ધોળાવીરાના લોકો વરસાદી પાણીમાંથી ખેતી કરતા હશે અને ખેતીની ઉપજને હજારો કિલોમીટર દૂર મેસોપોટેમિયા સુધી દરિયાઈ માર્ગે પહોંચાડતાતાં હોવાના પણ પ્રમાણ મળી આવ્યા છે.
ધોળાવીરાની ઉત્તરે મનહર નદી અને દક્ષિણે મનસર નામની ચોમાસુ નદીઓ આવેલી હતી જેને કારણે મીઠાં પાણીનો સ્રોત આ નદીઓ મારફત માત્ર ચોમાસા પૂરતો જ ચાલુ રહેતો. જેથી ધોળાવીરાના રહેવાસીઓએ પાણીના સંગ્રહ માટે નગરની ફરતે વિશાળ જળાશયો બનાવેલાં. નગરમાં પૂર્વ તરફથી પ્રવેશ કરીએ એટલે તરત જ ખૂબ મોટા જળાશયો જોવા મળે છે, જે નગરની ફરતે આવેલાં છે. એકબીજા સાથે જોડાયેલાં હોવાને કારણે નગરમાં અલગ-અલગ જગ્યાએ પાણી પહોંચાડી શકાય. પાણીનું ફિલ્ટરેશન થઈ શકે તેવી અદ્ભુત ઇજનેરી ટેકનીક આ નગરમાં જોવા મળે છે. આટલાં બધાં જળાશયોને કારણે માની શકાય કે અહીંના લોકો પાસે પાણી માટે માત્ર વરસાદી પાણીનો જ આધાર રહ્યો હશે, તેઓ પાણીનો સંગ્રહ કરી વપરાશ કરતાં હશે. વરસાદ પણ અનિયમિત હશે. જ્યારે દુષ્કાળ પડતો હશે ત્યારે લાંબો સમય સુધી પાણીની મુશ્કેલી સહેવી ન પડે તે માટે રસ્તા પરનું પાણી હોય કે કિલ્લાની દિવાલ પરનું, પાણી, એકએક ટીપું જાળવવાની અકલ્પ્ય વ્યવસ્થા અહીં જોઈ શકાય છે.
લગભગ ૧૫૦૦ વર્ષ સુધી આ નગરરચના ખૂબ સુંદર રીતે જળવાયેલી રહી તેનું મુખ્ય કારણ અહીંની વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ એટલે કે વરસાદી પાણીનો સંગ્રહ કરવાની ખૂબ જ સુંદર વ્યવસ્થા હશે. અહીંની જમીન એકદમ પથરાળ હોવા છતાં એ પથ્થરોને કાપીને ત્યારના લોકોએ આ જળાશયોનું નિર્માણ કર્યું છે. નગરની ફરતે ૧૬ જેટલાં જળાશયો જોવા મળે છે જેમાં લગભગ અઢી લાખ ઘનમીટર પાણીનો સંગ્રહ થઈ શકતો હતો.
નગરની ફરતે બનેલાં આ જળાશયો અને વરસાદી પાણીનો સંગ્રહ કરવાની અદ્ભુત ટેકનોલોજી એવું પોકારી પોકારીને કહે છે કે ‘જળ એ જ જીવન છે.’ પાણીના છેલ્લા ટીપાંનો પણ વ્યવસ્થિત સંગ્રહ કરો તો જ માનવજીવન શકય છે. આજના જમાનામાં પણ આ બાબત એટલી જ પ્રસ્તુત છે જો આપણે પાણીનું મહત્ત્વ સમજીએ તો…
વરસાદના સમયે મનહર નદીના પાણીમાંથી નહેર દ્વારા જળાશયોને ભરવામાં આવતાં. જળાશયો એકબીજાં સાથે જોડાયેલાં હોવાથી કુદરતી રીતે જ પાણીનું ફિલ્ટરેશન થતું; આ પાણી કિલ્લાની અંદર આવેલા કૂવા અને વાવમાં જમા થતું જ્યાંથી લોકો તેનો ઉપયોગ કરી શકતાં. ભારે વરસાદના સમયે વધારાના પાણીના નિકાલ માટે પણ સુવ્યવસ્થિત ગટર વ્યવસ્થાની રચના કરવામાં આવી હતી. અહીંના જળાશય મોહેંજો ડેરોના સ્નાનાગર કરતા ત્રણ ગણા મોટા જોવાં મળે છે.
