ જ સહજ પરંતુ સરસ બોધ સરળ રીતે આપતી વાત અહીં થઈ છે. એક દીકરીની ગૃહલક્ષ્મી બનવાની સફર અને સાસરા પ્રત્યે તેની ફરજોનું સાચું ભાન તેને કઈ રીતે થાય છે એવી વાત ખૂબ માર્મિક રીતે વર્ણવતી આ સુંદર વાર્તા શ્રી મીનળ દીક્ષિતની રચના છે અને જનકલ્યાણ સામયિકના એપ્રિલ ૨૦૦૮ ના અંક માંથી સાભાર લેવામાં આવી છે.


શબ્દનું સામર્થ્ય – જીજ્ઞેશ ચાવડા (ચિંતનાત્મક લેખ) 12

આપણે રોજબરોજના જીવનમાં અસંખ્ય શબ્દો સાંભળીએ છીએ. પણ એમાંથી કેટલા શબ્દો ખરેખર સાંભળીએ છીએ એમ કહી શકાય? સાંભળેલા બધાંય શબ્દો કાંઈ ઉપયોગી કે જીવન પરિવર્તન કરી શકે એવા હોતા નથી. પણ એ અનેક શબ્દોના મહાસાગરમાં કાંઈક એવા મોતી તો હોય જ છે જે જીવનની દિશા બદલી શકે. કહે છે કે જ્યાં સુધી શબ્દરૂપી હથોડીની ચોટ આપણા મન પર નથી લાગતી ત્યાં સુધી તેની કોઈ અસર આપણા વર્તન પર કે વિચારો પર થતી નથી. શબ્દોના સામર્થ્યને દર્શાવતા આવા જ વિચારો સાથેનો શ્રી જીજ્ઞેશ ચાવડાનો આ ચિંતનાત્મક લેખ મનનીય છે.


અમે અમારી કબર….. – દક્ષા દેસાઈ (અછાંદસ) 3

માણસ જીવનની બધી તૈયારીઓ કરે છે, જીવવા માટેની બધી જ સુખ સગવડોની, સાધનોની, ઐશ અને આરામની તેઓ વ્યવસ્થા કરી રાખે છે પરંતુ જીવન પછીના સફરની તે કોઈ તૈયારી કરતો નથી. પ્રસ્તુત અછાંદસ ક્યાંક આ વાતની જ મજાક ઉડાવે છે. મૃત્યુ પછીની તૈયારીઓ એટલે સાધન સગવડોની તૈયારી કરવાની વાત કરીને કવયિત્રીએ અહીઁ આપણી સમજની નિષ્ફળતા દર્શાવી છે. માણસ પોતાની ભૌતિક સગવડોથી જીવન પછીની સફર પણ તોળવાનો યત્ન કરે છે, જે વ્યર્થ છે એમ સમજાવવાનો અહીં પ્રયત્ન છે.


(ગુજરાતી ઉચ્ચારોમાં) શુદ્ધ શું ? અશુદ્ધ શું? – ચુનીલાલ મડિયા (હાસ્યનિબંધ) 9

ગુજરાતી ભાષાના ઉચ્ચારો અને તેમાંની અશુદ્ધિઓ વિશે માર્મિક ભાષામાં હાસ્યરસની સાથે તાર્કિક દલીલો સાથે અને ચોટદાર ઉદાહરણો સહિત આ લેખ આપણી ભાષા શુદ્ધિ વિશેની વાતોની ઠેકડી ઉડાડે છે. બહુ વખત પહેલા અક્ષરનાદ પર ડો. શ્યામલ મુન્શીની ‘ ળ ને બદલે ર ‘ એ રચના મૂકેલી એ પછી આ બીજી એ જ પ્રકારની રચના છે, જો કે એ પદ્ય રચના હતી તો આ હાસ્યનિબંધ છે, પરંતુ અહીં ભાષા શાસ્ત્રીઓને દર્પણ દેખાડવાનો પ્રયત્ન છે.

