પારધી અને સત્યવચની હરણાંની કથા : તર્કથી અર્ક સુધી.. – જિજ્ઞેશ અધ્યારુ 1


મહાશિવરાત્રી પાપમુક્તિનો દિવસ છે, શિવભક્તિનો દિવસ છે. અજાણતાં પણ શિવરાત્રી વ્રતથી શિવકૃપા મળે છે એમ શિવપુરાણમાં આ કથા દ્વારા કહેવાયું છે. પહેલા કથા અને પછી એની પાછળના તર્કનો અર્ક જોઈએ.

વિષ હળાહળ નીકળ્યું ત્યારે વિષ્ણુને કહે કે ઉગારો,
વિષ્ણુ કહે કાર્ય કઠિન છે, શંભુનું શરણ સ્વીકારો રે
… સદાશિવ આશરો એક તમારો..

સ્વ. શ્રી મૂળશંકર પ્રેમજી જોશીનું ઉપરોક્ત ભજન અદ્વિતિય છે. તેમના દ્વારા રચિત ભજનોનો સંચય એવી ‘દિવ્યપ્રભાવ શિવસ્તવન મુક્તાવલી’ પુસ્તિકાના ૬૩ ભજનોમાં ‘શંભુ ચરણે પડી, માંગુ ઘડીએ ઘડી…’, ‘હરિ તારા છે હજાર નામ, કયા નામે લખવી કંકોતરી’, ‘છે મંત્ર મહામંગળકારી ૐ નમ: શિવાય ૐ નમ: શિવાય’, ‘શું શું ગાવું શું ના ગાવું એમાં મન મારું મૂંઝાણું’, ‘નારદ કહે છે નારાયણને વધ્યો ભૂમિ પર ભાર…’, ‘હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી’ જેવા કુલ ૬૩ ભજનો છે. પણ એમની આ શિવસ્તુતિ મને અતિપ્રિય છે.

શિવ ભોળાનાથ છે, શિવ ઉપાસનાના મુખ્ય દસ વ્રતને જાબાલ શ્રુતિના વિદ્વાન દસ શૈવવ્રત કહે છે. ભગવાન શિવની પૂજા, રૂદ્રમંત્રોનો જાપ, શિવમંદિરમાં ઉપવાસ અને કાશીમાં મરણ (અર્થાત વૃદ્ધાવસ્થામાં કાશીમાં નિવાસ) એ મોક્ષના સનાતન માર્ગ ગણાયા છે. એમાં શિવરાત્રિનું વ્રત સૌથી વધુ ઉપયોગી અને તરત ફળ આપનારું ગણાયું છે. મોક્ષમાર્ગીઓ માટે તો ખરું જ, ભોગની ઈચ્છા રાખનારાઓને, નિષ્કામ કે સકામ ભાવ રાખનારા સર્વે દેહધારીઓ માટે આ વ્રત સમાન ફળ આપે છે. માઘમાસના કૃષ્ણપક્ષની શિવરાત્રીનું વિશેષ મહત્વ છે, એ મહાશિવરાત્રી છે. એ દિવસ પાપમુક્તિનો છે, શિવભક્તિનો છે. સવારે સ્નાન વગેરે પૂરાં કરી શિવાલયે જઈ વિધિપૂર્વક સંકલ્પબદ્ધ થઈ શિવનું પૂજન અર્ચન કરવું, શિવમંત્રનો યથાશક્તિ જપ કરવો. એ દિવસે પ્રત્યેક પ્રહરની પૂજાનું મહત્વ છે પણ રાત્રીપૂજનનું મહત્વ સવિશેષ છે. તેરસે એક સમય ભોજન કરી ચૌદસે ઉપવાસ કરવો.

Statue of God Shiva in Rishikesh, Ganga River; Photo (C) Jignesh Adhyaru

આ વ્રત અંગેની એક જાણીતી કથા શિવપુરાણમાં છે; અજાણતાં પણ શિવરાત્રી વ્રતથી શિવકૃપા મળે છે એમ આ કથા દ્વારા કહેવાયું છે. પહેલા કથા અને પછી એની પાછળના તર્કનો અર્ક જોઈએ.

