જોજો પાંપણ ના ભીંજાય.. – કમલેશ જોષી 3


સમય ફટાફટ વહેવા માંડ્યો. પણ ત્યાં જ જાનૈયાઓના મહિલા વિભાગમાં થોડો કોલાહલ વધી ગયો. કશીક બોલાચાલી થઈ હતી. જીજાજીના પિતા કશુંક મોટા અવાજે બોલી રહ્યા હતા. હું એ તરફ ગયો ત્યાં નંદિની દોડતી બહાર આવતી દેખાઈ. “પ્લીઝ, બંટી… તું ત્યાં ન જઈશ, અમારા એ ફૈબા છે જ કજીયાળા… તમે લોકો એની વાત ન સાંભળશો. મોટાભાઈ અને ડેડી બધું સંભાળી લેશે.”

સ્મશાનયાત્રા કૉલમ ભાગ ૧૭

(Recap:- જો કે અત્યારે હું થાકી ગયો હતો. હજુ મારી આંખ સહેજ મળી ત્યાં મને કોઈનું ડૂસકું સંભળાયું. આ સ્વપ્ન હતું કે હકીકત? ફરી કોઈ રડ્યું. મને ખતરાની ઘંટડી વાગતી સંભળાઈ. ઓહ, ક્યાંક પપ્પા…! હું સફાળો બેઠો થઈ ગયો. મગજમાં હજારો વિચારો દોડી ગયા. છલાંગ લગાવી હું પગથિયાં ઉતર્યો. નીચે પથારીમાં પપ્પાની આંખો બંધ હતી. ચકુ રસોડામાંથી ફટાફટ પાણીનો ગ્લાસ લઈ રૂમમાં આવી હતી. એ મારી સામ ફાટી આંખે તાકી રહી, હું પપ્પા સામે ફાટી આંખે તાકતા બોલ્યો, “શું થયું પપ્પાને?” એણે પણ પપ્પા તરફ ગરદન ઘુમાવી. હું દોડીને પપ્પાની નજીક સરકયો..)

 અરે…! હું નજીક પહોંચું એ પહેલા તો એમણે સહેજ પડખું બદલ્યું. મારા પગ જમીન સાથે ચોંટી ગયા. મારી આંખોમાં હર્ષનાં આંસુ ધસી આવ્યા. ચકુએ મારી અને પપ્પાની સામે વારાફરતી નજર ફેરવી મને પૂછ્યુ, “શું થયું?”

હું હરખાઈ ગયો. પપ્પાના શ્વાસ ચાલુ હતા. મેં ચહેરા પર હાથ ફેરવ્યો. ચકુને પૂછ્યું, “કોણ રડે છે?”

“મોટીબેન..” કહેતા એ મને અંદરના રૂમમાં લઈ ગઈ. મમ્મી અને બહેનની આંખો ભીની હતી. કબાટ ખુલ્લો હતો. વર્ષોથી આ કબાટમાં ઉપરના બે ખાનાઓમાં મોટીબેનની ચીજવસ્તુઓ મૂકાતી. એ બંને ખાના ખાલી હતા. મોટીબેન એની બાળપણથી શરૂ કરી આજ સુધીની બધી જ કીંમતી અને યાદગાર વસ્તુઓ બેગમાં ભરી રહી હતી. બેગમાં એક ઢીંગલી હતી, જે એની બાળપણની સખી હતી, મોતીના ભરેલા કુંભ અને સાથીયા, કાપડ પર રંગબેરંગી દોરાથી ચીતરેલા ચાકડા, દાંડિયાની એક જોડી, પપ્પા-મમ્મી અને મારી સાથેનો એક ફોટો, એની સ્કૂલમાંથી મળેલું એક મેડલ, મહેંદીની સ્પર્ધામાં એને ઈનામમાં મળેલી એક ફોટો ફ્રેમ, એના રંગીન ચશ્માં, બાળપણની એની ફેવરીટ હેરબેન્ડ… અને એવું ઘણું બધું.. હું સમજી ગયો. મા-દીકરી એક-એક વસ્તુઓ સાથે જોડાયેલી ઘટનાઓ વાગોળી રહી હતી.

