પ્રકરણ ૫ – વૈશાલીમાં કૌતુક ! પછાત ગણાતા આજના બિહારનો એક ઈતિહાસ હતો. માની ન શકાય પણ એ આપણા અસ્તિત્વ જેટલી જ નક્કર હકીકત છે કે એક જમાનામાં બિહારમાં ભારતનો સુવર્ણ યુગ હતો! બિહાર એટલે વિહાર… વિહાર શબ્દનો એક અર્થ છે ‘બૌદ્ધ મઠ’. તે ૧૦૦૦ વર્ષ સુધી સત્તા, શિક્ષણ અને સંસ્કૃતિનું કેન્દ્ર રહ્યું હતું. પ્રાચીન બિહાર મગધ તરીકે સુવિખ્યાત હતું. ભારતનું તે પ્રથમ સામ્રાજ્ય હતું. મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્યોનો ઉદય પણ તે સમયમાં થયો હતો. ત્યાંથી જ બૌદ્ધ વિશ્વમાં પ્રસર્યો અને ત્યાર બાદ આધુનિક બિહારનો જન્મ થયો. મગધની રાજધાની પાટલીપુત્ર હતી જે આજે પટણા તરીકે ઓળખાય છે. તે સમયમાં મગધ શિક્ષણ, કળા, જ્ઞાન અને વિજ્ઞાનના ક્ષેત્રે બહુ આગળપડતું સ્થાન ધરાવતું હતું. તે ત્યારના ૧૬ મોટાં રાજ્યોમાંનું (મહાજનપદ) એક મોટું રાજ્ય હતું. અત્યારે જે પુરાતત્વ ખાતાને હવાલે થયેલું દર્શનીય સ્થળ છે તે વૈશાલી બિહારનું પ્રથમ પ્રજાતંત્ર રાજ્ય હતું. ડો. રાજેન્દ્રપ્રસાદની કર્મભૂમિ, ચંપારણથી જ ગાંધીજીએ સ્વતંત્રતાની ચળવળનો આરંભ કર્યો હતો. ખુદીરામ બોઝ, આચાર્ય જે.બી.ક્રિપલાની અને જયપ્રકાશ નારાયણ જેવા મહાપુરુષો પણ ત્યાંથી જ મળ્યા છે. પણ ગંગા નદીને કિનારે આવેલા વૈશાલી લીચ્છવીઓની રાજધાની હતી. ત્યાં જ છે અશોક સ્તંભ, ૨૪મા તીર્થંકર ભગવાન મહાવીરનો જન્મ કુંડલાગ્રામ. બુદ્ધ અને જૈન ધર્મ આપનાર એ શહેર ત્યારે બહુ જ વિશાળ હતું. તે સમૃદ્ધ પણ હતું. કળા, નૃત્ય, અભ્યાસ, ધનધાન્ય બધામાં વિકાસમાન. જરા કલ્પના કરી જુઓ કે ત્યાં ૭,૭૦૭ જેટલા મેદાનો અને તેટલાં જ તળાવો હતા. મહાવનો હતાં. વૈશાલીથી સીધા હિમાલયની તળેટીએ પહોંચી શકાતું. વૈશાલી પ્રથમ પ્રજા માટે, પ્રજા વડે અને પ્રજા દ્વારા ચલાવવામાં આવતું ગણરાજ્ય હતું. અત્યારે ચુંટાય છે તેમ જ ત્યારે પણ પ્રજાના પ્રતિનિધિઓ ચૂંટાતા. સંથાગાર, વિધાનસભા, […]