સોળ વર્ષની ઉંમરનો મુગ્ઘ પ્રેમ – પ્રતિભા કોટેચા 7


મનુષ્યના જીવનમાં જન્મથી મૃત્યુપયંત ક્રમશ: પાંચ અવસ્થા આવતી હોય છે: બાલ્યાવ્સ્થા, કિશોરાવસ્થા, યુવાવસ્થા, પ્રોઢાવસ્થા, વૃદ્ઘાવસ્થા. આ ભિન્ન ભિન્ન અવસ્થાઓમાં માણસનું મન અને તેના હ્રદયની લાગણીઓ, ભાવો બદલાતાં રહે છે. કિશોરાવસ્થાનું બીજું નામ મુગ્ઘાવસ્થા. આ મુગ્ઘાવસ્થાના સમયમાં બંઘનયુક્ત સ્કૂલમાંથી વિદાય અને કૉલેજના મુક્ત વાતાવરણમાં પ્રવેશતા, જે વખતે કિશોરો અને કિશોરીઓને જીવનની વાસ્તવિકતાનો કશો ખ્યાલ હોતો નથી, બુદ્ઘિની દ્રષ્ટિએ પરિપક્વ હોતાં નથી, એકબીજા પ્રત્યે માત્ર મુગ્ઘભાવથી આકર્ષાઇ જાય છે.

સોળ વર્ષની ઉંમરે “ Love at first site” એ ન્યાયે પ્રથમ નજરે પ્રેમ થઇ જાય છે. (અલબત, એ માત્ર આકર્ષણ જ હોય છે એ પાછળથી સમજાય છે.) એ પ્રેમ નાતજાત કે સ્થળ-સમય કે ઉંમરને જોતો નથી. જયપુરનાં મહારાણી ગાયત્રીદેવી બાર વર્ષનાં હતાં અને જયપુરના મહારાજ વીસ વર્ષના હતા ત્યારે પહેલીવાર મળ્યાં અને પ્રેમ થઇ ગયો. ‘ટાઇમ્સ ઑફ ઇંડિયા’ ના કાર્ટુનિસ્ટ આર. કે. લક્ષ્મણના મોટા ભાઇ આર. કે. નારાયણ નવલક્થાકાર, એમણે એક યુવતીને નળ ઉપર પાણી ભરતી જોઇ અને પ્રેમમાં પડી ગયાં. નિર્દોષ પ્રેમમાં માણસ સહેલાઇથી પડી જાય છે. જોકે આ વાતમાં કાંઇ નવાઇ રહી નથી. પ્રથમ નજરથી થયેલા પ્રેમનો વિકાસ થતો રહે છે. પિક્ચરોમાં, ગાર્ડનમાં, હોટેલોમાં, ક્યારેક કૉલેજ જતી વખતે બસમાં…કવિ મનોજ જોશીની ‘ગુડ લક અને બેડ લક’ એક કવિતાના પ્રેમી યુગલની કૉલેજના સમય દરમ્યાનની કથા અને એ કથાની વ્યથા આ રહી…

તને યાદ છે, વાસુ?
આપણે એક જ બસમાં
એક જ સીટ પર બેસીને
અપડાઉન કરતાં ત્યારે
લેડીઝ- ફર્સ્ટના ઘોરણે
તને જગ્યા મળી જતી
ને મારી પણ તું જગ્યા રાખતી
ત્યારે કંડકટર ઘડીભર
ઘંટડી વગાડવાનું ભૂલી જતો
બારી પાસે બેઠેલી તને
હું
રોજ મારી નવી કવિતા સંભળાવતો
ક્યારેક રાવજી પટેલનું
‘મારી આંખે ….’
કે પછી
હરીન્દ્ર દવેનું ‘માઘવ ક્યાંય નથી’
ત્યાંજ
આપણી કૉલેજનું
સ્ટોપ આવતાં આપણે
ઉતરી જતાં
એ બઘું…
તને યાદ છે?
વાસુ!
ને એક દિવસ એ બસને
ગંભીર અકસ્માત…….

આ પ્રેમી પાત્રો થોડાં ઘીરગંભીર, ઠરેલ, સમજુ પ્રકૃતિનાં હોય છે, તેથી કૉલેજ જવાને સમયે સાહિત્યની ચર્ચા કરતાં- કરતાં બસમાં અન્યોન્ય ‘હદયથી’ નજીક આવે છે. બસમાં પ્રેમના સંબંઘનો વિકાસ થતો રહે છે. નાયક- નાયિકાને એકબીજા પ્રત્યે આકર્ષણ તો છે જ – સાથે સાથે અરસપરસનાં રસ – રુચિ પણ સરખાં છે. સાહિત્યનાં બન્ને શોખીન છે તેમજ સાહિત્યની ઊંડાણપૂર્વકની સમજણ ઘરાવે છે. તેથી જ તો ‘માઘવ ક્યાંય નથી’ કે ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ જેવી ચિંતનશીલ કૃતિઓની ચર્ચા – વિચારણા કરી શકે છે. વળી કાવ્યનો નાયક પોતે કવિ છે, તેથી વારંવાર પોતાની કવિતા પણ સંભળાવે છે. એ સમજવાની સામે પક્ષે શક્તિ અને ક્ષમતા બન્ને છે. સાહિત્યમાં ઊંડો રસ ઘરાવતાં હોવાને લીઘે ચર્ચા કરતાં – કરતાં બંન્નેને સમાઘિ લાગી જાય છે. ઘણી વખત કૉલેજનું સ્ટોપ આવી જાય તો પણ બંન્ને ઘેનમાં હોય – પ્રેમના, ચર્ચાના, વિચારોના.