આ ઘરમાં વીતાવેલા જિંદગીના ત્રેવીસ-ચોવીસ વર્ષ મમ્મી અને મોટીબેનના માનસપટ પરથી પસાર થઈ રહ્યા હતા. આ ઘરમાં આખરી અંક ભજવવા જઈ રહેલી મોટીબેન છેલ્લી વખત ભૂતકાળના એ નિર્દોષ, મીઠા, મધુર પ્રદેશમાં મમ્મીની આંગળી ઝાલી લટાર મારી રહી હતી.  હું અને ચકુ પ્રવેશ્યા એટલે એમની અશ્રુધારા સહેજ થંભી. મોટીબેને મારી સામે એટલા બધા વહાલથી જોયું કે હું છેક ભીતર સુધી પલળી ગયો. ચકુએ મમ્મી અને બહેન સામે પાણીના ગ્લાસ ધર્યા. એક એક ઘૂંટ ભરી એમણે ગ્લાસ પરત આપ્યા. ચકુએ ગ્લાસ નજીકના ટેબલ પર મુક્યા.

“મોટીબેન.. હવે હું જાઉં…” ચકુ સમય પારખી બોલી.

“અરે.. બેસ ને ચકુ, તું ક્યાં પારકી છે!” મમ્મીએ કહ્યું. “તું જતી રહીશ તો મોટીનું એક પણ કામ આગળ વધશે નહિ.” મોટીબેન અને મમ્મી હસી પડ્યા. “તું કેમ નીચે આવી ગયો?” મોટીબેને પૂછ્યું. મારી કલ્પના મને યાદ આવતા હું ફરી એક વાર કંપી ગયો. મેં કહ્યું, “તમારું બંનેનું ડૂસકું છેક ઉપર સુધી સંભળાયું.”

“સારું થયું આવ્યો..” મોટીબેન સહેજ સ્વસ્થ થતા બોલી. “જો આ ઉપરના બંને ખાના હવે હું ખાલી કરી જાઉં છું. એ હવેથી તારા.” કહી એણે એક બીજી બેગ ખોલી મારી સામે ધરી, “આ બધું મેં આજ સુધી સાચવી રાખ્યું હતું, હવે એ તું સાચવજે અને તારી વહુને બતાવજે.” સૌ હસી પડ્યા. મેં જોયું. એ બેગમાં મારા બાળપણના રમકડાઓ પોપટ, ચકલી, વાંદરો, મારો બાળપણનો ફેવરીટ સફેદ ચડ્ડો અને દુધિયા રંગનું ટી-શર્ટ, મને મારા જન્મદિવસે મળેલા બર્થડે કાર્ડ્સ, મારો સ્કૂલડ્રેસ, બિલ્લો, ચૂ-ચૂ વાળા બૂટ, સ્કુલ-કોલેજના આઇકાર્ડ્સ એવું ઘણું બધું હતું. જેમ જેમ લગ્નનો દિવસ નજીક આવતો ગયો તેમ તેમ આવા લાગણીભર્યા સંસ્મરણો વધતા ગયા. હૈયા બેકાબૂ બનવા માંડ્યા. અંગતો આવતા ગયા એમ સ્મરણોની, લાગણીઓની નદીમાં પૂર આવ્યા.

આખરે લગ્નનો દિવસ આવીને ઉભો રહ્યો. લાલ મોટર વાડીના દરવાજા પાસે આવીને ઉભી રહી ત્યારે તો સૌના હૈયા હિલોળે ચડ્યા. ઓહોહો.. શું ઠાઠમાઠ હતો જાનૈયાઓનો! અમે એમને વેલકમ કરવા દરવાજે જ ઊભા હતા. માથે મોતી ગૂંથેલી ઈંઢોણીમાં સુંદર કળશ પર શ્રીફળ ગોઠવી મારી નાનકડી કઝીન ભાણી મધુર મલકાતી હતી, એની ફરતે અમારા પરિવારની સ્ત્રીઓ મહેમાનોને સત્કારતા ગીતોની પંક્તિઓ ગાઈ રહી હતી. કારના દરવાજા નજીક ઉભેલા ગોર મહારાજ જોષીકાકા સૂચનાઓ આપતા હતા. લકઝરી મોટી બસમાંથી ઉતરેલા જાનૈયાઓ ઢોલના તાલે ગરબે ઘૂમી રહ્યા હતા. મિત્રોને જલેબી-ગાંઠીયા કાઉન્ટર પર ગોઠવવાની સૂચના આપી હું દોડતો દરવાજે પહોંચ્યો તો ગરબે ઘૂમતી નંદિનીને જોઈ મારા પગ જમીન સાથે ચોંટી ગયા. નંદિની બેહદ ખૂબસુરત લાગતી હતી.

