રાજસ્થાનનું અનોખું ઘરેણું : જવાઈ – મીરા જોશી 10


જવાઈ, સામાન્ય જંગલ કરતા એકદમ અલગ શુષ્ક જંગલ અને ઘાસના મેદાનના સંયોજનવાળો ખડકાળ પ્રદેશ છે જે અરવલ્લી પર્વતમાળાથી ઘેરાયેલો છે.

પુખ્ત થવું અને વ્યક્તિત્વમાં બાળપણ સાચવવું જેટલું અઘરું છે એટલું જ અઘરું છે કામ સાથે પોતાની સંવેદનશીલતા અને સર્જનાત્મકતા જાળવી રાખવી. બધું જ કરવાની ભાગદોડમાં કંઈક તો પાછળ છૂટી જ જવાનું છે, જે રીતે છેલ્લા બે વર્ષથી કલમ સાથે મારો સાથ છૂટી ગયો હતો. પરંતુ એક એવું સ્થળ જે જાણે સામે ચાલીને મને પોતાના વિષે લખાવવા જઈ રહ્યું છે- એ છે જવાઈ.

ઓક્ટોબરના અંતમાં રાજસ્થાનના પાલી જિલ્લામાં આવેલ જવાઈ ચિત્તા સફારીની મુલાકાત લીધી, જેને એક નૈસર્ગીક અભ્યારણ્ય કહી શકાય, જે ખાસ કરીને ચિત્તા અને અન્ય વન્યજીવોની વસ્તી માટે જાણીતું છે, જેમાં રીંછ, હાયનાસ અને પક્ષીઓની વિવિધ જાતોનો સમાવેશ થાય છે.

અમદાવાદથી આશરે ૩૦૦ કિમીની ઓવરનાઈટ સફારી કરીને સવારે જયારે આંખો ખુલી તો જવાઈ પહોંચી ગયા હતા. મળસ્કેનું આછું અજવાળું બસની બારીમાંથી ચહેરા પર પડીને આવકારી રહ્યું હતું. અમારી હોટેલને આવવાને થોડી વાર હતી છતાં અમારા ડ્રાઇવર ભાઈએ સૂર્યોદય જોવા માટે બસ ઉભી રાખી હતી. આંખોમાં હજુ થોડી ઊંઘ હોવા છતાં બહાર નીકળવા માટે હું ખુદને રોકી ના શકી ને બહાર નીકળતા જ શરીરને પહેલવહેલી ગુલાબી ઠંડીનો સ્પર્શ થયો ને રૂંવાડા ઉભા થઇ ગયા! ગામડાનો સુમસામ પણ પાક્કો વળાંકવાળો રોડ હતો, ને આ શું જમણી તરફ તો સૂર્યની આભા જ કંઈક અનેરી હતી. થોડું ઉપર ચઢીને જોયું તો, અહાહા, આંખો પર વિશ્વાસ નહોતો થઇ રહ્યો. જવાઈ ડેમનું સ્વચ્છ નીર ને તેની સામેની તરફ ફેલાયેલી પહાડીઓ પર નીચે વસેલું આસ્થાનું મંદિર, ઉપર કેસરીયું આભ ને પાણીમાં પડતી સૂર્યની કેસરી-ગુલાબી મિશ્રિત છાયા. આટલો ભવ્ય અને આકર્ષક સૂર્યોદય જીવનમાં પહેલીવાર જોયો હતો.

મન અને કેમેરામાં આ અદભુત ક્ષણોને કેદ કરીને અમે રિસોર્ટ તરફ પ્રયાણ કર્યું. ફ્રેશ થઈને નાસ્તો કરવા માટે બધા ભેગા થયા ત્યારે સૌ કોઈ આજના દિવસ માટે ઉત્સાહિત હતા. જવાઈ સફારી વહેલી સવારે અને સાંજે થઇ શકે. માટે અમે બપોરે સફારી માટે જવાનું નક્કી કર્યું. બધાએ બપોર સુધી પૂલમાં મસ્તી અને સ્વિમિંગ કર્યું. ત્યારબાદ રાજસ્થાની દાળબાટીનું સ્વાદિષ્ટ લંચ કરીને અમે સફારી માટે જવા તૈયાર થઈ ગયા.

