માલિનીબહેન ઘસઘસાટ ઉંઘતાં હતાં. અચાનક એમને એવું લાગ્યું કે મેઘગર્જના થાય છે. અડધી ઊંઘતી અડધી જાગતી અવસ્થામાં એમણે સાંભળ્યું હતું. ઘરરર ઘુઉમ્મ, ઘરરર ઘુઉમ્મ. આ શું? ઉતરતા શિયાળાની મધરાતે આવી મેઘગર્જના? માવઠું થવાનું છે કે શું? માલિનીબહેનના મનમાં સવાલ ઉઠ્યો અને મનમાંથી જ જવાબ આવ્યો, ‘ના પણ હવા તો એવી નથી લગતી. વરસાદના આગમન પહેલાં હોય એવી ઠંડી, ભીની.’ મનમાં ફરીથી સવાલ ઉઠ્યો, ‘તો પછી?’ ત્યાર સુધીમાં માલિનીબહેનનું ઊંઘવા-જાગવાનુ ફિફ્ટી-ફિફ્ટીમાંથી એઇટી-ટ્વેન્ટી થઈ ગયું હતું. એટલે કે એઇટી પર્સન્ટ જગવાનુ અને ટ્વેન્ટી પરસેન્ટ ઊંઘવાનું. હવે માલિનીબહેનને ખાતરી થઈ ગઈ કે આ જે અવાજ આવે છે તે મેઘગર્જના તો નથી જ. હજી ય મેઘગર્જના ચાલુ હતી. રહી રહીને થતી હતી. હવે એ મેઘગર્જનાએ માલિનીબહેને હન્ડ્રેડ પરસેન્ટ જગાડી દીધાં. એમને સમજાઈ ગયું કે આ જે ઘરરર ઘુમ્મ, ઘરરર ઘુમ્મ અવાજ સંભળાય છે તે વિશાળ આકાશમાં થતી મેઘગર્જના નથી પણ એમના જ શયનખંડમાં એમની જ પથારીમાં એમનાથી માત્ર ત્રણ જ ફૂટ દૂરથી થઈ રહેલી નસકોરાંની ગર્જના છે. નિખિલભાઈનાં નસકોરાં બોલે છે.