સડ્ડા પિંડ.. (અમૃતસરની મુલાકાતે) – ગોપાલ ખેતાણી 66
અમારી ઈચ્છા સવારે જ સુવર્ણ મંદીરના દર્શન કરવાની હતી. પરંતુ “વાહેગુરુ ઈચ્છા બળવાન!” શહેરમાં અને હોટેલોમાં ભીડ જોઈને એવું લાગ્યું કે બધાંને અમારી જેમ અમૃતસર જ ફરવું હતું કે શું? બે – ત્રણ હોટેલ ફર્યા બાદ એક હોટેલમાં બે રૂમ મળી ગઈ. સ્નાનાદિથી પરવારી, વ્યવસ્થિત ચા-નાસ્તો કરી અમે બાર વાગ્યે જલીયાંવાંલા બાગ જોવા નિકળ્યા. સૂરજદાદા પણ જાણે કૃપા વરસાવવામાં કોઈ કમી ન રાખવાના હોય એમ ખુલ્લી આંખે હાજરાહજૂર હતા.
પણ જેવા અમે જલીયાંવાલા બાગના પરિસરમાં પહોંચ્યા કે તડકાનું દુઃખ થોડી વાર માટે વિસરાઈ ગયું. જલીયાંવાલા બાગથી લઈ સુવર્ણ મંદીર સુધીનો પરિસર છેલ્લા બે-ત્રણ વર્ષમાં ખુબ સુંદર રીતે ડેવલપ કર્યો છે. તમને કોઈ યુરોપિયન શહેર જેવો આભાસ થાય. બાગને ખુબ સારી રીતે વિકસાવ્યો છે અને વ્યવસ્થીત સાચવ્યો પણ છે. અહીં યાદી માટે ફોટોગ્રાફીને ન્યાય આપ્યો. બાગના પરિસરમાં એ કૂવો પણ જોયો જ્યાં હજારો નિર્દોષ લોકોએ પોતાના જીવની કુરબાની આપી હતી. એ નરસંહારનું દ્રશ્ય વિચારીને હતપ્રભ થઈ જવાયું.