માનસ નવરાત્રી @ મહુવા 11
યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ કથાકાર પૂજ્ય શ્રી મોરારીબાપુ દ્વારા આજથી મહુવા ખાતે શરૂ થઈ રહેલી “માનસ નવરાત્રી” અનેક રીતે ખાસ છે. એક તો તે શ્રી બાપુના પોતાના વિસ્તારમાં હોવાના લીધે લોકોમાં અનન્ય ઉત્સાહ છે, વળી નવરાત્રી જેવા શક્તિપૂજાના પર્વે આ સુંદર આયોજન થયું છે તે ખૂબ આનંદ અને ભક્તિનો ઉત્સવ છે. આપ સૌને આ પ્રસંગે મહુવા આવવાનું હાર્દિક આમંત્રણ છે. શક્તિ અને તેના સ્વરૂપો વિષે માનસ નવરાત્રીમાં પૂજ્ય બાપુ ખૂબ સરસ વર્ણન કરશે અને તેમની યુગાન્ડાના કમ્પાલામાં માનસ કૃપાલા પછીની આ નવી શક્તિ ભક્તિ યાત્રા ખરેખર ખૂબ માણવાલાયક બની રહેશે…મહુવાના પેવિલીયન ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ આ કથામાં આપ સર્વેને આવવા, જોડાવા અને ઉજવણી કરવા હાર્દિક આમંત્રણ. નવરાત્રી એટલે ગુજરાત ની અસ્મિતા, ઓળખાણ. આ ઉત્સવ દરમ્યાન ગુજરાતીઓ શેરીઓમાં – પોળોમાં – મેદાનોમાં ગરબે ઘુમવા ઉમટી પડે છે. ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી સદા કાળગુજરાત – આ કાવ્ય પંક્તિ ને અનુરૂપ જ્યાં જ્યાં ગુજરાતીઓ વસેલા છે, ત્યાં ત્યાં તેમણે આ ઉત્સવની મહેક પહોંચાડી છે. આ ઉત્સવ માટે ગુજરાતીઓજ નહિં, પરંતુ તેમની સાથે વસતાં અન્ય પ્રદેશવાસીયો પણ રાહ જુએ છે. એક સરખા નવ દિવસ સુધી રાત્રે ગરબે ઘુમવું અને આખી રાત માણવી એ એક અણમોલ લ્હાવો છે, જે ગુજરાતીઓ દર વર્ષે માણે છે. અહીં મહુવામાં વડોદરાના ગરબા, મોડી રાતોના ઉજાગરા, પાસની વ્યવસ્થા અને પછી ગરબા રમવાનો (વડોદરાની ભાષામાં ગરબા ‘ગાવાનો’) અનન્ય આનંદ આ વખતે નહીં મળે પણ આ વખતે પૂજ્ય બાપુની માનસ નવરાત્રી તેની ખોટ મને નહીં સાલવા દે તેવી મને ખાત્રી છે. શક્તિપૂજા ના નવ દીવસોના આ નવરાત્રી પર્વ ની આપ સર્વેને ખૂબ શુભકામનાઓ…..માં શક્તિ આપ સર્વેને મનોકામના પૂર્ણ કરવાનું બળ અર્પે […]