બીજાનાં સુખમાં આપણું સુખ.. – પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની જન્મશતાબ્દિ વિશેષ


આપણે સૌ હાલમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દિ ઉજવી રહ્યાં છીએ! અસંખ્ય લોકોના જીવન પર તેમની સામાજિક-આધ્યાત્મિક અને સેવાકીય પ્રવૃતિઓનો પ્રભાવ પડ્યો છે. મૃદુભાષી અને સદાય પ્રસન્નચિત્ત રહેતાં પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું વ્યક્તિત્ત્વ તદ્દન સરળ, સાત્વિક અને સંવેદનાસભર હોવાને કારણે તેમના શબ્દોની જાદુઈ અસર થતી.

ફીલિંગ્સ સામયિકે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દી પ્રસંગે એક વિશેષાંક પ્રકાશિત કર્યો છે અને એમાં શબ્દોના શ્રદ્ધાસુમન અર્પણ કરવાનો અવસર મને પણ મળ્યો

૨૫ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ અમેરિકાના હાઉસ ઓફ રિપ્રઝેન્ટેટિવ્સમાં રિપબ્લિકન પાર્ટીના સભ્ય એન્ડ્ર્યુ ગાર્બરીનોએ પૂજ્ય શ્રી પ્રમુખસ્વામી મહારાજના જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવા માટેનો પ્રસ્તાવ મૂક્યો. એ અંતર્ગત તેમણે કહ્યું કે ગુજરાતના ચાણસદ ગામમાં જન્મેલા પ્રમુખ સ્વામી મહારાજ નાનપણથી જ અધ્યાત્મપથને અનુસરતા પરમ સત્યની શોધમાં, ભૌતિક સંપત્તિનો ત્યાગ કરી આહ્લાદક નમ્રતા, સૌજન્યશીલતા, અપાર કરુણા, નિતાંત સ્નેહ અને સૌને મદદ કરવાની નિઃસ્વાર્થ ભાવના ધરાવતા હતા.

એમણે BAPS સ્વામિનારાયણ સંસ્થાના પાંચમા આધ્યાત્મિક પથપ્રદર્શક અને ગુરુ તરીકે વ્યક્તિ વ્યક્તિ વચ્ચે, અનેક પરિવારોમાં અને વિવિધ સમુદાયો વચ્ચે સુમેળ તથા સંવાદિતાને પ્રોત્સાહન આપવા માટે જીવન સમર્પિત કર્યું. તેમણે કહ્યું કે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજમાં આધ્યાત્મિકતા અને નેતૃત્વનો અનોખો સંગમ હતો, અને એમના જ પ્રયત્નોથી વિશ્વભરમાં BAPS સંસ્થાની સુવાસ પ્રસરી. વિશ્વભરમાં ૧૧૦૦ થી વધુ મંદિરો અને એકલા ઉત્તર અમેરિકામાં ૧૫૦ કેન્દ્રોનો સમાવેશ થાય છે, હ્યુસ્ટન, શિકાગો, ટોરોન્ટો, એટલાન્ટા, લોસ એન્જલસ અને રોબિન્સવિલેમાં તેમણે ભવ્ય મંદિરો બનાવ્યા છે; આ મંદિરો લાખો લોકોને અધ્યાત્મિક અને સામાજિક ઉન્નતિ માટે માર્ગ બતાવે છે. ઉપરાંત પૂજા, સામુદાયિક પ્રવૃત્તિઓ અને અન્ય સાંસ્કૃતિક પ્રવૄત્તિઓ દ્વારા એ શ્રદ્ધાળુઓ માટે અનોખું સ્થળ બની રહે છે. પ્રમુખ સ્વામી મહારાજ કાયમ અન્યોની ઉન્નતી અને ભલાઈ માટે જ જીવ્યા, બીજાના સુખમાં જ આપણું સુખ છે એવો અદ્વિતિય સંદેશો આપનાર પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું પવિત્ર સ્મરણ કરતાં એમના જન્મ શતાબ્દી મહોત્સવની ઉજાવણી કરવાનો ઠરાવ ત્યાં પસાર થયો.