જીજાજીની કારનું ડોર ખૂલ્યું અને તેમાંથી ક્રીમ શેરવાની, માથે લાલ રંગનો સાફો અને હાથમાં ગુલાબનો ગુલદસ્તો લઈ જીજાજી ઉતર્યા ત્યારે તો એમનો માભો સૌને ચકિત કરી ગયો. એમના હોઠો પર આત્મવિશ્વાસભર્યું સ્મિત રમતું હતું. મારી ભાણીએ ચાંદલો-ચોખા કરી એમને પોંખ્યા ત્યારે નજીક પહોંચેલી મારી મમ્મીને જોઈ એમના પક્ષેથી કોઈ સ્ત્રી સ્વર સંભળાયો, “જોજે વીરા, તારું નાક સાચવજે.” અને હાસ્યનું એક મોજું ફરી વળ્યું.

હું જયારે જીજાજીની નજીક પહોંચ્યો ત્યારે નંદિની પણ એમની બાજુમાં ઉભી હતી. એણે મારી સામે સ્માઇલ કર્યું. મેં પણ એની સામે સ્માઇલ કર્યું. જીજાજીને “વેલકમ” કહ્યું. એ બોલ્યા “જોજે હોં નંદુ.. આ બંટી દેખાવે ભલે ભલો-ભોળો લાગતો હોય પણ મારા બૂટ ચોરી ન જાય એનું ધ્યાન રાખજે..” ફરી હાસ્ય ગૂંજ્યું. “ઓલ ધ બેસ્ટ..” નંદિનીએ મને અંગૂઠો બતાવતા કહ્યું. એની બાજુમાં ઉભેલી એની કઝીન્સ મશ્કરીભર્યું હસી. મેં મારી જાતને કાબૂમાં રાખી. જીજાજીના માતાપિતા વગેરે વડીલો સામે હાથ જોડી “પધારો.. પધારો..” કહ્યું. મહેમાનો વાડીમાં પ્રવેશ્યા. એમના માટે જલેબી-ગાંઠીયા, તીખો-મીઠો સંભારો અને ગરમાગરમ ચાના કાઉન્ટર તૈયાર જ હતા. જીજાજીને ઉપરના સ્પેશ્યલ રૂમમાં ઉતારો આપવામાં આવ્યો. ચા-નાસ્તાનો, મળવા-મેળવવાનો, ઓળખાણ-પીછાણનો દોર ચાલ્યો. પપ્પાની તબિયત અંગે એ સૌને જાણ હતી. પપ્પા મંડપની સામે જ ખુરશી પર લાકડીના ટેકે બેઠા હતા. સૌ એમના તરફ ગયા ત્યારે એ મહામહેનતે ખુરશી પરથી ઊભા થયા. જીજાજીના પિતાજીએ એમને ગળે વળગાડી કહ્યું, “તમે ઊભા ન થાઓ, બેસો પણ નહીં.. આરામથી ગાદલા પર લંબાવો.” પપ્પાની આંખો ભીની થઈ ગઈ હતી.

સમય ફટાફટ વહેવા માંડ્યો. પણ ત્યાં જ જાનૈયાઓના મહિલા વિભાગમાં થોડો કોલાહલ વધી ગયો. કશીક બોલાચાલી થઈ હતી. જીજાજીના પિતા કશુંક મોટા અવાજે બોલી રહ્યા હતા. હું એ તરફ ગયો ત્યાં નંદિની દોડતી બહાર આવતી દેખાઈ. “પ્લીઝ, બંટી… તું ત્યાં ન જઈશ, અમારા એ ફૈબા છે જ કજીયાળા… તમે લોકો એની વાત ન સાંભળશો. મોટાભાઈ અને ડેડી બધું સંભાળી લેશે.” ત્યાં જ મેં મોટીબેનના રૂમમાંથી ચકુને બહાર નીકળતી જોઈ. ઓહોહો.. નંદિની પણ બે ક્ષણ તાકી રહી. ચકુ આટલી બધી સુંદર છે એ આજે મારા ધ્યાને આવ્યું. એ મારી નજીક આવી બોલી, “મોટીબેન રેડી છે… જીજાજી સાથે વાત કરી ફોટોગ્રાફરને બોલાવી લો.”

“યુ આર.. ડીયર ચકુ… રાઈટ?” નંદિનીએ ચકુ સામે હાથ લંબાવ્યો. ચકુએ એની સામે હાથ લંબાવતા, મારી સામે “કોણ છે?” ની મુદ્રામાં નેણ નચાવ્યા.

