ધોળાવીરા : એક અવર્ણનીય અનુભવ – અમી દોશી


ચોરસ આકારમાં વિસ્તરેલું, ૧૨૦ એકરમાં ફેલાયેલું, રહસ્યમય નગર તરીકે ઓળખાતું આ શહેર એટલે ધોળાવીરા. તેનું સ્થાનિક નામ છે ‘કોટડા ટિંબા’. ધોળાવીરાનો અર્થ થાય છે ‘સફેદ કૂવો’

બાળપણમાં સિંધુ ખીણની સંસ્કૃતિનો અભ્યાસ કરતાં ત્યારે તેની નગર રચના, ગટર વ્યવસ્થા, એ લોકો કેવાં હશે, કઈ રીતે જીવન પસાર કરતાં હશે વગેરે વિશે પ્રાથમિક અભ્યાસ કરેલો ત્યારે એક વિશેષ આકર્ષણ થતું કે આવી નગરી કેવી હશે! ત્યાંના લોકો કેવાં હશે! અને મને ક્યારે આ નગરી જોવાં મળશે! ઇતિહાસ અને પુરાતત્વ વિષયો પરત્વે વિશેષ લગાવ હોય તેવું કાયમ લાગ્યું છે, આવા સ્થળોની મુલાકાત સમયે એ રોમાંચનો અનુભવ પણ કાયમ થયો જ છે.

અનેક લોકોને માત્ર પત્થરો, માટી સાથેના નિર્જીવ લાગતાં સ્થળોમાં મને એ સમયના લોકોનો જીવંત ધબકાર દેખાય છે અને તેમનું જીવન તાદૃશ્ય થઈ જતું દેખાય છે. ધોળાવીરા જવાની ઈચ્છા તો વર્ષો જૂની હતી, સથવારાની રાહમાં ઘણાં વર્ષો નીકળી ગયા.

અમુક સ્થળો એવાં હોય છે જ્યાં મોટાભાગના લોકોને જવામાં કોઈ રસ હોતો નથી અને જે જાય છે તેના પણ પ્રકાર છે. પ્રથમ ક્રમમાં છે એવા લોકો જેને ખરેખર ઉંડાણપૂર્વકનો રસ છે – અભ્યાસ કરવો છે. બીજા ક્રમના લોકો કશું જ વિચાર્યા વિના સમય મળ્યે પર્યટન સ્થળ સમજી મુલાકાતે તો જાય છે પણ નિરાશ થઈને પરત ફરે છે. (ત્યાં કંઈ ખાસ જોવા જેવું નથી – ખબર નહિ કઇ વસ્તુ જોવાં જેવી ગણાતી હશે.) અને અમુક લોકો પોતાના ટુ ડુ લિસ્ટમાં તેને સામેલ કરી અને ‘અમે ત્યાં જઈ આવ્યાં’ એવું બતાવવા માટે જતાં હોય છે. જો કે ત્યાં ગયાં પછી તરત જ ત્યાંથી રવાના પણ થઈ જતાં હોય છે.

મને અંતે એ સંસ્કૃતિને તાદૃશ્ય કરવાનો મોકો મળી ગયો.

પૂર્વ કચ્છના ભચાઉ તાલુકામાં આવેલાં ખડીર બેટનું લગભગ છેવાડાનું ગામ એટલે ધોળાવીરા. કારણ તેના પછી માત્ર ૪૦ કિમીમાં પાકિસ્તાનની સરહદ આવી જાય છે. બંને વચ્ચે છે અફાટ સફેદ રણ..

