સૌરભ શાહના ‘મહારાજ’ પુસ્તકનો પરિચય – રિપલ પરીખ 4


છત્રીસ પ્રકરણમાં ફેલાયેલી આ દીર્ઘ નવલકથા ખૂબ સરળ રીતે લખાયેલી છે. તે સમયનાં ઘણાં તળપદી શબ્દો અને તે સમયની કોર્ટની કાર્યવાહીમાં વપરાતાં શબ્દોથી આ નવલકથાનું વાતાવરણ જીવંત બની જાય છે.

પુસ્તક : મહારાજ

લેખક: શ્રી સૌરભ શાહ.

પુસ્તક પરિચય: રિપલકુમાર પરીખ.

‘જે ધર્મ તમને અનીતિથી બચાવે અને નીતિના માર્ગે લઈ જાય તે જ સાચો ધર્મ.’

આપણાં ધર્મમાં પ્રવેશેલી બદીઓ, હિંદુ ધર્મમાંથી ઉદ્ભવેલાં વિવિધ સંપ્રદાયોમાં ચાલતી અધાર્મિકતા વગેરે વિશે જ્યારે પણ આપણે વાત કરીએ છીએ, ત્યારે ઘણાં હિંદુઓનાં નાકનાં ટેરવાં ચડી જતાં હોય છે. આવી વાતો કરનાર વ્યક્તિને તેઓ હિન્દુદ્વેષી ગણાવે છે, ત્યારે ઈ.સ‌. ૧૮૬૦ની આસપાસ, મુંબઈનાં એક નિડર, ધર્મપ્રેમી પત્રકાર કે જેઓ પોતે વૈષ્ણવ હોવાં છતાં પણ પોતાનાં જ સંપ્રદાયમાં પ્રવર્તતા, અધર્મનાં આચરણ સામે તેમની ધારદાર કલમથી પ્રકાશ પાડ્યો. એવું સત્ય તેમણે તેમનાં ‘સત્યપ્રકાશ’ સાપ્તાહિકમાં લખ્યું કે જેનાં કારણે તેમનાં પર, તેમનાં જ સંપ્રદાયનાં એક મહારાજે રૂપિયા પચાસ હજારની જંગી રકમનો બદનક્ષીનો દાવો કર્યો. તે સમયે મુંબઈની સુપ્રીમ કોર્ટમાં આ કેસ ચાલ્યો, અનેક સાક્ષીઓની જુબાની લેવાઈ અને અંતે શ્રીનાથજી બાવા પર સંપૂર્ણ શ્રદ્ધા રાખનાર આ પત્રકારની જીત થઈ. આવા, આ ગુજરાતી મહાનાયક પત્રકાર એટલે કરસનદાસ મૂળજી ભાટીયા અને તેમનાં પર બદનક્ષીનો દાવો કરનાર સુરતની મોટી હવેલીના વૈષ્ણવ મહારાજ જદુનાથજી વૃજરતનરાયજી અને આ કેસનું નામ ‘મહારાજ લાયબલ કેસ‘. આ જ કેસ પર આધારિત ખળભળાટ મચાવતી દસ્તાવેજી, એવોર્ડ વિજેતા પ્રાપ્ત નવલકથા એટલે ‘મહારાજ’ અને આ નવલકથાનાં આદરણીય અને હિન્દુત્વની જ્યોત સમાન લેખક એટલે શ્રી સૌરભભાઈ શાહ.

મહારાજ નવલકથા સૌરભ શાહ અક્ષરનાદ પુસ્તક સમીક્ષા
મહારાજ નવલકથા સૌરભ શાહ અક્ષરનાદ પુસ્તક સમીક્ષા