પ્રાંતભાષાઓનું અને એક જ ભાષાના શબ્દોના વૈવિધ્યપૂર્ણ ઉચ્ચારોનું પોતાનું એક સાર્વભૌમત્વ સ્થપાઈ રહ્યું છે ત્યારે સાહિત્યના ક્ષેત્રમાં, લેખનમાં શુધ્ધિકરણ અનિવાર્ય છે જ પરંતુ તેની અતિશયોક્તિ અથવા ઉચ્ચારશુદ્ધિનું તીવ્ર સભાનપણું હાસ્યાસ્પદ સ્થિતિઓ તરફ ન લઈ જાય એ પણ જોવું રહ્યું એમ દર્શાવતો શ્રી ચુનીલાલ મડિયાનો આ હાસ્યનિબંધ ખરેખર માણવાલાયક છે.


સાયર હુંદા સૂર ! અને પૂરાં પરમાણ – સંત મેકરણ 1

મેકરણ, કચ્છના સુપ્રસિધ્ધ સંતકવિ, કાપડી સાધુ. જન્મસ્થળ અને વતન કચ્છ ખોંભડી, સમય ઈ.સ. ૧૬૭૦ – ૧૭૩૦. આરંભ અંતના બાર બાર વરસ (એક એક તપ) કચ્છમાં, વચ્ચેના ત્રણ તપ હિમાલય, સૌરાષ્ટ્રમાં પરબવાવડી અને બિલખા પાસે રામનાથ ટેકરો, ત્યાં તેમની સિધ્ધશીલા આવેલી છે. હિન્દુ મુસ્લિમ બન્નેને સાચી વાત કહેનાર સમદ્રષ્ટા સિધ્ધપુરૂષ. તેમની મુખ્ય રચનાઓ કચ્છીમાં છે. તેમની જીવંત સમાધી ધ્રંગ – કચ્છમાં છે. આજે પ્રસ્તુત છે તેમની બે રચનાઓ.


ડૂબેલા સૂરજનું અજવાળું – સ્વ. શ્રી જાતુષ શેઠ નો અક્ષરદેહ 2

વડોદરાની મ. સ. યુનિ. માંથી ન્યુક્લીયર ફિઝિક્સ વિષયમાં ગોલ્ડ મેડલ, પૂનાની ઈન્ટર યુનિ. સેન્ટર ઓફ એસ્ટ્રો ફિઝિક્સમાંથી મરણોત્તર પી. એચ ડી., જર્મનીના મેક્સ પ્લાન્ક ઈન્સ્ટિટ્યૂટ ફોર ફેલોશિપ માટે આખા વિશ્વના દોઢસો ઉમેદવારોમાંથી પસંદગી પામનાર એક માત્ર ઉમેદવાર, કોસ્મોલોજીના ક્ષેત્રે ડો. જયંત નારલીકર જેવા પ્રતિભાશાળી વૈજ્ઞાનિકના શિષ્ય એવા શ્રી જાતુષ શેઠ જર્મનીની મેક્સ પ્લાન્ક યુનિવર્સિટીમાંથી સંશોધનકાર્યના પ્રારંભના દોઢેક માસ પછી સાપ્તાહિક રજાઓ ગાળવા ઈટાલીના પ્રવાસે જતા અકસ્માત મૃત્યુને ભેટ્યા. તેમના મૃત્યુના પાંચ વર્ષ પછી તેમણે મિત્રોને, સ્નેહીઓને લખેલાં પત્રો, તેમની ડાયરીના અંશો વગેરેનું સુંદર સંકલન કરી તેમના પિતા અને ભાઈએ પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કર્યું. આ પત્રો કે વિચારોનો સંચય સ્પષ્ટ રીતે તેમની અધ્યાત્મ દ્રષ્ટિ, મનનાં ઉર્ધ્વગામી વિચારો અને લોકોને મદદરૂપ થવાની તેમની ભાવનાનો સુંદર પડઘો પડે છે. આ જ પુસ્તકમાંથી તેમની ડાયરીના અંશો માંથી બે અંકો અત્રે પ્રસ્તુત છે.


