દોસ્તીના રંગે રંગાયેલો ઉત્સવ એટલે જીંદગી – જીજ્ઞેશ અધ્યારૂ 11
હોળીના, રંગોના આ પવિત્ર તહેવારમાં જીવનમાં સંબંધોના અનેકવિધ રંગોની વચ્ચે એક અનોખો, સુંદર રંગ એટલે મિત્રતા. રંગોનો તહેવાર ઉજવાય છે હૈયાની નજીક રહેલી વ્યક્તિઓ સાથે, એવા લોકો સાથે જેમના સુખ દુઃખના રંગો આપણા જીવનમાં પણ ભળે છે. ઘણા સંબંધોના રંગો હોય છે, ઘણાં બિનહાનીકારક કુદરતી રંગો પણ હોય છે, મિત્રતા કદાચ આવો જ રંગ છે. મિત્રતા એક રંગ નથી, એ એક ઈન્દ્રધનુષ છે. તેમાં સુખમાં મહાલવાનો રંગ છે, તો એક મિત્રના દુઃખમાં સાથ આપવાનો, આધાર આપવાનો રંગ પણ છે, તેનાથી દૂર રહીને તેને સતત યાદ રાખવાનો રંગ છે તો તેની સાથે જીવનને એક અવસર બનાવીને ઉજવવાનો રંગ પણ છે. કઈ એવી ધુળેટી તમે ઉજવી છે જે મિત્રો વગર સંપૂર્ણ હોય?