Monthly Archives: August 2010


પરંપરાગત વિરુદ્ધ પ્રગતિશીલ કેળવણી – જોન ડ્યૂઈ, અનુ. નટવરલાલ બુચ

જોન ડ્યૂઈ છેલ્લા પોણોસો વર્ષોમાં કેળવણીના ક્ષેત્રમાં પ્રયોગો કરી તેમાંથી નવી પેઢીને સારી અને ઉપયોગી કેળવણી મળે તેવા પ્રયત્નો કરતા વિચારકોમાં મોખરે છે. તેમના નાના પણ ઘણાં ઉપયોગી પુસ્તક “Experience and Education” નો ગુજરાતીમાં અનુવાદ શ્રી નટવરલાલ બૂચ ગુજરાતીમાં “અનુભવ અને કેળવણી” અંતર્ગત કર્યો છે. આપણી સમજમાં કેળવણી શબ્દનો સ્પષ્ટ અર્થ શું થાય? જોન ડ્યૂઈ કહે છે, “કેળવણીનું વસ્તુ તે ભૂતકાળમાં તૈયાર થયેલ માહિતિના જથ્થા અને આવડતોનું બનેલ છે; તેથી શાળાનું મુખ્ય કામ આ બન્નેને નવી પેઢીને પહોંચાડવાનું છે.” પ્રસ્તુત લેખ જે પુસ્તક “અનુભવ અને કેળવણી” માંથી લેવામાં આવ્યો છે તેમાં લેખક પરંપરાપ્રાપ્ત અને પ્રગતિશીલ એ બંને કેળવણી પ્રવાહોનું પૃથક્કરણ કરે છે. મૂલતઃ અમેરિકન શિક્ષણશાસ્ત્ર અને વ્યવસ્થા ઉપર આધારિત આ પુસ્તક આપણી શિક્ષણવ્યવસ્થાને એથીય વધુ લાગુ પડે છે. અહીં એક એવી શિક્ષણ વ્યવસ્થાનું સ્વરૂપ વિચારાયું છે જે નકારાત્મક નહીં, વિધેયાત્મક રચના અને કેળવણી પર આધારિત હોય. પ્રસ્તુત લેખ આ પુસ્તકના પ્રથમ પ્રકરણ માંથી લેવામાં આવ્યો છે.


શું તમે આ ખણખોદ વાંચી? (10) – સંકલિત 6

હસે એનું ખસે કે ઘર વસે એ વિષય પર થોડી કન્ફ્યૂઝન થઈ જાય એવા સુંદર મજાના એકપંક્તિય ગરીબ ટૂચકાઓ (PJ એટલે poor joke નું મૌલિક ભાષાંતર) ઘણાં વખતથી એકત્રીત થયા કરતા હતાં, અનેકવિધ સ્તોત્રથી મેળવેલા આ બીચારા ગરીબ હાસ્યશ્લોકો આજે એક સાથે આપ સૌ માટે પ્રસ્તુત છે. હસો અને હસાવો અને ખસેલું ન હોય તો ખસાવો…


ચાલો ગઝલ શીખીએ… ભાગ ૫ – જીજ્ઞેશ અધ્યારૂ (મિશ્ર વિકારી બહેરોની છંદસમજ..) 6

આ પહેલા ગઝલની પૃષ્ઠભૂમી, લઘુ ગુરુ અક્ષરોની સમજ, છંદશાસ્ત્ર પ્રમાણેના ગઝલ સિવાયના પ્રકારો વિશે આપણે વિગતે માહિતિ મેળવી અને ગઝલના છંદશાસ્ત્ર અંતર્ગત આઠ સંપૂર્ણ છંદો વિશે જાણકારી પછી આજે મિશ્ર વિકારી છંદો અને તેમના ઉદાહરણો જોઈએ. શ્રી રઈશ મનીઆર તેમના પુસ્તક ‘ગઝલનું છંદોવિધાન’માં ગઝલનું મુખ્ય સંધી (પદભાર) ને આધારે ગણવિભાજન દર્શાવે છે, તે મુજબ આપણે આજે મિશ્ર તથા વિકારી છંદો વિશે ઉદાહરણો સહિત જોઈશું.


ઝવેરચંદ મેઘાણી : જીવન અને કવન… – દીપક મહેતા 15

શ્રી ઝવેરચંદ મેઘાણીની જન્મતિથિ નિમિત્તે આજે પ્રસ્તુત છે તેમના વિશે પ્રકાશિત શ્રી દીપક મહેતા દ્વારા લખાયેલ પરિચય પુસ્તિકા. ૧૯૯૪માં પ્રકાશિત આ પરિચય પુસ્તિકા સાચા અર્થમાં આપણા રાષ્ટ્રીય શાયરનો પરિચય ખૂબ સુંદર અને વિગતે આપે છે. એક સ્વાતંત્ર્યસેનાનીથી માંડીને અનોખી લેખનપ્રતિભા, એક અનુવાદકથી અનુસર્જક સુધી, ચારણી સાહિત્યથી લોકસાહિત્યના ઉમદા મર્મજ્ઞ અને જાણતલ એવા શ્રી મેઘાણીને આજે અનેકો વંદન અને આ પોસ્ટ અક્ષરનાદ સુધી પહોંચાડવા બદલ વાપીના શ્રી ગોપાલભાઈ પારેખનો ખૂબ ખૂબ આભાર.


