ભૂતળ પ્રેમ પદારથ … – જીગ્નેશ અધ્યારૂ 7


પ્રેમ એટલે શું એ વિશે અઢળક લખાયું છે, લખાય છે અને લખાતું રહેશે. એ એક સદાબહાર વિષય છે, એક અનુભૂતી છે જે શબ્દોના માધ્યમથી વર્ણવવાનો પ્રયત્ન કદાચ સદાય ઓછો જ પડવાનો. એ અનુભવવાની લાગણી છે, અભિવ્યક્તિની મૂંઝવણ છે. પ્રેમ વિશેની કોઇ પણ વાત કરવા શબ્દો પાસેથી કામ લેવું કેટલું કઠણ થઇ પડે? શબ્દની શક્તિ બ્રહ્મ જેવી છે તો પણ પ્રેમને સમજવા શબ્દ કરતા મૌન વધુ સમર્થ સાબિત થયું છે., છતાંય પ્રેમને અભિવ્યક્ત કરવાની જરૂરત ક્યારેક ને ક્યારેક તો પડે જ છે.

પ્રેમ વિના મરવામાં નહીં, જીવવામાં લિજ્જત છે…

કહે છે કે જો તમે જીવનમાં એકાદ ક્ષણ માટે પણ કોઇને પ્રેમ કર્યો હોય ને તો તમારૂ જીવન સફળ થઇ ગયું. ઘણી વખત જીવન ભર માણસ પ્રેમ માટે ભટકતો રહે છે અને જીવનના અંતમાં તેને અહેસાસ થાય છે કે જે પ્રેમને તે બીજા બધામાં શોધતો હતો તે તેણે કદી કોઇને કર્યો જ નથી. કોઇનો પ્રેમ પામવા તમારે પહેલા પ્રેમ અનુભવવો પડે, પ્રેમમાં પડવું પડે. આજકાલના પ્રેમ છીછરા થઇ ગયા છે, કોઇ તમારા પ્રેમ પ્રસ્તાવનો અસ્વિકાર કરે કે તરત મરવાની વાતો ને દર્દ ભર્યા ગીતો….. કોઇ તમારા પ્રેમ પ્રસ્તાવનો અસ્વિકાર કરી શકે પણ તમને પ્રેમ કરતા તો રોકી શકે નહીંને?

એક પ્રસંગ સાંભળ્યો હતો કે એક છોકરો એક આંધળી છોકરીને પ્રેમ કરતો હતો. જો કે છોકરો કાંઇ ખાસ દેખાવડો ન હતો. તેણે પેલી છોકરીને કહ્યું કે “હું તને ખૂબ પ્રેમ કરું છું, અને જો તું મારી સાથે લગ્ન કરે તો હું તારી જીવનભર કાળજી રાખવાનું અને તારી બધી જવાબદારીઓ સંભાળવાનું વચન આપું છું.” પણ પેલી છોકરીએ તેને એમ કહીને ના પાડી કે હું તારી સાથે લગ્ન કરી મારા જીવનના અંધકારને તારા જીવનમાં પાથરવા નથી માંગતી. પેલો છોકરો જતો રહ્યો. થોડાક વખત પછી પેલી છોકરીની આંખોનું ઓપરેશન થયું, તેને નવી આંખો આવી….. પેલા છોકરાએ તેને  પોતાનો ફોટો મોકલ્યો અને સાથે નાનકડો પત્ર મુક્યો, તેમા તેણે લખ્યું કે “હું તને હજીય એટલો જ પ્રેમ કરું છું અને જો તું કહે તો હજી પણ તારી સાથે જીવન જીવવામાં મને આનંદ થશે.”