અહીંના લોકો વરસાદી પાણીમાંથી ખેતી કરતા હશે અને ખેતીની ઉપજને હજારો કિલોમીટર દૂર મેસોપોટેમિયા સુધી દરિયાઈ માર્ગે પહોંચાડતાતાં હોવાના પણ પ્રમાણ મળી આવ્યા છે. ધોળાવીરામાં જોવા મળતા મણકા મેસોપોટેમીમિયામાં પણ જોવા મળ્યા છે, જે બંને સ્થળો વચ્ચેના વેપારનું પ્રમાણ કહી શકાય.
ધોળાવીરાના ઉત્ખનનમાંથી માટીના વાસણો, મૂર્તિ, મણકા, પ્રાણીઓની આકૃતિઓના, સોના, ચાંદી અને છીપના આભૂષણો અને મહોર પર છપાયેલાં બળદ, ગેંડા અને અન્ય જાનવરોનાં ચિહ્નો પણ જોવા મળે છે. અહીંથી તાંબા અને કાંસામાંથી બનેલા હથિયારો અને વાસણો પ્રાપ્ત થયેલ છે, જેમાંથી ઘણી વસ્તુઓ અહીંના મ્યુઝિયમમાં જોવા મળે છે. હાલ ધોળાવીરામાં આતરરાષ્ટ્રીય કક્ષાનું મ્યુઝિયમ આકાર લઈ રહ્યું છે. ઇતિહાસવિદો અને પુરાતત્ત્વવિદો એવું માને છે કે ઇ.સ. પૂર્વે ૧૮૦૦ માં આ નગરનો વિનાશ થયો હશે, જેનું કારણ મહાભયાનક ધરતીકંપ હોઈ શકે અથવા સતત પડતો દુષ્કાળ પણ હોઈ શકે.
કાર્બન ડેટિંગ ટેકનોલોજીને આધારે જાણી શકાયું છે કે આ નગર સાત વખત વસ્યું અને સાત વખત લુપ્ત થયું હશે. દરેક સંસ્કૃતિની પોતાની આગવી શૈલી, સમજણ, આવડત, કળા હતાં, કાળક્રમે તેમાં ફેરફાર થયા અને સમય સાથે આ નગર લુપ્ત થઈ ગયું. તેની સાથે તેમની ટેકનીક, કળા, લિપિ, ઇજનેરી આવડત – બધું જ લુપ્ત થઈ ગયું. બધા જ પ્રશ્નોના જવાબ આ સંસ્કૃતિ સાથે જ નાશ પામ્યા, શું થયું એ ઘટનાનો આજ સુધી જવાબ મળી શક્યો નથી.
આજથી ૫૦૦૦ વર્ષ પહેલાં સમુદ્ર કિનારે લગભગ ૧૨૦ એકરમાં વસેલું સુંદર મહાનગર, જ્યાંથી સમુદ્રી માર્ગે દૂરસુદૂર વ્યાપાર કરવામાં આવતો. અહીં જોવાં મળતાં પત્થરના ખૂબ જ સુંદર સ્થાપત્યો, ભવ્ય પ્રવેશદ્વાર, સ્તંભ,પોલિશ કરેલાં વિવિધ આકારના પત્થરો – આ જોઈને એમ થાય કે આ કારીગરી મશીન વગર શક્ય નથી. જ્યમલ મકવાણા કહે છે, ‘અહીઁથી ચાર કિલોમીટર દૂર ઉત્ખનન કરવામાં આવ્યું ત્યારે તેમાં એક મોટું કારખાનું મળી આવેલું, જેમાં મોટામોટા પત્થરો, થાંભલાઓ મળી આવ્યા છે, એ સાબિત કરે છે કે ત્યાં મોટું કારખાનું હશે, જેમાં પત્થરોનું કટિંગ, પોલિશિંગ, મણકા બનાવવા, વગેરે કામ થતાં હશે.’
મારા અંગત રસ અને શોખને કારણે એક દિવસમાં બે વખત આ સાઇટની મુલાકાત લીધી ત્યારે પાંચ હજાર વર્ષો પહેલાંની ઘણી બાબતો સ્પષ્ટ થઈ ગઈ અને મન-હૃદય પર કાયમી છાપ છોડી ગઈ. પણ સાથે જ મનમાં કેટલાંક પ્રશ્નો ઉદભવ્યા જેના જવાબ નથી મળ્યા.
- આજ સુધી આ સંસ્કૃતિની ભાષા ઉકેલી શકાઈ નથી અને તેમનો અંત કેવી રીતે આવ્યો, તે પણ કોઈ જાણતું નથી.