Dholavira Metropolis of Harappan Civilization : Article on Aksharnaad
Dholavira Metropolis of Harappan Civilization : Photo Copyright by Ami Doshi, Article on Aksharnaad

ખડિર બેટનો આકાર કપ જેવો છે. રાપરથી લગભગ ૬૦ કિમીના અંતરે રણ શરૂ થાય છે. આ વિસ્તારમાં પ્રવેશ કરીએ ત્યારે કંઇક વિશેષ જ અનુભૂતિ થાય છે. દૂર દૂર સુધી ક્યારેક જ કોઈ લોકલ વાહન જોવાં મળે, મળે માલધારીઓના ધણ, રસ્તાની બન્ને તરફ ફેલાયેલો બાવળ, ખુલ્લી પથરાળ જમીન અને ક્ષિતિજ રહિત લાગતું ફેલાયેલું રણ. અમરાપર ખડીર બેટનું પ્રવેશદ્વાર, ત્યારબાદ રતનપર, જનાણ જેવાં ચાર પાંચ ગામ અને છેલ્લું ધોળાવીરા. રાપરથી ધોળાવીરા તરફ જતાં, ધોળાવીરા ગામ પહેલા જ ચહલપહલ શરૂ થઈ જાય.. ટ્રક, ડંપર્સ જેવા મશીનો અને મજૂરો. હા જી અહીથી શરૂ થાય છે ‘રોડ ટુ હેવન’. અનુભવ કર્યો ત્યારે સમજાયું કે ખરેખર આ રોડ પર સ્વર્ગની અનુભૂતિ થાય છે.

પહેલાં તો ધોળાવીરા ગામનું નામ આ વિસ્તારના લોકો સિવાય કોઈ જાણતું નહોતું. ૧૯૬૭-૬૮ માં અધિકૃત રીતે પુરાતત્વ વિભાગ દ્વારા ઘોષિત થયું અને વિશ્વપ્રસિદ્ધ સ્થળ બની ગયું. જ્યારે ૨૦૨૧ માં યુનેસ્કો દ્વારા તેને ભારતની ૪૦ મી વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરવામાં આવી ત્યારે તેનું નામ  અને મહત્વ વિશ્વના નકશા પર વિશિષ્ટ રીતે અંકિત થઈ ગયા.

ધોળાવીરા - હડપ્પા સભ્યતાનું શહેર; Dholavira Metropolis of Harappan Civilization : Article on Aksharnaad
ધોળાવીરા – હડપ્પા સભ્યતાનું શહેર; Dholavira Metropolis of Harappan Civilization : Photo Copyright by Ami Doshi, Article on Aksharnaad

રૂમમાં ચેક ઇન કરી અને તરત જ અર્કિયોલોજીકલ સાઈટની મુલાકાત માટે નીકળી પડ્યાં જે અમારા રિસોર્ટથી માત્ર વોકિંગ ડિસ્ટન્સ પર હતી. અમને એમ હતું કે રજાનો દિવસ છે એટલે મુલાકાતીઓનો ધસારો હશે પણ ગણ્યાં ગાંઠયા મુલાકાતીઓ અને પરમ શાંતિનો અનુભવ. લોકલ ગાઈડ તમને આવકારે, એક રજીસ્ટરમાં તમારી માહિતીઓ લખાવે અને બસ બીજું કશું જ નહિ. સાઈટ અને મ્યુઝિયમ બંને એકદમ નિ:શુલ્ક. મોટાભાગના મુલાકાતીઓ હડપ્પા સાઈટનું ચક્કર મારી, ફોટા ક્લિક કરી નીકળી જતાં હતાં તો કેટલાંક ગાઈડ રાખીને આ સંસ્કૃતિને વિગતવાર સમજવાનો પ્રયત્ન પણ કરતાં હતાં. કેટલાંક લોકો ખોટી જગ્યાએ આવી ગયાની વાતો પણ કરતાં હતાં. ખેર ફરવાના સ્થળ માટે દરેક વ્યક્તિનો રસ, કારણો અને સ્થિતિ જુદી જુદી હોઈ શકે. પણ એટલું ચોક્કસ લાગે કે સમયાંતરે સતત ભાગદોડ કરતાં માણસનું હૃદય એટલું સૂકું થઈ ગયું છે કે તેને કોઈ અનુભૂતિ જ નથી થતી. કંઇક અનુભવવા માટે સમયની, મનની અને શરીરની નિરાંત જોઈએ.