ત્રણ અછાંદસ કાવ્યો – જમીલા નિશાત 2

જમીલા નિશાત ઉર્દૂ કવયિત્રી છે, એ કહે છે કે એમને કવિતા સ્વપ્નપ્રતિમા રૂપે સ્ફૂરે છે, રંગબેરંગી વિવિધ આકારોમાં. મંદિરોની મુલાકાતો, મસ્જીદોના તહેવારોની ખુશાલીઓ વગેરેના મૈત્રી અને સહિયારાપણાની ભાવનાવાળા વાતાવરણમાં તેમનો ઉછેર થયો હોવાથી હૈદરાબાદના હિંદુઓ અને મુસ્લિમો વચ્ચેની ઘૃણા અને દુશ્મનાવટ એમનું કોમળ હ્રદય સ્વિકારી શક્તું નથી. સ્ત્રિઓને અનેક પ્રકારના બંધનો અને દબાણોને તાબે થયેલી જોનારી એક નારી તરીકે જમીલા મુસ્લિમ યુવતિઓમાં સભાનતા, આત્મવિશ્વાસ અને શક્તિ જગાવવા પ્રયત્નશીલ છે. એ ઉર્દૂ માં લખે છે, તેમના કાવ્યોમાં વેદનાની લહેર છે, ૧૯૯૮માં ‘સ્પેરો’ની એક કાર્યશિબિરમાં તેઓ પોતાના જીવન અને કાર્ય વિશે બોલ્યાં હતાં, અને કવિતાઓનું પઠન કરેલું, પ્રસ્તુત રચનાઓ એ રેકોર્ડીંગ પર આધારિત સંકલન પુસ્તક માંથી લેવામાં આવી છે. તેમનાં શિર્ષક વગરનાં અછાંદસ કાવ્યોમાં એક અનોખી દર્દરેખા ઝળકી જાય છે જે ભાવકને દર્દના એ વિસ્તારનો સહજ અનુભવ કરાવી જવા સમર્થ છે.


ગીરમાં ત્રીજા નેત્રની પ્રસાદી – તરુણ મહેતા. 4

ગીરની અમારી મુલાકાતોનું વર્ણન તો અક્ષરનાદ પર ઘણીય વખત માણ્યું છે, પરંતુ આજે માણીએ શ્રી તરુણભાઈ મહેતાની એક અછડતી પરંતુ ખૂબ યાદગાર મુલાકાત નું વર્ણન. જો કે ફક્ત સિઁહ જોવા જ ગીરમાં જવું જોઈએ એવી માન્યતાઓની વિરુદ્ધમાં તેમણે પ્રકૃતિદર્શનની વાત પણ કરી છે, દરેક ગુજરાતી માટે એક વખત અચૂક લેવા જેવો અવસર એટલે ગીરનું સિંહ જોવાની આશા સિવાયનું ફક્ત પ્રકૃતિદર્શન માટેનું ભ્રમણ. સામાન્ય રીતે નેશનલ પાર્કમાં સિંહ જોવા આવતા મુલાકાતીઓને સોરઠી સંસ્કૃતિનો અછડતો પરિચય પણ થતો નથી, એવામાં આ પ્રકારની મુલાકાતો એક આગવું નજરાણું બની રહે છે.


બાણશૈય્યા પર ભીષ્મ – યુધિષ્ઠિર સંવાદ – નાનાલાલ ભટ્ટ 3

મહાભારતના પાત્રો શ્રી નાનાલાલ ભટ્ટનું અમર સર્જન છે. આ કૃતિના ત્રીજા ભાગમાં બાણશૈય્યા પર પોઢેલા ભીષ્મ પિતામહ અને તેમની પાસેથી ધર્મની વિવિધ વાતો વિશેનું જ્ઞાન લેવા આવેલા યુધિષ્ઠિર વચ્ચેનો સુંદર ગહન સંવાદ પ્રસ્તુત થયેલો છે. આ સંવાદનો એક નાનકડો ભાગ અહીં લેવામાં આવ્યો છે. એક રાજાના માનવ ધર્મ વિશેની વાતો, વર્ણ વ્યવસ્થા અને ધર્મ સાથે પ્રભુપ્રાપ્તિની રીતો તથા આશ્રમવ્યવસ્થા વિશે વિશદ વાતો આ સંવાદના માધ્યમથી અભિવ્યક્ત થઈ છે. જો કે સમયની સાથે તેના અર્થ તારવવામાં ભેદ હોઈ શકે, પરંતુ તેનો તાત્વિક અર્થ સમાન જ રહે છે. આજના સમયમાં પણ તેની ઉપયોગીતા પ્રસ્તુત છે.


