ટ્વિટરના કેટલાક ઉપયોગી બોટ્સ – જિજ્ઞેશ અધ્યારૂ


ટ્વિટર બોટ એ વિશેષ કામ માટે બનવાયેલો નાનકડો સોફ્ટવેર પ્રોગ્રામ છે. તમે એ ટ્વિટર હેન્ડલને ટેગ કરો તો એ તમને અપેક્ષિત કામ કરી આપે છે. જાણીએ એવા જ કેટલાક ઉપયોગી બોટ્સ વિશે!

આજકાલ ટ્વિટરનો વપરાશ અત્યંત વધ્યો છે. માહિતીના સ્ત્રોત તરીકે ટ્વિટર અનેકોના મોબાઇલમાં હાજર છે, તો અનેકવિધ લોકોના વિચારો જાણવા, એનું સમર્થન કે વિરોધ કરવા, પોતાનો મત વ્યક્ત કરવા ટ્વિટર ખૂબ અગત્યનું સોશિયલ મીડિયા બનીને ઉભર્યું છે. અને એના વિકાસની સાથે અનેક સુવિધાઓ પણ વિકસી છે જે રોજબરોજના જીવનમાં ટ્વિટરને ઉપયોગી બનાવવામાં મદદ કારે છે.

કેટલાક ઉપયોગી ટ્વિટર બોટ્સ વિશે આજે વાત કરવી છે પણ એ પહેલા ટ્વિટર બોટ એટલે શું એ સમજીએ. ટ્વિટર બોટ એ કોઈ વિશેષ હેતુ માટે બનવાયેલો નાનકડો સોફ્ટવેર પ્રોગ્રામ છે જેની સાથે ટ્વિટર ખાતું જોડાયેલું હોય છે. અહી કોઈ માણસ નહીં પણ એક સોફ્ટવેર પ્રોગ્રામ કામ કરે છે.  જરૂરત અનુસાર તમે એ ટ્વિટર હેન્ડલને ટેગ કરો તો એ તમને અપેક્ષિત કામ કરી આપે છે. બોટ સોફ્ટવેર પડદા પાછળ તમને જોઈતી માહિતી પ્રોસેસ કરીને આપે છે અથવા તમે કહો એ મુજબનું કામ કરી આપે છે. દરેક બોટનો હેતુ નિશ્ચિત હોય છે અને એ એટલું જ કામ કરી શકે છે. આવા સોફ્ટવેર ઘણી વાર અત્યંત ઉપયોગી થઈ પડે છે. સાવ સામાન્ય ઉદાહરણ જોઈએ તો પંદર વીસ ટ્વિટના કોઈક થ્રેડને તમારે પીડીએફ તરીકે સેવ કરવો હોય તો ટ્વિટર બોટની મદદથી સરળતાથી એ કરી શકો. આજે આવા જ કેટલાક વિશેષ ટ્વિટર બોટ વિષે જાણીએ અને એમની ઉપયોગિતા સમજીએ.

@threadreaderapp

અગાઉના ફકરામાં વાત કરી એમ એક પછી એક અનેક ટ્વિટ ધરાવતા કોઈક ઉપયોગી અને લાંબા ટ્વિટર થ્રેડને પીડીએફ તરીકે તમારા કોમ્પ્યુટર કે મોબાઈલ માં સેવ કરવા એ થ્રેડ પછી @threadreaderapp અને એ પછી unroll શબ્દ લખવાથી આ નાનકડો સોફ્ટવેર પ્રોગ્રામ એના જવાબ રૂપે ટ્વિટમાંજ તમને એક લિન્ક આપશે જેના પર ક્લિક કરી એ આખો થ્રેડ બ્લોગ સ્વરૂપે પીડીએફ તરીકે સેવ કરી શકો છો. માહિતીપ્રદ એવા અનેક થ્રેડ હું આ સુવિધાની મદદથી સરળતાથી સાચવું છું. અત્યંત ઉપયોગી અને તરત જ જવાબ આપતો આ સોફ્ટવેર પ્રોગ્રામનો હજારો ટ્વિટર વપરાશકારો ઉપયોગ કરે છે.