જવાઈ, સામાન્ય જંગલ કરતા એકદમ અલગ શુષ્ક જંગલ અને ઘાસના મેદાનના સંયોજનવાળો ખડકાળ પ્રદેશ છે જે અરવલ્લી પર્વતમાળાથી ઘેરાયેલો છે. આ પ્રદેશમાં ખૂબ ઓછો વરસાદ પડે છે, અહીંના વૃક્ષ અને વનસ્પતિ આ શુષ્ક પરિસ્થિતિઓમાં ટકી રહેવા માટે અનુકૂળ છે. ૧૯૫૦ માં બનેલ જવાઈ ડેમ પણ મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓને આકર્ષિત કરે છે. રાજસ્થાનના કુદરતી સૌંદર્ય અને વૈવિધ્યસભર વન્યજીવનનો અનુભવ કરવાની તક આપતું જવાઈ એક અનોખું સ્થળ છે કે જ્યાં અનેક ફિલ્મના શૂટિંગ થયા છે તો સેલિબ્રિટીઓ શાંતિ માણવા પણ અહીં રોકાવાનું પસંદ કરે છે.

અમારા રિસોર્ટથી લગભગ અડધો કલાકનું અંતર કાપીને અમે એ જગ્યા પર આવ્યા જ્યાંથી ફોરેસ્ટ ગાઈડની સાથે સફારી માટે અમારે જીપમાં જવાનું હતું. એક જીપમાં પાંચ પ્રવાસીઓ સાથે ફોરેસ્ટ ગાઈડ અને ડ્રાઇવર હોય છે. સફારીની શરૂઆત લાલ માટીના કાચા રસ્તાથી થઇ પરંતુ ત્યારબાદ ૪૦ થી ૫૦ ડિગ્રીના સ્લોપ પર ખડકાળ ગ્રેનાઈટના પથ્થરો પરથી જીપ જવા લાગી ત્યારે બધાના જીવ ઊંચા નીચા થવા લાગ્યા. ક્યારેક ઢોળાવ તો ક્યારેક ઊંચાઈ પર સડસડાટ દોડતી જીપમાં બેઠેલા બધા ડર અને રોમાંચ મિશ્રિત ચિચિયારીઓ કરવા લાગ્યા અને મને ડ્રાઇવર પર માન થઇ ગયું! આવા ઢોળાવવાળા પથ્થરો પર આટલું સાહસિક ડ્રાઇવિંગ અઘરું તો હતું!

આખરે જ્યાં માદા ચિત્તા અને તેના બચ્ચાંઓનો વસવાટ હતો એ જગ્યા પર બધી જીપો પહોંચી. બધાએ પોતાના દૂરબીન ને કેમેરા તૈયાર કરી લીધા, અમારી સાથેના ગાઈડ પૂરી કોશિશ કરતા હતા કે અમને સરસ રીતે ચિત્તા જોવા મળે, એમના માટે જો કોઈ પ્રવાસીને ચિત્તાને જોયા વિના જવું પડે તો એક હાર હતી. આકાશમાં આછું અંધારું ઉતરી આવ્યું હતું પરંતુ અમને વિસ મિનિટથી કોઈ હલનચલન જોવા નહોતી મળી. અચાનક ટોર્ચના પ્રકાશમાં એક માદા ચિંતા સૌથી ઉપર ચાલતી દેખાઈ. અંધારામાં માત્ર એની પ્રકાશિત આંખો જ દેખાતી હતી, પણ દૂરબીનથી સ્પષ્ટ જણાતું હતું કે તે એક ખુબ સુંદર માદા ચિત્તા હતી.