સ્મૃતિની સફરે… રક્ષાબંધન – ડો પ્રવીણ સેદાની. 2

રક્ષાબંધન એ એક સંબંધના અનેરા સ્નેહાળ બંધનની ઉજવણીનો, એ જવાબદારીના વહનની સહજ સ્વીકૃતિનો અને સૌથી વધુ તો ભાઈ બહેનના એક બીજા પ્રત્યેના સ્નેહનો ઉત્સવ છે. ડો. પ્રવીણ સેદાની દ્વારા અહીં પ્રસ્તુત કરાયેલી પ્રસંગકથા આ જ દિવસના મહત્વની એક અનેરી દાસ્તાન કહી જાય છે. દરેક તહેવારોની સાથે કેટલીક યાદો, સ્મરણો જોડાયેલા હોય જ છે, રક્ષાબંધન વિશેના એવા જ સ્મરણોનું ભાથું લઈને અક્ષરનાદના વાચકમિત્રો સાથે વહેંચનારા ડો. પ્રવીણ સેદાનીની લાગણીઓ આપણને સૌને સ્પર્શી જશે એ ચોક્કસ. યાદોની આવી સુંદર સફરે આપણને લઈ જવા બદલ અને આ સ્નેહ ગાથા અક્ષરનાદ સુધી પહોંચાડવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. દરેક ભાઈ બહેનના સ્નેહને વંદન સાથે સર્વે વાંચકમિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ.


રક્ષાબંધન વિશેષ કાવ્યરચનાઓ – સંકલિત 1

અમદાવાદના રહેવાસી શ્રી જનકભાઈ હરિભાઈ ઝીંઝુવાડીયા વ્યવસાયે સિવિલ ઇજનેર છે. તેમની પ્રસ્તુત રચના રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે તેમની કલમે થયેલું સુંદર સર્જન છે શ્રીમતી ડિમ્પલ આશાપુરીની રચનાઓ આ પહેલા ઘણી વખત અક્ષરનાદ પર પ્રસ્તુત થતી રહી છે. આજે તેમની કલમે પ્રસ્તુત રચનાના માધ્યમથી તેઓ ભાઈને રક્ષાબંધનના કાવ્યમય મુબારક પાઠવે છે. બંને મિત્રોનો આ સુંદર રચનાઓ અક્ષરનાદને મોકલવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


ચાલો ગઝલ શીખીએ… ભાગ ૪ – જીજ્ઞેશ અધ્યારૂ (આઠ સંપૂર્ણ બહેરોની છંદસમજ..) 9

“ચાલો ગઝલ શીખીએ…” શૃંખલા અંતર્ગત આ પહેલા ગઝલની પૃષ્ઠભૂમી, લઘુ ગુરુ અક્ષરોની સમજ અને છંદશાસ્ત્ર પ્રમાણેના ગઝલ સિવાયના પ્રકારો વિશે આપણે વિગતે માહિતિ મેળવી. હવે ગઝલના છંદો વિશે જાણીએ. આ વિષય લાંબો અને વિશદ છણાવટવાળો હોઈ વિભાગોમાં વહેંચેલો છે, અને તેથી ક્રમશઃ તેના ખંડો પ્રસ્તુત થશે. આજે રૂકન, અરકાન, અને તેનાથી બનતી આઠ સંપૂર્ણ (સાલિમ) બહેરોની માહિતિ એ. આ પહેલાના આ શ્રેણીના લેખો અહીં ( ચાલો ગઝલ શીખીએ) ક્લિક કરીને વાંચી શકાય છે.


પાંચ રસાળ કાવ્યરચનાઓ – સંકલિત 1

આજે સંકલિત રચનાઓ અંતર્ગત અક્ષરનાદન વાચકમિત્રોની રચનાઓનો રસથાળ પ્રસ્તુત છે. શ્રીમતી ડીમ્પલ આશાપુરી, ડૉ. પ્રવીણ સેદાની, શ્રી જયકાંત જાની અને શ્રી મહેન્દ્રસિંહ એન. પઢિયાર ‘મરમી’ ની રચનાઓ આજે પ્રસ્તુત છે. આ રસથાળમાં અનેક ભાવો સંગ્રહિત છે, પ્રેમની અભિવ્યક્તિ, હઝલની પ્રતિહઝલ કે ગોધરાકાંડની વાતો, આ સંકલન રંગબેરંગી છે, વૈવિધ્યથી ભરપૂર રસથાળ જેવું. સર્વે મિત્રોનો આ રચનાઓ અક્ષરનાદને મોકલવા બદલ ખૂબ આભાર. તેમની કલમ આમ જ સર્જનની નવી નવી ઉંચાઈઓને સ્પર્શતી રહે તેવી શુભકામનાઓ.


