મગજ, સમય અને પૈસાનો બગાડ એવી ૨૦૦૭ની જય અશૅરની આ જ નામવાળી નવલકથા પરથી બનેલી નેટફ્લિક્સની અમેરીકન ટેલીવિઝન શ્રેણી 13 Reasons why આત્મહત્યાને યથાર્થ ઠેરવી એ માટેના ક્ષુલ્લક કારણો વિશે વિગતે વાત કરતી, હાઈસ્કૂલના વિદ્યાર્થીઓનું સામાજીક જીવન, મિત્રતા, સ્વાર્થ, અભિમાન અને ઘેલછાઓને દર્શાવવાનો ભયાનક નિષ્ફળ પ્રયત્ન છે.
વાતના મૂળમાં છે ૧૭ વર્ષની હેન્ના બેકર નામની એક છોકરી જે હાઈસ્કૂલમાં ભણે છે, પહેલા જ હપ્તામાં દેખાડાયું છે કે હેન્નાએ આત્મહત્યા કરી છે, તેના વર્ગમાં જ ભણતો ક્લે જેન્સન હેન્નાનો મિત્ર હતો, તેને ઘરે એક પાર્સલ મળે છે, જેમાં કુલ ૭ કેસેટ્સ છે. ક્લે એ કેસેટને સાંભળવાનું શરૂ કરે એટલે એ ચોંકી જાય છે, કારણકે તેમાં હેન્નાનો અવાજ છે. હેન્ના કહે છે કે તેણે આત્મહત્યા કરવી પડી એના ૧૩ કારણો છે, એના વર્ગના કે શાળાના એવા ૧૩ જણની વાત આ કેસેટ્સમાં એણે કરી છે, અને એ ૧૩માં ક્યાંક ક્લે પોતે પણ છે. હેન્ના પહેલા વ્યક્તિ વિશે વાત કરે એની સાથે સાથે ક્લેને એ સ્થળો જ્યાં હેન્નાને નાસીપાસ કરે એવી ઘટનાઓ બની ત્યાં જવાનું પણ કહે છે…