ગુરુદ્રુહ નામનો એક ભીલ હતો, એનું કુટુંબ ખૂબ મોટું હતું. એ બળવાન અને ક્રૂર હતો. વનના પશુઓને – મૃગોને મારતો અને ચોરીઓ પણ કરતો. આળસ એનો મિત્ર હતી. નાનપણથી એણે કોઈ સારું કામ કર્યું નહોતું. એના પરિવારમાં ગરીબી અને ભૂખમરો ઘર કરી ગયા હતાં. એકદિવસ એના ઘરનાં લોકો, પત્ની, માતાપિતા અને સંતાનો સૌ ભૂખ્યા હતાં એટલે શિકાર કરવા એ વનમાં ગયો. આખો દિવસ ભટક્યો પણ કોઈ શિકાર મળ્યો નહીં. આખા દિવસની ભૂખથી એ હેરાન થયો હતો. સૂર્યાસ્ત થયો, ઘરે ખાલી હાથે તો એ જઈ શકે એમ નહોતો. એટલે એક નદીકિનારે પહોંચ્યો અને ત્યાં પાણી પીવા આવતાં પશુઓનો શિકાર કરી શકાશે એમ વિચારતો નદીમાંથી પોતાને માટે પાણી ભરી પાસેના એક બિલિના ઝાડ પર ચડી ગયો અને શિકારની રાહ જોતો બેઠો.

રાત્રીના પહેલા પહોરે એક હરણી ફલાંગો મારતી પાણી પીવા ત્યાં પહોંચી. સરસ શિકાર મળ્યો એથી આનંદિત થતા એ પારધીએ તીર લીધું અને ધનુષ પર સંધાન કર્યું. હલનચલનથી એણે ભરી રાખેલું એમાંથી થોડું પાણી અને ઝાડના પાંદડા નીચે રહેલા એક શિવલિંગ પર પડ્યાં. પારધીથી અજાણતાં પ્રથમ પહોરની પૂજા થઈ. ખખડાટથી હરણીનું ધ્યાન પારધી તરફ ગયું. હરણીના મુખે સર્જકે અહીં જે સંવાદ મૂક્યો છે એ અદ્વિતિય છે.

હરણી કહે છે કે મારા આ અનર્થકારી શરીરના માંસથી તમને સુખ મળશે, એથી વધુ પુણ્યકર્મ કયું હોય. એ ઉપકાર કરવા તો હરણી આતુર હતી પણ  એણે પારધીને વિનંતિ કરી કે એનાં બચ્ચાં વનમાં એકલા છે; એમને પોતાની બહેનને અથવા સ્વામીને સોંપીને એ પાછી આવશે. પારધીએ એને જવા દેવાની ના પાડી પણ એને વીનવતા હરણીએ કહ્યું કે જો પોતે પાછી ન આવે તો વિશ્વમાં જે ભયાનક પાપ છે એ સઘળાં પોતાને લાગે. વિગતે સરસ સંવાદ છે. પારધીને પાછાં આવવાનું વચન આપી ત્યાંથી હરણી ગઈ. પ્રથમ પહોરની શિવપૂજાથી પારધીનું મન એને છોડવાની આ દયા કરી શક્યું.

બીજા પહોરે હરણીની બહેન ત્યાં તેને શોધતી આવી. ફરી પારધીના શરસંધાન માટેના હલનચલનથી ઢોળાયેલા પાણી અને ખરેલા પાંદડાથી અજાણતાં શિવપૂજા થઈ. હરણીએ પારધીને બચ્ચાં માટે પોતાને જવા દેવા વિનંતિ કરી, વચન આપ્યું કે પોતે પાછી ફરશે અને વચનનું મહત્વ વર્ણવ્યું, વચનભંગના પાપ કહ્યાં અને પારધીએ એને પણ પાછા ફરવાની શરતે જવા દીધી.