હવે પેલી છોકરીએ અરીસામાં પોતાનો ચહેરો જોયો, એને થયું, અરે આ છોકરો તો કેટલો કદરૂપો છે, અને હું તો ખૂબ દેખાવડી છું, વળી મારી પાસે તો હવે આંખો પણ છે, મને તો આનાથી સારા ઘણાય છોકરાઓ મળી રહેશે. તેણે પેલા છોકરાને ઉત્તર લખ્યો “ હું તારી લાગણીની કદર કરું છું, પણ હવે આપણા લગ્ન શક્ય નથી, કારણ આપણી કોઇ સરખામણી થઇ શકે તેમ નથી એટલે તું મને ભૂલી જજે.” અને જવાબમાં એ છોકરાએ એટલું જ લખ્યું કે “હું તો તને ભૂલી શકીશ નહીં, પણ બસ, એક ઉપકાર કરજે, મારી આંખોનું ધ્યાન રાખજે.” પ્રેમ આવો આત્મવિશ્વાસ છે, પોતાની લાગણી પર, પોતાના પ્રેમ પર. પ્રેમમાં ફરીયાદને સ્થાન નથી. ખુશનસીબ લાગે છે એ લોકો જેમના રસ્તામાં પ્રેમનો, લાગણીનો, મમતાનો કે વાત્સલ્યનો રસ્તો ફંટાતો નથી. આ બધા વિના તેમને જો ચાલતું હોય, જો જીવાતું હોય તો એ સદભાગી કહેવાય, પણ એકવાર જે પ્રેમની અડફેટે ચડ્યા કે દુ:ખ સાથે, વેદના સાથે ચોક્કસ પનારો પડવાનો જ. હેમેન શાહ કહે છે,

ઉદાસી આ સૂરજની આંખે ચઢી છે,
તમારા વિના સાંજ ડૂસકે ચઢી છે.

પ્રેમ, વરસાદ અને ઇન્તઝાર

શ્રી સુરેશ દલાલની એક રચના છે,

સતત વરસતો વરસાદ, નીતરતી હવા,
ટપકતાં વૃક્ષો, સળગતી ક્ષણ,
પલળી જવાનું મન થાય એવું,
રવિશંકરની ગમતી રેકોર્ડ જેવુ વાતાવરણ.
વરસાદની આ સાંજના સોગંદ,
હવે તારે આવવું જોઇએ !

કહે છે વરસાદ પ્રેમીઓનો સમય છે, વરસાદ વરસતો હોય અને લાગણીઓ કોરી રહી જાય, પ્રેમીજન દૂર હોય એવા સંજોગો પ્રેમીઓ માટે શાપ કહેવાય, અષાઢની આનંદલીલામાં બે પ્રણયભીના હૈયાઓનું ઐકત્ય સર્જાય છે. માણસ ગમે તેટલા આત્મબળ કે મન:શક્તિ ધરાવતો હોય પણ વરસાદની વર્ષાનો અને વસંતના વૈભવનો તેના પર હંમેશા વિજય થાય છે. પણ આ વરસાદમાં બહારથી વધારે જો અંદર ભીંજાવા ન મળે તો પ્રણયીઓની હાલત વિરહમાં ઝૂરતા ‘મેઘદૂત’ના પેલા શાપિત યક્ષ જેવી થાય છે.

મેઘાલોકે વસતિ સુખનોડપ્યન્યથા વૃત્તિચેત:,
કંઠાશ્લેષપ્રણયિની જને કિં પુન: દૂરસંસ્થે.

પ્રેમીઓના નસીબમાં વિરહ જ લખાયેલો હોય છે. કાલીદાસ યક્ષના શાપનુ નિવારણ કરે છે, પણ બધા આવા ખુશનસીબ હોતા નથી. એ બિચારા બાપડાઓને તો એવી વેદના ઘેરી વળે છે જેનું વર્ણન ભગવતિકુમાર શર્મા જેવા સિધ્ધહસ્ત કલાકારો આવી રીતે કરે છે.

“કોઇના પાલવની ઝૂલ, ભીનીભીની થાય ભૂલ,
રોમે રોમે થાય સંવાદ, એવુ કાંઇ નહીં !
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને
છેલ્લો વરસાદ, એવુ કાંઇ નહીં !

