કુમારીશ્રી, આપ જીવનસાથીની પસંદગી કરવાનાં છો એવું જાણવામાં આવતા એ ખાલી જગ્યા માટે હું મારી જાતને એક ઉમેદવાર તરીકે રજૂ કરવાની રજા લઉં છું. મારી લાયકાતની બાબતમાં જણાવવાનું કે હું નથી પરણેલો કે નથી વિધુર. ખરું જોતા હું અસલી માલ છું. – સાચો કુંવારો માણસ છું, એટલું જ નહીં, હું પાક્કો એકલો માણસ છું કારણ હું લાંબા સમયથી કુંવારો છું. ન્યાયની ખાતર મારે મારી ગેરલાયકાતો પણ જણાવવી જોઈએ. હું નિખાલસ ભાવે કબૂલ કરું છું કે આ કામમાં હું તદ્દન નવો છું. અને આ લાઈનમાં પહેલાનાં કશા અનુભવનો દાવો કરી શકું તેમ નથી., કારણ પહેલા કોઈ સાથે આવી ભાગીદારીમાં જોડાવાનો મને કદી પ્રસંગ મળ્યો નથી. મારો અનુભવનો આ અભાવ મને ડર રહે છે કે, નડતરરૂપ અને ગેરલાયકાત ગણાવાનો સંભવ છે. તેમ છતાં હું એટલું જણાવવાની રજા લઉં છું કે ‘અનુભવનો અભાવ’ એ જીવનમાં બીજા કોઈ ક્ષેત્રોમાં ગેરલાયકાત હોવા છતાં જીવનનું આ એક જ એવું ક્ષેત્ર છે જેમાં એ બધી રીતે ઈચ્છવાયોગ્ય ગણાય, એથી પણ મોટી નડતર કદાચ એ હકીકત ગણાય એવો સંભવ છે કે હું લાંબા સમયથી કુંવારો માણસ છું અને કુંવારાપણાની મારી ટેવો દ્રઢ થઈ ગઈ છે. રખેને નવી પરિસ્થિતિને અનુકૂળ થવાની મારી શક્તિ વિશે શંકા સેવવામાં આવે એટલા ખાતર હું એ હકીકત તરફ આપનું ધ્યાન દોરવાની રજા લઉં છું કે મારો કેસ સર પી સી રાયના જેટલો છેક આશા છોડી દેવા જેવો નથી. વધુ માહિતી માટે હું આપને આપના માતાને મળવાની વિનંતી કરું છું જેઓ જેમણે કોઇ વિરલ મમીને તપાસતા કોઇ વિખ્યાત મિસરવિદને પણ જેબ આપે એટલી જિજ્ઞાસા અને રસપૂર્વક મારો અભ્યાસ કર્યો હતો. અંતમાં હું આપને ખાતરી આપું […]