સદાશિવ માગો તે આપનાર છે.. – સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી 2
અહીં ચોથા શ્લોકમાં ઈશ્વરના અસ્તિત્વને ન માનનારા – નાસ્તિકોની ચર્ચા કરે છે. ઈશ્વરની સ્તુતિ કરતાં પહેલાં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે ભાઈ ! તમે જેની સ્તુતિરૂપ પ્રાર્થના કરવા જઈ રહ્યા છો તે ભગવાન ખરેખર છે કે તે માત્ર તમારી કલ્પનાની ઉપજ છે. ઘણા લોકો એમ દલીલ કરે છે કે જેમ હું ટીવી અને ટેબલને નરી આંખે જોઈ શકું છું તેમ ભગવાન દેખાતો નથી અને જેને દેખાય છે તે એક વ્યક્તિગત દર્શન જ હોય છે. તેને આભાસ કે ભ્રમણા પણ કહી શકાય. જે ભગવાન દેખાતો જ નથી તેની શરણાગતિ કેવી રીતે સ્વીકારી શકાય? આવા કુતર્કો સામાન્ય લોકોના મનમાં જનમ્યાં જ કરતા હોય છે. તે ઉપરાંત વ્યક્તિને ભગવાન પ્રત્યે અનેક ફરિયાદો પણ રહેતી જ હોય છે જેમ કે ભગવાન હોય તો આપણી કાળજી કેમ લેતા નથી? ભગવાનની આટઆટલી માનતા માનવા અતાં હું પરીક્ષામાં નપાસ કેમ થયો? અને તે દિવસે બરોબર પાર્ટીમાં જવાના સમયે જ કેમ અમારી ગાડી બગડી ગઈ? ભગવાન આપણું આટલું પણ ધ્યાન રાખતો ન હોય તો પછી તેની સ્તુતિ શા માટે કરવી?