પ્રભુ ! તું અને દરીયો & સુખનો ફોટો – જીગ્નેશ અધ્યારૂ 4


( મિત્રો, આજે મારી બે ગઝલ અત્રે મૂકી રહ્યો છું. સામાન્ય રીતે મારી ગઝલો સાંભળીને મિત્રો કહે છે કે નકારાત્મક વિચાર ગઝલોમાંય ઝળકે છે. પરંતુ મારા હિસાબે હકારાત્મક વિચારો ત્યાંથી જ ઉદભવી શકે.

પ્રથમ ગઝલ પ્રભુ અને દરીયા વચ્ચેનું સંયોજન દર્શાવવાનો પ્રયત્ન છે. ચાર વર્ષથી દરીયા કિનારે રોજ સવારે ઉભો રહી અફાટ સાગરને જોઈ, હવે ગઝલોમાં દરીયો આવી જ જાય તેમાં શું નવાઈ? અહીં મેં પ્રભુની વૈશ્વિકતા અને “મારો ઈશ્વર / અલ્લાહ / પ્રભુ” એવાં વાડાઓમાં રહેતા આપણે એ બે વચ્ચે થોડોક ભેદ કરવાનો પ્રયત્ન કર્યો છે. તો બીજી ગઝલમાં અનાયાસ જ આંસુ અને દુઃખોની વાત થઈ ગઈ છે. પરંતુ તેમાંય હિંમત ન હારવાની ક્ષમતા દેખાડવાનો પ્રયત્ન છે. (જો કે એક મિત્રએ એમ પણ કહ્યું કે શિકાર થયેલા હરણનાં છેલ્લા ચિત્કાર જેવી આ ગઝલ છે.) આપના દરેક પ્રકારના પ્રતિભાવોનું સ્વાગત છે. )

1. પ્રભુ ! તું અને દરીયો

તું જુએ જો મારી આંખોમાં તો,

તારી આંખોમાં મને દેખાય દરીયો.

ને જેવો ફેરવું હું નજરુંય તુજથી,

બની ઝાંઝવા વહી જાય દરીયો઼.

પ્રભુ ! તારી ગલીમાં હું ચોમેર ભટક્યો,

તોયે મને ક્યાંયે ન દેખાય દરીયો.

ને જોયું જો ભીતર જરી અમથું નમીને,

બની લાગણી મુજથી ઉભરાય દરીયો.

ઠેરવું જો મારો તો એમેય થાય મને,

કિનારે ક્યાં કદી રોકાય દરીયો.

પણ મારા માંથી જેવો અમારો કરું તો,

કિનારા છોડી કદી ક્યાં જાય દરીયો.

એક અડગ આશ ને પૂરો વિશ્વાસ પછી,

અર્જુનના બાણે ભલે વીંધાય દરીયો.

ખારો તો ખારો ભલે પીધો પીવાય નહીં,

બની નદી ઠેર ઠેર પૂજાય દરીયો.

 

2. સુખનો ફોટો

આંસુઓના ઉભરાતા દરીયાને ભોંઠો પાડવો છે,

દુઃખ ઉભું રહે, મારે સુખનો ફોટો પાડવો છે.

મિત્રોનો જ ઉપકાર કે આટલાં બધાં દુઃખો મળ્યા.

બધાંય નહીંતો થોડાંક, મિત્રો તો મને ખૂબ ફળ્યાં.

હૈયાની શિખંડી આશાઓને તાબોટો પાડવો છે,

દુઃખ ઉભું રહે, મારે સુખનો ફોટો પાડવો છે.

આભાર એ વીતેલા સાથીનો, મને કદી કાંઈ ના ગણ્યો,

ખૂબ સરસ કે રેતીમાં તાજમહેલ તેં ના ચણ્યો

રેતી નીચેના પથ્થરને હવે બદલો એનો વાળવો છે.

દુઃખ ઉભું રહે, મારે સુખનો ફોટો પાડવો છે.

 – જીગ્નેશ અધ્યારૂ


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “પ્રભુ ! તું અને દરીયો & સુખનો ફોટો – જીગ્નેશ અધ્યારૂ

  • Nishit Joshi

    પ્રભુ ! તારી ગલીમાં હું ચોમેર ભટક્યો,

    તોયે મને ક્યાંયે ન દેખાય દરીયો.

    ને જોયું જો ભીતર જરી અમથું નમીને,

    બની લાગણી મુજથી ઉભરાય દરીયો.

    મજા આવી ભાઈ.
    મને હાલમા જ લખેલી બે લાઈન પાછી યાદ આવી ગઈ.
    “બેઠેલો જ છે હ્રદયમા સૌનો પ્રેમી
    જરા પોતાના માથાને નમાવીને તો જો
    લહેરો જ બની જશે કીનારા પાછી
    તોફાનોથી જરા સામનો કરીને તો જો”

    નીશીત જોશી