પ્રસંગકથાઓ.. – ગોવિંદ શાહ 4
એક દિવસ રાત્રે અંધારામાં મારા ઘરે દરવાજા આગળ એક કદાવર અને બિહામણો માણસ જોયો. તેનો ચહેરો કાળો અને ભરાવદાર હતો. પહેલાં તો હું ગભરાઈ ગયો કે અડધી રાત્રે આ ભયાનક પ્રાણી કોણ છે. પછી મને ખ્યાલ આવ્યો કે આ તો સાક્ષાત યમરાજ લાગે છે. ચોક્કસ મને લેવા આવ્યા લાગે છે. મેં કહ્યું ‘પધારો સાહેબ, આજે આ બાજુ ક્યાંથી ભુલા પડ્યા? શું સ્વર્ગમાં સારા હોશિયાર માણસોની ખોટ છે તે મારે ત્યાં દર્શન દીધાં? અત્યારે હું ચૂંટણીની ધમાલમાં ખૂબ વ્યસ્ત છું એટલે અપોઈન્ટમેન્ટ લઈને આવો તો સારું રહેશે.’ પરંતુ મારું કહ્યું કશું કાને ધર્યું નહીં. તેમણે સીધા સોફા પર આસન જમાવી દીધું.