આપણા સામયિકો 67


સાહિત્ય સામયિકોની આપણે ત્યાં આરંભથીજ એક ઉજ્જવળ પરંપરા રહી છે. યશસ્વી તેમજ આશાસ્પદ કલમોની રચનાઓ પ્રકાશિત કરતા રહીને સાંપ્રતનો એક જીવંત તાર રણકતો રાખવામાં, સમર્પણ પૂર્વક સતત નવનીત પીરસવામાં, વિવેચન – ચિંતન – સંશોધનનાં, અહીં પ્રગટેલા તેમજ બહારથી આવેલાં વિચારવલોણાનો પરિચય કરાવવામાં ને એને વિવિધ સ્તરોએ સક્રિય કરવામાં, સમાજ ઉન્નતિ અને લોક ઉત્થાનના જાગરણમાં, વિદ્રોહો અને આંદોલનો પ્રગટાવવામાં, શબ્દસૃષ્ટિ વિકસાવી સામાન્યજનોને માટે જ્ઞાન અને કળાની પરબ બની જનકલ્યાણ અર્થે બુદ્ધિપ્રકાશ તેજસ્વી બનાવવામાં, કવિતાનો કવિલોક વિકસાવી મમતાપૂર્વક અખંડ આનંદ પીરસવામાં – એમ અનેક દિશામાં આપણાં નોંધપાત્ર સામયિકોએ તેમની લાક્ષણીક અદામાં અનેરી સજ્જતાનો પરિચય આપ્યો છે અને આ સાહસોને એક કર્તવ્ય માનીને ખેડ્યું છે. એમની આવી પરિણામકારી સક્રિયતા પોતે જ એક વિશિષ્ટ અને ઐતિહાસીક પ્રદાન બની ગઈ છે. વીસમી સદી અને પ્રકૃતિથી લઈને હાલમાં જ શરૂ થયેલ સાયબર સફર અને મમતા જેવા વૈવિધ્યસૃષ્ટિ ધરાવતા સામયિકો આપણી ધરોહર છે જેની જાળવણીની ફરજ આપણા સૌની સહીયારી છે.

ગુજરાતી ભાષા અને સંસ્કૃતિના વિકાસમાં સામયિકોનો ફાળો મહત્વપૂર્ણ રહ્યો છે. અક્ષરનાદના માધ્યમથી આપણી ભાષામાં પ્રસ્તુત થતાં / થયેલા બધાંજ સામયિકોનો અત્રે પરિચય કરવાનો, માહિતિ ઉપલબ્ધ કરવાનો પ્રયાસ કરવો છે. આ માટે શરૂઆત એક – દોઢ વર્ષ પહેલા કરેલી, અનેક સામયિકોના તંત્રીઓ / સંપાદકશ્રીઓને ઈ-મેલ / કાગળ લખેલા, પરંતુ એમાંથી આંગળીના વેઢે ગણી શકાય એટલા જ જવાબો મળ્યા. તે છતાં આ ઈચ્છા હજુ અતૃપ્ત છે, એટલે સ્વયં આવી માહિતિ ભેગી કરી એક જ ફલક પર ઉપલબ્ધ કરવી એવી ભાવના સાથે આ પૃષ્ઠ શરૂ કર્યું છે. નીચે આપેલી માહિતિ ભૂલભરેલી હોઈ શકે છે. તેમાં સુધારા માટે આપના પ્રતિભાવ / જાણકારી મને ઈ-મેલ કરવા વિનંતિ છે. દરેક સામયિકની સંપર્કવિગતો આપેલી છે, અર્થવ્યય ટાળવા લવાજમ ભરતા પહેલા જે-તે સામયિક સાથે એ અંગે પુષ્ટી મેળવી લેવી.

પેજ અંતિમ અપડેટ – ૨૯ જૂન ૨૦૧૨ – ૧૯ માર્ચ ૨૦૧૩ – ૧૯ જાન્યુઆરી ૨૦૧૪ ૧૧ એપ્રિલ ૨૦૧૪

સામયિકો –

૧. સામયિકનું નામ – નવનીત સમર્પણ

સ્થાપના – સમર્પણ – ૧૯૫૯, નવનીત ૧૯૬૨
સંપાદક – શ્રી દીપકભાઈ દોશી વરિષ્ઠ ઉપ-સંપાદક – અનસૂયા સિંધાત્રા
સામયિકનો પ્રકાર – માસિક
લવાજમ ની વિગતો – એક વર્ષ – ૨૨૦/- રૂ., બે વર્ષ – ૪૩૦/- રૂ., ત્રણ વર્ષ – ૬૪૦/- રૂ., પાંચ વર્ષ – ૧૦૫૦/- રૂ., દસ વર્ષ – ૨૦૦૦/- રૂ., વિદેશમાં એક વર્ષના – દરિયાઈ માર્ગે – ૮૦૦/- રૂ., હવાઈ માર્ગે દરેક દેશમાં – ૧૪૦૦/- રૂ., બહારગામના ચેક ભરનારાઓએ રૂ. ૨૫ વધારે મોકલવા, ચેક ‘ભારતીય વિદ્યા ભવન’ ના નામે મોકલવો.
સંપર્ક સૂત્ર –
સરનામું – કાર્યાલય, ભારતીય વિદ્યા ભવન, કુલપતિ મુનશી માર્ગ, મુંબઈ ૪૦૦ ૦૦૭
ફોન – (૦૨૨) ૨૩૬૩ ૪૪૬૨ – ૬૩ – ૬૪
વેબસાઈટ – www.bhavans.info
ઈ-મેલ – deepsamarpan@yahoo.com
સામયિકનું વિષયવસ્તુ અને પ્રકાર –

નવનીત સમર્પણ ગુજરાતી ભાષાનું અગ્રગણ્ય, દરેક વર્ગના દરેક ઉંમરના લોકો માટે વાંચનક્ષુધાની તૃપ્તિનું માસિક છે. તે જીવન, સાહિત્ય અને સંસ્કારનું માસિક છે. કાવ્યધારા, ટૂંકી વાર્તાઓ, ધારાવાહી નવલકથાઓ, જીવન-ચરિત્રો, હાસ્યલેખો, બોધકથાઓ, ચિંતન નિબંધ, પ્રવાસ વર્ણનો તથા અધ્યાત્મ લેખો જેવા સાહિત્યપ્રકારો દ્વારા રસાળ બનેલું અને વર્ષોથી વાંચકોને માટે નિયમિતપણે ઉચ્ચસ્તરનું વાંચન પીરસે છે.

