મારી દીવાનગી
મારી દીવાનગીની ચર્ચા બધે થવાની,
કારણ તરીકે તું પણ મશહૂર થઈ જવાની.
સ્મરણો ને સાંજ સાથે હું સૂર્ય જેમ સળગું,
પ્રાચી બની પ્રશંશા તો તું જ પામવાની.
તારી હરેક પળમાં મારી જુએ નિશાની,
તો વાત યાદ કરજે સુગંધ ને હવાની.
સાગર બની હું ખળભળું ને બર્ફ જેમ પીગળું,
ત્યારે જ તું સરિતા સુજલામ લાગવાની.
મારી કથા વચાળે વિરામચિન્હ માફક,
પ્રત્યેક વાક્યમાં તું બસ તું જ આવવાની.
હું ઝરુખો !
રાતરાણી સુગંધ લાવે છે
એમ તું આસપાસ આવે છે.
હું ઉઝરડાતો જાઉં છું ને તું,
ચાંદનીનો મલમ લગાવે છે.
નામ મારું હવે છે ખાલીપો,
ઝાંઝરી તું જ રણઝણાવે છે.
ઝાંઝવાએ મને ઘણો ઘેર્યો,
તું તમસની નદી વહાવે છે.
શ્વાસને સાંધવા પડે કાયમ,
અવનવાં સ્વપ્ન તું સજાવે છે.
હું ઝરૂખો હવડ હવેલીનો
કાંગરે તું કળશ મૂકાવે છે.
સાવ જર્જર કિતાબ જેવો છું,
લાભ ને શુભ તું લખાવે છે.
– વિજયભાઈ રાજ્યગુરુ
( વિજયભાઈ રવિશંકર રાજ્યગુરુ સિહોરની મુની હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે, પરંતુ તેથી સવિશેષ તો તેઓ એક કવિ, લેખક અને સારા રચનાકાર તરીકેનો કાર્યભાર ખૂબ ખંતથી અને નિષ્ઠાથી નિભાવી રહ્યા છે. તેમના પ્રકાશિત સંગ્રહો “ચાલ પલળીએ!” (૨૦૦૦), “તું બરફની મીણબત્તી” (૨૦૦૩) અને “રૂપેરી વાળ” (૨૦૦૫) તેમની સક્ષમતાઓનો પરિચય સુપેરે આપી જાય છે અને ત્રણેય પ્રકાશનો ખૂબ સુંદર રચનાઓનો ભંડાર છે. આજે મૂકેલી ગઝલો તેમના સંગ્રહ “અવઢવ” (૨૦૦૫ માં પ્રકાશિત) માંથી લેવામાં આવી છે. આ ગઝલો અધ્યારૂ નું જગતને સ્નેહ અઠવાડીયા માટે પ્રસિધ્ધ કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્ત કરવા માટે નું તેમનું સરનામુ છે રવિ મંગલ પ્રકાશન, ૪૦, ગૌતમેશ્વર નગર, રાજકોટ રોડ, પુલ પાસે, સિહોર, જીલ્લો ભાવનગર, પીન ૩૬૪ ૨૪૦, ફોન ૦૨૪૮૬-૨૩૧૭૭૦. )
5 Star
Banne Gazal Khub j gami,
ghana samay pahela gadhda ma yojayel ek Kavi sammelan mathi ratre pa6a farti vakhte Shri Vijaybhai sathe mulakat thayeli, temne anek rachnao sambhdavi hati, jemanin ek mane haju pan yaad rahi 6e..
‘taru naam lakhu lakhu ne bhusi nakhe, aa dariyo bahu irshalu 6e.’ ..
aaje fari thi e prasang tajo thai gayo,
aabhar jigneshbhai.
બંન્ને ગઝલો ગમી.