‘બાપુ – યુવાનોની નજરે’ વિષય પર સંગોષ્ઠિ અહેવાલ 2
એસ. એસ. પી. જૈન કોલેજ, ધાંગધ્રામાં શ્રી મહિમ્ન પંડ્યા ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે કાર્યરત છે. આ ઉપરાંત તેઓ ગાંધી દર્શન કેન્દ્રના સંચાલક તરીકે પણ કાર્ય કરે છે. આ અન્વયે ગાંધીજી વિશે ચિંતન, મનન, અને ગાંધી વિચાર અધ્યયન જેવા વિષયો સાથે ચાર વર્ષથી વિષયાનુગત ચર્ચાઓ અને પરીક્ષાઓનું આયોજન થાય છે. ગત બીજી ઓક્ટોબરે અહીં ગાંધીદર્શન કેન્દ્ર દ્વારા ગાંધીજયંતીની ઉજવણી નિમિત્તે ‘બાપુ – યુવાનોની નજરે ‘ વિષય પર એક સંગોષ્ઠિનું આયોજન કરવામાં આવેલું. સંગોષ્ઠિનો અહેવાલ આજે અહીં પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કર્યો છે. આમ તો સામાન્યતઃ આયોજનોનો અહેવાલ અક્ષરનાદ પર મૂકવામાં આવતો નથી, પરંતુ આ એક નવતર પ્રયત્ન છે ગાંધી દર્શન અને તેમની ફિલસૂફીને આજની પેઢી દ્વારા જ તેમની પોતાની પેઢી સુધી પહોંચાડવાનો. આવા આયોજનોને વધુ પ્રોત્સાહન મળે અને આપણા પોતાના મહાનુભાવોના જીવનમાંથી યુવાપેઢી ગ્રહણ કરી શકે એ હેતુથી અક્ષરનાદ પર આજે આ અહેવાલ પ્રસ્તુત થઈ રહ્યો છે.