“નંદિની…” મેં તરત કહ્યું, “જીજાજીની નાની બહેન.”

“ઓહ..” તરત જ ચકુએ કહ્યું.

“બ્યુટીફૂલ.. આપણી ફ્રેન્ડશીપ જામશે.” નંદિની બોલી અને બંને હસી પડી. હું મારા દેખાવ વિશે તો શ્યોર નહોતો પણ નંદિની હમ આપકે હૈ કૌનની માધુરી દીક્ષિત જેવી ભવ્ય લાગતી હતી તો ચકુ મૈંને પ્યાર કિયાની ભાગ્યશ્રી જેવી દિવ્ય. દાદરા ઉતરતી વખતે મારા કાને ટેપ પર વાગતા ગીતના શબ્દો અથડાયા, ‘યે મૌસમ કા જાદુ હૈ.. મિતવા….’

“ખબર પડી ઉપર શાની બબાલ ચાલે છે?” હું રસોડા પાસે પહોંચ્યો ત્યાં લાલાભાઈએ મારા કાનમાં ફૂંક મારી.

“ના” કહેતા મેં સામું પૂછ્યું, “શાની?”

“એમના પક્ષે પેલા દૂરના ફૈબાએ જતીનકાકાની ગેરહાજરી અંગે કાગારોળ મચાવી છે.” લાલાભાઈ બોલ્યા ત્યારે બે ક્ષણ મને આંખો સામે અંધકાર છવાતો લાગ્યો.

“તું ટેન્શન ના લઈશ. માત્ર એટલું ધ્યાન રાખજે કે તારા પપ્પા સુધી આ બબાલ પહોંચે નહિં..” મેં ઉપલા માળે જોયું. જીજાજીના પપ્પા ઝડપી ચાલે લોબીમાંથી પસાર થઈ રહ્યા હતા. ડાબી તરફ ફોટોગ્રાફર મોટીબેનના રૂમ તરફ જઈ રહ્યો હતો. નીચે મંડપ પાસે ઉચક જીવે બેઠેલા પપ્પા સાથે કોઈ જાનૈયા વડીલ કશીક વાત કરી રહ્યા હતા. મને ધ્રાસકો પડ્યો. હું એ દિશામાં દોડ્યો. હું એમની નજીક પહોંચ્યો ત્યારે જ એમના પક્ષના પેલા ફૈબા મારા પપ્પાથી દસ ડગલા દૂર “જય શ્રી કૃષ્ણ.. ભૈલા…” કહેતા ઊભા. જીજાજીના પપ્પા દૂરથી દાદરા ઉતરી આ તરફ આવી રહ્યા હતા.

“મણીફૈબા!  તમને મારા સમ છે, એક પણ શબ્દ બોલ્યા છો તો!” જીજાજીના પપ્પાએ દૂરથી જ બૂમ પાડી. સૌનું ધ્યાન અમારા તરફ ખેંચાયું. ભૂરી આંખો વાળા મણીફૈબા સામે મારા પપ્પાએ હાથ જોડી “જય શ્રી કૃષ્ણ” કહ્યું. ફૈબા પપ્પાની એકદમ નજીક આવ્યા અને એમણે હોઠ ફફડાવ્યા. પણ ત્યાં…

“અરે જુઓ… ગૌરી દીદી આવી ગયા…” ચકુએ પાડેલી મોટી બૂમથી સૌનું ધ્યાન એ તરફ ગયું. ગૌરીદીદી એટલે જતીનકાકાની દીકરી. અમે ફાટી આંખે એ દૃશ્ય જોઈ રહ્યા. વાડીના દરવાજેથી ગૌરીદીદી અને ગૌરવકુમાર હાથમાં બેગ-બિસ્તરા સાથે પ્રવેશતા મેં જોયા. પેલા મણીફૈબાના હોઠ ઉઘાડા જ રહી ગયા હતા. બરાબર ત્યારે જ ગોર મહારાજ જોષીકાકાએ શ્લોક બોલ્યો, “સર્વ મંગલ માંગલ્યે.. શિવે સર્વાર્થ સાધિકે, શરણ્યે ત્ર્યમ્બ્કે ગૌરી, નારાયણી નમોસ્તુતે.” મારાથી આપોઆપ ગૌરીદીદી બાજુ બે હાથ જોડાઈ ગયા. મારી આંખો સહેજ ભીની થઈ ગઈ.

