ધોવા નાખેલા જીન્સનું ગીત – ચંદ્રકાન્ત શાહ; પઠન RJ દેવકી 1


સર્જનના ચાર મિત્રોના અમદાવાદમાં થયેલા પુસ્તકવિમોચન પ્રસંગે જાણીતા આર.જે, અભિનેત્રી દેવકીએ ચંદ્રકાન્તભાઈ શાહના સ્મરણમાં એમના એક અદના ચાહક તરીકે આ કાવ્યનું પઠન કર્યું હતું. અમેરિકાના બોસ્ટનમાં સ્થાયી થયેલા કવિ, નાટ્યકાર, ફિલ્મ નિર્માતા, લેખક અને અમેરિકાની આઇ.ટી કંપનીના સીઈઓ ચંદુભાઈ શાહનું 4 નવેમ્બર 2023ના રોજ નિધન થયું હતું. પ્રસ્તુત છે અક્ષરનાદના મિત્રો માટે એ કાવ્ય અને એના પઠનનો વિડીયો.

(એક આડવાત, ડાયસ્પોરા કાવ્યોની વાત જ્યારે જ્યારે ચર્ચાય ત્યારે દર વખતે મને એ સતત અનુભવાય છે કે એ કાવ્યો અને સર્જકો સવાયા છે. આપણે એને ભલે ડાયસ્પોરાનો ટેગ આપ્યો હોય પણ એમાં છલકતી લાગણીઓ જેટલી માતૃભૂમિથી, સમયના કોઈ ખાસ ટુકડાથી અલગ થયાની તીવ્રતા કદાચ અન્યત્ર એટલી તીવ્રતાથી અનુભવાતી નથી. ચંદ્રકાન્તભાઈના અતિપ્રસિદ્ધ કાવ્યસંગ્રહ બ્લુ જીન્સની અને એમાંય આ કાવ્ય માણીએ ત્યારે જીન્સ અને જીવનની સરખામણી, સમયના એ ટુક્ડાના વીતી ગયાનો વસવસો સજ્જડ અનુભવાય છે.


મળે ડાબા ખિસ્સામાં એક ડૂચો વળી ગયેલ મોરલાનો ટહુકો
સાંભળીને તેં મને આપેલ,
કે તું જીન્સ મારું પહેરે અને ઓચિંતો સાવ તને જડે
એમ મેં જ મારા હાથે રાખેલ એવું કંઇક.

મળે જમણા ખિસ્સામાં એક સુક્કો પડેલ બોર ચણિયાનો ઠળિયો
ચાખીને તેં મને આપેલ,
કે ચગળી શકું જો તને આખ્ખેઆખ્ખી તો કેવું લાગે
એ બહાને મેં પોતે જ ચાખેલ એવું કંઇક.

રોજ રોજ નવી નવી પાંખોને પહેરવાની ઈચ્છાથી
પંખીનાં ટોળાંનાં ટોળાંએ વરસોથી કાંતેલું ડેનિમ આકાશ,
જરા વેતરીને, માપસર કાતરીને, સ્ટોનવૉશ ધોઈ કરી,
લેઘરના દોરાથી ડબ્બલ સીવેલ કોઈ જીન્સ જેવો આપણો સંબંધ.

પહેલવ્હેલી વાર તારો હાથ મારા હાથે પકડેલ, ત્યારે કોઈ નહિ ક્યાંય સુધી કશું બોલેલ.
અને દુનિયા આખી એવી નરવસ થયેલ, પછી હથેળીનો પરસેવો આપણે લૂછેલ.
એના ડાઘા દેખાય મારા જીન્સ ઉપર આજે પણ એવા અકબંધ.
લેઘરના દોરાથી ડબ્બલ સીવેલ કોઈ જીન્સ જેવો આપણો સંબંધ

મળે નીચેની ફોલ્ડ સ્હેજ ખોલતાંક અધધ-ધધધ રેતીનો દરિયો
દરિયાનો તળિયે કોઈ છીપલાંની વચ્ચેથી હું તને મળીશ
એમ માની મેં દરિયો ઉલેચેલ
કે દરિયાને તારો અવતાર એક ધારી
હું દરિયાના પાણીને ગટગટાટ પી ગયેલ એવું કંઇક

