દિલ્હીનું અનોખું રવિવારી પુસ્તકબજાર.. દરિયાગંજ બુકમાર્કેટ – જીજ્ઞેશ અધ્યારૂ 11
દિલ્હીમાં જોવાલાયક અનેક સ્થળો છે, ઐતિહાસિક સ્મારકો, અદ્રુત સંગ્રહાલયો, દર્શનીય સ્થળો, ખરીદીના અને ઉજાણીના અનેક સ્થળો.. પણ એ બધામાં મારા જેવા પુસ્તકપ્રેમીને જો કોઈ જગ્યા સૌથી વધુ ગમી ગઈ હોય તો એ છે જૂની દિલ્હીના દરિયાગંજનું રવિવારી પુસ્તકબજાર.
દરિયાગંજ વિસ્તાર આઝાદી પહેલા અંગ્રેજોનો કેન્ટોન્મેન્ટ વિસ્તાર હતો. લગભગ ૧૯૬૪માં શરૂ થયું હોવાનું મનાય છે તે દિલ્હીનું આ પુસ્તક બજાર અનેક રીતે અનોખું છે. નામ જ સૂચવે છે તેમ દર રવિવારે સવારે નવ વાગ્યાની આસપાસ ભરાતું આ પુસ્તક બજાર બપોર સુધીમાં તો મહદંશે ખાલી થઈ જાય છે. લગભગ દોઢથી બે કિલોમીટર લાંબી, સામાન્યથી વધુ પહોળી એવી આ ફુટપાથ પર ફક્ત ચાલવા જેટલી જગ્યા છોડીને અનેક વિક્રેતાઓ તેમના પુસ્તકોની ચાદર પાથરી દે છે. અહીં તમને પીળી પડી ગયેલી વર્ષો જૂની એલિસ્ટર મેલ્કેઈનની નૉવેલથી લઈને મિર્ઝા ગાલિબની ગઝલો સુધીની, તસલીમા નસરીનની લજ્જાથી લઈને સઆદત હસન મન્ટોની વાર્તાઓ સુધીની, GRE, GMAT, Gate, TOEFL, SSC વગેરે જેવી અભ્યાસને લગતી..