શબરીએ બોર કદી ચાખ્યા’તા ક્યાં ? – વિશનજી નાગડા (કાવ્ય) 8

રામને માટે જીવનભર રાહ જોનારી ભીલડી એટલે ‘શબરી’. શ્રધ્ધા અને ભક્તિ બંને છેક સુધી તરસાવે અને અંતે મુક્તિના મધુર રસનું અમૃતપાન કરાવે એનું શ્રેષ્ઠ ઉદાહરણ, પરંતુ પ્રસ્તુત ભાવગીતમાં વાત કાંઈક અલગ છે. ક્રિયાત્મક તથ્યોથી અલગ કવિને ઘટનાઓમાં કાંઈક ભાવાત્મક ઊંડાણ દેખાય છે. એ બોર ચૂંટતા શબરીના હાથના ટેરવે નીકળેલા લોહીને લીધે બોરનો લાલ રંગ હોય કે રામ રામ બોલીને થાકેલી એની જીભ, કવિનું મનોવિશ્વ એની સાબિતિ પોતે જ આપે છે. ખૂબ ભાવસભર અને સુંદર રીતે ગાઈ શકાય એવા આ ગીતને અંતે એટલું તો કહેવું જ જોઈએ, ” ઘૂંટવી છે જીંદગીને એટલી, જેટલી કડવાશ પામે, એટલી મીઠાસ દે “


Pirated Software જેવી જીંદગી – જીજ્ઞેશ અધ્યારૂ 13

જીવનને કોમ્પ્યુટર સિસ્ટમ સાથે સરખાવતાં આવું વિચારાઈ ગયું, કેટકેટલી વાતો સરખી ને તોય કેટલી અલગ? કી બોર્ડ જે છાપે એ સ્ક્રીન બતાવે, પણ મનના કી બોર્ડ અને આપણા ચહેરાના સ્ક્રીનનું શું? કેટલાક તો એક સાથે બે ત્રણ જીંદગી જીવી શકે છે, મહોરામાં જીવી શકે છે. કોમ્પ્યુટર માં જેમ My Computer, My Documents એમ જીવનમાંય મારું ઘર, મારા મિત્રો, મારા પૈસા……. પણ એ ક્યાં સુધી? બીજાની માન્યતાઓ અને ઈચ્છાઓ પર જીવતા આપણે કોઈકના બનાવેલા નિયમો પર જીવીએ છીએ તો આપણે Pirated Software જેવા નથી શું? આવી ઘણી વિચારધારાઓને અહીં વહેવા દીધી છે ને રહેવા દીધી છે…..


નહીં માફ નીચું નિશાન – ઈશ્વર પરમાર 4

જીવન વ્યવહાર ચલાવવા માટે કંઈ ને કંઈ લક્ષ્ય નજર સમક્ષ રાખવાનું થાય ત્યારે, નિષ્ફળ જવાનો ભય ન રહે તે અનુભવીએ છીએ ! આપણને એ ખ્યાલ નથી રહેતો કે આપણે મેળવી તેથી અનેકગણી સિધ્ધિ મેળવી શકવાની ક્ષમતા આપણે ધરાવતા હોઈએ છીએ. વ્યક્તિ પોતાનું લક્ષ્ય ઉંચુ રાખી, સંકલ્પ પૂર્વક વિચારે તો અનેક સિધ્ધિઓ હાસલ કરી શકે. આ લેખના લેખક પોતે જ આવી સિધ્ધિઓ મેળવનાર એક સફળ પ્રશિક્ષક છે. આવો સુંદર અને પ્રેરણાદાયક લેખ માણવો એ એક લહાવો છે. અક્ષરનાદને આ કૃતિ પ્રસિધ્ધ કરવાની પરવાનગી આપવા બદલ શ્રી ઈશ્વરભાઈ પરમાર (દ્વારકા) નો ખૂબ ખૂબ આભાર. આ લેખ સમણું સામયિકના જૂન ૨૦૦૮ ના અંકમાંથી સાભાર લેવામાં આવ્યો છે.