૨. સામયિકનું નામ – શબ્દસૃષ્ટિ

પ્રથમ અંક પ્રકાશિત થયો – ઓક્ટોબર ૧૯૮૩
સંપાદકનું નામ – શ્રી હર્ષદભાઈ ત્રિવેદી
સામયિકનો પ્રકાર – માસિક
લવાજમ ની વિગતો – વાર્ષિક લવાજમ – ભારતમાં ૧૦૦/- રૂ., વધુમાં વધુ વાર્ષિક રૂ. ૧૦૦ લેખે પાંચ વર્ષનું લવાજમ સ્વીકારવામાં આવે છે. વિદેશ માટે એક વર્ષના – દરિયાઈ માર્ગે – ૪૦૦/- રૂ., હવાઈ માર્ગે – ૧૦૦૦/- રૂ., ચેક સ્વીકારવામાં નથી આવતો, ડ્રાફ્ટ, મનિઓર્ડર અથવા રોકડેથી લવાજમ ભરી શકાય છે. ડ્રાફ્ટ ગુજરાત સાહિત્ય અકાદમીના નામનો મોકલવા વિનંતિ.
સંપર્ક સૂત્ર –
સરનામું – શ્રી હર્ષદભાઈ ત્રિવેદી
સંપાદક, ‘શબ્દસૃષ્ટિ’ ગુજરાત સાહિત્ય અકાદમી, અભિલેખાગાર ભવન, ગુલાબ ઉદ્યાન સામે, સેક્ટર ૧૭, ગાંધીનગર ૩૮૨ ૦૧૭
ફોન – (૦૭૯) ૨૩૨ ૫૬ ૭૯૮
ઈ-મેલ – shabdasrushti@gmail.com, gsagandhinagar@gmail.com
વેબસાઈટ – http://www.sahityaacademy.gujarat.gov.in
http://www.gujaratsahityaacademy.org/shabdasrusti.html
સામયિકનું વિષયવસ્તુ અને પ્રકાર –

વર્ષના કુલ બાર અંકોમાં વિશેષાંક સહિત અંદાજે એક હજાર પાનાંથી પણ વધુ સાહિત્યિક વાંચન, જેમાં કવિતા, વાર્તા, હાસ્ય, સ્મરણો, નિબંધ, વિવેચન, આસ્વાદ, ગ્રંથાવલોકન, સાહિત્યવૃત્તમાં બનતી સાહિત્યિક ઘટનાઓની નોંધ, ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રકાશનો, પ્રવૃતિઓ વગેરેની માહિતિ. ગુજરાત સાહિત્ય અકાદમીનું માસિક મુખપત્ર

૩. સામયિકનું નામ – જનકલ્યાણ

પ્રથમ અંક પ્રકાશિત થયો – લગભગ ૬૨ વર્ષ પહેલા
સંપાદકનું નામ – શ્રી દેવેન્દ્ર એલ. ત્રિવેદી, સંસ્થાપક – સંત ‘પુનિત’
સામયિકનો પ્રકાર – માસિક
લવાજમ ની વિગતો – એક વર્ષ – ૧૫૦/- રૂ., ત્રણ વર્ષ – ૪૫૦/- રૂ. (અંકોની સાથે ૭૫ રૂ.ની કિંમતનું એક ભેટ પુસ્તક પણ અપાય છે), આજીવન ગ્રાહક થવા માટે લવાજમ – ૧૩૦૦૦/- રૂ., દસ વર્ષ – ૨૦૦૦/- રૂ., વિદેશમાં એક વર્ષના (હવાઈ માર્ગે) – ૨૦૦૦/- રૂ., આજીવન ૨૫૦૦૦/- રૂ. ચેક/ ડ્રાફ્ટ દ્વારા લવાજમ ભરતી વખતે ‘પુનિત સેવા ટ્રસ્ટ’ ના નામે પેએબલ ઍટ અમદાવાદ મોકલવો. લવાજમ ગમે તે માસથી ભરી શકાય છે પણ અંકો એપ્રિલ થી માર્ચના વર્ષ મુજબ જ મોકલવામાં આવશે. એટલેકે જો આપ જાન્યુઆરી ૨૦૧૨માં વાર્ષિક લવાજમ ભરો તો પણ અંકો એપ્રિલ ૨૦૧૨ થી માર્ચ ૨૦૧૩ સુધી મળશે.
સંપર્ક સૂત્ર –
સરનામું – જનકલ્યાણ કાર્યાલય
સંત પુનિત’ માર્ગ, નાથાલાલ ઝગડા ઓવરબ્રિજ નીચે, મણિનગર, અમદાવાદ ૩૮૦ ૦૦૮
ફોન – (૦૭૯) ૨૫૪૫ ૪૫૪૫
ઈ-મેલ – jankalyan99@yahoo.co.in
સામયિકનું વિષયવસ્તુ અને પ્રકાર –

સારુ ને સાત્વિક સાહિત્ય સસ્તામાં સસ્તા દરે વાંચકોને ઉપલબ્ધ કરાવવાના ઉમદા ધ્યેય સાથે બિન નફાને ધોરણે આ સંસ્થા વર્ષોથી સતત કાર્ય કરી રહી છે. ઘેર બેઠા ગંગા જેવી આ સામયિકની સંસ્કાર સરવાણી ગુજરાતી ભાષાની જ્ઞાન તથા સાહિત્ય ગંગા છે. નિવડેલા તથા નવા સર્જકોની કલમપ્રસાદીની વિવિધતા અને નવીનતાનો સુભગ સમન્વય પીરસતુ માસિક.

૪. સામયિકનું નામ – પરબ

પ્રથમ અંક પ્રકાશિત થયો – ૧૯૬૦માં અમદાવાદથી, આરંભે ત્રૈમાસિક, વચ્ચે અનિયતકાલિક અને હાલ માસિક મુખપત્ર રૂપે પ્રગટ થાય છે.
સંપાદકનું નામ – શ્રી યોગેશ જોષી, સહતંત્રી – પ્રફુલ્લ રાવલ
સામયિકનો પ્રકાર – માસિક
લવાજમ ની વિગતો – એક વર્ષ – ૧૫૦/- રૂ. (વિદ્યાર્થીઓ માટે ૭૫ રૂ., પ્રમાણપત્ર બીડવું.) ગુજરાત સાહિત્ય પરિષદના વાર્ષિક તેમજ આજીવન સભ્યપદના શુલ્કમાં પરબના લવાજમનો સમાવેશ થઈ જાય છે. પરિષદના સભ્યપદ માટેવાર્ષિક વ્યક્તિગત શુલ્ક – ૨૦૦/- રૂ., તથા સંસ્થાગત વાર્ષિક સભ્યપદ શુલ્ક ૩૦૦ રૂ./- છે. પરિષદના આજીવન સભ્યપદ શુલ્ક – ૨૦૦૦/- રૂ., તથા સંસ્થા આજીવન સભ્ય ફી – ૩૦૦૦/- રૂ. છે. વિદેશવાસીઓ માટે ૭૫ પાઊન્ડ અથવા ૧૩૦ ડોલર) મનિઓર્ડર / ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા લવાજમ ભરતી વખતે ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ ના નામે મોકલવો. લવાજમ ગમે તે માસથી ભરી શકાય છે. પરબ દર માસની દસમી તારીખે પ્રસિદ્ધ થાય છે.
સંપર્ક સૂત્ર –
સરનામું – તંત્રીશ્રી, ‘પરબ’
ગુજરાતી સાહિત્ય પરિષદ, (પ્રકાશન વિભાગ), ગોવર્ધન ભવન, આશ્રમ માર્ગ, ‘ટાઈમ્સ’ પાછળ, પો. બો. ૪૦૬૦, અમદાવાદ ૩૮૦ ૦૦૯
ફોન – (૦૭૯)
ઈ-મેલ – gspamd@vsnl.net
વેબસાઈટ – http://www.gujaratisahityaparishad.com
સામયિકનું વિષયવસ્તુ અને પ્રકાર –

ચાર દાયકાથીય વધારે સમયથી પ્રકાશિત થતું ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર ‘પરબ’ ગુજરાતીનાં ઉત્તમ સાહિત્યિક સામયિકોમાં અગ્રસ્થાને રહ્યું છે. કવિતા, વાર્તા, નિબંધ આદિ સર્જનાત્મક કૃતિઓ ઉપરાંત તેમાં પ્રસિધ્ધ થતાં વિવેચનસાહિત્યના અભ્યાસલેખો અને ગ્રંથાવલોકનો આદિ સામગ્રીથી સાંપ્રત ગુજરાતી સાહિત્યની ગતિવિધિનો જીવંત આલેખ મળે છે. આમ સાહિત્યના વર્તમાન તેમ જ ભાવિ જિજ્ઞાસુઓ માટે ‘પરબ’ મહત્ત્વના સ્ત્રોત સમાન છે. ‘પરબ ઓનલાઇન’ ઓનલાઇન માસિક છે અને તે .pdf ફૉરમેટ માં વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકાય છે. તેમાં ‘પરબ’ના પ્રકાશિત થયેલા અંકમાંથી પસંદ કરેલી કૃતિઓ હોય છે.