- આટલાં વર્ષો જૂની સંસ્કૃતિના લોકોનો ખોરાક મુખ્યત્વે શિકાર આધારિત રહેતો હોય તેને લગતાં કોઈ અવશેષ જોવાં મળ્યાં નથી. મ્યુઝિયમમાં ન હોય અને અન્ય કોઈ મ્યુઝિયમમાં હોય તેમ બની શકે?
- જે સંસ્કૃતિમાં મહોર કે ચલણ પર નિશાનીઓ હોય તે તેમના માટે સૌથી મહત્ત્વની વસ્તુ,વ્યક્તિ કે બાબત હોય?
- અહીં બળદ, ગેંડા અને અન્ય જાનવરોના ચિહ્ન મહોર પર જોવાં મળે છે. મતલબ, તેઓ ખેતી પણ કરતાં હશે અને અહીં જંગલી ગેંડા જેવા જાનવરની પૂજા કરતાં હશે અથવા ખોરાક તરીકે ઉપયોગ હશે?
પ્રશ્નો ઘણા છે. ઉત્તર એક પણ નથી. છતાં જે જોવા મળ્યું, તે હ્રદયસ્પર્શી, અદ્ભુત, નોસ્ટાલ્જીક હતું.
ધોળાવીરા જવાનો વિચાર આવે એટલે તરત જ એમ થતું હશે કે જેમને પુરાતત્વીય સ્થળો જોવામાં રસ હોય એવા લોકો જાય. બાકી છેક છેવાડાનાં પ્રદેશમાં આટલા બધાં કિલોમીટરની મુસાફરી કરી માત્ર પથ્થર જોવાં શું જવાનું? તો યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ આપણું ધોળાવીરા એ માત્ર નિર્જીવ પથ્થરો નહીં, પરંતુ હજારો વર્ષ અગાઉની જીવતાંજાગતાં, અતિ હોંશિયાર, બુદ્ધિશાળી લોકોની સંસ્કૃતિ હતી.
જો તમે પુરાતત્વીય સ્મારકોના ચાહક નથી, પરંતુ તમને કુદરતી સૌંદર્યને માણવાનો શોખ છે તો પણ તમારે ધોળાવીરા જરુર જવું જોઈએ. તમને કલાકો સુધી એકદમ સૂમસામ રસ્તો અને એની બંને તરફ ફેલાયેલી કુદરતી સંપદા (વિશાળ રણ)ને અનિમેષ નજરોથી નિહાળવાનો શોખ હોય, તો તમે આ પ્રવાસને એક સુંદર લોંગ ડ્રાઈવ તરીકે પણ માણી શકો. પૂનમની રાતે ચાંદનીની સાખે રણના અફાટ સૌંદર્યને કોઈના સથવારે હૃદયમાં ઉતારી લેવાની ઈચ્છા છે તો પણ તમે ધોળાવીરા જઈ શકો. એમાં ચાંદની રાત, મિત્રોનો સાથ, સંગીતની જમાવટ ઘણું બધું હોઈ શકે. અહીં સમયની કોઈ પાબંદી નથી. સૂર્યોદયના શોખીન વહેલી સવારનો આનંદ માણી – નિહાળી શકે, અને સૂર્યાસ્ત માટે ઢળતી સાંજે ભંજીયા ડુંગરને ઘેરી વળેલા રણનાં વિશાળ દરિયાની સાક્ષીએ, સુરખાબોની મસ્તી સાથે સંધ્યાની લાલિમાને માણી શકાય.
અહીં શું નથી? અહીં બધું જ છે. જરૂર છે માત્ર એ નજરની. અહીં પહાડ છે, દરિયો છે, મીઠાનું અફાટ રણ છે. જંગલ છે, અને ફ્લેમિંગોનું ઘર પણ છે. અહીં ૧૮ કરોડ વર્ષ જૂના અશ્મિઓ ફોસિલ પાર્કમાં સચવાયેલાં છે. ભારતીય ટીમ અને એક ફ્રેન્ચ સંશોધક અનુસાર રાપરના પ્લાસ્વા ગામમાં મળેલા પ્રાણીઓના દાંત, હાડકાં, પાંસળીઓ અને અશ્મિઓના આધારે હાલના કચ્છના ગરમ રણપ્રદેશમાં કરોડો વર્ષ પહેલાં ભેજવાળા ઉષ્ણકટિબંધના જંગલો હશે. જેમાં અનેક પ્રજાતિના પક્ષીઓ, મીઠાં પાણીની માછલીઓ, જિરાફ, રહાઇનો, હાથી અને મોટાં મગરો જેવાં પ્રાણીઓ વસવાટ કરતાં હશે.