We shall overcome થી હમ હોંગે કામિયાબ – મહેન્દ્ર મેઘાણી 2

ભારતમાં આ ગીત પહેલવહેલું ગવાયું ૧૯૬૩ માં, કલકત્તાના પાર્ક સરકસ મેદાનમાં. એક અમેરિકન લોકગાયકે એ ગીત ગાયું અને ૨૦,૦૦૦ ની મેદનીએ તે સમૂહમાં ઝીલ્યું. પછી તો ગીતને પાંખો ફૂટી અને તે દેશભરમાં ફેલાઈ ગયું. એ ગીતના ગાનાર હતા પીટર સીગર. આજે પ્રસ્તુત છે એ પ્રેરણાદાયિ વ્યક્તિત્વ વિશે થોડીક ઓછી જાણીતી માહિતિ અને અંતે ગીત તો ખરું જ.


તમારે લગ્ન કરવા છે? શરતો અને પૂર્વધારણાઓ … – જીજ્ઞેશ અધ્યારૂ 10

શ્રી સુરેશ દલાલની ક્ષમાયાચના સાથે તેમની ખૂબજ સુંદર રચના “તમને તારાઓની બારાખડી ઉકેલતાં આવડે છે ?” નું પ્રતિકાવ્ય બનાવવાનો પ્રયત્ન કર્યો છે.

અમારા સહકાર્યકર અને મિત્ર અને વ્યવસાયે સિવિલ ઇજનેર શ્રી ભરત માલાણીના શુભલગ્ન પ્રસંગે તેમને આ રચના સપ્રેમ પ્રસ્તુત કરી છે. પ્રભુ તેમના સહજીવનને આનંદ-ઉલ્લાસભર્યું, સફળ અને સુખદ બનાવે તેવી પ્રાર્થના. જો કે મિત્રોને લગ્નપ્રસંગે આવા કાવ્યો આપવા એવી કોઈ પ્રથા પાડી નથી પરંતુ એક મિત્રના લગ્નપ્રસંગે લખેલી રચના તારા Marriage થઇ જશે પછી આ બીજી એવી જ રચના થઈ છે.


પ્રેરક પ્રસંગો – સંકલિત 16

પ્રેરક પ્રસંગો એ નાનકડી ખાટી મીઠી ગોળી જેવા છે, પ્રસંગની સાથે તેની પાછળનો અર્થ સમજવાનો આનંદ એ સ્વાદમાં અનેકગણો વધારો કરી જાય છે. ક્યારેક સમય મળે, મન નવરાશમાં હોય ત્યારે આવા પ્રસંગોનું વાંચન અને મનન તથા એ પ્રસંગો વડે પ્રસ્તુત થતો તેમની પાછળનો ભાવ, ભાવક માટે એક આગવો અનુભવ આપનારી સ્થિતિ બની રહે છે. આ સાતેય પ્રસંગોની પોતાની આગવી વાત છે અને સ્પષ્ટ સંદેશ પણ છે.