ત્રીજા પહોરે એ બંને હરણીઓનો પતિ હરણ તેમને શોધતો ત્યાં આવ્યો. હૃષ્ટપૃષ્ટ હરણને જોઈ પારધી ખૂબ રાજી થયો. હલનચલનથી ફરી પાણી અને બિલ્વ ચડવાથી ત્રીજા પહોરની શિવપૂજા થઈ.. હરણે પણ પારધીને જોઈને કહ્યું કે એનું શરીર સાર્થક થશે જો પારધીને એ ખપમાં આવશે પણ પોતાની પત્નીઓને એ બચ્ચાં સોંપીને આવવા માંગે છે. પારધીએ કહ્યું કે તારા પહેલા બે હરણીઓ આવી ગઈ પણ એમણે વચનપાલન કર્યું નહીં એટલે હું તને જવા દઈશ નહીં. હરણના મુખે અહીં પણ સર્જકે સત્યવચનનો મહિમા વર્ણવ્યો છે. હરણ કહે છે, આખું બ્રહ્માંડ સત્યથી ટક્યું છે. જૂઠું બોલનારનું પુણ્ય નાશ પામે છે. સંધ્યાકાળમાં મૈથુન અને શિવરાત્રિને દિવસે ભોજન કરવાથી જે પાપ લાગે છે, જુઠી સાક્ષી આપનારને, થાપણ હડપ કરી જનારને, સંધ્યા ન કરનાર દ્વિજને જે પાપ લાગે છે, એ પાપ મને લાગો, જો હું જઈને પાછો ન આવું તો. પારધીનું હ્રદય પીગળ્યું અને એણે હરણને જવા દીધો.

આ તરફ બંને હરણીઓ તેમનાં બચ્ચાં પાસે ભેગી થઈ અને પછી હરણ પણ ત્યાં પહોંચ્યો. ત્રણેયે પ્રતિજ્ઞાબદ્ધ-વચનબદ્ધ થઈ ચૂક્યાં હતાં. અંદરોઅંદર એક બીજાનો વૃત્તાંત સારી રીતે સાંભળી પારધી પાસે જવા તત્પર હતાં. હરણીએ કહ્યું કે પહેલું વચન મેં આપ્યું છે એટલે હું જઈશ, બીજી હરણીએ કહ્યું કે હું નાની છું એટલે જવાનું કર્તવ્ય મારું છે. હરણે કહ્યું કે બચ્ચાંની રક્ષા માતાથી થાય છે એટલે તમે બંને અહીં રહો અને હું જઈશ. હરણીઓએ કહ્યું કે પતિ વગરનું જીવન નકામું છે. આખરે બચ્ચાંની પડોશીઓને સોંપણી કરી જવા માંગતા હતાં પણ બચ્ચાં સાથે ચાલ્યાં, એમણે નિશ્ચય કર્યો કે જે માતાપિતાનું થશે એ જ અમારું થશે.

ત્રણેય પારધી પાસે આવ્યા. પારધીને એ બધાંને જોઈ હર્ષ થયો, એણે ફરી તીર સંધાન કર્યું અને એ ભૂખ્યા પારધીના હલનચલનથી ફરી ચોથા પહોરે પણ જળ અને બિલ્વપત્રનો શિવલિંગ પર અભિષેક થયો. પારધીના પાપ નાશ પામ્યા. હરણાંએ કહ્યું, હવે તમે અમારા શરીરને સાર્થક કરો.

પારધીએ વિચાર્યું, ‘આ હરણાં જ્ઞાનહીન પશુ હોવા છતાં પણ ધન્ય છે, પોતાના શરીરથી જ પરોપકારમાં લાગ્યાં છે. મેં મનુષ્યજન્મ પ્રાપ્ત કરીને પણ ક્યાં પુરુષાર્થ કર્યો? બીજાનાં શરીરને પીડા આપીને જ પોતાના શરીરનું પાલન-પોષણ કર્યું. રોજ અનેક પાપ કરીને કુટુંબનું પાલન કર્યું. આવાં પાપથી મારી શી ગતિ થશે? મેં જન્મથી માંડીને આજ સુધી કેટકેટલા શિકાર કર્યાં, કેટકેટલી ચોરીઓ કરી! મારા જીવનને ધિક્કાર છે, ધિક્કાર છે.’