પુરાતત્ત્વ વિશેષજ્ઞો અનુસાર ધોળાવીરાનો ઇતિહાસ આશરે ૫૦૦૦ વર્ષ જૂનો છે. ઇજિપ્તના પીરામિડ કરતાં પણ જૂનો.. હજારો વર્ષ પહેલાં ખડીર દ્વીપની ફરતે દરિયો હશે, જે પ્રાકૃતિક આપદાઓને પરિણામે કાળક્રમે રણમાં પલટાઈ ગયો હશે. ઈ.સ. ૧૯૬૭-૬૮ પુરાતત્ત્વ વિભાગે અધિકૃત કરી છતાં લગભગ ૨૦ વર્ષ સુધી આ જગ્યા વણસ્પર્શી રહી. ૧૯૮૯ થી ખોદકામ શરૂ થયું. લગભગ પંદર વર્ષ ચાલેલા ખોદકામ દરમિયાન મળેલી સંસ્કૃતિએ સમગ્ર વિશ્વને અચંબામાં મૂકી દીધું.

સામાન્ય સમજણ છે કે પુરાતન માનવ વસવાટ ત્યાં જ વિકસિત થયાં છે જ્યાં કાયમી વહેતી નદી હોય અથવા ચોમાસું નદીઓમાંથી વરસાદી પાણીનો પૂરતો સંગ્રહ થઇ શકતો હોય. જ્યારે આ વિસ્તાર સમુદ્રમાં હશે ત્યારે ખડીર એક બેટ સ્વરૂપે હશે અને ધોળાવીરા હશે એકદમ ધમધમતું બંદર, જે વિશ્વના દેશો સાથે જોડાયેલું હશે. આજે પણ વરસાદના સમયે પાણી ભરાવાને કારણે ખડીર બેટ ભારત ભૂમિથી અલગ થઈ જાય છે. તેની આસપાસ ભરાયેલું પાણી ગરમીમાં વરાળ બનીને ઉડી જાય છે અને બને છે વીસ હજાર સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલું વિશ્વનું મોટામાં મોટું મીઠાનું રણ.

એ સભ્યતા કેટલી વિકસી હશે એનું અનુમાન દરિયા કિનારે વિકસેલા આ બંદરની રચના અને સમૃદ્ધિ પરથી લગાવી શકાય એમ છે. પણ મુખ્ય સવાલ હશે મીઠાં પાણીનો. જો કે તેનો પણ આબાદ ઉપાય અહીં જોવા મળે છે. ધોળાવીરાની સંસ્કૃતિની ત્રણ વિશેષતાઓ ઉડીને આંખે વળગે તેવી અદ્ભુત છે.

૧. નગર રચના
૨. જળ સંચય પદ્ધતિ અને
૩. ટેકનોલોજીનો ઉપયોગ.

ચોરસ આકારમાં વિસ્તરેલું, ૧૨૦ એકરમાં ફેલાયેલું, રહસ્યમય નગર તરીકે ઓળખાતું આ શહેર એટલે ધોળાવીરા. તેનું સ્થાનિક નામ છે ‘કોટડા ટિંબા’. ધોળાવીરાનો અર્થ થાય છે ‘સફેદ કૂવો’, જ્યારે અંગ્રેજીમાં આ નામની સુંદર વ્યાખ્યા છે – Waterholes in a river with a white sand bed.

ધોળાવીરા નગર મુખ્યત્વે ત્રણ ભાગમાં વિભાજીત છે. ઉચ્ચવર્ગનો વસવાટ (દુર્ગ – કિલ્લો), મધ્યમવર્ગનો વસવાટ (મિડલ ટાઉન) અને નીચલાવર્ગનો વસવાટ (લોઅર ટાઉન). સમગ્ર નગરની સંરચનાનો અભ્યાસ કરીએ તો ખ્યાલ આવે કે તેમને તે સમયે વાસ્તુશાસ્ત્રનું સંપૂર્ણ જ્ઞાન હતું. આજના યુગમાં પણ આદર્શ નગરરચના આવી જ હોય છે.