ભક્તિ ચિંતન – હરસુખરાય જોષી 2

શ્રી હરસુખરાય જોશીની કૃતિઓ અક્ષરનાદ પર આ પહેલા પણ પ્રસ્તુત થઈ છે. તેઓ મહદંશે ચિંતનાત્મક લેખો લખે છે. આજે પ્રસ્તુત છે તેમનાં ભક્તિ વિશેના વિચારો સાથેનું ચિંતન. ભક્તિ એ એવી એક શક્તિ છે જેના આવ્યા બાદ પૂર્ણ પ્રાપ્તિનો અનુભવ થાય છે. હવે કશુ મેળવવાનું રહેતું નથી એવી અવસ્થા સુધીની સફર એટલે ભક્તિ, ભક્તિ વિશે વિચારીએ ત્યારે નારદ ઋષિનો ઉલ્લેખ અવશ્ય કરવો પડે, ભગવાન પ્રતિ સ્નેહ અને ભગવાનના સંતાનો તરફ પ્રેમ. આ ભાવના જાગે એટલે સમજવું ભક્તિના પ્રારંભની શરૂઆત થઈ. ભક્તિનું પ્રથમ લક્ષણ, માણસ દરેક પરિસ્થિતિમાં આત્મસંતુષ્ટ અને પ્રસન્ન નજરમાં આવશે. સમગ્ર લેખમાં તેમણે ઉદાહરણ સહિત સરસ રીતે ચિંતન આપ્યું છે.


પિતાની અંતિમ વિદાયવેળાએ એક દિકરી – પ્રતિભા ભટ્ટ અધ્યારૂ 14

કોઈ દૂરના સંબંધી અથવા અજાણ્યાના મૃત્યુ કરતાં આપણા સહ્રદયી અથવા અત્યંત નિકટના સ્વજનના મૃત્યુનું દુઃખ આપણને વધારે લાગે છે. એમાં પણ મૃત્યુ પામનાર આપણા કોઈ વિશેષ અથવા આપણને અતિ પ્રિય હોય તો તો દુઃખની સીમા જ રહેતી નથી. તેમના મૃત્યુના સમાચાર સાંભળતા જ આપણે મૂઢ જેવા થઈ જઈએ છીએ. અને એ પણ જો અકાળે અણધાર્યુ કોઈનું અવસાન થઈ જાય, આખી જીંદગી જેને સામાન્ય તાવ પણ ન આવ્યો હોય તે માણસ એક બે દિવસની નાનકડી બિમારીમાં મૃત્યુ પામે તો તો આપણા ઉપર આભ તુટી પડે છે

આવી જ એક ઘટના મારી સાથે પણ થઈ… દિવસ હતો ૧૦ એપ્રિલ ૨૦૧૦.


મને પણ એક જો બૈરી અપાવો… – ગિરિરાજ બ્રહ્મભટ્ટ “સરળ” 4

આપણે ત્યાં અનેક પ્રકારના ‘વા’ નું વર્ણન આવે એ, જેમ કે હડકવા, રતવા, લકવા, સંધિવા વગેરે, આમ સંસારશાસ્ત્રમાં પણ એક ‘વા’ નો ઉપદ્રવ ફેલાયેલો છે, એ પરણ’વા. અનેક માંગા નાખ્યા પછી, ટ્રાય કર્યા પછી, રિજેક્ટ થયા પછી હજુ પણ જેને સંસાર-કાર ચલાવવાનું લાયસન્સ મળ્યું નથી એવાઓ માટે આ રચના પ્રસ્તુત છે. આવા ચૂંટાવા લાયક મૂરતીયાઓ તે પછી સાધુ સંતો, દોરા ધાગાના રવાડે ચઢી જાય છે, કોઈક પોતાના જીવનરથના પૈડાની વ્યવસ્થા કરી આપે તે માટે કંઈ પણ કરવા તૈયાર લોકોના મનની વેદનાને વાચા આપી છે ગિરિરાજ બ્રહ્મભટ્ટ, ‘સરળ’ ની પ્રસ્તુત રચનાએ. તો કાવ્યનું જેમ પ્રતિકાવ્ય હોય તેમ આ ગઝલની પ્રતિગઝલ આપી છે આશિત હૈદરાબાદીએ. આવો આજે આ હાસ્યહોજમાં ડૂબકા મારીએ.