ગુણાતીતાનંદ સ્વામીજી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજની ગુણાતીત ગુરુપરંપરાના પાંચમા પથદર્શક પૂજ્ય શ્રી પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ વડોદરા પાસેના ચાણસદ ગામે તા. ૭ ડિસેમ્બર ૧૯૨૧ના દિવસે થયો. ભગવાન સ્વામિનારાયણની આધ્યાત્મિક પરંપરાના ગુરુ શાસ્ત્રીજી મહારાજના વ્યક્તિત્વથી આકર્ષાઈ એમણે દીક્ષા લીધી, નારાયણસ્વરૂપદાસ સ્વામી બન્યા. ઈ.સ. ૧૯૫૦માં તેઓ સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ બન્યા.

Pramukh Swami Maharaj 100 years celebration article Feelings Magazine December 2022

પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે તેમનું સમગ્ર જીવન લોકોની સેવામાં સમર્પિત કરી દીધું. સમાજને જ્યારે આફત આવી ત્યારે, અણીના સમયે તેઓ સંગઠન સાથે ખડે પગે ઉભા રહ્યાં અને સેવા દ્વારા સમર્પણનો, કુશળ સમાજોપયોગી નેતૃત્વનો દાખલો બેસાડ્યો. કપરા સમયમાં સતત તળના લોકો સુધી પહોંચી, એમની સાથે રહી જ્યાં એક તરફ લોકોના આંસુ લૂછ્યાં ત્યાં સામાન્ય પરિસ્થિતિઓમાં એકમેક વચ્ચે સામંજસ્ય સાધીને, સમાજને ઉપયોગી એવી પ્રવૃત્તિઓમાં રત થવા લોકસેવાનો માર્ગ બતાવીને એમણે અનેકોને એક કર્યાં. વિચક્ષણ વ્યક્તિત્વોને ઓળખવાની, માર્ગદર્શન આપવાની અને આવડતોને હકારાત્મક રીતે સમાજ માટે ઉપયોગમાં લેવાની અદ્વિતિય નેતૃત્વશક્તિ એમનામાં હતી પણ એ નેતૃત્વ તેમણે કાયમ સેવાના સ્વરૂપે જ કર્યું. સેવાકીય પ્રવૃત્તિઓ થકી મળતી અધ્યાત્મિક ઉન્નતિએ અને તે છતાં સાદગીને અનુસરતી જીવનપદ્ધતિએ તેમને અદ્વિતિય મહામાનવ બનાવ્યા. આર્થિક સ્તર, જાતિ, ધર્મ કે રાષ્ટ્રીયતાના કોઈ બંધનને આડે ન આવવા દેતાં તેમણે ભારતીય સંસ્કૃતિમાં રૂઢિગત વિશ્વબંધુત્વના આદર્શને મૂર્તિમંત કરી બતાવ્યો. એમની કરુણાના કોણ ભાવક ન હોય?

આપણે સાંભળ્યું છે કે ગુરુઓ દરેક શબ્દને જોખીને બોલતાં હોય છે, એમના વચનોમાં અર્થગાંભીર્ય ભારોભાર હોય છે. પ્રમુખ સ્વામી મહારાજની વાણી પણ અત્યંત મૄદુ છતાં અર્થસભર હતી. એ ઓછું બોલતાં પણ જ્યારે બોલે ત્યારે તેમના શબ્દો શાશ્વત સત્યનું દર્શન કરાવતાં. સરળ અને સીધા શબ્દો તેમની અંદર રહેલી સ્પષ્ટતા, શુદ્ધતા અને પરમ દિવ્યતાનું પ્રતિબિંબ હતાં.

