ભાષાના પ્રશ્નો, લિપિના પ્રશ્નો – કિશોરલાલ મશરૂવાળા 4
આર્થિક, સામાજિક, સાહિત્યિક, કળાત્મક, સાંસ્કારિક વગેરે જીવનની કોઈ પણ બાજુ આપણે તપાસીશું તો આપણો આ સ્વભાવ દેખાઈ આવશે. તે પૈકી આ પ્રકરણમાં ભાષાનો પ્રશ્ન વિચારવો છે. આપણી હાલની પ્રાન્તીય ભાષાઓ બહુ મોટે ભાગે સંસ્કૃત ભાષાનું ખાતર ચૂસીને ઊછરેલી વિવિધ વેલીઓ છે એમાં શંકા નથી. પણ સંસ્કૃત ખાતરનો ભાગ બહુ મોટો હોય તોય તેમાં બીજી ભાષાનાં ખાતરોપણ છે જ. સાચી વાતતો એ છે કે આપણી પ્રચલિત ભાષાઓ સંસ્કૃત + સ્થાનિક તેમ જ પુરાણી કે નવી આવેલી પ્રજાઓની ભાષાઓથી સરી પેઠે મિશ્રિત છે. ભાષા કરતાંયે લિપિ વધારે બાહ્ય વસ્તુ છે. ભાષાને લખાણમાં પ્રગટ કરવાનું એ સાધન છે. એને લખનારા કે બોલનારાની ન્યાત, જાત, ધર્મ, પ્રાન્ત, રાષ્ટ્ર વગેરે સાથે સંબંધ નથી.