વહાલની વાવણી…. “મા ફલેષુ કદાચન” – જીજ્ઞેશ અધ્યારૂ 3

સૂરત શહેરની ગુજરાતી ગઝલના સમૃદ્ધ વારસાની મીરાંત જોતાં તેને ગુજરાતી ગઝલનું મક્કા હોવાનું જે ઉપનામ મળ્યું છે, તે સમયની સાથે વધુ ને વધુ સાર્થક થઈ રહ્યું છે. ગઝલકારોની અનેક પેઢીઓ જોઈ ચૂકેલા આ શહેરના અગ્રણી ગઝલકારોની પંગતમાં બેસે તેવું એક જાણીતું નામ એટલે શ્રી ગૌરાંગ ઠાકર. ગઝલના ચાહકોને તેમનો પરિચય આપવાની જરૂરત ન પડે એવી કાબિલેદાદ છબી તેમણે તેમના પ્રથમ ગઝલસંગ્રહ “મારા હિસ્સાનો સૂરજ (મે ૨૦૦૬)” વડે ઉભી કરી છે. તેમની રચનાઓમાં પરંપરાનું અનુસરણ જોવા મળે છે, તો પ્રયોગશીલતા તેમની ગઝલોની જીવંતતા છે. ભાવ ઉર્મિઓની અનેરી અભિવ્યક્તિ તેમની હથોટી છે, તો અધ્યાત્મિકતાનો રંગ પણ તેમાં ભળેલો જોવા મળે છે. તેમની રચનાઓમાં વિષયોની જેટલી વિવિધતા અને વિપુલતા છે, એટલી જ સમૃદ્ધિ અને નાવિન્ય પણ છે. તેમનો બીજો ગઝલસંગ્રહ “વહાલ વાવી જોઈએ” મે ૨૦૧૦માં પ્રકાશિત થયો છે. લાગણીના ખેતરમાં કવિએ જે વહાલ વાવ્યું છે તેનો આસ્વાદ લઈએ.

વહાલ વાવી જોઈએ - ગૌરાંગ ઠાકર

ચાલો ગઝલ શીખીએ… (ભાગ 3) આશિત હૈદરાબાદી (છંદશાસ્ત્ર પ્રમાણેના ગઝલ સિવાયના પ્રકારો) 10

આજે ગઝલ સિવાય છંદશાસ્ત્રના ઉપયોગથી સર્જાતી અન્ય પ્રકારની રચનાઓ વિશે માહિતિ લઈએ. જો કે ગઝલના છંદશાસ્ત્રનો પરિચય આ બધાજ પ્રકારોની મૂળભૂત સમજ માટે જરૂરી છે, પરંતુ તેમના બાહ્ય માળખામાં આવતા ભેદનો પ્રથમ પરિચય કરીએ. એ પ્રકારો છે, મુસલ્સલ ગઝલ, મુખમ્મસ (પંચપદી), મુસદ્સ (ષટપદી), નઝમ, રૂબાઈ, કસીદા, તરહી ગઝલ, મુક્તક, તઝમીન, હઝલ અને પ્રતિ-ગઝલ. આજે છંદશાસ્ત્ર પ્રમાણેના ગઝલ સિવાયના આ પ્રકારો વિશેની માહિતિ. આવતા અંકથી હવે ગઝલના છંદશાસ્ત્ર અને વિવિધ બહેરોનો વિગતવાર અભ્યાસ શરૂ કરીશું.


મંદિરના નિયમમાં શું ફેરફાર ન થઇ શકે ? – રૂપેન પટેલ 32

રૂપેનભાઈ પટેલની આ કૃતિ, તેમણે વર્ણવેલા પ્રસંગ દ્વારા આપણા સામાજીક રૂઢીગત નિયમો પર એક કટાક્ષ છે. મંદિરમાં દર્શન કરવા માંગતા કોઈક ભક્ત પર તેની અક્ષમતાને લઈને જે નિયમોના પાલન માટે ફરજ પડાય છે તે આપણા સમાજના જડ નિયમોની એક તદ્દન ઝાંખી ઝલક છે. ક્યાંક આવા નિયમોનું પાલન શું માણસની શ્રધ્ધા અને ભક્તિની લાગણીઓથી ઉપરવટ જઈને કરવું જરૂરી છે એમ વિચારતા કરી દે એવો આ પ્રસંગ અક્ષરનાદ સાથે વહેંચવા બદલ શ્રી રૂપેનભાઈનો ખૂબ ખૂબ આભાર.


ભણતરનો ભાર – દર્શના પુનાતર (બાળનાટક) 19

પ્રસ્તુત બાળનાટક ભાર વિનાના ભણતર માટે વાલીઓ શું કરી શકે એ વિશેનું એક નાનકડું ઉદાહરણ પ્રસ્તુત કરે છે. બાળકોને તેમની પસંદગીના ક્ષેત્રમાં વિકસવા મળે તે ખૂબ અગત્યનું છે એવો આ નાટકનો સૂર છે. જામનગરના ભવન્સ એ. કે. દોશી વિદ્યાલયમાં કોમ્પ્યુટર શિક્ષિકા એવા શ્રી દર્શનાબેનનો પ્રસ્તુત બાળનાટક અક્ષરનાદને મોકલવા બદલ ખૂબ ખૂબ આભાર. તેમની કલમે આવી અનેક સુંદર કૃતિઓ હજુ પણ અવતરે તેવી શુભકામનાઓ. ગુજરાતી રંગમંચ અને અહીં ભજવાતા નાટકો ગુજરાતી સાહિત્ય વારસાનો એક અમૂલ્ય હિસ્સો છે. તેમના આ બાળનાટકથી અક્ષરનાદ પર ગુજરાતી રંગમંચ વિશેની કૃતિઓ / નાટકોની સમીક્ષા વગેરે મૂકવાની ઈચ્છાની બાળ શરૂઆત થઈ શકી છે.


