શ્રી સ્નેહલ મઝુમદાર સાથેની ઓળખાણ તદ્દન પ્રોફેશનલ, તેઓ અમારી કંપનીમાં એક્સ્ટર્નલ ઑડીટર તરીકે આવે, મારે તેમને અથવા તેમના સ્ટાફને જરૂરી માહિતી ઉપલબ્ધ કરાવવાની અને સાઈટ પર ફેરવી રિપોર્ટ આપવાનો. પણ મારી તેમની સાથે પહેલી ઓળખાણ કાંઈક અજબ અંદાઝમાં થઈ.
કંપનીનું કદાચ પ્રથમ ઑડીટ ચાલતુ હતું ત્યારે મીટીંગમાં જરૂરી ડેટા લઈ આવવા મને કહેવાયું અને હું આવ્યો એટલે તેમની સાથે ઓળખાણ કરાવતા અમારા ચીફ ઑપરેટીંગ ઑફીસરે કહ્યું, “મીટ હીમ, હી ઈઝ જીજ્ઞેશ અધ્યારૂ, હી હેન્ડલ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એક્ટીવીટીઝ હીયર” પણ મઝુમદાર સાહેબ મારા નામ પર જ અટકી ગયેલા, તેમની યાદશક્તિની ખાસીયત કહો કે ગમે તેમ, એકાદ મિનિટ પછી પૂછી બેઠા, “નવનીત સમર્પણમાં પેલો શિયાળબેટ વિશેનો લેખ તમારો હતો?” હવે આશ્ચર્ય પામવાનો વારો મારો હતો. તે પછી તો ઓળખાણ વધી, હવે ક્યારેક ગીરમાં સાથે જવાના તેમના પ્રસ્તાવને પણ અમલમાં મૂકવો છે. એક મિત્રના સંગ્રહમાંથી મળી આવેલી તેમની જ આ રચના પ્રસ્તુત કરતા આનંદ થાય છે. શ્રી સ્નેહલ મઝુમદાર સંતુર વિશે પણ સારુ જ્ઞાન ધરાવે છે, શાસ્ત્રીય સંગીતની તેમની અને અમારા ચીફ ઑપરેટીંગ ઑફીસરની ગહન ચર્ચાઓના તો અમે અનેક વખત સાક્ષી રહ્યા છીએ. કૃષ્ણભક્તિ અને અકાઉન્ટ વિભાગનો અનોખો સુમેળ ધરાવતી તેમની આ રચના આજે પ્રસ્તુત કરી છે.