૫. સામયિકનું નામ – અખંડ આનંદ

પ્રથમ અંક પ્રકાશિત થયો
તંત્રીનું નામ – શ્રી આનંદભાઈ અમીન, સહતંત્રી – પ્રકાશ લાલા
સામયિકનો પ્રકાર – માસિક
લવાજમ ની વિગતો – એક વર્ષ – ૨૦૦/- રૂ., આજીવન ગ્રાહક થવા માટે લવાજમ – ૩૦૦૦/- રૂ., વિદેશમાં એક વર્ષના (હવાઈ માર્ગે) – ૧૫૦૦/- રૂ., આજીવન ૧૫૦૦૦/- રૂ. ચેક/ ડ્રાફ્ટ દ્વારા લવાજમ ભરતી વખતે ‘ભિક્ષુ અખંડાનંદ ટ્રસ્ટ’ ના નામે મોકલવો. અમદાવાદ સિવાયની બહારગામની બેંકનો ચેક હોય તો બેંકિંગ ચાર્જના રૂ. ૫૦ ઉમેરીને મોકલવા. અખંડઆનંદ દર માસની દસમી તારીખે પ્રસિદ્ધ થાય છે. ગમે તે માસથી ગ્રાહક થઈ શકાય છે.
સંપર્ક સૂત્ર –
સરનામું – ભિક્ષુ અખંડનંદ ટ્રસ્ટ,
આનંદ ભવન, બીજો માળ, રૂપમ સિનેમાની બાજુમાં, રિલીફ રોડ, અમદાવાદ ૩૮૦ ૦૦૧
ફોન – (૦૭૯) ૨૫૩૫ ૭૪૮૨
સામયિકનું વિષયવસ્તુ અને પ્રકાર –

અખંડ આનંદ કોઈ ચોક્કસ વિષય કે વર્ગનું સામયિક નથી, સાહિત્યના કોઈ પણ પ્રકારને તે સ્પર્શે છે. અખંડ આનંદનું સંચય (ડાઈજેસ્ટ) સ્વરૂપ છે. વિષયવૈવિધ્ય આ પારિવારિક શિષ્ટ સામયિકનું લક્ષણ છે. કવિતા, વાર્તા, હાસ્ય, સ્મરણો, નિબંધ, વિવેચન, આસ્વાદ, પ્રેરણાદાયક લેખો વગેરે સાહિત્ય સ્વરૂપોને સમાવતું સામયિક

૬. સામયિકનું નામ – વિચારવલોણું

સ્થાપકનું નામ – શ્રી સુરેશ પરીખ, પ્રમુખ – મુનિ દવે
સામયિકનો પ્રકાર – દ્વિમાસિક તથા સાથે એક સુંદર પુસ્તિકા
લવાજમ ની વિગતો – એક વર્ષ (છ અંકો તથા છ પુસ્તિકાઓ) – ૨૦૦/- રૂ., ત્રણ વર્ષ – ૫૦૦/- રૂ., કાયમી ગ્રાહક થવા માટે લવાજમ – ૫૦૦૦/- રૂ., વિદેશમાં એક વર્ષના (હવાઈ માર્ગે) – ૧૦૦૦/- રૂ., ચેક/ ડ્રાફ્ટ વિચારવલોણુ પરિવાર, અમદાવાદ’ ને નામે બનાવવો. અમદાવાદની બહારના લોકોએ મનિઓર્ડર, ડ્રાફ્ટ અથવા રોકડે પૈસા ચૂકવવા.
સંપર્ક સૂત્ર –
સરનામું – શ્રી સુરેશ પરીખ,
આલાપ બંગ્લોઝ, સંજય સોસાયટી
ઉમરા જકાતનાકા પાસે, સૂરત – 395 007 અથવા
શ્રી મુનિ દવે,804, સગુન પેલેસ, શિવરંજની ચાર રસ્તા, અમદાવાદ ૩૮૦ ૦૧૫
ફોન – (૦૭૯)
ઈ-મેલ – vicharvalonun@yahoo.co.in
વેબસાઈટ – http://www.vicharvalonu.com
સામયિકનું વિષયવસ્તુ અને પ્રકાર –

વિચારવલોણુ દ્વિમાસિક અને આ પરિવાર દ્વારા થતી પુસ્તિકાઓના પ્રકાશનની પ્રવૃત્તિઓ વ્યક્તિ – સમષ્ટિના સમગ્ર સ્વસ્થ વિકાસ માટેનું ધ્યેય રાખીને કરાતું પ્રકાશન છે. દર બે મહિને આ પરિવાર વિચારવલોણું સામયિક અંકના 40 પાના અને સાથે 60 થી 80 પાનાની પુસ્તિકા પ્રકાશિત કરે છે, જેમાં વિશ્વના ઉત્તમ પુસ્તકોના સંક્ષિપ્ત અનુવાદો અથવા ઉત્તમ વિચારોનું સંકલન હોય છે. આ સામયિકનો અંક તથા તે સાથે પ્રકાશિત પુસ્તિકા તેમની વેબસાઈટ પરથી નિ:શુલ્ક ડાઊનલોડ કરીને વાંચી શકાય છે. વિચારપ્રેરક વિષયો સાથેનું સુંદર વાંચન અને વિશ્વના ઉત્તમ પુસ્તકોના સંક્ષિપ્ત અનુવાદો અથવા ઉત્તમ વિચારોના સંકલનને લઈને બનતી પુસ્તિકા.

૭. સામયિકનું નામ – સમુદગાર

પ્રથમ અંક પ્રકાશિત થયો – જૂન ૧૯૯૪
સંપાદકનું નામ – શ્રી ગુલાબભાઈ જાની
સામયિકનો પ્રકાર – ત્રિમાસિક
લવાજમ ની વિગતો – વાર્ષિક લવાજમ – ૬૦/- રૂ.
સંપર્ક સૂત્ર –
સરનામું – શ્રી ગુલાબભાઈ જાની,
મેનેજીંગ ટ્રસ્ટી, સિસ્ટર નિવેદિતા ચેરીટેબલ ટ્રસ્ટ, કાલાવડ રોડ, રાજકોટ ૩૬૦૦૦૭
ફોન – (૦૨૮૧) ૨૫૭૫૦૬૧, ૨૫૭૩૮૫૭
વેબસાઈટ – www.sisterniveditatrust.org
સામયિકનું વિષયવસ્તુ અને પ્રકાર –

સિસ્ટર નિવેદિતા ચેરિટેબલ ટ્રસ્ટના મુખપત્ર તરીકે ઓળખાતું તેમજ વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો તથા શિક્ષણમાં રસ લેનાર સહુકોઈને ઉપયોગી થાય તેવા લેખો પ્રગટ કરવાની નેમ ધરાવતું આ ત્રૈમાસિક મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલું હોય છે જેમાંથી એક ભાગમાં જાણીતા શિક્ષણશાસ્ત્રીઓ, સાહિત્યકારો, વિચારકોના લેખો પ્રસિધ્ધ કરવામાં આવે છે તો બીજી તરફ સિસ્ટર નિવેદિતા શૈક્ષણિક સંકુલનો પ્રવૃત્તિ અહેવાલ પણ અહીંથી મળી રહે છે. પોતાની વૈચારિક, શૈક્ષણિક અને સાહિત્યિક પરંપરા જાળવવા કટિબધ્ધ આ સામયિ પોતાની આગવી ઓળખ લગાતાર જાળવતું આવ્યું છે.

