અમૃતા પ્રીતમને ભાગ્યેજ કોઈ સાહિત્યરસિક વાચક ન ઓળખે. તેમની ઘણી કવિતાઓ મેં હિન્દીમાં અનુવાદિત થયેલી વાંચી છે. મને ખ્યાલ નથી કે ગુજરાતીમાં તેનો અનુવાદ થયો હોય. હમણાં તેમની જીવનકથા રેવન્યુ સ્ટેમ્પ વાંચવાનો અવસર મળ્યો. એક લેખિકા અને એક કવિયત્રી જેમને ફક્ત “પીંજર” (તેમની નવલકથા પરથી બનેલી ફિલ્મ ) ને લીધે ઓળખતો હતો તેમની ઘણી રચનાઓ વિશે, જીવનના વિવિધ પડાવો વિશે અને તેમના જીવનનાં પ્રેરકબળો વિશે વાંચવા મળ્યું. તેમની જીવનકથામાં તેમની અનેક રચનાઓ માંથી વારિસ શાહને સંબોધીને લખાયેલી એક કવિતાનો ખાસ ઉલ્લેખ આવે છે. પંજાબી જાણતા એક મિત્ર મારફત એ કવિતાનો હિન્દી ભાવ મેળવ્યો અને તેનો અનુવાદ કરવાનો નાનકડો પ્રયત્ન અત્રે કર્યો છે. એક થી બીજી ભાષામાં સમજતા તેનો ભાવ “વાયા” થઈને આવ્યો છે એટલે કદાચ શરતચૂક હોય પણ ખરી, તેનો હેતુ વૈશ્વિક જાગૃતિનો છે, એક એવી તકલીફનો એમાં નિર્દેશ છે જે બધાને ક્યાંકને ક્યાંક અડે છે, પૂરી હોય કે અછડતી….. આશા છે આપને ગમશે… અમૃતા પ્રીતમ તેમની જીવનકથામાં કહે છે, ” પ્રાચીન ઈતિહાસમાં ભીષણ અત્યાચારી કાંડ આપણે ભલે વાંચ્યા હોય, પણ તોયે આપણા દેશના ભાગલા વખતે જે થયું એના જેવો ખૂની, બર્બર કાંડ કોની કલ્પનામાં આવે? દુઃખની વાતો કહી કહીને લોકો થાકી ગયા હતા, પણ આ વાતો જિંદગીની પહેલા પૂરી થાય એવી નહોતી. લાશ જેવા લોકો જોયા હતા, અને જ્યારે લાહોરથી આવીને દેહરાદૂનમાં આશરો લીધો, ત્યારે નોકરીની અને દિલ્હીમાં રહેવા માટેની જગા શોધવા ત્યાં આવી અને પાછી ફરી રહી હતી, ચાલતી ગાડીમાં ઉંઘ આંખની પાસે પણ ફરકતી નહોતી. ગાડીની બહારનું ઘોર અંધારૂ સમયના ઈતિહાસના જેવુ હતું. હવા એ રીતે સૂસવાતી હતી કે જાણે ઈતિહાસની લગોલગ બેસીને રડી રહી હોય. બહાર ઉંચા […]