છઠ્ઠી અક્ષરનાદ માઇક્રોફિક્શન સ્પર્ધા (૨૦૨૪)


૨૦૧૯માં માઇક્રોફિક્શન સ્પર્ધા થઈ તે પછી ગંગાજીમાં ઘણું પાણી વહી ગયું. કોરોનાકાળમાં આ સ્પર્ધા થઈ શકી નહીં. એ પછી પણ મારી અંગત લેખનયાત્રાને લીધે અહીં ખૂબ ઓછી પ્રવૃત્તિ રહી. હવે ચાર વર્ષના અંતરાલ પછી, પ્રસ્તુત છે અક્ષરનાદની ખૂબ જાણીતી, આગવી અને અદ્વિતિય માઇક્રોફિક્શન સ્પર્ધા છઠ્ઠી વખત. ૨૦૧૫થી શરૂ થયેલી આ સ્પર્ધાને સતત બહોળો પ્રતિસાદ મળતો રહ્યો છે, અનેક નવોદિત સર્જકોને અહીં મંચ અને પુરસ્કાર મળ્યા છે, એ નવોદિત માંથી સિદ્ધહસ્ત સર્જક બનવાની યાત્રા કરી શક્યા છે. અનેક મિત્રોની કલમને એક આગવો અવસર આ સ્પર્ધા દ્વારા મળી રહ્યો છે. એટલે જ અમે ફરી આ સ્પર્ધા સાથે હાજર છીએ.

આ વર્ષે સ્પર્ધામાં ઓછામા ઓછી ત્રણ માઇક્રોફિક્શનને બદલે ફક્ત એક માઇક્રોફિક્શનનો નિયમ કર્યો છે. ઈ-મેલ કે કૂરિયરને બદલે ફોર્મ દ્વારા અહીં જ સબમિટ કરી શકાય એવી વ્યવસ્થા પણ થઈ છે. નિર્ણાયકોની જાહેરાત પણ ટૂંક સમયમાં કરીશું. આશા છે ‘સર્જન’ ગ્રુપના સર્જન અને અનેક સર્જકોને અંતરંગ મિત્રો બનવા માટે નિમિત્ત એવી આ સ્પર્ધાને આ વખતે પણ મિત્રોનો અપાર સ્નેહ મળી રહેશે..

તો ઉઠાવો કલમ અને તમારી કલ્પનાને પાંખો આપો..

જય સર્જન..

અક્ષરનાદ માઇક્રોફિક્શન સ્પર્ધા (૨૦૨૪) – નિયમો

1. સ્પર્ધામાં જોડાવવા માટે કોઈ પણ પ્રકારની ફી કે નોંધણીની જરૂર નથી.

2. માઇક્રોફિક્શન ફક્ત આ સાથે નીચે મૂકેલા ફોર્મમાં જ સબમિટ કરવી. વાર્તા યુનિકોડ (શ્રુતિ વગેરે) ફોન્ટમાંં જ મૂકવી. વાર્તામાં કે તેની સાથે સ્પર્ધકની કોઇ પણ ઓળખ મૂકવી નહીં, ફોર્મમાં આપેલી જગ્યાએ સ્પર્ધકનું નામ, સરનામું, ફોન-નંબર અને ઇ-મેલ સરનામું લખવા જરૂરી છે. આ માહિતીના અભાવમાં વાર્તા સબમિટ થશે નહીં, ખોટી માહિતી હશે તો વાર્તા સ્વીકાર્ય ગણાશે નહીં.

3. હસ્તલિખિત માઇક્રોફિક્શન સ્વીકાર્ય ગણાશે નહિ. માઇક્રોફિક્શન ઈ-મેઈલ કે કૂરિયર / પોસ્ટ કે વ્હોટ્સએપ દ્વારા મોકલવી નહીં. એકની એક માઇક્રોફિક્શન બે વખત સબમિટ થયેલી હશે તો પહેલીવારની કૃતિ જ સબમીશનમાં ગણાશે.

4. વાર્તા મૌલિક, અપ્રગટ અને સ્વરૂપને બંધબેસે એવી હોવી જોઈએ. આ માઇક્રોફિક્શન સ્વરૂપની સ્પર્ધા છે એટલે અહીં લઘુકથાઓ સ્વીકાર્ય નથી. માઇક્રોફિક્શન અને લઘુકથા વચ્ચેની વિશદ સરખામણી સર્જન સામયિકના અંકમાં આપી છે. (જુઓ http://microsarjan.in પર મૂકેલા સર્જન સામયિકના અંકમાં આ વિશેની વધુ સ્પષ્ટતા) સૂચવ્યા મુજબની મર્યાદાઓની બહાર જતી વાર્તાઓને સ્વીકારી શકાશે નહીં. વાર્તાની મૌલિકતાની જવાબદારી સંપૂર્ણપણે લેખકની રહેશે.

5. સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતા મિત્રોએ નક્કી કરેલી સમય મર્યાદામાં પોતાની કૃતિ સબમિટ કરવાની રહે છે. છેલ્લી તારીખ બાદ સબમિશન સ્વીકારી શકાશે નહીં / સ્વીકાર્ય ગણાશે નહીં.