જુમો ભિસ્તી – ધૂમકેતુ 50

શ્રી ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી, ‘ધૂમકેતુ’ (૧૨-૧૨-૧૮૯૨ થી ૧૧-૩-૧૯૬૫)આપણી ભાષાના અગ્રસ્થ નવલિકાકાર, નવલકથાકાર, ચિંતક – વિવેચક, નિબંધકાર, ચરિત્રકાર અને નાટ્યકાર. તેમને ૧૯૩૫માં રણજિતરામ સુવર્ણચંદ્રક મળેલો, પણ પરત કરેલો. ૧૯૫૩માં નર્મદ સુવર્ણચંદ્રક. એમણે અનેક ગદ્યસ્વરૂપો ખેડ્યા છે. પરંતુ એમની કીર્તિ તો નવલિકાકાર તરીકે પ્રતિષ્ઠિત છે. અનેક ભાવસભર વાર્તાઓના સર્જનને કારણે ધૂમકેતુ ગુજરાતી નવલિકાના આદ્યપ્રણેતા ગણાય છે. ‘તણખા’ મંડળના ચાર ભાગોમાં એમની વાર્તાઓનો ખજાનો સંગ્રહસ્થ છે. પ્રસ્તુત વાર્તા પણ તણખા ભાગ – માંથી લેવામાં આવી છે. જુમો ભિસ્તી મારું શાળા સમયથી ખૂબ પ્રિય પાત્ર રહ્યું છે, મને ખૂબ જ પ્રિય એવી જુમો ભિસ્તી, અપરમાં, પોસ્ટઓફીસ, લોહીની સગાઈ વગેરે વાર્તાઓ અભ્યાસક્રમમાંથી નીકળીને જીવનક્રમમાં સમાઈ ગયેલી સાહિત્યરચનાઓ બની રહી છે, કેટલીય પેઢીઓની તે મનગમતી વાર્તાઓ છે. આ સુંદર રચના ગોપાલભાઈ પારેખની મદદ વગર પ્રસ્તુત ન કરી શકાઈ હોત, તેમનો ખૂબ આભાર.


….તોય કા’ને અંતમાં રાધા સ્મરી – જીજ્ઞેશ અધ્યારૂ 7

ગાલગાગા ગાલગાગા ગાલગા એ લગા’ત્મક સ્વરૂપમાં સર્જનનો પ્રયત્ન કર્યો છે એવી આ ગઝલ રાધિકાના મનોભાવો વ્યક્ત કરવાનો એક પ્રયત્ન છે. જો કે અહીં રદીફ અને કાફિયાની અપાર છૂટછાટ લીધી હોઈ દોષ લાગી શકવાની શક્યતાને લીધે ગઝલ કહેવી ઉચિત છે-નથી તે અલગ વિષય છે, માટે ફક્ત પદ્ય કહીશું. રાધાના કા’ન પ્રત્યેના અપાર અને અફાટ સ્નેહને કોઈ પણ પરિમાણમાં વ્યક્ત કરવું અશક્ય છે, પરંતુ લોકો તેમની વાતો કરે છે. અને છતાંય એ સ્નેહના પ્રવાહને કોઈ દુન્યવી આયોજનો અટકાવી શક્યા નથી. એક જ સમયે મહુવા – પીપાવાવ બસમાં સળંગ અવતરેલી આ રચનામાં ક્યાંય કોઈ સુધારો કર્યો નથી, કે એમ કરવા મન માન્યું નથી. ફક્ત ભાવવિશ્વની દ્રષ્ટિએ પ્રસ્તુત રચનાને નિહાળવા વિનંતિ. પ્રસ્તુત રચનાને અમે “દિલ કે અરમાં આંસુઓમેં બહ ગયે” ગીતના રાગમાં ગાયેલી, અને ખૂબ મજા પડી હતી.