અમદાવાદ, રાજકોટ તરફથી ધોળાવીરા જવું હોય તો કચ્છના સામખીયાળીથી રાપર થઈને જઈ શકાય. રાજકોટથી ધોળાવીરાનું અંતર ૨૬૦ કિમી છે પણ લગભગ ૫ થી ૬ કલાક અને અમદાવાદ તરફથી આવતાં ૭ કલાક જેટલો સમય લાગે છે. વચ્ચે અટકવું હોય તો સામખીયાળી, રાપર, રવેચી, રતનપરમાં પણ મુકામ થઈ શકે. ધોળાવીરામાં ત્રણ રિસોર્ટ છે. (ઇન્ટરનેટ પર માહિતી છે જ.)
ધોળાવીરા ટુરિઝમ રિસોર્ટ (અલગ અલગ કેટેગરીના ૬૫ રૂમ છે) ૨૦૦૦ થી ૬૫૦૦ સુધીના વિવિધ ભાવ છે. ઉપરાંત રણ રિસોર્ટ (Rann Resort) (૫૦૦૦/-) અને રામ રિસોર્ટ પણ ખરાં. મોટાભાગના ટુરિસ્ટ અહીં એક દિવસ માટે અથવા થોડા કલાકો માટે આવતાં હોય છે. કેટલાંક ફરજિયાત રાત રોકાય તો કેટલાંક વ્યવસ્થિત આયોજન કરીને રોકાય છે.
ધોળાવીરાથી આશરે ૩૦ કિમી પહેલાં ખડિરનું રણ શરૂ થાય છે, તે પછી રતનપર ગામ આવે છે. અહીં એક શાળાકીય ટ્રસ્ટનો ફ્લેમિંગો રિસોર્ટ છે, જેનું રૂમનું ભાડું ૨૫૦૦ છે. ઉપરના તમામ ટેરિફમાં બે વ્યક્તિ રહેવાનું, બે વખતનું ભોજન અને સવારના નાસ્તાનો સમાવેશ થાય છે. રાપરથી ૧૦ કિમી ધોળાવીરા તરફ આવતાં રવેચી ગામ આવે છે ત્યાં જૈન સેનેટરિયમ ખૂબ સરસ છે. ત્યાં પણ રોકાઈ શકાય.
ખંડીરનું રણ અત્યારે એકદમ સુકાઈ ગયું છે. જેથી આરામથી સફેદ રણનો આનંદ લઇ શકાય. આ રસ્તે જો દિવસ દરમિયાન જઈએ તો જ રસ્તાની સાચી મજા મળે. બે-ત્રણ જગ્યાએ રોડ સાઈડમાં ગાડી પાર્ક કરી રણમાં ઊતરી શકાય તેવું છે. બાકી ગમે ત્યાંથી રણમાં કૂદકો મારીને તો ઉતરી જ શકો છો. આ રણ એકદમ સફેદ અને ગંદકી વગરનું હોવાથી અદ્ભુત લાગે છે. તેમાં મજા આવે ત્યાં સુધી અંદર જઈ શકાય છે. એટલે, ધોળાવીરા પહોંચતાં પહેલાં અને છોડ્યા પછી પણ વધારાના આનંદ તરીકે આ રણને માણી શકાય છે. બસ તમારી પાસે સમય હોવો જોઈએ…
ધોળાવીરા ગામની ૫ કિમી પહેલાં જમણી તરફ ગામનું પ્રવેશદ્વાર આવે છે. સીધાં જઈએ તો ‘રોડ ટુ હેવન’ અને જમણી બાજુ વળી જઈએ તો ૫ કિમી બાદ ધોળાવીરા ગામ. ગામમાં પ્રવેશતાં જ પીળાં પત્થરોનું વિશાળકાય પ્રવેશદ્વાર આપણું સ્વાગત કરે છે, જે આપણને ભવ્ય ભૂતકાળની ઝાંખી કરાવે છે. ત્યાંથી ગામ પૂરું થાય ત્યાં સુધી બંને તરફની પીળા પત્થરની દીવાલો મનને રોમાંચિત કરી દે છે. ગામ પૂરું થતાં દોઢ કિમીમાં ધોળાવીરા ટુરિઝમ રિસોર્ટ આવે છે. જેનાં ૩૦૦ મીટર બાદ ધોળાવીરા આર્કિયોલોજિકલ સાઈટ.
