ફરી આવીશ – સિલાસ પટેલિયા


પરોઢના ઝાકળ બાઝ્યાં

ઘાસ પરથી ચાલતાં ચાલતાં

ઝાકળ ઝીલી લે છે

તારાં આંસુઓ

ઝાકળ તો ઉડી જશે

કળ નહીં વળે

તારા આંસુઓને

લીલીઘટાનાં ઝુમ્મરોમાં

સૂર્યકિરણો સળીઓ ગોઠવે છે

એ સોનેરી માળામાં

ફરફર ઉડતાં આવે પંખીઓ

જેને રાતભર

તેં તારા સ્વપ્નની કથા કહી છે.

એ માળામાં ઝળહળતી

તારી સ્વપ્નકથા જોવા

ને એ ઘાસમાં

ફરી તારી સાથે ચાલવા

આવીશ.

 – સિલાસ પટેલિયા

( નવનીત સમર્પણ જૂન ૨૦૦૩માં થી સાભાર…)


આપનો પ્રતિભાવ આપો....

0 thoughts on “ફરી આવીશ – સિલાસ પટેલિયા