ધર્મ વિશે તેમના વિચારો એકદમ સ્પષ્ટ હતાં. તેઓ કહેતાં કે જે માનવને માનવથી જોડે એ જ ધર્મ. એકબીજા માટે સ્નેહ અને આદર પ્રસરાવે એ ધર્મ. જો દરેક માણસ ધર્મનો હ્રદયપૂર્વક અભ્યાસ કરે અને એના વિશે મનોમંથન કરે તો વિશ્વમાં ક્યાંય કોઈ ક્લેશ રહે જ નહીં. કારણ કે ધર્મ માણસને પોતાની અંદર જોવાની શક્તિ આપે છે, અધ્યાત્મિકતાના એવા સ્તર પર ધર્મ લઈ જાય કે જ્યાંથી બીજા વિશે કોઈ નકારાત્મક વિચાર જ ન આવે એ સ્થિતિએ પહોંચવાનો સૌએ પ્રયત્ન કરવો જોઈએ. આપણે સૌ અમૃતના એટલે કે અક્ષયના પુત્રો છીએ, આત્મા અવિનાશી છે, એ સર્વે ભેદોથી પર છે. એને કોઈ જાતિ, પરિવાર કે દેશ હોતાં નથી. આત્મા સર્વેને એક તંતુથી જોડે છે. ધર્મ શીખવે છે કે જે શરીર અત્યારે આપણી પાસે છે એ કાયમી નથી, પણ આપણો આત્મા અવિનાશી છે; એથી શરીરને માટે કંઈ પણ ખોટું કરવાની કોઈ જરૂર ખરી? માનવતા અને સદાચાર એ જ ધર્મ છે, કોઈકને મદદરૂપ થયાની, કોઈકના આંસુ લૂછ્યાની અક્ષય છાપ આપણાં આત્મા પર કાયમ રહેવાની છે. સર્વેમાં એ જ આત્મા વસે છે જે આપણામાં છે એ વાત સમજીશું, બધામાં એ જ પરમપિતાના દર્શન કરીશું તો પછી વસુધૈવ કુટુંબકમનો ભાવ સમજાશે અને ત્યારે કોઈ આપણા માટે પારકું નહીં રહે. અને આપણે એ રીતે સર્વેના સુખની કામના કરીશું!

પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે ભક્તિનો, સમર્પણનો અર્થ ચરિતાર્થ કરી બતાવ્યો. સામાન્ય લોકોને જેવી આસક્તિ પોતાના પરિવારજનો કે મિત્રો વિશે હોય છે એ પ્રમુખ સ્વામી મહારાજને ઈશ્વર પ્રત્યે હતી. એમની શ્રદ્ધાનું બળ અને આત્મવિશ્વાસનું તેજ એટલું તો મૂર્તિમંત હતું કે એમના આચરણમાં માનવમાત્ર પ્રત્યે અપાર અનુકંપા, સૌને માટે એમની આંખોમાંથી સ્નેહ અને વાત્સલ્ય વરસતું. નવધાભક્તિમાં રમમાણ રહી એમણે સર્વેને શ્રદ્ધાથી ભર્યાભર્યાં કરી દીધાં. માનવમાત્રમાં એમણે ઈશ્વરના દર્શન કર્યાં. સુખ મળ્યું તો ઈશ્વરે આપ્યું અને કસોટી થઈ તો પણ ઈશ્વરે કરી એવી ભાવના મનમાં રાખી આંતરખોજ કરવી અને કોઈ પણ પરિસ્થિતિમાં બીજાના દુઃખનું, અગવડનું કારણ ન બનીએ એ જ આપણો સ્વભાવ હોવો જોઈએ એવું તેમણે સમાજને શીખવ્યું. શ્રી હનુમાનજીની જેમ સેવાભાવે હું પણું ત્યજી ઈશ્વરને પૂર્ણપણે સમર્પિત થઈશું ત્યારે જ મનનો સઘળો મેલ નાશ પામશે અને અંતર સ્વચ્છ થઈ ઝળકી ઉઠશે એ તેમણે સર્વેને શીખવ્યું. રોજિંદા જીવનની દરેક પ્રવૃત્તિમાં, દરેક ક્ષણે ઈશ્વરનું જ કામ કરી રહ્યાં છીએ, એમને જ કારણે બધું શક્ય બન્યું છે એવો ભાવ કેળવવાની અને પૂર્ણ સમર્પણથી ભક્તિ કરવાની રીત પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે ચરિતાર્થ કરી બતાવી.

પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે એક આદર્શ ગુરુની ભૂમિકામાં તેમના માટે શ્રદ્ધા ધરાવનારાઓને અને બૃહદ રીતે સમગ્ર સમાજને વ્યક્તિગત રીતે અધ્યાત્મિક પ્રગતિ માટેનો માર્ગ પોતાના વર્તન અને વહેવારથી સાધી બતાવ્યો. એમણે કહેવા કરતાં એ બધું કરીને બતાવ્યું જે બીજાઓ માટે લાંબા સમય સુધી આદર્શરૂપ રહેશે. ભારતભૂમિની એ વિશેષતા રહી છે કે અહીં ગુરુ પરંપરા અને મહામાનવોએ સમયાંતરે આવીને લોકોના સમૂહને સાચો માર્ગ ચીંધ્યો છે. પ્રમુખ સ્વામી મહારાજની જે વિશેષતા મેનેજમેન્ટના અભ્યાસુઓ અત્યંત જિજ્ઞાશાથી જુએ છે એ છે સેવાથી સમર્પણ, સેવાથી નેતૃત્વ. આટલા વિશાળ સંપ્રદાયનું અને સમગ્રપણે સનાતન ધર્મમાં શ્રદ્ધા રાખનારાઓનું તેમણે એકદમ નમ્ર રહીને, તદ્દન સાદગીપૂર્વક એવું તે સિંચન કર્યું કે તેમનો પડ્યો બોલ ઉઠાવી લેવા તત્પર કરોડો લોકો માટે એ અનુકરણીય ધ્રુવતારક બની રહ્યાં છે.