૮. સામયિકનું નામ – સફારી

સ્થાપના – ૧૯૮૧
સંપાદક – હર્ષલ પુષ્કર્ણા તંત્રી, મુદ્રક અને પ્રકાશક – નગેન્દ્ર વિજય
સામયિકનો પ્રકાર – માસિક
લવાજમ ની વિગતો – છૂટક અંકની કિંમત – ૨૫ રૂ/-, વાર્ષિક લવાજમ (ભારતમાં) – ૨૮૦ રૂ./-, ૧૨ અંકોનું લવાજમ (વિદેશમાં) – ૧૬૦૦/- રૂ., ૨૪ અંકોનું લવાજમ – (ભારતમાં) ૫૬૦ રૂ., ૨૪ અંકોનું લવાજમ (વિદેશમાં) – ૩૨૦૦/- રૂ., મનીઑર્ડર કે ડ્રાફ્ટ ‘હર્ષલ પબ્લિકેશન્સ ના નામ-સરનામે મોકલવો, કોઈ એજન્સી મારફત નહીં, બેથી પાંચ અથવા તેથી વધુ લવાજમ એક સાથે ભરનાર માટે યોજનાઓ ઉપલબ્ધ છે જે સમયાંતરે સામયિકમાં પણ પ્રસિદ્ધ થાય છે.
સંપર્ક સૂત્ર –
સરનામું – હર્ષલ પબ્લિકેશન્સ, ૨૧૨-૨૧૫, આનંદ મંગલ ૩, કોર બાયોટેકની સામે, પરિમલ ક્રોસિંગ પાસે, એલિસ બ્રિજ, અમદાવાદ ૩૮૦૦૦૬
ફોન – (૦૭૯) ૨૬૪૬૧૬૯૮, ૬૬૦૫૬૦૫૦
વેબસાઈટ – http://guj.safari-india.com
ઈ-મેલ – info@safari-india.com
સામયિકનું વિષયવસ્તુ અને પ્રકાર –

સફારી વિજ્ઞાન, ટેક્નોલોજિ, ભૂસ્તરશાસ્ત્ર, ઇતિહાસ, જીવજગત, વનસ્પતિજગત વગેરે જ્ઞાનવિજ્ઞાનના વિવિધ વિષયોને આવરી લેતું પારિવારિક માસિક છે. રસાળ તેમજ સરળ શૈલી વડે તેમજ ચિત્રો અને રેખાંકનો વડે સફારીએ અઘરામાં અઘરા વિષયોને પણ એકદમ સરળ અને રસપ્રદ બનાવીને વાચકો સમક્ષ મૂક્યા છે. વિજ્ઞાનના નામમાત્રથી કંટાળાની લાગણી અનુભવતા સરેરાશ વાચકને વિજ્ઞાનમાં ઊંડો રસ લેતો કરવાની સિદ્ધિ સફારીએ છેલ્લા સાડા ત્રણ દાયકાના સંઘર્ષમાં પ્રાપ્ત કરી છે. આ સામયિક આજે ગુજરાતી તથા અંગ્રેજી ભાષા ઉપરાંત અંધજનો માટે ઓડિયો સ્વરૂપે પણ નિયમિતરૂપે પ્રગટ થાય છે.

૯. સામયિકનું નામ – કુમાર

સ્થાપના ઈ.સ. ૧૯૨૪માં રવિશંકર રાવળના તંત્રીપદે, અત્યારે જૂન 2012માં તેનો સળંગ અંક ૧૦૧૪મો આવશે.
સંપાદક – ધીરૂભાઈ પરીખ
સામયિકનો પ્રકાર – માસિક
લવાજમ ની વિગતો – એક વર્ષ – ૩૦૦/- રૂ., ત્રણ વર્ષ – ૮૫૦/- રૂ., પાંચ વર્ષ – ૧૪૦૦/- રૂ.,
સંપર્ક સૂત્ર –
સરનામું – કુમાર ટ્રસ્ટ
૧૪૫૪, રાયપુર ચકલા
પોલીસ ચોકીની પાછળ
અમદાવાદ – ૩૮૦૦૦૧
ફોન – (૦૭૯) ૨૫૬૨૦૫૭૮
ઈ-મેલ – kumartrust@gmail.com
સામયિકનું વિષયવસ્તુ અને પ્રકાર – કુમાર આપણી ભાષાનું એક સમૃદ્ધ અને રસપ્રદ ઈતિહાસ ધરાવતું સામયિક છે. રવિશઁકર રાવળના તંત્રીપદે ઈ.સ. ૧૯૨૪માં શરૂ થયા પછી તે સતત સમગ્ર ગુજરાતી સમાજને સાહિત્ય અને ભાષાકીય સમૃદ્ધિ પીરસતું રહ્યું છે. હજારથી વધુ અંકો પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે તેવા જૂજ ગુજરાતી સામયિકોમાં કુમાર અગ્રગણ્ય છે.

૧૦. સામયિકનું નામ – શહીદે ગઝલ

સંપાદક – મોહંમદ શકીલ એ કાદરી સહ સંપાદકો
સામયિકનો પ્રકાર – – ત્રૈમાસિક
લવાજમ ની વિગતો – એક વર્ષ – ૨૦૦/- રૂ., વિદેશમાં એક વર્ષના – ૧૨૦૦/- રૂ.,
સંપર્ક સૂત્ર –
સરનામું – મોહંમદ શકીલ એ. કાદરી, ડી-114, મધુરમ સોસાયટી, તાંદલજા રોડ, વડોદરા, ગુજરાત 390012
ફોન – ૯૮૯૮૮૩૪૮૮૯
ઈ-મેલ – shahideghazal@yahoo.com
સામયિકનું વિષયવસ્તુ અને પ્રકાર – સામયિકના નામની સાથેની પંક્તિ કહે છે તેમ તે સાચા અર્થમાં ગઝલની વિભાવનાને વરેલુ ત્રૈમાસિક છે, અનેક જાણીતા – અજાણ્યા, સિદ્ધહસ્ત – નવા ગઝલકારોની ગઝલો સાથે આ સામયિક છંદશાસ્ત્રની વિગતવાર અને વિશેષ ચર્ચા, ગઝલ આસ્વાદ, વિવેચન તથા ગઝલસંગ્રહોની સમીક્ષા પણ સમાવે છે. ગઝલચાહકોનું પ્રિય એવું આ સુંદર સામયિક દરેક ચાહકે મંગાવવું જ રહ્યું.