દયાથી સભર હ્રદયે પારધીએ બાણ રોકી લીધું અને હરણાંને કહ્યું, ‘તમે બધાં જાઓ. તમારું જીવન ધન્ય છે.’ શિવરાત્રીનું આખું વ્રત પારધીએ ભૂખ્યાં રહી અને ચારેય પ્રહર શિવપૂજા કરી પૂરું કર્યું હતું પરંતુ એના આ કથનથી તો શિવ તત્કાળ પ્રસન્ન થયાં. પોતાના પૂજિત સ્વરૂપના દર્શન આપી તેમણે પારધીને કહ્યું,’ હે ભીલ, તારા વ્રતથી હું પ્રસન્ન છું.’ તેમણે પારધીને શ્રુંગવેરપૂરનું રાજ્ય આપ્યું અને ગુહ એવું નામ આપ્યું. તેને વરદાન આપતા કહ્યું કે મારા ભક્તો પર સ્નેહ રાખનાર પ્રભુ શ્રીરામના તમને દર્શન થશે.’

પેલાં હરણાં પણ શિવદર્શનથી મુક્તિને પામ્યા અને મોક્ષ મેળવી દિવ્યધામે ગયાં. ત્યારથી વ્યાઘ્ર દ્વારા પૂજાયેલા એ શિવલિંગ સ્વરૂપે અર્બુદ પર્વત પર ભગવાન શિવ વ્યાઘેશ્વર નામે પ્રસિદ્ધ થયાં. સૂતજીએ મુનિઓને કહ્યું કે જો અજાણતાં વ્રત કરવાથી આવું પરિણામ મળતું હોય તો જે સમજીને વ્રત કરે છે એમના પર શિવ કેવી અદ્રુત કૃપા કરતાં હશે!

આ કથાનાં અનેક પરિમાણ છે. આશ્રિતોનું પેટ ભરવું એ કર્તવ્ય છે એટલે ભીલ શિકાર કરવા જાય છે એ યથાર્થ છે. એને પણ પાપનો હકદાર કહ્યો છે તો જે લોકો બીજાનાં પરસેવાની, મહેનતની, હાડમાંસની કમાણી ખોટે રસ્તે પડાવી પોતે આનંદપ્રમોદ કરતાં હશે એ કેવા પાપ એકઠાં કરતા હશે? અહીઁ બે કુટુંબો છે, પારધીનું કુટુંબ અને હરણીનું કુટુંબ. દયાનો એક વિચાર લાગણીની સરવાણી વહાવી શકે છે, બબ્બે કુટુંબોને સુખી કરી શકે. એક હરણીને છોડનાર પારધિ પછી દયાળુ થઈ બીજી બે વખત એમ જ કરે છે; એ પણ ત્યારે જ્યારે એ અને એનો પરિવાર ભૂખેથી ટળવળે છે. આ બતાવે છે કે પાપ કરનારના મનમાં પણ ક્યાંક તો સદવિચાર હોય જ છે. અનુકૂળ પરિસ્થિતિઓમાં તો બધાં દયા દેખાડી શકે પણ આવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ એ લાગણીશીલ રહે તો શિવતત્વને પામે છે. એક પારધી શિકારને જવા દે એ વાત જ અનોખી છે.