જિંદગીના અનેકો લાખો પ્રશ્નોની પરંપરામાં એક પ્રશ્ન હ્રદયવેધક છે, એ આવશે? એ બારણાને ટેરવે છે, બારણા જેવા નિર્જીવ પદાર્થને પણ આ ઇ ન્તઝાર સજીવન કરે છે, બારણાને ટેરવે પ્રશ્ન, કેવો સરસ ભાવ છે? પણ કેટલો અનિશ્ચિત? રોજે રોજ જેની રાહ જોવામાં આવે છે, જેની રાહ જોઇ જોઇને ઉંબર પણ હવે થાકી ગયા છે એવા પ્રેમીજનના વિરહની વાત શી કરવી? ક્યાંક સાંભળેલુ એક વાક્ય છે કે “સાંજે સૂરજ નહીં, ઇચ્છા ઢળે છે. રોજ સૂરજ સાથે ઉગતી ઇચ્છાઓ સાંજે સૂરજની સાથે આથમે છે. કવિયત્રિ માલા કાપડીયાની એક સુંદર રચના આ વિરહ અને ઉદાસીને અદભૂત રીતે વ્યક્ત કરે છે…

મને મારો જ ડર લાગે
એટલી બધી શૂન્યતા
શા માટે
ફેલાઇ હશે અવકાશમાં?
ઉદાસ શિર
ઢાળી શકાય કોઇના
ખભા ઉપર
એવો એક
સંબંધ પણ નથી
અને
આથી જ
એકલવાયી સાંજે
અરીસામાં
મારા જ ખભા પર માથું ઢાળી
હું
રડી લઉં છું.

દોસ્તીની કેડી, પ્રેમનો રસ્તો

ક્યારેક પ્રેમ દોસ્તી માંથી થાય છે તો ક્યારેક પ્રેમના લીધે દોસ્તી થાય છે. પણ દોસ્તી હોય તો પ્રેમ થવો જ જોઇએ એવું જરૂરી નથી. એ દિવસો જ્યારે કોઇકને માટે એક અજબનું આકર્ષણ જન્મે, દરેક હલનચલન, દરેક વાત, દરેક અભિવ્યક્તિ, દરેક સંજોગોમાં તેની સાથે રહેવાનું ખેંચાણ થયા કરે, નાની નાની વાતોમાં પ્રિયજનને એકીટશે જોયા કરવાનું મન થયા કરે, પ્રિય પાત્રના દરેક ગમા અણગમા, તેના દરેક અંદાઝ પર એક છૂપો આનંદ, મનમાં એક અજબનું આકર્ષણ ઉદભવ્યા કરે. અને એ પ્રિય પાત્રનો સંપર્ક કરવાનો સૌથી સારો અને સરળ રસ્તો એટલે દોસ્તી. કોલેજમાં અભ્યાસ કરતી વખતનો, સોળ સત્તર વર્ષની તરુણ વયનો તબક્કો પ્રેમની શરૂઆતનો ફૂલ ગુલાબી તબક્કો હોય છે. જો કે પ્રેમના પ્રતીક એવા ગુલાબને આપતા મોટાભાગના લોકોને તેની ઉત્પત્તિ પાછળની કથા વિશે ખ્યાલ હોતો નથી. એક છોકરા અને એક છોકરી વચ્ચેની દોસ્તી ક્યારે દોસ્તીની સીમા ઓળંગી પ્રેમના જગતમાં પ્રવેશે છે એ બંનેમાંથી કોઇને ખબર રહેતી નથી. પ્રેમના દરિયામાં શાશ્વત ભરતી છે અને મૈત્રીના વનમાં અનંત વસંત છે. પ્રેમના વિસ્તારમાં મૈત્રીનો સૂર્ય કાયમ તપે છે. આપણે એવા બનીએ કે આપણે ચાલ્યા જઇએ છતાં પ્રેમ અને મૈત્રી – શાશ્વત ધબકે.

