હીરામંડી – સમાજના કલંકને ભપકાદાર આર્ટ તરીકે ચીતરવાની કુત્સિત વૃત્તિ 4


એક હતો સઆદત હસન મંટો જેની વાર્તાઓ અસહજ કરી મૂકતી, એના વિચાર પણ તકલીફ આપતા. મંટોની વાર્તા ‘બૂ’ કે ‘ખોલ દો’ પહેલી વાર વાંચી પછી કેટલાય કલાક મગજ સુન્ન થઈ ગયેલું. સાહિત્ય જો પીડાને માણસાઈપૂર્વક અને ભાવકને સ્પર્શી જાય એમ પ્રસ્તુત કરી શકે તો જ એ એના મૂળ હેતુને પામે છે. સાહિત્યનો હેતુ મનોરંજન ઉપરાંત સત્યને એના મૂળ સ્વરૂપે લોકો સુધી પહોંચાડવાનો પણ છે.

જ્યારે સાહિત્ય કે કળાનું સ્વરૂપ સંજયભાઈ ભણશાળીની કૃતિ ‘હીરામંડી’ની જેમ ફક્ત ભવાડો બનીને રહી જાય, કળાને નામે સમાજના નકારાત્મક પાસા, નઠારી બાબતો અને વિકૃતિઓને કારણ વગર ભવ્યતા આપી એને સહજ પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરે ત્યારે એ કૃતિનું યથોચિત સન્માન થવું જરૂરી છે.

શ્રી સંજયભાઈ લીલાબેન ભણશાળીએ બનાવેલી વેબશ્રેણી હીરામંડી જોઈ. સંજયભાઈને આમ પણ મુજરા, કોઠા અને તવાયફો પ્રત્યે અદમ્ય આકર્ષણ હોય એવું એમની ફિલ્મો જોતા સહજ જણાઈ આવે. ગંગુબાઈ કાઠિયાવાડીની આલિયા ભટ્ટ હોય કે દેવદાસની માધુરી દિક્ષિત, સંજયભાઈ ‘સરસ્વતિચંદ્ર’ની પણ નાલેશી કરી ચૂક્યા છે. અહીં પણ એક જ વાત – કારણ વગરનો તદ્દન જૂઠ્ઠો ભપકો અને ભયાનક ભવ્યતા. કોઈ એમને પૂછે કે જેમની અગિયાર બાર વર્ષની દીકરીને આવી હીરામંડીમાં…. શબ્દો નથી આવી વાત પૂરી કરવા. એક હતો સઆદત હસન મંટો જેની વાર્તાઓ અસહજ કરી મૂકતી, એના વિચાર પણ તકલીફ આપતા. મંટોની વાર્તા ‘બૂ’ કે ‘ખોલ દો’ પહેલી વાર વાંચી પછી કેટલાય કલાક મગજ સુન્ન થઈ ગયેલું. સાહિત્ય જો પીડાને માણસાઈપૂર્વક અને ભાવકને સ્પર્શી જાય એમ પ્રસ્તુત કરી શકે તો જ એ એના મૂળ હેતુને પામે છે. સાહિત્યનો હેતુ મનોરંજન ઉપરાંત સત્યને એના મૂળ સ્વરૂપે લોકો સુધી પહોંચાડવાનો પણ છે.

ક્યાંક વાંચ્યું હતું કે એમનું બાળપણ મુંબઈના કમાઠીપુરા વિસ્તાર આસપાસ વીત્યું છે, પણ તો પ્રશ્ન એ થાય કે એ સ્ત્રીઓના દુ:ખ, તકલીફો, મજબૂરી અને એમના સંઘર્ષને બદલે સંજયભાઈ એમના જીવનની કઠણાઈને કારણ વગરની અને તદ્દન નઠારી વિલાસિતા – ભવ્યતા બક્ષીને એના ખોટા સ્વરૂપને કચકડે કંડારવા અને રોકડી કરવા કેમ મંડ્યા રહે છે? અને એ બધું કર્યાં છતાં છેલ્લે એને ચલાવવા સ્વતંત્રતાની લડત અને દેશભક્તિનો મસાલો ભભરાવવો પડ્યો?

હીરામંડી વિશે હકીકત જાણવા માટે થોડુંક ઈતિહાસદર્શન જરૂરી છે. તમે લેફ્ટ લિબરલ ઇતિહાસકારોના લેખ કે રિવ્યૂ જોશો તો એ તમને જણાવશે કે હિરામંડી ડોગરા પ્રધાન હીરા સિંહે શરૂ કરાવી હતી. કાયમની જેમ એ એમનું અર્ધસત્ય છે. હીરામંડી હીરા સિંહે શરૂ કરાવી હતી, પણ ત્યારે એ બજારમાં કોઠા – મુજરા કે દેહવ્યાપાર નહોતાં. એમણે બજાર શરૂ કરાવી ત્યારે એ અનાજની બજાર હતી.

