ચાલો ગઝલ શીખીએ (ભાગ ૧) – તરૂણ મહેતા (ગઝલની પૃષ્ઠભૂમી) 14
અક્ષરનાદ પર ગઝલ કેમ રચાય, તેની વિગતવાર સમજ આપતા લેખો મૂકવાની ઈચ્છા લાંબા સમયથી હતી. દરેકે દરેક વિગતનો ઝીણવટથી અભ્યાસ કરવા મળે, લઘુ ગુરૂ અક્ષરોની સમજ અને વિવિધ નિયમો તથા અપવાદોથી શરૂ કરીને ગઝલના વિવિધ અંગો જેમ કે રદીફ, કાફિયા, મત્લા, મક્તા, વિવિધ છંદો અને તેમનું ગણવિભાજન, છંદોના નિરૂપણની વિગતવાર સમજ, ગઝલમાં આવતા દોષો વગેરે વિશે વિગતવાર લખી શકાય અને તેની સાથે સાથે સર્જનના વિવિધ તબક્કાઓનું ઉદાહરણો દ્વારા નિદર્શન કરી સમજ મેળવી શકાય તેવો હેતુ ધ્યાનમાં રાખીને આ લેખમાળા શરૂ કરી રહ્યાં છીએ. ગઝલરચનાનાં વિવિધ વિષયો પરત્વે જાણકાર અને અધિકારી વ્યક્તિઓ દ્વારા માર્ગદર્શન મળે તો સોનામાં સુગંધ ભળે. આ વિષય પરત્વે પ્રાથમિક ચર્ચા કરતા ઘણાં આદરણીય પ્રસ્થાપિત ગઝલકારોએ પ્રોત્સાહન આપ્યું અને માર્ગદર્શન આપવાની સંમતિ આપી તેના લીધે જ આ લેખમાળા શરૂ કરી શકાઈ છે.