Dholavira : Northen gate of Citadel : Article on Aksharnaad
Dholavira : Northen gate of Citadel, Photo Copyright by Ami Doshi : Article on Aksharnaad

નગરની ફરતે વિશાળ દીવાલ હોવાના અવશેષો જોવા મળે છે. જેમણે આ નગરના ઉત્ખનનની પ્રક્રિયામાં પુરાતત્ત્વ ટીમ સાથે લગભગ ૧૫ વર્ષ કાર્ય કર્યું તે આ ગામના નિવાસી એવા જયમલભાઈ મકવાણા કહે છે, ‘હું એક એક પથ્થરનો સાક્ષી છું. અહીંની કિલ્લાની પહોળી દીવાલોની બન્ને તરફ એક એક મીટરની પત્થરની દીવાલ છે. બાકી અંદરની તરફ કાચી માટીની ઈંટો ભરેલી છે અને કાચી માટીની ઈંટોની સભ્યતા પાકી માટીની ઈંટોની સભ્યતા કરતાં પણ જૂની છે. મતલબ ધોળાવીરાની સભ્યતા  મોંહેજો ડેરો  કરતાં પણ જૂની હોઇ શકે.’

નગરનો મુખ્ય રોડ નવ મીટર પહોળો, અંદરના રોડ પાંચ મીટર પહોળા અને ગલીઓમાં ઘરની વચ્ચે દોઢ મીટરનું અંતર જોવા મળે છે. નગરના ઘર ચોરસ આકારના, એક હારમાં અને કાટખૂણે જોવાં મળે છે જે કાળક્રમે અન્ય લોકો દ્વારા ગોળાકાર પણ બનાવાયેલા. નગરની ત્રણ તરફ દરવાજા છે, જેમાં મુખ્ય દરવાજો ઉત્તર તરફ છે, એના પર દસ ફૂટનું  જીપ્સમના અક્ષરોથી લખેલું બોર્ડ છે. તેને આજ સુધી કોઈ ઉકેલી શક્યું નથી. પુરાતત્ત્વવિદો એવું માને છે કે તે મુખ્ય દરવાજા ઉપર લગાવવામાં આવતું નગરના નામનું ઓળખ ચિહ્ન હોઈ શકે.

કિલ્લાની ઉત્તરે ખૂબ જ મોટું મેદાન (૪૭ મીટર પહોળું અને ૨૮૩ મીટર લાંબું) છે, જેનો ઉપયોગ સામૂહિક સમારંભ, ખેલ કે બજારના રૂપે કરવામાં આવતો હશે તેવું માનવામાં આવે છે. અહીં દસ હજાર લોકોને સમાવી શકે તેવું વિશાળ સ્ટેડિયમ પણ છે.

અહીં કોઈ પ્રકારના મંદિર કે દેવી-દેવતાની મૂર્તિ કે અવશેષો જોવા મળતાં નથી. જેથી એવું માનવાને કારણ છે કે તેઓ પ્રકૃતિની પૂજા કરતાં હશે. મૃત્યુ બાદ અગ્નિસંસ્કાર, દફનવિધિ, પારસીની જેમ અંતિમક્રિયા કે જળસમાધિ. આ ચાર પૈકી અહીં ચોથી ક્રિયા થતી હોય તેમ માનવામાં આવે છે. કારણ કે એક શબને બાદ કરતાં અહીં કોઈ શબ કે કંકાલ કે એના કોઈ અવશેષો મળી આવ્યા નથી.

(ક્રમશ: – વધુ ભાગ ૨ માં)

Dholavira, Travelogue, Harappan Civilization, Gujarat, Archaeological survey of India

અક્ષરનાદ પર આવા અન્ય સ્થળોના પ્રવાસવર્ણન વાંચવા – અહીં ક્લિક કરો.

આપનો પ્રતિભાવ આપો....