ગઝલ શબ્દ કાને પડે, તેની સાથે તરત જ બે નામ ગઝલના પર્યાય સ્વરૂપે માનસપટ પર અનિવાર્ય રીતે ઝબકી જાય. શબ્દો માટે મિર્ઝા ગાલિબ, અને સ્વરો માટે બેગમ અખ્તર. ગઝલના માણતલ થવું હોય, તો આ બે નામોના જાણતલ થવું અનિવાર્ય! અને બેગમનું નામ પડે એટલે ભલભલા ગઝલગાયકો ગાવાનું બંધ કરી, ઊભા થઈ, અદબ વાળીને કતારબંધ ઊભા રહી જાય! બેગમનો સ્વર દૂરથી પણ કાને પડે એટલે ગઝલશોખીનો કાન સરવા કરીને અને આંખો બંધ કરીને, બધાં કામકાજ છોડીને, ડૂબી જાય એ મદહોશ કરી મૂકતા અવાજને સાંભળવામાં! બેગમ અખતર! ભાગ્યે જ કોઈ એવો ગઝલશોખીન જોવા મળે, જેણે બેગમ અખ્તરની ગઝલો સાંભળી ન હોય! જેણે બેગમના અવાજની મધુરતા માણી નથી તેણે ગઝલગાયકીને જરાયે જાણી નથી એવું કહેવામાં જરાયે અતિશયોક્તિ નથી. આજે છે તારીખ ૭મી ઓક્ટોબર, બેગમ અખ્તરની જન્મતીથી. આ પ્રસંગે શ્રી અશ્વિનભાઈ અને મીનાક્ષીબેન ચંદારાણાની કલમે માણીએ બેગમ અખ્તરની જીવનઝાંખી