‘મહારાજ’ નવલકથાનાં લેખક શ્રી સૌરભ શાહ પોતે સાચાં વૈષ્ણવ છે, તેમને શ્રીજી બાવામાં અપાર શ્રદ્ધા છે. હિન્દુ હોવાનું તેમને ગૌરવ છે, પરંતુ જ્યારે પુષ્ટિ સંપ્રદાયના મહારાજ દ્વારા થતી ‘રાસલીલા’ વિશે તેમણે ‘મહારાજ લાયબલ કેસ’ માં વાંચ્યું, ત્યારબાદ અનેક સંશોધનોને અંતે આ સત્યઘટના પર આધારિત ‘મહારાજ’ નવલકથા તેમણે લખી. ‘મહારાજ’ નવલકથાને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા શ્રેષ્ઠ નવલકથાનો એવોર્ડ અને સુરતની નર્મદ સાહિત્ય સભા દ્વારા શ્રેષ્ઠ નવલકથાનો ‘નંદશંકર ચંદ્રક’ એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે, તે ઉપરાંત અનેક વાચકોએ અને ખાસ કરીને ઘણાં સાચાં વૈષ્ણવો પણ આ નવલકથાને ખૂબ વખાણી છે.

‘મહારાજ’ લખવા વાસ્તે સૌરભ શાહને શાબાશી આપતાં વરિષ્ઠ લેખક શ્રી વીનેશ અંતાણી પ્રસ્તાવનામાં લખે છે, ‘સૌરભ માત્ર પત્રકાર હોત કે માત્ર નવલકથા લેખક હોત તો ‘મહારાજ’ જે રીતે લખાઈ તે રીતે લખાઈ ન હોત. ‘મહારાજ’ નવલકથાને પીઢ – અનુભવી પત્રકાર અને કુશળ સર્જક બંનેનો સાથ મળ્યો છે. કદાચ તો સૌરભમાં રહેલા પત્રકારને જ ‘મહારાજ લાયબલ કેસ’ અને કરસનદાસ મૂળજીના જીવનમાંથી વિશિષ્ટ પ્રકારની નવલકથાનું વિષયવસ્તુ દેખાયું હશે. આ નવલકથાનું દસ્તાવેજી મૂલ્ય ઘણું છે. એ ટેબલ પર બેસીને જ લખાઈ જાય એવી નવલકથા નથી. એક આખો ભૂતકાળ જીવંત કરવાનો હતો. પૂરી ઑથેન્ટિસિટિ – પ્રમાણભૂતતા – વિના ‘મહારાજ’નું સર્જન નિરર્થક બની ગયું હોત. કરસનદાસનાં જીવનની વિગતો, તે સમયનું મુંબાઈ, વૈષ્ણવ મહારાજોની હવેલીઓ, મહત્વનાં અને ગૌણ પાત્રો, તે સમયનાં અખબારો, લોકોની માનસિકતા, જીવનશૈલી અને લાયબલ કેસની વિગતો વગેરેને ઑથેન્ટિક બનાવવા માટે પરિશ્રમ માગી લે તેવા ભરપૂર રિસર્ચની જરૂર પડે તેમ હતું. આ માટે સૌરભની પત્રકારદ્રષ્ટિ કામ લાગી છે.’

‘મહારાજ’ નવલકથા વિશે લેખક શ્રી વિનેશ અંતાણી પ્રસ્તાવનામાં લખે છે, ‘ ‘મહારાજ’ આમ તો એક આખા પ્રજાસમૂહની કથા છે, પરંતુ બે મહત્વનાં પાત્રો કરસનદાસ અને જદુનાથ મહારાજ અહીં સામસામેના છેડા પર ઊભાં છે. બંનેની જીવનદ્રષ્ટિ અલગ, સાવ વિરોધાભાસી. પોતાને ભગવાનનાં વારસદાર અને કળિયુગમાં ભગવાન માનનાર અને તે વાત પોતાના વિશાળ ભક્તોસમુદાયનાં મન-મગજ પર ઠસાવનાર જદુનાથ મહારાજની સામે કરસનદાસની ઈશ્વર પરત્વે સાચી ભક્તિ, સત્ય પોતાની સાથે છે તે વિશે છલોછલ આત્મશ્રદ્ધા, અજ્ઞાનના અંધારામાંથી પોતે જ્ઞાનનો પ્રકાશ મેળવી સમાજને સાચી દિશા બતાવવાની ઝંખના, મૂલ્યો માટેનો આગ્રહ અને સાદગી જેવાં કરસનદાસનાં ચારિત્ર્યનાં મહત્વનાં પાસાં ઊભરી આવ્યાં છે. હક્કનું હોય તે કોઈપણ હિસાબે મેળવવું અને અપાવવું અને જેના પર હક્ક ન હોય તેવું કશું મળે તો પણ તેને નકારવું એ કરસનદાસનું જીવનમૂલ્ય છે. એ પોતે જેમાં માનતો હોય તેને વળગી રહેવાની દ્રઢતા કરસનદાસનો વિશેષ ગુણ છે. દ્વિધાની ક્ષણોમાં કરસનદાસ અપાર મૂંઝવણ અને મનોમંથનમાંથી પસાર થાય છે. ‘ઝંપલાવવાનું નક્કી કરી દીધા પછી ખીણની ઊંડાઈ થોડાક સો માથોડાં ઓછી હોય કે વધુ હોય – શો ફરક પડે છે એવું વિચારવાના મતનો એ હતો.’ લંપટ મહારાજોની નઠારી લીલાઓની સામે કરસનદાસનું ઉચ્ચ માનવીયપણું કેટલાય પ્રસંગે ચરિતાર્થ થયું છે. એ ધર્મના નામે ચાલતી અનીતિનો વિરોધી છે, પરંતુ પોતે પૂરેપૂરો ધાર્મિક છે. શ્રીનાથજીબાવા પર એની શ્રદ્ધા અચલ છે.’