શિવ એટલે સઘળું શુભ, શિવ એટલે મુક્તિ; એક સદવિચારથી શુભની શરૂઆત થાય તો પછી એ સાતત્ય જળવાઈ રહે! આ વાતમાં ઘણાં રૂપકો છે. ખરેખર તો પારધીએ હરણાં માટે દાખવેલી દયા એ જ સૌથી મોટી શિવપૂજા છે. એણે હરણાંને આપેલું જીવતદાન સૌથી મોટું દાન છે. હરણાંનું વચનપાલન સત્યનો મહિમા કરે છે. કૃષ્ણપક્ષમાં ક્ષીણ થતી ચંદ્રની કાંતિને લીધે તામસિક શક્તિઓ સબળ બને છે, નકારાત્મક ભાવ વધે છે અને આવી શક્તિઓના નિયંત્રક દેવ શિવ છે. આવા સમયે પોતાના મનને કાબૂમાં કરી શુભ વિચારો, સંકલ્પ અને આચરણ કરવું અતિઆવશ્યક છે. એટલે શિવરાત્રીનું વ્રત રાતનું છે. આવું થાય ત્યાં શિવ પ્રસન્ન થાય જ કારણ કે નકારાત્મકતાને નાથનાર શિવને પ્રિય છે. એ તો સૌથી ભોળા અને દયાળુ છે.

ઉપવાસને લીધે ભોજનથી મુક્તિ, શિવ સંકલ્પમાં અને શિવપૂજામાં ધ્યાન મનને એકાગ્ર કરે છે. શિવ ચૌદસની તિથિના અધિષ્ઠાતા છે એટલે દર માસની ચૌદસે શિવરાત્રી હોય છે અને મહા મહીનાની ચૌદસ મહાશિવરાત્રી છે. શિવ ઉપાસનાથી બુદ્ધિ શુદ્ધ થઈ સન્માર્ગે વળે છે, આપોઆપ સત્કર્મ કરવા મન પ્રેરાય છે. મન શુદ્ધ થાય એટલે વધુ સત્કર્મોની પ્રેરણા થાય. નકારાત્મકતા નાશ પામે એટલે આપોઆપ શુભ અનુભવાય – શિવ દર્શન થાય. શિવપૂજા માટે વપરાતાં બિલિપત્ર, રૂદ્રાક્ષ વગેરે નકારાત્મકતાને નાથનારા તત્વો છે. શિવે સ્વયં હળાહળ વિષ ગ્રહણ કરીને વિશ્વને નકારાત્મકતાના વિનાશથી બચાવ્યું છે. એ નકારાત્મકતાને તેમણે પોતાની અંદર ઉતરવા નથી દીધી અને બહાર પણ આવવા નથી દીધી પારધીના મનમાં પ્રગટેલા શુભ વિચારની શૃંખલાએ એને અંતે એટલો આનંદ આપ્યો કે એ પોતે પાપકર્મોથી મુક્ત થયો, એકવાર આવેલા શુભ વિચારથી, અજાણતા થયેલી શિવપૂજાને લીધે શરૂ થયેલી પારધીની મુક્તિયાત્રા એને શિવદર્શન સુધી લઈ ગઈ. આ જ શિવરાત્રીનો પ્રતાપ છે.

– જિજ્ઞેશ અધ્યારુ (મુંબઈ સમાચાર – કૉલમ તર્કથી અર્ક સુધી; ઇન્ટરવલ બુધવાર પૂર્તિ)

બિલિપત્ર

દાનવ માનવ દેવ સહુને આપતા આપ સહારો
બાળ તમારો જાણીને મુજને ભવ જળ પાર ઊતારો રે… સદાશિવ આશરો એક તમારો. – સ્વ. મૂળશંકર પ્રેમજી જોશી


આપનો પ્રતિભાવ આપો....

One thought on “પારધી અને સત્યવચની હરણાંની કથા : તર્કથી અર્ક સુધી.. – જિજ્ઞેશ અધ્યારુ

  • PURUSHOTTAMPRIYADAS

    બહુ જ સરસ કાર્ય તમે અને તમારી Team દ્વારા થઈ રહ્યુ છે ભવિષ્યમાં આવનાર પેઢીઓ માટે સકારાત્મક ઊર્જા-જ્ઞાનનો ભંડાર તૈયાર થઈ રહ્યો હોય એવું જણાય છે…
    તમારા પ્રયાસ માં સતત પ્રભુકૃપા વર્ષની રહે તેવી પ્રાર્થના સહ
    ખૂબ ખૂબ અભિનંદન