@Downloaderbot

કોઈએ ટ્વિટ કરેલ વિડીયો કે જીઆઈએફ તમારે સેવ કરવા હોય કે તેમણે વ્હોટ્સએપમાં વહેચવા ડાઉનલોડ કરવા હોય તો આ બંને બોટ ખૂબ ઉપયોગી છે. જે ટ્વિટમાં તમને ગમતો કે ઉપયોગી વિડીયો હોય તેની નીચે જવાબમાં @Downloaderbot લખવાથી એના જવાબમાં એ ટ્વિટમાં રહેલા વિડિયોને ડાઉનલોડ કરવાની લિન્ક મળશે. એ લિન્ક પર ક્લિક કરવાથી વિડીયો તરત ડાઉનલોડ થઈ શકશે. જો કે ટ્વિટર આવા વિડીયો ડાઉનલોડ કરતાં બોટને ઘણી વાર બ્લોક કરી દે છે એટલે આના વિકલ્પો તરીકે @this_vid @savevidbot @Getvideobot અથવા @Get_this_v વગેરે બોટ્સનો પણ ઉપયોગ કરી શકો છો.

@colorize_bot

છેલ્લા થોડા સમયમાં એ.આઈની બોલબાલા ખૂબ વધી છે. એવામાં એ.આઈની મદદથી તમારા બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોને રંગીન કરી આપતો આ એ.આઈ બોટ ખૂબ ઉપયોગી છે. તમારા જે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોને રંગીન કરવો હોય તેને ટ્વિટમાં મૂકી આ બોટને તેમ ટેગ કરવાથી જવાબમાં એ ફોટોને રંગીન બનાવી આપશે. અથવા બીજા કોઈના ટ્વિટમાં જો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો હોય અને તમારે તેને રંગીન કરવો હોય તો એ ટ્વિટના જવાબમાં આ બોટને મેન્શન કરવાથી એ તરત જે તે ચિત્રને કે ફોટાને રંગીન કરી આપે છે. એનું પરિણામ મહદઅંશે સંતોષકારક મળ્યું છે. બોટ જે રંગીન ઇમેજ આપે તેને તમે ડાઉનલોડ કરી સાચવી શકો છો.

@MakeItAQuote

સરસ મજાનું અને ઉપયોગી સાધન છે મેક ઇટ અ ક્વોટ. ઘણી વાર એમ થાય કે કોઈકનું ટ્વિટ એટલું સરસ છે કે એને ઇમેજ તરીકે સાચવી લઈએ. કોઈએ ટ્વિટ કરેલું વાક્ય મનને સ્પર્શી જાય કે ખૂબ ગમી જાય ત્યારે આ બોટ કામ લાગે છે. જે ટ્વિટ તમને ગમી ગયું હોય તેના જવાબમાં આ @MakeItAQuote ને મેન્શન કરો. જે તે ટ્વિટને એ ક્વોટ તરીકે ઇમેજ બનાવીને તમને આપશે. ટ્વિટ કરનારનો પ્રોફાઇલ ફોટો પણ એ ઈમેજમાં સાથે આવશે અને સર્જક તરીકે તેમનું ટ્વિટર નામ પણ આવશે. આ બોટ ખૂબ મજાની ઇમેજ બનાવી આપે છે. જો કે આ સુવિધાના ઉપયોગ માટે તમે તેને ટ્વિટર પર ફૉલો કરતાં હોવા જરૂરી છે.

તમે કયો ટ્વિટર બોટ ઉપયોગમાં લો છો એ ચોક્કસ જણાવજો! સોશિયલ મીડિયાના આવા જ વધુ ઉપયોગી સાધનો વિષે વાત કરતાં રહીશું!

ઈન્ટરનેટ વિશેના આવા જ વધુ લેખ વાંચવા ક્લિક કરો અક્ષરનાદ પર Know More ઇન્ટરનેટ શ્રેણી!

આપનો પ્રતિભાવ આપો....