ધર્મનો અર્થ સર્વસમાજની સુખાકારી, વ્યવસ્થા અને માનવમાત્ર પ્રત્યે ઐક્યની ભાવના છે. અને લોકોના વિશાળ સમૂહને એક ભાવનાથી, એક સંસ્કારસિંચનથી સાંકળવું બહુ મુશ્કેલ કાર્ય છે. સંગીતકારો જ્યારે પોતે સંગીત બની જાય ત્યારે તેમનું સર્જન અદ્વિતિય હોય છે, ચિરસ્મરણીય બની રહે છે. પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ ફક્ત એક સંપ્રદાયના કે હિંદુ ધર્મના સંત નથી, તેઓ વિશ્વવંદનીય વિભૂતિ છે. અધ્યાત્મપથના યાત્રી માટે સમાજસેવા અને શ્રદ્ધા ભર્યા હ્રદયથી પણ ઉન્નતિના શિખરો સર કરી શકાય છે એ વાત તેમણે સહજતાથી બતાવી.

આપણાં પૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન વૈજ્ઞાનિક આદરણીય શ્રી એ.પી.જે. અબ્દુલ કલામ સાહેબે પ્રમુખ સ્વામી મહારાજથી અત્યંત પ્રભાવિત હતાં, તેમણે કહ્યું, ‘મારા પરના પ્રમુખ સ્વામી મહારાજના પ્રભાવનો હિસાબ હું કેવી રીતે કરું? મારા જીવનનાં આધ્યાત્મિક ઉર્ધ્વગમનનો તેઓ અંતિમ પડાવ છે. જે આરોહણ મારા પિતાથી શરૂ થયું હતું, જેને ડૉ. બ્રહ્મપ્રકાશ અને પ્રૅ. સતીષ ધવને પોષ્યું હતું; અને હવે, આખરે, પ્રમુખ સ્વામીજીએ ભગવાનની લગોલગના પથ પર મને મૂકી દીધો છે. એક વૈજ્ઞાનિકના મુખેથી એક અધ્યાત્મિક ગુરુ માટે નીકળેલા આ શબ્દો એ ફરી સાબિત કરે છે કે અંતે તો વિજ્ઞાન પણ ફિલસૂફી સુધી જ પહોંચાડે છે; માર્ગ ભલે નોખાં હોય પણ દરેક પથના યાત્રી અંતે તો સર્વેના સુખ માટે, સર્વેના નિરામય જીવન માટે જ પ્રાર્થના કરતાં હોય છે. શ્રદ્ધાની એ અપ્રતિમ મૂર્તિને, જીવનના મર્મને સમજીને એનું રસપાન કરોડો લોકોને કરાવનાર પરમ પૂજ્ય શ્રી પ્રમુખ સ્વામી મહારાજના ચરણોમાં વંદન! એમની અધ્યાત્મિક ચેતના અને સેવાકીય ભાવના કાયમ આપણાં સૌની સાથે રહે અને નવભારતના નિર્માણમાં આપણને સૌને સતત પ્રેરણા આપતી રહે એ જ એમના શ્રીચરણોમાં આપણી પ્રાર્થના. એમના વ્યક્તિત્વનો, એમની કેળવણીનો હકારાત્મક અને ઉપયોગી પ્રભાવ સનાતન ધર્મ પર લાંબા સમય સુધી રહેવાનો એ ચોક્કસ.

જિજ્ઞેશ અધ્યારૂ

(Feelings Magazine Dec 2022 issue) Link : https://www.feelingsmultimedia.com/e-magazine/

આપનો પ્રતિભાવ આપો....