6. સ્પર્ધામાં મોકલેલી વાર્તાઓ અન્યત્ર મોકલી શકાશે નહીં. સ્પર્ધામાં વિજેતા થયેલી વાર્તાઓને પ્રકાશિત કરવાનો પહેલો હક અક્ષરનાદનો રહેશે. કોઈ એક ક્રમાંક માટે જો એકથી વધુ કૃતિ વિજેતા જાહેર થશે તો દરેક સ્પર્ધકને ઈનામ સરખે ભાગે વહેંચી આપવામાં આવશે.

7. સ્પર્ધાના પરિણામ માટે નિર્ણાયકોનો નિર્ણય આખરી ગણાશે અને તે સર્વ સ્પર્ધકોને બંધનકર્તા રહેશે. આ માટે સંપાદક કે અન્ય કોઈ જવાબદાર રહેશે નહીં.

8. માઇક્રોફિક્શન મહત્તમ ૨૫૦ શબ્દો સુધીની મર્યાદા ધરાવતી હોવી જોઈએ.

9. ઓછામા ઓછી એક માઇક્રોફિક્શન મોકલવાની રહેશે. એથી વધુ માઇક્રોફિક્શન કે એકથી વધુ એન્ટ્રી ગણતરીમાં લેવાશે પણ એ માટે ફોર્મ ફરી ભરવું જોઈશે, વળી સ્પર્ધામાં તેને ગણવા અને તેની સ્વીકાર્યતા અંગેનો સઘળો હક્ક અક્ષરનાદનો / નિર્ણાયકોનો રહેશે. સ્પર્ધા અંગેનો બધી બાબતો અને નિર્ણય અક્ષરનાદના અને નિર્ણાયકોના અધિકારમાં જ રહેશે અને એ સર્વે સ્પર્ધકોને બંધનકર્તા હશે.

10. સ્પર્ધા માટે કૃતિઓ ધ્યાનમાં લેતી વખતે તેના વાર્તાકથનની પદ્ધતિ, શબ્દોનો ઉપયોગ, વાર્તાનું પોત અને તેની અસરકારકતા, પ્રસંગ – ઘટનાની નિરુપણ પદ્ધતિ, વાર્તાબોધ અને અંતે ચમત્કૃતિ જેવી બાબતો ધ્યાનમાં લેવાશે. પણ એ બંધનકર્તા નથી. સ્પર્ધામાં અંતે તો રચનાની સમગ્રતયા અસરકારકતા અને સર્જનની વિશેષતા જ સૌથી વધુ અગત્યનો ભાગ ભજવે છે.

11. ઓછામાં ઓછા શબ્દો સાથે વધુ કહી શકવાની ક્ષમતા, એકથી વધુ વૈકલ્પિક અંતની શક્યતાઓ અને વાર્તા પૂર્ણ થયે વાચકના માનસમાં એક કે એથી વધુ નવા ઘટનાપ્રવાહનો જન્મ માઇક્રોફિક્શનની કેટલીક ખાસીયતો છે.

12. સ્પર્ધામાં બધા જ જોડાઈ શકે છે.

સંપર્કસૂત્ર

આ અંગેની કોઈ પણ સ્પષ્ટતા કે પૂછપરછ ૯૯૭૪૪ ૧૦૮૬૮ પર કરી શકાશે.

વાર્તાઓ સબમિટ કરવાની અંતિમ તારીખ છે ૧૦ માર્ચ ૨૦૨૪,
પરિણામ પ્રસિદ્ધ થશે તા. ૧૫ એપ્રિલ ૨૦૨૪

નિર્ણાયકોની જાહેરાત અહીં જ ટૂંક સમયમાં કરીશું.

પુરસ્કાર

વિજેતાઓને પુરસ્કાર
પ્રથમ સ્થાન – ૧૦૦૧/-
દ્વિતિય સ્થાન – ૫૦૧/-
તૃતિય સ્થાન – ૨૫૧/-
આશ્વાસન ઈનામ – ૨૦૧/-

વિજેતાઓના ઈનામો માટે ભેટ આપવા માંગતા કે વિશેષ ઈનામ આપવા માંગતા મિત્રોનું પણ સ્વાગત છે. તેમને વિનંતિ કે તેઓ adhyaru19@gmail.com પર ઈ-મેલ દ્વારા સંપર્ક કરે.

ઈનામની રકમ ઓનલાઈન યુપીઆઈ ટ્રાન્સફર દ્વારા ભારતીય બેંક ખાતામાં આપી શકીશું. ગત સ્પર્ધામાં ભારતમાં રહેતા વિજેતાઓને ઈનામની રકમ સમયસર મોકલી શક્યા હતા. આશા છે આપનો ઉત્સાહ આ સ્પર્ધાને દર વખતની જેમ એક નવી ઉંચાઈએ લઈ જશે અને આખરે એ માઈક્રોફિક્શનના સ્વરૂપને ઉપયોગી બની રહેશે.

Gujarati Micro fiction માઇક્રોફિક્શન સર્જન

સ્પર્ધા માટે તમારી માઇક્રોફિક્શન નીચે આપેલા ફોર્મમાં જ સબમિટ કરવી.

આપનો પ્રતિભાવ આપો....