૧૧. સામયિકનું નામ – છાલક

સંપાદક – જગદીપ ઉપાધ્યાય તંત્રી – ગણપતભાઈ ઉપાધ્યાય
સામયિકનો પ્રકાર – ત્રિમાસિક
લવાજમ ની વિગતો – એક વર્ષ – ૨૦૦/- રૂ., આજીવન – ૨૦૦૦/- રૂ., લવાજમ રૂબરૂ, મનિઓર્ડરથી અથવા બેંક ડ્રાફ્ટથી સ્વીકારવામાં આવે છે, ડ્રાફ્ટ “તંત્રીશ્રી, ‘છાલક’, અમરેલી” ના નામનો મોકલવો.
સંપર્ક સૂત્ર –
સરનામું – શ્રી ગણપતભાઈ ઉપાધ્યાય, તંત્રીશ્રી, છાલક ત્રિમાસિક સામયિક, ‘છાલક’ કાર્યાલય, હનુમાનપરા માર્ગ, જલારામનગર 1, બ્લોક 1, અમરેલી, ગુજરાત.
ફોન – 02792 220603
સામયિકનું વિષયવસ્તુ અને પ્રકાર – કવિતા, વાર્તા અને ચિત્રને સ્પર્શે તેવું છાલક ગુજરાતી સાહિત્યનું નવું ત્રિમાસિક છે, ગઝલ, ગીત, લોકગીત, મુક્તકો, મોનો ઈમેજ, સોનેટ તથા અછાંદસ જેવા પદ્યસ્વરૂપો અને ટૂંકીવાર્તા, લઘુકથા, લોકકથા, અનુવાદકથા, હાસ્યકથા જેવા વિવિધ વાર્તાસ્વરૂપોને સમાવતું, સાથે અનેકવિધ તસવીરો પ્રસ્તુત કરતું છાલક આપણા સાહિત્યનિરૂપણનું એક સમૃદ્ધ બાળક છે અને પ્રસ્તુતિ તથા પસંદગીમાં શરૂઆતથી જ ખાસ્સું ‘સભર’ રહ્યું છે.

૧૨. સામયિકનું નામ – કવિતા

તંત્રી – રમેશ પુરોહિત, સહયોગ – હિતેન આનંદપરા
સામયિકનો પ્રકાર – દ્વિમાસિક
લવાજમ ની વિગતો – એક વર્ષ – ૨૦૦/- રૂ., વિદેશમાં સીમેલથી એક વર્ષના – ૨૮૦/- રૂ., વિદેશમાં એરમેલથી એક વર્ષના – ૫૦૦/- રૂ., એક અંકના – ૪૦/- રૂ. એક સાથે એકથી વધુ વર્ષનું લવાજમ ભરી શકાય છે. બહારગામનું લવાજમ “Saurashtra Trust” ના નામથી મનીઓર્ડર / ડ્રાફ્ટથી મોકલવા વિનંતિ
સંપર્ક સૂત્ર –
સરનામું – સર્ક્યુલેશન મેનેજર, જન્મભૂમિ ભવન, જન્મભૂમિ માર્ગ, પોસ્ટ બોક્સ નં 61, ફોર્ટ, મુંબઈ – 1
વેબસાઈટ – http://kavita.janmabhoominewspapers.com/
સામયિકનું વિષયવસ્તુ અને પ્રકાર – છેલ્લા ૪૫ વર્ષથી દર બે મહીને પસંદગીની કવિતાઓનું પ્રકાશન કરતું ‘કવિતા’ પદ્યરચનાના ક્ષેત્રમાં આ પ્રકારનું પહેલુ સામયિક છે.

૧૩. સામયિકનું નામ – સાયબર સફર

તંત્રી – હિમાંશુ કીકાણી
સામયિકનો પ્રકાર – માસિક
લવાજમ ની વિગતો – પ્રિન્ટ + ઓનલાઈન મલ્ટીમીડિયા મેગેઝિન – ૧૨ અંકનું લવાજમ (વર્તમાન મહિનાથી, સાદી બુકપોસ્ટ દ્વારા) – ૨૨૦/-, ચેક માત્ર મલ્ટીસિટી અને પેએબલ એટ અમદાવાદ હોય તેવા જ સ્વીકારાય છે, ચેક/ડીડી CyberSafar Edumedia ના નામે મોકલશો. મેગેઝિનનું ૧૨ અંકનું લવાજમ + ચાર હેન્ડીગાઇડ્સનો સેટ + ઇઝીગાઇડ + ક્વિકગાઇડ (ઇન્ટરનેટ પર ગુજરાતી વિશે પ્રાથમિક સમજણ આપતી નાની પુસ્તિકા કિં. રૂ. ૨૦ની ક્વિક ગાઇડ ભેટ સાથે) – ૪૧૦/-. લવાજમ ભરવા માટે જેમ કે નેટ બેન્કિંગ દ્વારા ટ્રાન્સફર (NEFT), બેંકમાં રોકડ રકમ જમા કરાવીને, ચેક/ડીડી/મનીઓર્ડર, કેશ ઓન ડિલિવરી જેવા વિવિધ વિકલ્પો છે. એ અંગે વધુ જાણવા તેમની વેબસાઈટ જુઓ.
સંપર્ક સૂત્ર –
સરનામું – સાયબરસફર એજ્યુમીડીયા, બી-402, રેડિયો મિર્ચીની સામે, શ્યામલ ચોકડી પાસે, સેટેલાઈટ, અમદાવાદ-15.
ફોન – 079-4006 1513, મો. 092272 51513
વેબસાઈટ – http://cybersafar.com
ઈ-મેલ – support@cybersafar.com
સામયિકનું વિષયવસ્તુ અને પ્રકાર – આજના ઈન્ટરનેટ યુગમાં સામાન્ય ગુજરાતીને કોમ્પ્યુટર – ઈન્ટરનેટ સાથે તેમની ભાષામાં પરિચય કરાવતું સામયિક એટલે સાયબર સફર જે દિવ્યભાસ્કર સામયિકની પ્રચલિત કૉલમ ‘સાયબર સફર’ની સફળતા અને ખ્યાતિ પછીનું પગલું છે. હિમાંશુભાઈ દરેક અંકમાં એક્શન રિપ્લે, ઇન્ફોવર્લ્ડ, સાયન્સઝોન, ફેમિલિ એક્ટિવિટી, સ્માર્ટ સર્ફિંગ, બેઝિક ગાઇડ્સ, ક્વિક ક્લિક્સ જેવા વિવિધ વિભાગોમાં સમૃદ્ધ વાંચન પીરસે છે, સાથે મહેમાન લેખકો દ્વારા રસપ્રદ વાતો અને દરેક લેખમાં વિસ્તૃત માહિતી માટે લિંક્સ પણ ખરી ! જાન્યુઆરી 2012થી શરૂ થયેલું એક અનોખું સામયિક.

૧૪. સામયિકનું નામ – મમતા

તંત્રી – મધુ રાય
સામયિકનો પ્રકાર – માસિક
લવાજમ ની વિગતો – એક અંકની કિંમત – ૨૦/- રૂ., એક વર્ષ – ૨૦૦/- રૂ. અમેરીકામાં – ૩૦ ડોલર
સંપર્ક સૂત્ર –
સરનામું
ભારતમાં – નામ, સરનામા, ફોન નંબર અને ઈ-મેલ એડ્રેસ સાથે જરૂરી રકમનો ચેક “મમતા માસિક”, રીડર્સ પેરેડાઈઝ, ૬, ઉત્સવ રો હાઊસ, થલતેજ, અમદાવાદ ૩૮૦૦૫૨ પર મોકલવો.
અમેરીકામાં – નામ, સરનામા, ફોન નંબર અને ઈ-મેલ એડ્રેસ સાથે જરૂરી રકમનો ચેક “chicago art circle”, 1468 sandburg dr, schaumburg, illinois 60173 પર મોકલવો.
ઈ-મેલ – mamtamonthly@hotmail.com
સામયિકનું વિષયવસ્તુ અને પ્રકાર – બીજા સાહિત્યપ્રકારોની સરખામણીએ ગુજરાતી ભાષામાં વાર્તાનું સ્વરૂપ ગુણવત્તા અને ફાલની દ્રષ્ટિએ ઝંખવાઈ રહ્યું છે ત્યારે સશક્ત અને તેજસ્વી એવા નવા વાર્તાકારોની નવી શ્રેણીના ઉદગમ, સંવર્ધન અને પ્રતિષ્ઠા કરવાના એકમાત્ર ઉદ્દેશ સાથે વાર્તાકાર મધુ રાયના સંપાદન હેઠળ અને બીજા કેટલાક સમર્થ સાહિત્યકારોના સહયોગમાં ખાસ નવોદિતો માટેના નવા વાર્તામાસિક ‘મમતા’નો પ્રારંભ શ્રી પરેશ રાવલના હસ્તે ૧૭ નવેમ્બર ૨૦૧૧ના રોજ થયો. આ ઝુંબેશ અંતર્ગત વાર્તાક્ષેત્રે નવી પ્રતિભાઓને શોધીને બહાર લાવવા માટે ‘મમતા’એ કમર કસી છે. ગુજરાતી વાર્તાલેખન ક્ષેત્રે એક સુંદર અને પ્રશંશનીય પહેલ ‘મમતા’ સામયિક દ્વારા થઈ છે.