તમને દીકરીના પપ્પા થવાનું ગમે? – જીજ્ઞેશ અધ્યારૂ 25

દીકરી વગરનું જીવન એટલે ધબકાર વગરનું હૈયું. દીકરી હોય અને તેનાથી થોડાક દિવસ પણ દૂર રહેવું પડે તો જાણે જીવનની સૌથી મોટી સજા મળી હોય એમ લાગે. ક્યાંક દૂર રહેલી દીકરી શું કરતી હશે, મારા વગર કેમ રહેતી હશે એવા વિચારે પિતાનું હૈયું વ્યાકુળ થઈ જાય છે. અને એ જ દીકરીને વળાવ્યા પછી તો વાત જ ન પૂછશો. પિતા અને દીકરીની વચ્ચે એક અલગ જ સંબંધ હોય છે. પ્રસ્તુત રચનામાં એ જ સમાવવાનો પ્રયત્ન કર્યો છે. મારી પુત્રી વિશે હું તો આવું જ અનુભવું છું. આશા છે દરેક પિતાને પણ આવી લાગણીઓ જ થતી હશે. તમને દીકરીના પિતા થવાનું ગમે એ સવાલ છે એક પિતાનો સમાજના એવા બધાંય લોકોને જેઓ આજે પણ પુત્રઝંખનામાં ઘેલા છે.


દલિતોના બેલી – દાન વાઘેલા 4

ભાવનગરના શ્રી દાન વાઘેલાની રચનાઓ ઘણાં પ્રતિષ્ઠિત સામયિકોમાં સમયાંતરે માણવા મળતી રહે છે, અને પ્રથમદર્શી રીતે તેઓ પ્રેમીઓના કવિ જણાય છે, પણ ના ! પ્રસ્તુત દલિત કાવ્ય તેમની દલિતોની, વંચિતોની વેદનાને વાચા આપવાની હથોટીનો સબળ અને સક્ષમ પુરાવો છે. આપણી ભાષામાં આ પ્રકારની રચનાઓની ચર્ચા જવલ્લે જ થાય છે, અને એથીય ઓછું તેમને માણવાનું, એમાંય કરકસર કરાય છે. પરંતુ દલિત સાહિત્ય એક વિશાળ વિસ્તૃત રચનાકારોનું વૃત્ત છે, અને એટલે વંચિતો અને સમાજના આ મહત્વના પણ ઉપેક્ષિત વર્ગની વાતો વ્યક્ત કરતી રચનાઓની અગત્યતા સમજવી જરૂરી છે.


મૃત્યુ – જયન્ત પાઠક 5

મૃત્યુ વિશે શ્રી જયંત પાઠકની ઉપરોક્ત રચના ઘણુંય અર્થગંભીર કહી જાય છે, કાંઈક એવું જે સમજવા થોડુંકં આંતરદર્શન કરવું પડે, તે મૃત્યુને કાચબો કહે છે, મધમાખી કહે છે, ઈંડુ કહે છે અને એ બધાંયના સ્પષ્ટીકરણ પણ તેમની આગવી છટામાં આપે છે. જીવનની ઘણી તારીખો, ક્ષણો આખાય જીવનની દિશા બદલી દેતી હોય છે. આવીજ એક ખૂબ જ કપરી ક્ષણ અમારા પરિવારને તા. ૧૦ એપ્રિલ ૨૦૧૦ના દિવસે ધ્રુજાવી ગઈ. મારા પત્નિ પ્રતિભા અધ્યારૂના પિતાજીનું અવસાન થયું. મહુવાથી મુંબઈનો એ રસ્તો, એ સફર જીવનનો સૌથી અઘરો પંથ હતો, કોઈક આપણી આસપાસ સત્તત વહાલનો વરસાદ હોય, છત્રછાયારૂપ હોય, અને અચાનક જતા રહે, વહાલથી હસતા, હસાવતા, સદાય વાતાવરણને જીવંતતાથી ભરી દેનારા જ્યારે સાવ અચાનક મૂંગા થઈ જાય ત્યારે એ મૌનને પચાવવું અઘરું હોય છે. કોઈકની ગેરહાજરી જ આપણને એ અહેસાસ કરાવી જાય કે તેમના વગરના જીવનનો વિચાર પણ નહોતો ત્યારે એવું જીવન જીવવાનું આવ્યું. થાય કે કાશ ! ભગવાન વીતેલો સમય, થોડોક સમય ફરીથી જીવવા આપે…..