“સવાઈબેટ” ગુજરાતના દરિયાકાંઠાનું અનેરું મોતી – જીજ્ઞેશ અધ્યારૂ 13

ગુજરાત પાસે ૧૬૦૦ કિલોમીટરથીય વધુ લાબો દરિયાકાંઠો છે અને તેથી જ બીજા કોઈ પણ રાજ્યની સરખામણીએ ગુજરાતમાં દરિયાનું મહત્વ અદકેરું છે, પરાપૂર્વથી ગુજરાતીઓને દરિયા સાથે અનેરો સંબંધ રહ્યો છે. આવી લાંબી દરિયાઈ પટ્ટી પર પ્રાચીનકાળથી અનેક ધાર્મિક, વ્યાપારીક અને પ્રવાસન સ્થળો વિકસ્યા છે અને ભારતીય પ્રવાસન નકશામાં તેમનું અગત્યનું સ્થાન છે. પરંતુ આવા જાણીતા સ્થળો સિવાય પણ આ દરિયા કિનારે ઘણાંય અપ્રસિદ્ધ પણ મોતી સમાન મૂલ્યવાન સ્થળો આવેલાં છે. કદાચિત તેમની ઉપેક્ષા અને અવગણના થઈ છે, એટલે આવા સ્થળો વિશે ખૂબ ઓછી જાણકારી ઉપલબ્ધ છે. ગુજરાતના દક્ષિણ પશ્ચિમ કિનારે દરિયાની વચ્ચે આવેલા એક નાનકડા ટાપુ એવા શિયાળબેટ વિશે આ પહેલાં એક લેખમાં અક્ષરનાદ પર લખ્યું જ હતું. આજે વાત કરવી છે તેની તદ્દન નજીક આવેલા એવા બીજા નાનકડા ટાપુની.


ચાલો ગઝલ શીખીએ (ભાગ ૨) – જીજ્ઞેશ અધ્યારૂ (લઘુ ગુરુ અક્ષરોની સમજ) 14

વાણી શબ્દોની બનેલી છે અને શબ્દો અક્ષરોના બનેલા છે. અક્ષરોમાં સ્વરો તેમજ સ્વરના ટેકાથી ઉચ્ચારાતા વ્યંજનોનો સમાવેશ થાય છે. અક્ષરો ઉચ્ચારના એકમ છે. પદ્યના લયબદ્ધ પઠન અને તાલ સહિતના ગાયન માટે અક્ષરોને લઘુ અને ગુરુ એમ બે માપમાં વહેંચી શકાય. ભારતીય પિંગળના અક્ષરમેળ અને માત્રામેળ, બંને પ્રકારના છંદોમાં લઘુ અને ગુરુની વિભાવના પાયાના સ્થાને છે. લઘુ અને ગુરુ અક્ષરના ઉચ્ચાર સમયનું પ્રમાણ ગઝલની પરિભાષામાં વજન તરીકે ઓળખાય છે. તેથી ગુરુ અક્ષરનું વજન લઘુ અક્ષરના વજનથી બમણું છે તેમ કહેવાય છે. આજે લઘુ ગુરુ અક્ષરોની વિભાવનાની અહીં વિગતે ચર્ચા કરીશું તથા નિયમોમાંથી લેવામાં આવતા અપવાદો વિશે નોંધવાનો પ્રયત્ન પણ કરીશું.


આવકારો… – રાવજી પટેલ 3

રાવજી પટેલની પ્રસ્તુત ગઝલ ગુજરાતી સાહિત્યમાં ભવ્ય રીતે બિરાજમાન છે. દરિયાનો સ્હેજ ઈશારો થતાં જ દૂર પ્હાડમાં સૂતેલાં ઝરણ જાગી જતાં હોય છે, આ દિવ્ય પ્રેમનો તલસાટ સામાપક્ષે પણ એટલો જ હોય છે. પ્રસ્તુત ગઝલ એ જાગૃત અને અર્ધજાગૃત મન વચ્ચેના એક પડાવનું સુંદર આલેખન છે. ક્યાંક રઝળપાટ ભૂલીને પરમાનંદમાં લીન થતાં વેંત દુનિયા જેને સફળતા કહે છે તેનું સ્મરણ થતાં ઉઠવું પડે એ દુર્ભાગ્ય જ છે. તો ત્રીજા શે’રમાં પ્રેયસીની પણ અનોખી વિભાવના… તો અંતિમ શે’રમાં રાહ જોયા પછી શરૂ થયેલું કાર્ય ઉપસ્થિતી અનુપસ્થિતીનો ચિતાર રજૂ કરે છે. પ્રતિપળ નાવિન્ય એ જીવનનો ક્રમ છે, પણ એને સ્વીકારીને સહજ જીવવું જ પડે છે. કોઈ વિશેષના ઈન્તજાર છતાં આવી ગયેલાની વાસ્તવિકતા પણ સ્વીકારીને કવિ ‘માફ કર’ શબ્દસમૂહ પ્રયોજી લે એ, એને સ્વીકારી જીવાતા જીવનનો અનુબંધ જાળવે છે.


સત્કાર્યની ધૂપસળી “ગાંડાઓનો આશ્રમ…” – જીજ્ઞેશ અધ્યારૂ 13

આપણાં આદ્ય કવિ નરસિંહ મહેતાએ પાંચ સદી પહેલા વર્ણવેલા વૈષ્ણવજનના લક્ષણો આજના સમયમાં પણ કોઈ એક માણસમાં જોવા મળી શકે એવી વાત જો હું કહું તો કેટલા માનશે? અત્યારના સમયમાં જ્યારે લોભ, લાલચ અને સ્વાર્થનો ભરડો સર્વત્ર જોવા મળે છે અને માણસ જ માણસનો શત્રુ છે, બીજાની નબળાઈનો લાભ લઈ ફાયદો ઉઠાવતા લોકોનો આ વખત છે ત્યારે પરાઈ પીડને જાણતા, પરદુઃખે ઉપકાર કરતાં અને તોય મનમાં લેશ પણ અભિમાન ન લાવતાં, અને એ આખીય પ્રક્રિયાનો મૂળ ભાગ હોવા છતાં તેનાથી સાવ અલિપ્ત જાણે કે એક દ્રઢ વૈરાગી હોય તેવા એક વ્યક્તિ વિશેની આ આખીય વાત કહેવી છે.