૧૫. સામયિકનું નામ – ઉદ્દેશ : (પ્રકાશન સ્થગિત થઈ રહ્યું છે.)

સ્થાપના – ઓગસ્ટ ૧૯૯૭
તંત્રી – પ્રબોધ ર. જોશી. આદ્યતંત્રી – રમણલાલ જોશી
સામયિકનો પ્રકાર – માસિક
લવાજમ ની વિગતો – છૂટક નકલની કિંમત – ૨૫/- રૂ., એક વર્ષ (ભારતમાં) – ૨૦૦/- રૂ. વિદેશમાં – ૨૫ ડોલર, પોસ્ટેજ અલગ. વધુમાં વધુ બે વર્ષનું લવાજમ સ્વીકારાય છે.
સંપર્ક સૂત્ર –
સરનામું
ઉદ્દેશ ફાઊન્ડેશન, C/o પ્રબોધ ર. જોશી, Serene, સેક્ટર બી-૨૭, સ્ટર્લિંગ સિટી, બોપલ, અમદાવાદ ૩૮૦ ૦૫૮
ઈ-મેલ – mail@uddesh.org
વેબસાઈટ – http://uddesh.org/
સામયિકનું વિષયવસ્તુ અને પ્રકાર – વીસમી સદીના છેલ્લા દાયકામાં શરૂ થયેલ આ માસિકમાં પરંપરાનું સૂત્ર તો છે જ, સાથે સંક્રાંતિકાળમાં સર્જાતા સાહિત્યનું પણ પ્રતિબિંબ ઝીલાયું છે. યુનિવર્સિટીના અધ્યાપનકાર્યમાંથી નિવૃત્ત થયા પછી ઑગસ્ટ ૧૯૯૭માં શ્રી રમણલાલ સોનીએ સાહિત્ય અને જીવનવિચારનું માસિક ઉદ્દેશ શરૂ કર્યું. ગુજરાતી સાહિત્યની વિવિધા જેમ કે વાર્તાઓ, વિવેચનો, કાવ્યો ગઝલ અને સર્વ પદ્ય, અનુવાદ, જીવનઉપયોગી અને ચિંતનાત્મક લેખો, સમીક્ષાઓ તથા વિવેચન વગેરે પીરસાય છે.

૧૬. સામયિકનું નામ – ગઝલવિશ્વ

સંપાદક – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
સામયિકનો પ્રકાર – ત્રિમાસિક
લવાજમ ની વિગતો – એક વર્ષનું લવાજમ (ભારતમાં) – ૪૦/- રૂ. વિદેશમાં – ૫૦૦/- રૂપિયા. લવાજમ ચેક દ્વારા સ્વીકારવામાં નહીં આવે. રોકડેથી અથવા મ.ઓ દ્વારા જ લવાજમ સ્વીકારવામાં આવશે. ડ્રાફ્ટ ગુજરાત સાહિત્ય અકાદમીના નામનો જ મોકલવા વિનંતિ.
સંપર્ક સૂત્ર –
સરનામું
ગુજરાત સાહિત્ય અકાદમી, અભિલેખાગાર ભવન, ગુલાબ ઉદ્યાન સામે, સેક્ટર ૧૭, ગાંધીનગર ૩૮૨ ૦૧૭
ફોન – ૦૭૯ ૨૩૨૫૬૭૯૭ / ૯૮
વેબસાઈટ – http://www.gujaratsahityaacademy.org/gajhalvishva.html
સામયિકનું વિષયવસ્તુ અને પ્રકાર – વલી ગુજરાતી કેન્દ્ર દ્વારા પ્રકાશિત આ ત્રૈમાસિક ના વર્ષમાં કુલ ચાર અંકો – માર્ચ, જૂન, સપ્ટેમ્બર તથા ડિસેમ્બર માસમાં પ્રગટ થશે. ગઝલ, ગઝલ આસ્વાદ, ગઝલ વિવેચન તથા મુલાકાતો વગેરે પ્રકારની સામગ્રી પીરસતા આ સામયિકનું ૨૦૧૨માં છઠ્ઠુ વર્ષ છે. ગુજરાતી ગઝલપ્રેમીઓ માટે તે એક સુંદર ઉપહાર છે.

૧૭. સામયિકનું નામ – ચંપક

સંપાદક અને પ્રકાશક – પરેશ નાથ સંસ્થાપક – વિશ્વનાથ
સામયિકનો પ્રકાર – પખવાડીક
લવાજમ ની વિગતો – છૂટક અંકનું ૨૦/- રૂ. એક વર્ષનું લવાજમ (ભારતમાં) – ૩૮૪ /- રૂ., બે વર્ષના બે વર્ષના ૭૨૦/- રૂ. અને ત્રણ વર્ષના ૧૦૦૮/- રૂ. લવાજમ ચેક/વી.પી.પી દ્વારા સ્વીકારવામાં નહીં આવે. મ.ઓ અથવા ડ્રાફ્ટ દ્વારા જ લવાજમ સ્વીકારવામાં આવશે. ડ્રાફ્ટ ‘ચંપક’ ના નામનો જ મોકલવો.
સંપર્ક સૂત્ર –
સરનામું
ઈ-3, ઝંડેવાલા એસ્ટેટ, નવી દિલ્હી, 110 055
તથા
દિલ્હી પ્રેસ, 50-3, નારાયણ ચેમ્બર્સ, આશ્રમ રોડ, અમદાવાદ.
ફોન
દિલ્હી – ૦૧૧ ૪૧૩૯૮૮૮૮
અમદાવાદ – ૦૭૯ ૨૬૫૭૭૮૪૫
સામયિકનું વિષયવસ્તુ અને પ્રકાર – બાળસાહિત્યને કેન્દ્રમાં રાખીને સરળ અને બાળકો માટેની મનોરંજક વાર્તાઓ, ચિત્રવાર્તાઓ, જોક્સ, શબ્દ કોયડા તથા એવી અન્ય બાળરમતો પ્રસ્તુત કરતું અને દર મહીને પહેલી તથા પંદરમી તારીખે એકથી વધુ ભાષામાં (અંગ્રેજી, ગુજરાતી, હિન્દી વગેરે) પ્રસ્તુત થતું આ સામયિક બાળકોમાં ઘણું લોકપ્રિય છે. 1917માં વિશ્વનાથ દ્વારા શરૂ કરાયેલ આ સામયિક એક લાંબી મજલ કાપીને આજે પણ લોકપ્રિયતાના શિખર પર છે.

