શ્રી રાજેન્દ્ર શુક્લ જેમના માટે કહે છે, ‘કરતાલ, કરતાલ વિષે જબ અલખની ખોજ હશે, દેખાય ન દેખાય ભલે, બાજુમાં મનોજ હશે.’ એવા આપણી ભાષાના પ્રયોગશીલ કવિતાના – ગઝલના એક અગ્રગણ્ય સર્જકની બે ગઝલો આજે પ્રસ્તુત છે. પ્રથમ ગઝલ ‘સાચવી રાખો…’ માં અંતરના સૂક્ષ્મતમ ભાવોને ટકાવી રાખવાની સરસ લાગણીશીલ વાત તેઓ કરે છે. દરેક પ્રકારના ભાવની, લાગણીની પોતાની આગવી જરૂરત છે અને એ જરૂરતોને જાળવેલી સંવેદના વડે પૂરી કરવાની વાત અહીં ખૂબ સરસ રીતે રજૂ થઈ છે, તો બીજી ગઝલમાં ‘શું ચીજ છે’ શબ્દોના અનોખા ઉપયોગથી એ જ આંતરીક ભાવોની અભિવ્યક્તિ તથા કલ્પનાની – રૂપકોની મનોહર રજૂઆત દરેકે દરેક શે’ર પર ભાવકને ‘વાહ..’ કહેવા મજબૂર કરી દે છે.