જવાઈમાં વસવાટ કરતા ચિત્તાઓની ખાસિયત એ છે કે તેઓ human  ફ્રેન્ડલી છે. માનવ વસ્તીથી નજીક હોવા છતાં આજસુધી કોઈપણ ચિત્તાએ માનવી પર હુમલો કર્યો નથી, જે એક તાજુબની વાત કહેવાય. આની પાછળની એક દંત કથા પણ છે જે અમને ફોરેસ્ટ ગાઈડે કહી હતી, કે વર્ષો પહેલા એક પાંચ વર્ષની છોકરીને ચિત્તો ઉઠાવી ગયો હતો. પરંતુ એ છોકરીનું કરુણ આક્રંદ જોઈને ચિત્તાનું હૃદય પીગળી ઉઠ્યું અને તેણે છોકરીને છોડી દીધી. પરંતુ છોકરીનું રુદન બંધ નહોતું થતું. અંધારું હોવાથી બીજું કોઈ પ્રાણી તેને નુકસાન ન પહોંચાડે તે માટે ચિત્તાએ તેની ફરતે આંટા મારવાનું શરુ કર્યું. થોડીવારમાં ગ્રામજનો આવી પહોંચ્યા અને ચિત્તો ત્યાંથી નીકળી ગયો. કહેવાય છે ત્યારથી ચિત્તાઓ પોતાના બાળકોને પણ આ જ વસ્તુ શીખવે છે અને આથી જ આજસુધી કોઈપણ ચિત્તાએ પોતાના ખોરાક માટે અહીં મનુષ્ય પર હુમલો નથી કર્યો. અહીં સવાર અને સાંજના સમયે તેઓ સૌથી વધુ સક્રિય હોય છે તેથી વહેલી સવાર અને સાંજની સફારીમાં તેઓ અચૂક જોવા મળે છે. રાત્રિના સમયે શિકારનો શિકાર કરવા માટે તેમની તીવ્ર ઇન્દ્રિયોનો ઉપયોગ કરે છે. જવાઈ સફારી જવાઈ બંધની નજીક સ્થિત છે, જે પશ્ચિમ રાજસ્થાનનો સૌથી મોટો બંધ છે. જવાઈમાં ચિત્તાની સફારી માટેના અલગ અલગ ઝોન છે. બધા ઝોનમાં મળીને અંદાજિત ૬૦ જેટલા ચિત્તાઓ અહીં વસે છે. બીજા નેશનલ પાર્કની જેમ અહીં કોઈ એન્ટ્રી ચાર્જ કે ઓફ સીઝન સમય નથી, આખા વર્ષ દરમિયાન ગમે ત્યારે સફારી કરી શકાય છે.

કલાક સુધી અમે અલગ અલગ જગ્યાએથી ચિત્તાને શોધવાનો પ્રયત્ન કર્યો અને અને એ સફળ રહ્યો. અંતે સૂર્યાસ્ત સાથે મટકી ચાનો આસ્વાદ લઈને પરત રિસોર્ટ આવ્યાને ગરમા-ગરમ કઢી-ખીચડીથી ઠંડીને ભગાવવાનો પ્રયત્ન કર્યો!

બીજા દિવસે અમે જવાઈથી ૫૦ કિમિના અંતરે આવેલ રણકપુર જૈન મંદિરની મુલાકાત લીધી. મંદિરની અદભુત કોતરણી નિહાળીને અભિભૂત થઇ જવાયું. રણકપુર મંદિરથી નજીક જ  સૂર્યનારાયણમંદિર આવેલું છે જ્યાં તો રોકાવું જ પડે. રણકપુરપુરના ભવ્ય મંદિર જોયા બાદ આ મંદિર નાનું લાગી શકે પરંતુ આ મંદિરની મુલાકાત ઘણી રીતે વિશેષ છે.

મંદિરના પ્રવેશ ગેટથી અંદર પહોંચતા જ સામે એક મોટું એમફિથિયેટર જોવા મળશે. જે એ સમયે વિવિધ તહેવારોની ઉજવણી કરવા માટે બનાવવામાં આવેલું. સૂર્યમંદિર ૧૩મી સદીનું છે, જેને ૧૫મી સદીમાં ફરીથી બનાવવામાં આવ્યું હતું. આ મંદિરને સફેદ ચૂનાના પત્થરથી નાગર શૈલીમાં બાંધવામાં આવ્યું છે જેમાં નાજુક સુશોભનની કોતરણી કરવામાં આવેલી છે. નાગર સ્થાપત્ય શૈલીને હિંદુ મંદિર સ્થાપત્યની એક ઉત્તમ શૈલી ગણવામાં આવે છે જે દક્ષિણ ભારતીય મંદિરોની દ્રવિડિયન સ્થાપત્ય શૈલીથી અલગ છે. આ સૂર્ય મંદિર કોઈ સીમાની દીવાલો વિના ઉભા પથ્થરના પ્લેટફોર્મ પર બાંધવામાં આવ્યું છે. મંદિરનું મુખ પૂર્વ દિશા તરફ છે અને તેમાં ચિકારા સાથેનો ગર્ભગૃહ છે. મંદિરમાં ભગવાન સૂર્યની મૂર્તિ તેમના રથ પર સવારી કરતા દર્શાવવામાં આવી છે. આ સૂર્ય મંદિરનું સંચાલન ઉદયપુર રોયલ ફેમિલી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે.