ચક્કર ચક્કર ફરતાં રહ્યાં – લીના ત્રિવેદી 3

સમાજના બદલાઈ રહેલા પરિમાણોની, માપપટ્ટીઓના ભેદભાવની અને પરિવર્તનના પરીણામોની વાત ખૂબ ચોટદાર અને માર્મિક રીતે કવિયત્રી પ્રસ્તુત અછાંદસમાં રજૂ કરે છે. અહિં તેમણે ઘણાં વિષયોને સ્પર્શ્યા છે, અબોર્શનથી સ્ત્રી ભ્રૂણહત્યા, પહેલું સુખ તે જાતે નર્યા થી એચ આઈ વી, આદર્શોથી લઈને ભ્રષ્ટાચાર, ગાંધીજીથી લઈને આગરા શિખર સંમેલન સુધી અને અંતે ગુજરાતી ભાષાથી લઈ અંગ્રેજી સુધી એમ વિવિધ વિષયોને આવરી લઈને પરિવર્તનનો પવન કેવો ફૂંકાયો છે તેનું જલદ આલેખન તેમના અછાંદસમાંથી ઉપસી આવે છે.


શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી સાથે એક મુલાકાત – જીજ્ઞેશ અધ્યારૂ 10

શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીના નામમાં જ તેમનો આખોય પરિચય આવી જાય છે. કોઈ ગુજરાતી એવો મળે જે મેઘાણીના પ્રભાવથી અછૂતો રહ્યો હોય? ભાવનગરમાં આવેલા લોકમિલાપ ટ્રસ્ટ વિશે ઘણુંય સાંભળેલું, વાંચેલું, પરંતુ આજ સુધી જવાનો અવસર મળ્યો નહોતો. પણ અચાનક એક રવિવારે જાણે પૂર્વનિર્ધારીત હોય તેમ તેમને મળવા જવાનો ઉમળકો થયો, ફોન લગાડ્યો અને તેમણે જ સામે રીસીવ કર્યો. મેં મારો પરિચય તેમને આપ્યો, અને મળવા આવવા માટે અનુમતિ માંગી. “ચોક્કસ આવો, મને ગમશે” એવી તેમની વાત મારી તેમને મળવાની ઈચ્છા વધારતી ગઈ. મેં કહ્યું, “સાહેબ, હું તો આવું જ છું.” સાડા દસે મહુવાથી નીકળ્યો, અને સંજોગોવશાત ભાવનગર પહોંચ્યો ત્યારે દોઢ વાગ્યો હતો. સંસ્કારમંડળ ઉતરીને એક રીક્ષાવાળાને પૂછ્યું, “લોકમિલાપ …..” એણે રસ્તો બતાવ્યો અને ….


પાર્થની આંખે મત્સ્યવેધની ઘટના.. ‘પછી’ – તરૂણ મહેતા 6

કવિ શ્રી હરેશભાઈ ત્રિવેદીના સુંદર કાવ્યસંગ્રહ ‘પછી..’ નું વિમોચન થોડાક દિવસ પહેલા મહુવામાં પૂજ્ય શ્રી મોરારિબાપુ અને ગુજરાતના જાણીતા હાસ્યકાર શ્રી જગદીશભાઈ ત્રિવેદીના વરદહસ્તે થયું. આ પ્રસંગે એક કાવ્યગોષ્ઠિનું પણ આયોજન થયું હતું. અક્ષરનાદને આ સંગ્રહ ભેટ આપવા બદલ શ્રી અલ્પ ત્રિવેદીનો ખૂબ ખૂબ આભાર. શ્રી હરેશભાઈની સર્જનાત્મકતા આમજ વિકસતી – મહોરતી રહે તેવી અમારા અને અક્ષરનાદના અનેક વાંચકો વતી શુભકામનાઓ. આજે પ્રસ્તુત છે એ કાવ્યસંગ્રહનો આસ્વાદ શ્રી તરુણભાઈ મહેતાની કલમે. શ્રી હરેશભાઈની રચનાઓ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થતી રહી છે (પહેલાની રચનાઓ માટે અહીં ક્લિક કરો). આશા રાખીએ કે આ કાવ્યસંગ્રહના નામમાં છૂપાયેલા પ્રશ્ન ‘પછી..’ નો ઉત્તર તેમની કલમ આવા વધુ સુંદર સંગ્રહો વડે આપતી રહે.