શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૧૩)
એ ઉનાળે પણ, હજુ સુધી લોકો એ વિચારને જ વળગી રહ્યા હતા, કે વસાહત ભલે નાની હોય, પરંતુ પોતાની કાયમી માલિકીની તો હશે! ૧૯૪૧ના વર્ષમાં આ વિચાર સાચો પણ લાગતો હતો. વસાહતમાં એક પોસ્ટઑફિસ હતી, અને વસાહતની પોતાની પોસ્ટેજ સ્ટેમ્પ પણ હતી. વસાહતનું આગવું સમાચારપત્ર પણ હતું, પછી ભલે તેમાં વેવેલ અને પોમોર્સ્કા સ્ટ્રીટના આદેશો સિવાય ખાસ કશું છપાતું ન હોય! લ્વોસ્કા સ્ટ્રીટમાં રેસ્ટોરન્ટ બનાવવાની છૂટ પણ મળી હતીઃ ફોર્સ્ટર રેસ્ટોરન્ટ! ગામડામાં રહેવાનાં જોખમો, અને ગ્રામજનોનાં બદલાતાં રહેતાં વલણથી બચવા માટે વસાહતમાં પાછા આવી ગયેલા રોસનર બંધુઓ એ રેસ્ટોરન્ટમાં વાયોલિન અને એકોર્ડિઅન વગાડતા હતા. થોડા સમય માટે તો એમ પણ લાગ્યું, કે શાળાઓમાં ઔપચારીક શિક્ષણ પણ શરૂ થઈ જશે, ઓર્કેસ્ટ્રા એકઠું થશે, સંગીતના કાર્યક્રમો નિયમિત યોજાશે, અને કોઈ ઉપયોગી જૈવિક સંરચનાની માફક જ યહૂદી જીવન પણ, એક કારીગરથી બીજા કારીગર સુધી અને એક વિદ્વાનથી બીજા વિદ્વાન સુધી, ફરી એક વખત શેરીઓમાં પનપવા લાગશે! પરંતુ આવો વિચાર કરવો એ એક તરંગી બાબત જ નહીં, પરંતુ ઇતિહાસના તર્કસંગત વહેણ માટે અપમાનજનક હોવાની જાહેરાત પોમોર્સ્કા સ્ટ્રીટના એસએસ અધિકારીઓ દ્વારા હજુ સુધી કરવામાં આવી ન હતી!