૧૮. સામયિકનું નામ – સંઘર્ષ: ઈ-જર્નલ ઓફ દલિત લિટરરી સ્ટડીઝ

સંપાદક – ડૉ. પ્રમોદ કુમાર સ્થાપના – ૨૦૧૨
સામયિકનો પ્રકાર – ત્રિમાસિક
લવાજમ ની વિગતો – ૧૦૦૦ વાર્ષિક, ૫૦૦૦ – ૬ વર્ષ, ૧૦૦૦૦, ૧૫૦૦૦ ૨૦૦૦૦, ૨૫૦૦૦૦ સંસ્થા, વ્યક્તિગત શુભેચ્છક તેમજ આજીવન સભ્યો માટે.
સંપર્ક સૂત્ર – ડૉ. પ્રમોદ કુમાર
સરનામું
૧૯૧, સેક્ટર ૧૯ બી, ડી.ડી.એ મલ્ટીસ્ટોરી ફ્લેટ્સ, સંસ્કૃતિ એપાર્ટમેન્ટ્સ, દ્વારકા, નવી દિલ્હી ૧૧૦૦૭૫
ફોન
૦૯૪૦૮૧૧ ૧૦૦૩૦ – હરેશ પરમાર, ઉપ સંપાદક
ઈ-મેલ
editorsangharsh@gmail.com
વેબસાઈટ
http://www.dalitsahitya.com અને http://ejournal.co.in/sangharsh
સામયિકનું વિષયવસ્તુ અને પ્રકાર – મુખ્ય દલિત સાહિત્ય, આદિવાસી અને મહિલા અથવા સ્ત્રી પ્રધાન સાહિત્યના લોખો, શોધ લેખો, કવિતા, વાર્તા, નવલકથા અંશ, જીવની વગેરે સ્વરૂપો સ્વીકાર્ય છે.

૧૯. સામયિકનું નામ – નિસ્યંદન

સ્થાપના
સંપાદક / તંત્રી – શ્રી યોગેશભાઇ વૈદ્ય પરામર્શક – જનક દવે, સાહિલ, શશિકાંત ભટ્ટ ‘ શૈશવ’, જિતુ પુરોહિત
સામયિકનો પ્રકાર – દ્વિમાસિક
લવાજમ ની વિગતો – ઑનલાઈન નિ:સુલ્ક સામયિક, ડાઉનલોડ માટે તેમની વેબસાઈટ પરથી અંકો ઉપલબ્ધ છે.
સંપર્ક સૂત્ર –
સરનામું – યોગેશ વૈદ્ય, ‘હ્રદયકુંજ’, યોગેશ્વર સોસાયટી, 60 ફૂટ રોડ, વેરાવળ, ૩૬૨૨૬૫
ફોન – –
વેબસાઈટ/ડાઉનલોડ પાનું – http://yogish.co.in
ઈ-મેલ – mryogi62@gmail.com
સામયિકનું વિષયવસ્તુ અને પ્રકાર –

૨૪ વર્ષ પછી ફરી શરૂ થયેલું, રુચિઘડતરને વરેલું ગુજરાતી કવિતાનું ઈ-સામયિક અન્ય ભાષાઓની કાવ્યરચનાઓ તથા સાહિત્યસર્જનના અન્ય પ્રકારોને પણ સ્પર્શવા ધારે છે. નાવિન્યસભર અપ્રગટ રચનાઓ પ્રસ્તુત કરીને અનેક વર્ષોથી વાંચકોને માટે નિયમિતપણે નિસ્યંદન ઉચ્ચસ્તરનું વાંચન પીરસે છે.

૨૦. સામયિકનું નામ – અસ્તિત્વદર્શન

સંપાદક, તંત્રી – શ્રી વિશ્વામિત્ર દ્રુપદ,
સામયિકનો પ્રકાર – માસિક
લવાજમ ની વિગતો – રૂ. ૨૨૦/- વાર્ષિક, ચેક Kardamacharya Foundation ના નામથી મોકલવાનો રહેશે.
સંપર્ક સૂત્ર – 
સરનામું – કર્દમાચાર્ય ફાઉન્ડેશન
C/o વિશ્વામિત્ર ધ્રુપદ
જી/૧૦, સુરેખા પાર્ક,
સ્નેહ પ્લાઝા પાસે,
આઈ.ઓ.સી રોડ,
ચાંદખેડા, અમદાવાદ ૩૮૨ ૪૨૪
ફોન – ૯૯૨૪૯ ૧૯૮૬૦
ઈ-મેલ – astitvadarshan@gmail.com
સામયિકનું વિષયવસ્તુ અને પ્રકાર –
‘અસ્તિત્વદર્શન’ ટૂંક સમયમાં શરૂ થનારું નવું અને અન્ય સામયિકોથી વિષયવસ્તુની રીતે થોડુંક ‘અલગ’ સામયિક બનવા ધારે છે. કદર્માચાર્ય ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત થનારું આ સામયિક નો વિષય શું છે? પરિચય અંકના સંપાદકીયમાં કહ્યું છે તેમ, ‘જે મનુષ્યનો મૂળ રસનો વિષય છે એ જ અસ્તિત્વદર્શનનો વિષય પણ છે. જેને મન છે તે મનુષ્ય છે, માટે મનનું વિશ્લેષણ અને સંશ્લેષણ, મનની ભીતરમાં તપાસ અને શોધ, સાથે જ મનનું સૌંદર્ય, તેની ગરિમા, તેની નબળાઈઓ અને ક્ષમતાઓ તથા કલ્પનાઓ અને હકીકતોને જ અહીં મૂળભૂત રુચિનો વિષય હશે.

૨૧. સામયિકનું નામ – સન્ધિ

સંપાદક – શ્રી બાબુ સુથાર અને શ્રી ઈન્દ્ર શાહ
સામયિકનો પ્રકાર – ત્રિમાસિક
લવાજમ ની વિગતો – રૂ. ૨૫૦/- વાર્ષિક, ભારતમાઁ મોકલવા માટે લવાજમની રકમ કેવળ ડિમાંડ ડ્રાફ્ટ કે મનિઓર્ડર દ્વારા ગૌતમ શાહ, 25, માણેકબાગ સોસાયટી, નહેરુનગર, આંબાવાડી, અમદાવાદ ૩૮૦૦૧૫ ને મોકલવા. અમેરિકામાં $20 મોકલવા માટે ચેક US Bharat Foundation Inc ના નામનો લખી Indra Shah, 577, St. Lawrence Blvd Eastlake, OH 44095 USA ના સરનામે મોકલવો.
સંપર્ક સૂત્ર –  ઈન્દ્ર શાહ
સરનામું –
Babu Suthar
2224, Freindship St. Philadelphia, PA 1949 USA
ફોન – ૪૪-૦૯૪૬-૩૯૪૬
ઈ-મેલ – indrashah577@gmail.com / basuthar@gmail.com
સામયિકનું વિષયવસ્તુ અને પ્રકાર –
‘સન્ધિ’ ‘બે પેઢીને, બે ભૂમિને, બે ભાષાઓને અને અનેક સંસ્કૃતિઓને જોડવા ઈચ્છતું સામયિક છે. US Bharat Foundation Inc ના ઉપક્રમે પ્રગટ થતું આ સામયિક ગુજરાત બહાર વસતી ગુજરાતી પ્રજાની બીજી પેઢીને ધ્યાનમાં રાખીને ગુજરાતી કૃતિઓના અંગ્રેજી અનુવાદો પણ પ્રગટ કરે છે, ઉપરાંત ગુજરાતી ભાષા કે સંસ્કૃતિ પર અંગ્રેજીમાં લખાયેલા લેખો, ગુજરાતી સર્જકો અને અભ્યાસુઓના અંગ્રેજીમાં લખાયેલા લખાણો પણ પ્રગટ કરે છે. સન્ધિ સર્જનાત્મક અને વિવેચનાત્મક લખાણોને આવકારે છે.

