પ્રસ્થાપિત લેખકો માને છે કે માઈક્રોફિક્શન કે જેને અક્ષરનાદ ગુજરાતીમાં ‘વાર્તાપ્રકાર’ તરીકે વિકસાવી રહ્યું છે એ શબ્દરમત છે, એ કોઈ વાર્તાપ્રકાર નથી. એક સર્જકે કહ્યું, ‘એ થોડો સ્વીકાર્ય પ્રકાર છે? કયું સામયિક તેને વાર્તાપ્રકાર ગણશે? કયા સંપાદકો તેને પોતાના સંપાદનમાં સમાવશે?’ મારે તેમને કહેવું છે, ‘જરા ઘરેડમાંથી બહાર આવો સાહેબ, ગાર્ડિયન જેવું અખબાર જેને આજના જમાનાનો સર્વાધિક લોકપ્રિય વાર્તાપ્રકાર ગણાવે છે, વિશ્વના અગ્રગણ્ય અને પ્રચલિત વિદ્યાલયો જેની સ્પર્ધાઓ વર્ષોથી યોજે છે, ૧૯૪૮થી જે અંગ્રેજીમાં સર્જાઈ રહી છે એ માઈક્રોફિક્શનને ગુજરાતીમાં વિકસવા કોઈ સર્ટિફિકેટની જરૂર છે?’
માઈક્રોફિક્શનના આ યજ્ઞમાં, અક્ષરનાદ આયોજીત પ્રથમ ગુજરાતી માઈક્રોફિક્શનની આ સ્પર્ધામાં અમે આયોજકો તરીકે ભાગ નહીં લઈ શકીએ તો શું થયું? સર્જન પ્રક્રિયા તો સતત રહે જ છે. આજે પ્રસ્તુત છે મારી ૧૧ માઈક્રોફિક્શન વાર્તાઓ. હું આજે પહેલા એક માઈક્રોફિક્શન વાર્તાકાર અને પછી સંપાદક. નિખાલસ પ્રતિભાવોનું સ્વાગત છે.