આ સાઈટ અને મ્યુઝિયમ બાદ ૮ કિમી પર ફોસિલ પાર્ક અને સનસેટ પોઇન્ટ આવેલાં છે. ફોસિલ પાર્ક એ ૧૮ કરોડ વર્ષ પહેલાં વૃક્ષોને કોઈ પણ રીતે ઓક્સિજન ન મળતાં તેનું પથ્થરમાં રૂપાંતર થઈને અશ્મિ સ્વરૂપમાં ફેરવાઈ ગયું હશે. આજથી ૧૯ કરોડથી ૧૪ કરોડ વચ્ચેનો સમયગાળો એટલે જુરાસિક યુગ. આ સમયનું ત્રીસ ફૂટ લાંબુ અને ત્રણ ફૂટના વ્યાસવાળું, લાકડાંમાંથી પથ્થરમાં પરિવર્તિત થયેલ વૃક્ષનાં અશ્મિ વર્ષ ૨૦૦૭ માં મળી આવ્યાં, જેની માહિતી વનવિભાગના એક કર્મચારી દ્વારા આપવામાં આવી હતી. આવાં જ અશ્મિ રાજસ્થાનના જેસલમેરમાં પણ મળી આવ્યાં છે.
આ અશ્મિપાર્કને વનવિભાગ દ્વારા ખૂબ સુંદર રીતે વિકસાવવામાં આવ્યો છે. મારું માનો તો અહીં બે ત્રણ કલાક તો જરૂર પસાર કરવાં જોઈએ. સામે રણમાં ભરાયેલાં પાણી સ્વરૂપે દેખાતો શાંત દરિયો, બેસવાની વ્યવસ્થા, વોચ ટાવર અને નાનકડું તળાવ, જુરાસિક સમયના પ્રાણીઓના શિલ્પો આવકારે છે. અહીં શાંતિથી સમય પસાર કરી અને લગભગ ૫ વાગ્યાની આસપાસ એકાદ કિલોમીટર દૂર ભંજીયા ડુંગરની આસપાસ વિશાળ રણના મેદાનમાં સંધ્યા ક્ષિતિજમાં ઓગળી જતી જોવાની અલભ્ય મજા છે.
અમે બપોરે મ્યુઝિયમ જોઈ અને તરત જ ફોસિલ પાર્ક ગયેલાં ત્યાં આરામથી સમય પસાર કરીને રિસોર્ટ પર આવી જમી અને સૂઈ ગયાં. સાંજે પાંચ વાગ્યે સનસેટ પોઇન્ટ પર જવા નીકળી પડ્યાં. શું અદ્ભુત નજારો…. પાણી ભરેલું દરિયા જેવું લાગતું મીઠાનું રણ વચ્ચે ઊભેલો ભંજીયો અટલ-અડગ.
કડકડતી સવારે સાડા પાંચે શરૂ થયેલો અમારો દિવસ રાતે નવ વાગ્યે રજવાડી ભૂંગાની અંદર પૂરો પણ થઈ ગયો. બીજે દિવસે સૂર્યોદયનો નજારો જોવા “રોડ ટુ હેવન” ની ડ્રાઇવ પર જવાનું હતું. સવારે વહેલા તૈયાર થઈ અમે નીકળી પડ્યાં. નીરવ શાંતિ વચ્ચે સૂર્યોદયને મન ભરીને નિહાળ્યો. લગભગ ૨૦ કિમી સુધીની મુસાફરી માણી, ખૂબ ફોટાં પાડ્યાં.
રસ્તામાં ૧૪૦ આહિરાણીઓએ જ્યાં કૃષ્ણરાસમાં તલ્લીન થઈ પોતાના પ્રાણ ત્યાગી દીધેલાં, જેના પરથી ગુજરાતી ફિલ્મ હેલ્લારોનું નિર્માણ થયું છે, તેવાં વ્રજવાણી ગામ અને ત્યાંના ઐતિહાસિક સ્થળની મુલાકાત લીધી. બહુ સુંદર જગ્યા છે. રણની વચ્ચે લીલીછમ, શિતળ છાયા આપતું વિશાળ સંકુલ. ત્યાંથી નીકળીને રવેચી ગામમાં સુંદર મજાના તળાવના કિનારે આવેલાં રવેચી માતા મંદિરના દર્શન કરી, રાજકોટની વાટ પકડી..
ઘરે તો પહોંચી ગયાં પણ યાદોની સાથે મનને તો હજુ ત્યાં જ છોડી આવ્યા હોય તેમ લાગે છે.
(પૂર્ણ)
Dholavira, Travelogue, Harappan Civilization, Gujarat, Archaeological survey of India
અક્ષરનાદ પર આવા અન્ય સ્થળોના પ્રવાસવર્ણન વાંચવા – અહીં ક્લિક કરો.
ખુબ સુંદર
માહિતીસભર લેખ.
Thank you Meera