બંન્ને પક્ષે સાહિત્યમાં કે કોઇ પણ વિષયમાં રસ – રુચિ સરખાં હોય તો આનંદની ઉપલબ્ઘિ થાય છે. એક વ્યક્તિને એક વિષયમાં રસ હોય અને બીજીને ન હોય તો પણ માણસ જિંદગીમાંથી થોડા સમય માટે પણ ઉતરાડાઇ જાય છે. લંડનમાં એક સાચી પ્રેમકથા ઉપરથી નાટક ભજવાતું હતું. તેની કથા નિરાળી છે. 125-130 વર્ષ પહેલાંના પ્રિંસ રૂડોલ્ફની આ વાત છે. ઓસ્ટ્રેલિયાના આ પ્રિંસને સાહિત્ય અને કવિતાનો ભારે શોખ હતો. પણ તેના પિતાએ રૂડોલ્ફને પૂછ્યા વગર જર્મનીની એક ભેજાગેપ પ્રિંસેસ સાથે તેને પરણાવી દીઘો. પ્રિંસેસને કવિતા શબ્દ ગમતો જ નહિ. રૂડોલ્ફનું જીવન કડવું – ઝેર થઇ ગયું. પ્રિંસ લેખકો અને કલાકારોને નાણાંની મદદ કરતો. એ લોકો ગમગીની દૂર કરવાં દારૂ પીતા. પોતાના જીવનમાં ગમગીની છવાઇ ગઇ, એટલે રૂડોલ્ફ પોતે જ દારૂ પીવા લાગ્યો.

બસનો સમય કૉલેજનું સ્ટોપ આવતાં પૂરો થાય છે. વાતો કરતાં – ચર્ચા કરતાં સમય ક્યાં ગયો તેની ખબર પણ ન પડી અને કૉલેજ આવી ગઇ. ‘હજુ કૉલેજ દૂર હોય તો?’ મનમાં તો એવી લાગણી થાય….. પરંતુ સ્થળ, સમય, ભાવિ બઘું જ કુદરતે નક્કી કરેલું જ હોય છે. અન્યોન્ય કૂણી લાગણી રાખતાં, મૈત્રીસંબંઘ ઘરાવતાં, સહવાસે સહેલતાં કૉલેજજીવનનો મોંઘામૂલો સોનેરી સમય ‘આંખ બંઘ કરી અને ઉઘાડી’ એટલી ઝડપે પસાર થઇ ગયો. બન્ને સ્તબ્ઘ થઇ ગયાં.

પ્રેમ અદભૂત છે. ફ્રોઇડ જેવા માનસશાસ્ત્રીએ કહ્યું છે કે – “આ જીવનમાં લોકોને જીવવા માટે બે પ્રકારનાં રસાયણો જરૂરી છે: એક પ્રેમ અને બીજી પ્રવૃતિ .” આ બે રસાયણો વગર માણસ જીવી ન શકે. પરંતુ જીવનમાં સ્વપ્નો સાકાર થતાં નથી, મનોરથો પરિપૂર્ણ થતા નથી. અકસ્માતોની પરંપરા સર્જાય છે. કાવ્યમાં સ્થૂળ રીતે બસના અકસ્માતની વાત કરી છે. બસનો અકસ્માત થયો હોય તો ડૉક્ટરની સારવાર હેઠળ હૉસ્પિટલમાં જઇને સારા થવાની શક્યતા રહે.

પરંતુ અહીં નાયક – નાયિકાના પ્રેમમાં કોઇ અકસ્માત થયો છે તેની વાત કહી છે. ગર્ભિત રીતે નાતજાતનાં બંઘનો કે માબાપની જોહુકમી કે આર્થિક અસમાનતા કે સામાજીક દરજ્જો કે વ્યક્તિગત બેવફાઇ કે પછી નસીબ કે સંજોગો ને લીઘે બંન્ને છુટ્ટાં પડે છે, ના છૂટકે. બંન્નેનાં બસમાં ગુડલક હતાં, પણ જીવનમાં બેડલક નીવડ્યાં. મુગ્ઘાઅવસ્થાની પ્રણય – નિષ્ફળતાથી થોડી વાર માટે આપણાં દીલમાં ગમગીની છવાઇ જાય છે.

મોટાં ભાગનાં પ્રણયીઓના કવિ જગદીશ જોશીની નાયિકા જેવી જ મનોવેદના જીરવવાની શું લખી હશે? –

ખટમીઠાં સપનાંઓ ભૂરાં – ભૂરાં
કુંવારાં સોળ વરસ તૂરાં – તૂરાં
અમે ઘુમ્મસના દરિયામાં એવાં ડૂબ્યાં
કે હોડી – ખડક થઇ અમને નડ્યાં.
કૂવો ભરીને અમે એટલું રડ્યાં
કે ખોબો ભરીને અમે મોહી પડ્યાં.
ખોબો ભરીને એટલું હસ્યાં કે
કે કૂવો ભરીને અમે રોઇ પડ્યાં

– શ્રી પ્રતિભા કોટેચા

(પ્રસ્તુત લેખ શ્રી પ્રતિભા કોટેચાના પુસ્તક “પ્રેમ નામનો પ્રદેશ” માંથી સાભાર લેવામાં આવ્યો છે. આ સુંદર પ્રેમ વિષયક પુસ્તકના પ્રકાશક છે પ્રવીણ પ્રકાશન, લાભ ચેમ્બર્સ, ઢેબર રોડ, રાજકોટ. પુસ્તક પૃષ્ઠ સંખ્યા 176, મૂલ્ય 150/- રૂ.)


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “સોળ વર્ષની ઉંમરનો મુગ્ઘ પ્રેમ – પ્રતિભા કોટેચા