કહે છે કે પ્રેમની દેવી વિનસ અનુપમ સુંદરી હતી. સ્વર્ગમાં તેના જેટલું સુંદર કોઇ ન હતું, તેના હાથમાં ગુલાબનું એક ફૂલ હતું, તેને પ્રેમ કરતા બુલબુલના એક બચ્ચાએ જ્યારે તે ગુલાબ પર ઉડવાનો પ્રયત્ન કર્યો ત્યારે ગુલાબના કાંટાથી તેનુ શરીર લોહીલુહાણ થઇ ગયું, તેનું રક્ત ટપકતું રહ્યું અને તેથી ગુલાબ લાલ થઇ ગયું પણ તેથી તેણે તે ગુલાબને પ્રેમ કરવાનું, તેની આસપાસ ઉડવાનું ના છોડ્યું. પ્રેમમાં ગુલાબનું ફૂલ ઉર્મિઓનું, હ્રદયની લાગણીઓનું, અનુભૂતીઓનું વિશ્વ દર્શાવવાની એક અનોખી લિપી છે. પ્રેમી ફૂલ આપે કે સ્વીકારે ત્યારે બન્નેના મન પ્રફુલ્લિત થઇ જાય છે, ફૂલની સુગંધને, તેની મધુરતાને માણે છે. અને એ માધ્યમથી પ્રેમને એ બે હૈયા વચ્ચે ઉગવાનો, ખીલવાનો અને સનાતન પોતાની સુવાસ મૂકવાની પ્રેરણા આપે છે.

અને અંતે, પ્રેમના પ્રદેશમાં રહેતા, વસતા પ્રેમીઓને, પ્રિય વ્યક્તિને હું તને ચાહું છું એ કહેવાનો ઉમદા માર્ગ ચીંધે છે મેરિટ મેલોય …

તને હું ચાહું છું એ કહેવાનો
બીજો કોઇ નવો રસ્તો નથી
એક જ રીતે એ કહી શકું
તારી સાથે રહીને
તારી ઝીણી ઝીણી કાળજી કરીને
અને કદાચ તને સોગાદો આપ્યા કરું.
બાકી તમામ જિંદગી સુધી
પ્રામાણિકતાની અને સમજણની.

– જીગ્નેશ અધ્યારૂ


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “ભૂતળ પ્રેમ પદારથ … – જીગ્નેશ અધ્યારૂ

  • mahesh dabhee

    પ્રેમ નિ સાબિતિમા તો સમય લાગે.મિત્ર્
    તો
    ચાલ પેલા થોડો પ્રેમ કરિ લૌ..

    ———મહેશ ડાભિ———

  • raju

    પ્રેમ નો મતલબ પરમાત્મા થય સે તે ઉસ નિસ જત પાત જોતુ નતુ નથિ બસ થય જય સે

  • Ch@ndr@

    પ્રેમના દરિયાનિ ઉનડાઇ તો જેણે પ્રેમ કરિને અનુભવ કર્યો હોય તેજ
    માપિ શકે.
    બહુજ સરસ ….

  • Jayanti

    પ્રેમ શુ છે ?
    કલ્પિ ન શકાય તેવી કલ્પના,
    માણે માણે પણ ખુટે નહી તેવી મજા,
    રડી કકળી ને પણ બધા માગે તેવી સજા,

  • Govind Maru

    પ્રેમના દરિયામાં શાશ્વત ભરતી છે અને મૈત્રીના વનમાં અનંત વસંત છે. પ્રેમના વિસ્તારમાં મૈત્રીનો સૂર્ય કાયમ તપે છે. આપણે એવા બનીએ કે આપણે ચાલ્યા જઇએ છતાં પ્રેમ અને મૈત્રી – શાશ્વત ધબકે.

  • Raj Adhyaru

    Jignesh,

    Its really a good matter but don’t you think it requires some proper presentation….means in rhythemic way… (as My friend Jignesh Adhyaru) was doing previously…..!!!!

    Please… don’t take it otherwise … but you might have presented rather in more presentable way…

  • Pancham Shukla

    સરસ વાત.

    ભુતળ પ્રેમ પદારથ શિર્ષક ગમ્યું.

    આ શેર હેમન શાહનો છે કે ભગવતીકુમાર શર્માનો- સહેજે જોઈ લેજો.

    ઉદાસી આ સૂરજની આંખે ચઢી છે,
    તમારા વિના સાંજ ડૂસકે ચઢી છે.