મળે ડાબા ખિસ્સામાં એક ડૂચો વળી ગયેલ મોરલાનો ટહુકો કે એવું કંઇક
મળે જમણા ખિસ્સામાં એક સુક્કો પડેલ બોર ચણિયાનો ઠળિયો કે એવું કંઇક
મળે નીચેની ફોલ્ડ સ્હેજ ખોલતાંક અધધ-ધધધ રેતીનો દરિયો કે એવું કંઇક

ગોઠણથી સ્હેજ સ્હેજ ફાટેલા જીન્સમાંથી દેખી શકાય
એક દૂર દૂર લંબાતો રસ્તો
ડામરના રસ્તા પર સાંભળી શકાય પછી કાવાસાકીનો કલશોર
અને દેખી શકાય ટાઇટ ક્લોઝ-અપમાં.
બાઇક ઉપર સાવ મને ભીંસીને બેઠેલી તું
પછી હંડ્રેડ ઍન્ડ ટ્વેન્ટીની સ્પીડે તું મારામાં વીઝાતી, તારામાં વીઝાતો હું.

કાઉબૉયની જેમ મારું તારા વિચારોના ખુલ્લા મેદાનોમાં ફરવું
ઝીણી વ્હિસલ તારા કાનમાં વગાડવી ને ઢિચકાંવ ઢિચકાંવ તને ચૂમવું
રોજ તને રફટફ ચાહવું કે મળવાને અશ્વોની જેમ દોડી આવવું
એ બધું તો મારે સ્વભાવગત.

ઉપરથી તારા ફેંકાયેલા લેસ્સોમાં હંમેશા વીંટાતો, ખીંટાતો હું
પછી હંડ્રેડ ઍન્ડ ટ્વેન્ટીની સ્પીડે તું મારામાં વીઝાતી, તારામાં વીઝાતો હું.

મળે છેલ્લા ખિસ્સામાં એક ઇચ્છા, બે વાતો, ને ત્રણેક પ્રસંગો
ઇચ્છામાં હોય એક આઇ.એસ.આઇ માર્કવાળું કે એગમાર્ગ છાપ
મને ફિટોફિટ થાય, તને અપટુડેટ લાગે
બહુ બૅગી ન હોય, એવું આપણું જ મળવું.

વાતોમાં હું જે ન બોલ્યો હોંઉં
એમાંથી યાદ હોય જેટલું તને
કે તારી આંખોથી જસ્ટ લાઇક ધેટ
મેં જે ચોરી લીધેલ હોય એ બધું

પ્રસંગોમાં આપણને રસ્તાની વચ્ચોવચ્ચથી
કોઈ બેલ્ટનું બક્કલ મળે એમ એક અમથું મળેલ
એક ડેનિમ આકાશના જ ચંદરવા નીચે રચેલ
એક આંખોથી સ્ટેર કરી, હોઠ વડે ઊજવેલ, એવું કંઇક.

મળે ડાબા ખિસ્સામાં એક ડૂચો વળી ગયેલ મોરલાનો ટહુકો કે એવું કંઈક
મળે જમણા ખિસ્સામાં એક સુક્કો પડેલ બોર ચણિયાનો ઠળિયો કે એવું કંઇક
મળે નીચેની ફોલ્ડ સ્હેજ ખોલતાંક અધધ-ધધધ રેતીનો દરિયો કે એવું કંઇક
મળે છેલ્લા ખિસ્સામાં એક ઇચ્છા, બે વાતો, ને ત્રણેક પ્રસંગો કે એવું કંઇક.

મળે ધોવા નાખેલ કોઈ લીવાઇઝના જીન્સમાંથી
વાંકીચૂકી વળેલ ચિઠ્ઠીઓ, ડિઝાઇનર લેબલનાં બિલ્સ,
થોડા બ્લેક એન્ડ વ્હાઇટ ફોટા, ફિલ્લમની અડધી ટિકીટો,
ને ગીત એક સિગારેટના ખાલી ખોખા પર લખેલ એવું કંઇક.

– ચંદ્રકાન્ત શાહ


આપનો પ્રતિભાવ આપો....

One thought on “ધોવા નાખેલા જીન્સનું ગીત – ચંદ્રકાન્ત શાહ; પઠન RJ દેવકી

  • દીપ્તિ ઈનામદાર , અમરત ,વડોદરા

    ખૂબ સરસ , મારે પણ અહિયાં જોડાવું હોય તો કેવી રીતે જોડાવું ?
    પ્રત્યુત્તરની અભિલાષી