‘મહારાજ’ નવલકથાના લેખક શ્રી સૌરભ શાહ જન્મે વૈષ્ણવ છે, તેઓ પોતાને કર્મે બ્રાહ્મણ, સ્વભાવે ક્ષત્રિય અને ધ્યેયપ્રાપ્તિ માટે શુદ્ર જણાવી તેમની આ નવલકથાને તેમનું શુદ્ર કાર્ય ગણે છે. શુદ્ર એટલે કે દેશમાં, સમાજમાં, ધર્મમાં અને પોતાનાંમાં જ્યાં જ્યાં તેમણે ગંદકી જોઈ છે, તેમણે એનું મેલું માથે ઉપાડીને ઉકરડામાં નાખ્યું છે. આ વાતને વિગતે સમજાવતાં તેઓ લખે છે, ‘ જેમ ભારતીય હોવાનું, હિન્દુ હોવાનું, ગુજરાતી હોવાનું અને માણસ હોવાનું મને ગૌરવ છે એટલું જ ગૌરવ મને વૈષ્ણવ હોવાનું પણ છે. વૈષ્ણવ સંપ્રદાયની પરંપરાથી હું વાકેફ છું. આ નવલકથા કોઈ એક સંપ્રદાયને વગોવવાના કે કોઈ પણ વ્યક્તિની ધાર્મિક લાગણી દુભવવાના આશયથી લખાઈ નથી. એવું કરવાનો વિચાર સુદ્ધાં જિંદગીમાં ક્યારેય નથી આવ્યો. વૈષ્ણવ પરંપરામાં એક જમાનામાં રહેલા એક વરવા પાસા પર પ્રકાશ ફેંકવાનો આ પ્રયાસ છે જેથી સજાગ વૈષ્ણવો ચેતે અને જો આ જમાનામાં ક્યાંક આવી કે કોઈ પણ પ્રકારની બદીઓ હોય અને તે જુએ તો કરસનદાસ મૂળજી બનીને ત્યાં પહોંચી જાય અને એને અટકાવે. ફરી યાદ અપાવું કે કરસનદાસ મૂળજી પોતે વૈષ્ણવ હતા, કપોળ હતા.’