૨૨. સામયિકનું નામ – આનંદ ઉપવન

મેનેજીંગ તંત્રી – શ્રી ધીરુ પારેખ
સામયિકનો પ્રકાર – માસિક
લવાજમ ની વિગતો – રૂ. ૩૦૦/- વાર્ષિક ભારતમાં, વિદેશમાં (એર મેઈલથી) રૂ. ૧૫૦૦/- મોકલવા માટે લવાજમની રકમ ચેક, ડ્રાફ્ટ કે મનિઓર્ડર દ્વારા ‘આનંદ પબ્લિકેશન’ ના નામે આપેલા સરનામે મોકલવી. ઉપરાંત લવાજમ મનીટ્રાન્સફરથી કોઈ પણ બેંકમાંથી તેમની સ્ટેટ બેંક ઑફ ઈંડિયાની શાખામાં ભરી શકાશે – આનંદ પબ્લિકેશન, ખાતા નં ૩૩૩૭૯૦૬૨૫૧૦ (એમ્પાયર હાઉસ, ફોર્ટ શાખા) રકમ જમા કરાવી રસીદની નકલ સાથે પૂરું નામ સરનામું લખી આપેલા સરનામે મોકલવા.
સંપર્ક સૂત્ર –  આનંદ પબ્લિકેશન
સરનામું –
આનંદ પબ્લિકેશન
૧૪, ગોકુલ કલ્યાણ બિલ્ડીંગ, ૧લે માળે,
૧૧/૧૩, એમ કે અમીન માર્ગ, ફોર્ટ, મુંબઈ-૧
ફોન – ૦૨૨-૨૨૭૦ ૩૫૬૭, ૨૨૭૦ ૩૫૩૦
ઈ-મેલ – anandupvan@gmail.com
સામયિકનું વિષયવસ્તુ અને પ્રકાર –
‘સેક્સ, ક્રાઈમ અને પોલિટિક્સથી મુક્ત માસિક’ આનંદ ઉપવન લગભગ ડિસેમ્બર ૨૦૧૩માં શરૂ થયું. સમાજ, સાહિત્ય અને સંસ્ક્ર્તિ પ્રત્યે પ્રતિબદ્ધ રહેવાની અપેક્ષા સાથેનું આ માસિક પ્રથમદર્શી રીતે આકર્ષક અને વાંચનપ્રેરક છે. અહીં હાસ્ય વ્યંગ્ય, ચિંતન, માહિતી મંજુષા, નવલિકા, લઘુકથા, રૂપેરી પડદો તથા દુનિયા આજકાલ અને ગ્રાહક સુરક્ષા જેવા વિભાગોમાં સિદ્ધહસ્ત લેખકો દ્વારા વાંચન માટે સામગ્રી ઉપલબ્ધ કરાવાય છે.

૨૩. સામયિકનું નામ – પરિવેશ

તંત્રી, મુદ્રક, પ્રકાશક અને માલિક – શ્રી શીતલ એસ. ચૌહાણ
સંપાદકો – શ્રી વિનુ બામણીયા, ડૉ. રાજેશ વણકર અને ડૉ. સતીશ પ્રિયદર્શી
સામયિકનો પ્રકાર – ત્રિમાસિક
લવાજમ ની વિગતો – રૂ. ૫૦૦/- વાર્ષિક, રૂ. ૮૦૦ દ્વિવાર્ષિક, રૂ. ૧૭૦૦ પંચવાર્ષિક અને રૂ. ૩૫૦૦ આજીવન સભ્યપદ વ્યક્તિગત અને રૂ. ૪૫૦૦ આજીવન સભ્યપદ સંસ્થાઓ માટે. વ્યક્તિગત અને સંસ્થાઓ માટે શુભેચ્છા સભ્યપદ રૂ. ૫૦૦૦/- ભારતમાં, વિદેશમાં એરમેલથી $ ૫૦. લવાજમ રોકડેથી પણ આપી શકાશે અને મનીઓર્ડર, ચેક કે ડ્રાફ્ટથી પણ મોકલી શકાશે. ચેક કે ડ્રાફ્ટ ‘વિનુ બામણીયા’ ના નામે આપેલા સરનામે મોકલવો. મનીઓર્ડર દ્વારા રકમ મોકલનારે પોતાનું પૂરૂ સરનામું, પીનકોડ સહિત લખીને પહોંચ સાથે અલગથી મોકલવું. લવાજમ ગમે ત્યારે ભરી શકાય પણ વર્ષના ચાર અંકોનો ક્રમ જે તે વર્ષના પહેલા અંકથી ગણાશે.
સંપર્ક સૂત્ર –  શીતલ એસ ચૌહાણ
સરનામું –
C/o વિનુ બામણીયા,
એ – ૪, ગુજરાત હાઉસીંગ બોર્ડ,
આર. ટી. ઓ રોડ, ફૉરેસ્ટ ઑફીસ પાસે,
ગોધરા (ગુજરાત) ૩૮૯૦૦૧
ફોન –
ઈ-મેલ – 2012.parivesh@gmail.com
સામયિકનું વિષયવસ્તુ અને પ્રકાર –
‘કલા-સાહિત્ય, શિક્ષણ અને સમાજનું સામયિક’ પરિવેશ ૨૦૧૨ ના છેલ્લા મહીનાઓમાં શરૂ થયું. વાર્તા, કવિતા, કૃતિચર્ચા, અભ્યાસલેખ, કલામીમાંસા, સિનેમા અને સાંપ્રત બનાવોને તે આવરી લેતું આ સામયિક વૈવિધ્યપૂર્ણ સાહિત્ય આપે છે. પ્રથમદર્શી રીતે તે આકર્ષક અને વાંચનપ્રેરક છે. નીતિન રાઠોડ, કમલેશ રબારી, જિજ્ઞેશ ઠક્કર, કૌશિક પટેલ અને કનુ પરમાર વ્યવસ્થાપન સમિતિના સભ્યો છે. સામયિકનું છાપકામ સુંદર અને લે-આઉટ સરસ છે.
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

અહીં પ્રસ્તુત માહિતી ચોક્કસ હોય એવા બધા પ્રયત્નો અક્ષરનાદ કરે છે, છતાં લવાજમ ભરતાં પહેલા વાચકે જે તે સામયિકના સંપર્કસૂત્ર મારફત જરૂરી વિગતોની ખાત્રી કરી લેવી આવશ્યક છે. આ અંગેની કોઈ પણ શરતચૂક બદલ અક્ષરનાદ જવાબદાર રહેશે નહીં તેની નોંધ લેશો.

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

આ પાનું અત્યારે અને સદાય સક્રિય વિસ્તરણ હેઠળ જ છે, નવા સામયિકો હજુ અહીં ઉમેરવામાં આવી રહ્યા છે. આપની પાસે આ સિવાયના સામયિકની વિગતો હોય તો અહીં ઉમેરવા માટે આપ મોકલી શકો છો. વિગતો ઉમેરવા માટે અમને ઈ-મેલ કરવાના વિકલ્પ સિવાય આપ નીચે આપેલું ફોર્મ પણ ભરી શક્શો જે આપના માટે સુવિધાજનક રહેશે. આશા છે આપને આ પ્રયત્ન ગમશે.

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *


આપનો પ્રતિભાવ આપો....

67 thoughts on “આપણા સામયિકો