ફિલ્મો જે ઉંમરની છોકરીઓ માટે ‘છમિયા’, ‘છેલ છબીલી’ કે ‘આઈટમ ગર્લ’ જેવા શબ્દો અમને શીખવી રહી હતી એ જ ઉંમરનું પ્રતિનિધિત્વ કરતી મોટી બહેન, ચકુ, નંદિની અને ગૌરીદીદીની સમજદારી અને જવાબદારીભરી વર્તણુંક જોઈ હું નતમસ્તક થઈ ગયો હતો.  

“જીજાજી… સાચું કહું? આખા પ્રસંગમાં કોઈનો ચહરો જો સૌથી વધુ ઉજળો અને પ્રસન્નતાથી છલકતો લાગતો હોય તો એ ગૌરીદીદીનો ચહેરો છે.” મેં લગ્નપ્રસંગમાં મ્હાલી રહેલી ગૌરીદીદીનો મોબાઈલમાં વિડીયો ઉતારી રહેલા ગૌરવકુમાર એટલે કે જીજાજીના કાનમાં કહ્યું.

“એક્ચ્યુઅલી…” એમણે મારી વાતમાં સહમત થતા ઉમેર્યું, “શી ઇઝ ગોર્જિયસ… ગોડ બ્લેસ હર…” એમની આંખોમાં ગૌરીદીદી માટે પ્રેમ કરતા સન્માનનો ભાવ વધુ હતો.

“સાચું કહું જીજાજી? આજે ગૌરીદીદીએ અમને નવું જીવનદાન આપ્યું છે.” મેં મારા દિલની વાત જીજાજી સમક્ષ મૂકી.

“અમને, ખાસ તો પપ્પાને જતીનકાકાની ગેરહાજરી કોરી ખાતી હતી. તમે આવ્યા એની ત્રણ જ મિનિટ પહેલા વેવાઈ પક્ષના પેલા મણીફૈબા મારા પપ્પા પાસે જતીનકાકાની ગેરહાજરીનો બોમ્બ ફોડી પપ્પાને જોરદાર આઘાત આપવાની તૈયારીમાં હતા. પણ એ જ ટાણે તમે અને ગૌરીદીદીએ એન્ટ્રી મારી…” જીજાજી મારી સામે એકધારું તાકી રહ્યા હતા. મારી આંખોમાં સચ્ચાઈ હતી. જીજાજીની આંખો સહેજ પલળી. તેઓ મને સહેજ સાઇડમાં લઈ ગયા.

એમણે ખિસ્સામાંથી એક કાગળ કાઢી મારા હાથમાં મૂક્યો. મેં કાગળની ગડી ખોલી. કાગળની ટોચ પરનું મોટા અક્ષરે ‘કેન્સર હોસ્પિટલ’ લખાયેલું હેડીંગ વાંચી મારી આંખો પહોળી થઈ ગઈ. મેં ફાટી આંખે જીજાજી સામે જોયું. માંડવા નીચે મોટી બહેનની બાજુમાં હસતી મલકાતી ગૌરીદીદી સામે નજર ટેકવતા એ બોલ્યા, “ગૌરીને બ્રેસ્ટ કેન્સર છે…”

મેં પણ મંડપ તરફ નજર દોડાવી. ગૌરીદીદીના ચહેરા પર અલૌકિક પ્રસન્નતા રમતી હતી. મને બધું ગોળ-ગોળ ફરતું લાગ્યું.

– કમલેશ જોશી

(ક્રમશ:)

‘સ્મશાનયાત્રા’ સ્તંભના આ પહેલાના લેખ અહીં ક્લિક કરીને માણી શક્શો.

Aksharnaad Column by Kamlesh Joshi


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “જોજો પાંપણ ના ભીંજાય.. – કમલેશ જોષી

  • હરીશ દાસાણી.મુંબઈ

    કુટુંબ કથાની આત્મીયતા અને સંવેદનશીલ ઘટનાઓ આ લેખમાળાને રસપ્રદ બનાવે છે.

    • Kamlesh Joshi

      જી.. બહુ જ‌ સાચું માર્ક કર્યું આપે. એ જ ભીતરી સંવેદનોની આત્મખોજ રૂપે તો આ આખી કથાનું નિર્માણ થઈ રહ્યું છે. આગળના અંકો વાંચતા રહેજો અને પ્રતિભાવ આપતા રહેજો. આભાર..