‘મહારાજ’ નવલકથાનાં ક્લાઈમૅક્સ ચૅપ્ટર્સ વાંચતાં વાંચતાં આપણે સૌ પણ આપણાં ધર્મ વિશે ફરીથી એક વખત ચોક્કસ વિચારતાં થઈશું, જેવી રીતે લેખક શ્રી સૌરભ શાહ પણ ધર્મ વિશે ફરીથી એકવાર વિચારતાં થઈ ગયાં, ‘આ નવલકથા લખતાં ધર્મ માટેની મારી આસ્થા સહેજ પણ ઓછી થતી નથી. હિન્દુ ધર્મ મને ગમે છે કારણ કે આ ધર્મ કૃત્રિમ રીતે સર્જાયેલો નથી. એની સ્થાપના કોઈ એક મહાપુરુષને કારણે થઈ નથી. બીજા ધર્મોમાં સ્થાપક તરીકે કોઈને કોઈ મહામાનવનાં નામ આપવામાં આવે છે. હિન્દુ ધર્મમાં એવું નથી. કારણ કે આ ધર્મ આપોઆપ ઊગ્યો છે અને કોઈનુંય ધર્માંતરણ કરાવ્યા વિના ફૂલોફાલ્યો છે. આ ભૂમિની જીવનશૈલીરૂપે પ્રગટ્યો છે. હિન્દુ ધર્મ ક્યારેય બીજા ધર્મોમાં આસ્થા ધરાવનારાઓ પ્રત્યે અણગમાથી જોતો નથી. કોઈને કાફિર કહેતો નથી. હિન્દુ ધર્મ કોઈને લાલચ આપીને એનું ધર્મપરિવર્તન કરાવતો નથી. હિન્દુ ધર્મમાં તો ધર્મમાં નહીં માનનારા નાસ્તિક હિન્દુઓને પણ હિન્દુ ગણવાની છૂટ છે, એમના માટેનો આદર પણ છે.’

છત્રીસ પ્રકરણમાં ફેલાયેલી આ દીર્ઘ નવલકથા, ખૂબ જ સરળ રીતે લખાયેલી છે. અહીં કેટલીક જગ્યાએ લેખકે તે સમયનાં શબ્દોને ખૂબ સરસ રીતે પ્રયોજ્યા છે, જેમકે તે વખતે ‘અમે’ ની જગ્યાએ ‘હમે’, ‘મુંબઈ’ ની જગ્યાએ ‘મુંબાઈ’, તે ઉપરાંત તે સમયનાં ઘણાં તળપદી શબ્દો અને તે સમયની કોર્ટની કાર્યવાહીમાં વપરાતાં શબ્દોથી આ નવલકથાનું વાતાવરણ જીવંત બની જાય છે. એવું વાંચવામાં આવ્યું છે કે, આજે પણ ઘણાં નવાં વકીલોને કોર્ટની કાર્યવાહી શીખવવા માટે ‘મહારાજ લાયબલ કેસ’નો ઉપયોગ થાય છે.

લેખકે અહીં નવલકથાનાં પ્રકરણોને શ્રીજી બાવાના મંગળા, શૃંગાર, ગ્લાવ, રાજભોગ, ઉત્થાપન, ભોગ, આરતી અને શયનના વિવિધ દર્શનોમાં વહેંચ્યા છે. ‘મહારાજ’ નવલકથા લખવા માટે શ્રી સૌરભ શાહે ઉઠાવેલી જહેમત કાબિલે દાદ છે. તેમણે આની શરૂઆત કરી હતી વર્ષ ૧૯૯૬ – ૯૭માં. મુંબઈની સુપ્રીમ કોર્ટનાં આર્કાઇવ્ઝમાંથી ‘મહારાજ લાયબલ કેસ’નો સંપૂર્ણ દસ્તાવેજ મેળવવા ઉપરાંત, કામા લાઈબ્રેરીમાંથી ‘સત્યપ્રકાશ’ નાં ઓરિજિનલ અંકો જોવાં, મહારાજ જદુનાથજીનો પક્ષ જાણવા માટે સુરતની એ જ મોટી હવેલીમાં જઈને જદુનાથજીના પાંચમી પેઢીનાં વંશજ બાલકૃષ્ણલાલજી મહારાજને મળવું, તે ઉપરાંત કેસનાં રેકર્ડ માટેનાં પુસ્તકો, બીજું સાહિત્ય તપાસવું, તે કેસ સાથે સંકળાયેલાં તમામ ગુજરાતી લોકો, વકીલો અને ખાસ તો ચુકાદો આપનાર બંને અંગ્રેજ ન્યાયાધીશો વિશે વિગતે જાણવું. આ દરેક ઝીણી બાબતોને ધ્યાનમાં રાખીને લેખકે, આ નવલકથા લખી છે. જે લેખકની ‘વન પેન આર્મી’ જેવો અનુભવ આપી જાય છે.

