આ જગતમાં ઘણાં બધા નાની મોટી સામાજીક કે અન્ય જવાબદારીઓમાંથી પસાર થતા જ હોય છે. તેમાં ઘણાં પ્રશ્નો સામે આવે છે, વિકલ્પો સામે આવે છે. આમ કરવું, તેમ કરવું – શું કરવું ને શું ન કરવું પણ લોકો એ વિશે ઉંડાણપૂર્વક વિચાર કરીને તેને અનુસરવામાં ઢીલાશ દાખવતા હોય છે. ચાલે છે તો ચાલવા દ્યો.. એક નજીકનું ઉદાહરણ સૂઝે છે, મારા એક મિત્રના નજીકના સંબંધીની આવડત અને હોંશીયારી જોઈને ભલભલા અંજાઈ જાય. તેમની પાસે ભણતર છે, આવડત છે, શારીરીક ક્ષમતા છે પરંતુ તેમના ઘરનું વાતાવરણ સહાયક નથી. વિગતે વિચાર કરતા સમજાયું કે જો આ માણસને જરૂરી પાર્શ્વભૂમિકા, જરૂરી મનોબળ આપવામાં આવે તો તે સફળતાની સીડી સડસડાટ ચડવા સક્ષમ છે, દેખીતી રીતે તેમાં તેનો કોઈ વાંક નથી, વાંક આસપાસના નકારાત્મક વાતાવરણનો છે. આપણા દેશમાં એવા કેટલાય લોકો છે જેમને ઘણું બધું કરવું છે, જીવનમાં ખૂબ આગળ વધવું છે પરંતુ…. આ પરંતુ પછી ઘણા બધા કારણો હોઈ શકે છે જે તમે તમારા અનુભવ કે મંતવ્યને આધારે જોડી શકો.