મંદિરની દીવાલમાં બહાર યોદ્ધાઓ, ઘોડાઓ અને અવકાશી પદાર્થોની અદભૂત કોતરણી છે. તો ગર્ભગૃહમાં પહેલો અષ્ટકોણીય મંડપ છે. જયારે આંતરિક ભાગમાં અન્ય છ વરંડા બનાવેલા છે જે સપ્તઘોડાને નિર્દેશ કરે છે. ભારતમાં વિશિષ્ટ શૈલીથી બનેલા તેર પૌરાણિક સૂર્ય મંદિરો આવેલા છે, મોઢેરાના સૂર્યમંદિર સિવાય મેં જોયેલું આ મંદિર અન્ય સૂર્ય મંદિરની મુલાકાત લેવા માટે પ્રોત્સાહિત કરે છે.

ત્યારબાદ અમે પ્રસ્થાન કર્યું હર હર ગંગે મંદિર ટ્રેક માટે. જે રાજસ્થાનના બીજાપુરમાં આવેલું છે. આ સ્થળને ‘મીની હરિદ્વાર’ પણ કહેવામાં આવે છે કારણકે અહીં ગૌમુખમાંથી ૨૪ કલાક પાણી વહે છે. હર હર ગંગે મંદિરની સાથે જ લગભગ પાંચ કિમીના ટ્રેકથી પ્રાચીન નાગરેશ્વર મહાદેવ મંદિર અને હિંગળાજ માતાનું મંદિર પણ જઈ શકાય છે. રસ્તામાં વાંદરાઓએ અમારું સ્વાગત કર્યું તો ઝરણાં અને વિવિધ વૃક્ષોએ મનને તાજગી બક્ષી. હર હર ગંગે મંદિરની બહાર કુંડ હતું જ્યાં નાહવા માટે નાના છોકરાઓ કુદતા હતા, પરંતુ અમારે તો જલ્દી પહોંચીને પરત આવવાનું હતું આથી અમે નાહવાનું સ્કિપ કર્યું. આ મંદિર લગભગ ૫૦૦ વર્ષ જૂનું હતું છતાં તેનું બાંધકામ આજે પણ અકબંધ હતું. મંદિર સુધી જવા માટે પાકી કેડી બનાવેલી છે માટે અનેક પ્રવાસીઓ અને સ્થાનિકો દર્શન અને માનતા માટે અહીં આવતા હોય છે. હિંગળાજ માતાનું મંદિર થોડી ઊંચાઈ પર આવેલું છે, અમારા અમુક સાથીમિત્રો થાકી ગયા હોવા છતાં અમે એકબીજાનો જુસ્સો વધારતા ટોચ પર પહોંચી ગયા. ગુફામાં સ્થિત માતાજીના દર્શન કરી આશીર્વાદ લીધા અને પરત આવ્યા ત્યારે અંધારું ઉતરી આવ્યું હતું. આખરે અમારા હર્યાભર્યા બે દિવસ પુરા થઈ ગયા હતા. રાજસ્થાનના આ ઓફબીટ સ્થળને ગુડ બાય કહેતા સુંદર યાદો સાથે અમે પરત અમદાવાદ તરફ પ્રસ્થાન કર્યું.

તમને વાંચીને ખ્યાલ આવી જ ગયો હશે કે જવાઈની મુલાકાત માત્ર તેની સફારી નથી પણ આહલાદક સૂર્યોદય અને સૂર્યાસ્ત, સ્વાદિષ્ટ રાજસ્થાની જમણ, આસપાસનું નૈસર્ગીક અને સાંસ્કૃતિક સૌંદર્ય અને ખાસ તો અંતરને મળતી શાંતિ! વર્ષનાં કોઈપણ સમયે આ સ્થળની મુલાકાત લઈ શકાય તેમ હોવા છતાં, જવાઈ ચિત્તા સફારીની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય સપ્ટેમ્બરથી ફેબ્રુઆરી મહિનાનો છે.

આ કદાચ વિશ્વનું એકમાત્ર વન્યજીવ અભયારણ્ય છે જ્યાં ચિત્તાઓ અને ગામના લોકો વચ્ચે એક બંધન જોવા મળે છે. અહીંના લોકોને મળીને લાગ્યું કે ખરેખર એમનો વન્યજીવો પ્રત્યેનો પ્રેમ અને સમજ જ આ સ્થળને વન્યજીવો માટે રહેવાલાયક બનાવે છે.

– મીરા જોશી

અક્ષરનાદ પર આવા જ અન્ય પ્રવાસ વર્ણન વાંચવા અહીં ક્લિક કરો.


આપનો પ્રતિભાવ આપો....

10 thoughts on “રાજસ્થાનનું અનોખું ઘરેણું : જવાઈ – મીરા જોશી