‘મહારાજ’ નવલકથા પરથી ગુજરાતી રંગભૂમિના ત્રણ સફળ નાટકકારો શ્રી સંજય ગોરડિયા, શ્રી કૌસ્તુભ ત્રિવેદી અને શ્રી વિપુલ મહેતાએ નાટક પણ બનાવ્યું હતું, જેને જોવા માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સર્વેસર્વા અને નાથદ્વારા ટેમ્પલ બોર્ડ સાથે સંકળાયેલા શ્રીમતી કોકીલાબેન અંબાણી અને શ્રીમતી ટીના અંબાણી પણ આવ્યા હતા, તેમને આ નાટક ખૂબ ગમ્યું હતું. હવે, આ નવલકથા પર આધારિત હિન્દી ફિલ્મ પણ બની રહી છે, તેને બોલીવુડનું ખૂબ મોટું પ્રોડક્શન હાઉસ ‘યશરાજ ફિલ્મ્સ’ બનાવી રહ્યું છે. તો, ચાલો, આ ફિલ્મ આપણે જોઈએ તે પહેલાં આપણાં ગુજરાતી લેખક શ્રી સૌરભ શાહની આ ઐતિહાસિક નવલકથા આપણે વાંચીએ.‌

પુસ્તક: ૬. મુંબઈ, રવિવાર

તારીખ: ૨૧મી ઑક્ટોબર ૧૮૬૦; અંક : ૪૩

‘હમો જદુનાથજી મહારાજને પૂછીએ છીએ કે કયા વેદમાં, કયા પુરાણમાં, કયા શાસ્ત્રમાં અને કઈ સ્મૃતિમાં લખ્યું છે કે મહારાજને અથવા ધર્મગુરુને પોતાની પરણેલી સ્ત્રી ભોગવ્યા પહેલાં સોંપવી? પોતાની સ્ત્રી જ નહીં, પણ પોતાની બેટી અથવા દીકરીને બી સોંપવી? અરરર! આ લખતાં હમારી કલમ ચાલતી નથી. હમોને અતીશે કંટાળો અને ધ્રુજારો છૂટે છે. લોકોને દેખતી આંખે આંધળા કરવા, અને તેઓને આંખમાં ધૂળ છાંટીને ધર્મને નામે અને ધર્મને બહાને તેઓની કાચીકુંવારી વહુ-દીકરી ભોગવવી એના કરતાં વધારે પાખંડ અને વધારે ઠગાઈ કઈ?’

‘સત્યપ્રકાશ’ સાપ્તાહિક

પુસ્તક પ્રકાશક: આર. આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ., મુંબઈ. કિંમત: ₹ ૩૫૦/-

અમેઝોન પરથી ખરીદવા – https://amzn.to/3jY4VES


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “સૌરભ શાહના ‘મહારાજ’ પુસ્તકનો પરિચય – રિપલ પરીખ

  • ભરત વાઘાણી

    છેલ્લા આડત્રીસ ચાલીસ વર્ષથી લગભગ સૌરભભાઈનો વાંચુંછું .સતત કાળી મજૂરી કરીને લેખ લખે છે.ગુડ મોર્નિંગની પહેલી સિરીઝથી એમના વાંચકો,ચાહકો સતત વધતા છ રહ્યા છે.પત્રકાર, ઉપરાંત લલિત નિબંધ અને નવલકથાકાર તરીકે ખૂબ જ વિખ્યાત અને રાજકીય વિશ્લેષક તરીકે તો અવ્વલ જ.મહારાજ એટલે એમની કલમનો એમની કોઈપણ બાબત ,વિષય ઉપર લખતા પહેલાનું સખત હોમવર્કનુ ક્લાઈમેક્સ.ગુજરાતી બેસ્ટ ટોક શો એટલે એક જમાનામાં ઈ ટીવી ગુજરાતી ચેનલ ઉપર આવતો શ્રી સૌરભ શાહ દ્વારા સંચાલિત સંવાદ.એકથી ચડિયાતા લોકોના ઈન્ટરવ્યુ.જેની શરુઆત આદરણીય શ્રી સ્વામી સચ્ચિદાનંદના ઈન્ટરવ્યુથી કરી હતી.સેક્સ પેરીસ જેટલું તો કદાચ એમની કલમ અને કોલમ તેમજ એમની નિડરતા ઉપર લખી શકાય.