તારે અનંતકાળ માટે મને ચાહવી પડશે! – સુરેશ દલાલ 7


તારે અનંતકાળ માટે મને ચાહવી પડશે! – માર્ગારેટ એલિગર

માર્ગારેટ એલિગર ૧૯૧૮ માં જન્મી. જ્યુઈશ ગરીબ કુટુંબમાં. પિતા વાયોલિન વગાડે. ચારેક ભાષાના જાણકાર. માતા પ્રાચીન રશિયન કવિતા સંભળાવે. પ્રથમ પતિ અને એનાથી થયેલો દિકરો બંને મરી ગયા. પ્રિયતમ સાથે સંબંધ ખરો પણ લગ્ન નહી. પ્રિયતમ શરાબમાં ડૂબ્યો અને એણે આત્મહત્યા કરી. માર્ગરેટે જીવનમાં મરણની વેદનાઓ પણ અનુભવી.

વ્યક્તિ આવે છે અને જાય છે અને રહી જાય છે કેવળ સ્મૃતિ. ક્યારેક તો એવું પણ બને કે સ્મૃતિની છબી પણ ઝાંખી થતી જાય. માર્ગારેટ પ્રેમની ગહન અનુભૂતિની કવિતા લખે છે. વ્યક્તિ નથી અને છતાં છે. પ્રિય વ્યક્તિ છે અને છતાં નથી. આ છે અને નથી વચ્ચેના ક્રોસરોડ પર ઊભા રહીને માર્ગારેટે જાણે આવું લખ્યું છે.

પ્રત્યેક સ્ત્રીમાં એક મીરાં હોય છે. મીરાં એટલે અનન્ય ભક્તિ, અદ્વિતિય નિષ્ઠા. મેરે તો ગિરિધર ગોપાલ દુસરો ન કોઈ. આપણે કહીએ છીએ કે મારે થવું તારા પ્રિય પાત્ર. હું અને તું, તું અને હું. આપણે બંને – ત્રીજું કોઈ નહીં. સમજાય એવી વાત છે કે જેને ઉદ્દેશીને આ કાવ્ય લખાયું છે એ વ્યક્તિ હયાત નથી. શારીરિક રીતે હયાત નથી, પણ પોતાના અસ્તિત્વમાં તો એના સિવાય કોઈ નથી. મરણ સાથે વ્યક્તિ મરે છે. પ્રેમ મરતો નથી. સાચો પ્રેમ માણસને દુર્બળ અને અસહાય નથી બનાવતો, પણ એને સબળ બનાવે છે. પ્રેમની પોતાની તાકાત હોય છે. કહે છે કે તું નથી પણ મને રસ છે તારી તાકાતમાં. તારી આસપાસ જે તાજી હવા છે અને તારા માથા પર ઊડતું આકાશ છે એ બીજું કોઈ નહીં પણ હું જ છું. પ્રેમની શ્રદ્ધા કેવી બુલંદ હોઈ શકે એનો પરિચય મળી રહે છે.

તું કયાંક તો હશે જ ને! ભલેને તું તારે રસ્તે નીકળી પડ્યો. સદેહે નહીં પણ માનસિક રીતે પૂરેપૂરા પ્રાણ સહિત નરી સંવેદનાથી હું તારી પાસે ને પાસે જ પહોંચું છું. જરાક નીચે વળીને જો તો ખરો, તારાં ચરણ તળેનો રસ્તો પણ હું છું. આ રસ્તાને તું પૂરેપૂરો ઉપયોગમાં લેજે. મને ખબર છે કે આ પૃથ્વીને છોડીને તું ચાલ્યો ગયો છે – જોજનો દુર. કોઈ પણ થાકી જાય, તું પણ થાકશે. તરસ્યો થશે. તું થાકશે ત્યારે હું તારો વિસામો થઈશ. તું તરસ્યો થશે ત્યારે હું તારું ઝરણું થઈશ. તું ખૂબ પાસે આવજે. વાંકો વળજે અને મને ધરાઈને પી જજે.

મને એ પણ ખબર છે કે કેટલાય પર્વતો તારે ઓળંગવાના હશે. અરણ્યના અંધકારમાં તારે પ્રવાસ કરવાનો હશે, પણ તું જરાય ચિંતા ન કર. હું ઝુંપડીના ધુમાડાની જેમ ઊંચે ચડીશ અને પ્રગટી ઊઠીશ. ઝુંપડી છે એટલે વિસામો પણ મળશે અને હું પ્રગટીશ એટલે અંધકાર પણ ઓગળશે. હું તને દઝાડીશ નહીં, કારણકે હું પાવકનું પુષ્પ છું.

તારી કોઈ ઇચ્છા અધૂરી નહીં રાખીશ. તું જે ચાહે એ બધું જ તને મળશે. મારા પ્રેમમાં ત્રેવડ અને તાકાત બંને છે. મારો પ્રેમ કલ્પવૃક્ષ અને કામધેનુ જેવો છે. કહો કે પારસમણિ છે. તું જે ઇચ્છશે એ વસ્તુનું હું જલસાથી રૂપાંતર કરી આપીશ. સજીવ, નિર્જીવ, બધામાં જ હું તને દેખાઈશ. એક પંખીમાં પલટાઈ જતાં મને વાર નહીં લાગે. હું તારે માટે સૂરની રંગની રમણા રઈ આપીશ. દિવસને અંતે તારો થોકોડો ઉતારવા માટે હું ગાઈશ પણ ખરી. હા, હું પણ માણસ છું. હું તારા માટે આટલું બધું કરૂં તો તારે થોડીક એની નોંધ તો લેવી જોઈએ (પ્રત્યેક પ્રેમી ઝંખે છે કે એની કદર કોઇક ને કોઇક રીતે થાય). તને બુલબુલના સૂર સંભળાય છે? પાંદડામાં ઝાકળ દેખાય છે? આ બધામાં હું જ છું, બગીચાને માથે ઝૂલતું વાદળ પણ હું જ છું.

મને તું કહે કે મારાથી તું રાજી છે ને? હું તારા માટે આટલું બધું વરસી પડું છું. એનો તને આનંદ છે ને! હું તો અહીં છું. પણ તું જ્યાં હશે ત્યાં મારો પ્રેમ તને સલામત રાખશે. આમ તો અહીં મારે અનેકની વચ્ચે રહેવાનું છે, પણ એ બધાને હું ઓળખું છું એટલું જ. હું તો તને પૂર્ણપણે પામી ગઈ છું. અનેકની વચ્ચે રહીને હું એકને પામી ગઈ છું. પ્રિયતમ, તું આ બધું સમજે છે ખરો. તું જ્યાં હશે ત્યાં તું મને જ મળશે. મને જોયા સિવાય તારો છૂટકો નથી. આપણા બંનેના રસ્તા એક થઈ ગયા છે. તારે અનંતકાળ મને ચાહવી પડશે.

નારી હદયની સંવેદના અહીં આમ પારદર્શક રીતે પ્રગટ થઈ છે. આ કાવ્યમાં જે વાત આવે છે એ પ્રેમના નાનકડા ઉપનિષદ જેવી છે.

– સુરેશ દલાલ

(શ્રી સુરેશ દલાલ દ્વારા સંપાદિત પુસ્તક “ઝલક દિશા અગિયારમી” માંથી સાભાર., ઈમેજ પબ્લિકેશન્સ, અમદાવાદ, પાના – ૧૧૦, પુસ્તક મૂલ્ય – ૭૦.૦૦ રૂ.)


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “તારે અનંતકાળ માટે મને ચાહવી પડશે! – સુરેશ દલાલ