હીરા સિંહ ડોગરાની હીરામંંડી

વિગત હકીકત એ છે કે 1843-44 દરમ્યાન લાહોરના ડોગરા રાજ્યના મંત્રી હીરા સિંહ ડોગરા રાજા ધ્યાનસિંહના પુત્ર હતાં જે મહારાજા રણજીત સિંહના દરબારમાં અગ્રસ્થ મંત્રી હતાં. એમણે પોતાના પુત્રને મહારાજા રણજીતસિંહજી સમક્ષ પ્રસ્તુત કર્યો. રણજીતસિંહજી તેમનાથી પ્રભાવિત થયાં અને ઘણી જાગીર આપી. શીખ સામ્રાજ્યમાં આંતરિક વિખવાદોને લીધે રાજા ધ્યાનસિંહની અને અન્ય અનેકોની એક બળવામાં હત્યા થઈ, પાંચ વર્ષના મહારાજા દુલિપ સિંહ રાજા બનાવાયા અને ચોવીસ વર્ષના હીરા સિંહ પ્રધાન બન્યા.

શ્રીરામપુત્ર લવના નામ પરથી બનેલું લવપુર – લાહૌર મુસાફર હ્યુ એન સંગ મુજબ સાતમી સદીમાં સમૃદ્ધ અને શાંત શહેર હતું અને એની મહત્તમ વસ્તી બ્રાહ્મણોની હતી. ઈ.સ. 1010માં પહેલીવાર એ શહેર ઈસ્લામી આક્રાંતા મહમૂદ ગઝનવીના હાથમાં ગયું, વિધ્વંસનો એનો એ પહેલો અનુભવ હતો. મુઘલકાળમાં લાહોર શહેર ફરતે કિલ્લો હતો જેમાં શહેરમાં પ્રવેશના તેર દરવાજા હતાં – અકબરી દરવાજા, ભાટી, દિલ્હી, કશ્મીરી. લાહોરી, મસીતી, મોચી, મોરી, રોશનાઈ, શાહ આલમી, શેરાંવાલા, ટકસાલી અને યક્કી દરવાજા. મુઘલોની ટંકશાળ જેની નજીક હતી એ ટકસાલી દરવાજા તરીકે ઓળખાયો અને એ ટંકશાળની નજીકના વિસ્તારમાં ધનાઢ્યોના ઘર હતાં, અને એ પછીના વિસ્તારમાં તેમના નોકરોની વસ્તી હતી. એ ધનાઢ્યોની વસ્તી પાસે ઔરંગઝેબે બાદશાહી મસ્જીદ બંધાવી હતી અને અકબરના સમયથી એ વિસ્તાર શાહી મહોલ્લા તરીકે ઓળખાતો. પોતાના મંત્રીપણા દરમ્યાન હિરાસિંહે વિચાર્યું કે ધનાઢ્યોના વિસ્તારની આસપાસ બજાર હોય તો વેપાર વધે અને લે-વેચમાં સરળતા રહે એ માટે ટંકશાળ દરવાજા નજીક શાહી મહોલ્લા પાસે તેમણે મંડી શરૂ કરાવી જેને તેમના નામ પરથી હીરા દી મંડી કહેવાતું. મૂળે અનાજ સાથે કાપડ, આભૂષણો વગેરે બધું અહીં વહેંચાતું પણ આ વિસ્તારમાં ત્યારે કોઈ કોઠા, કોઈ મુજરા કે દેહવ્યાપાર થતો નહોતો.

બીજો અગત્યનો ઘટનાક્રમ જે ઇતિહાસને હીરામંડી સાથે સાંકળે છે એ છે પાણીપતનું ત્રીજું અને ભયાનક યુદ્ધ, અફઘાનિસ્તાનના રાષ્ટ્રપિતા ગણાતાં આતંકી લૂંટારા અહમદ શાહ અબ્દાલી (દુર્રાની) અને મરાઠાઓની સેનાઓ વચ્ચે થયું હતું.

અહમદ શાહ અબ્દાલી અને પાણીપતનું ત્રીજું યુદ્ધ

નાદિર શાહના મૃત્યુ પછી અહમદ શાહ દુર્રાની અફઘાનિસ્તાનનો રાજા બન્યો હતો. હુમલા કરવા. નાગરીકોની હત્યાઓ કરવી, લૂંટફાટ કરવી અને સ્ત્રીઓ તથા બાળકોને ગુલામ બનાવી લઈ જવાની તેની વૃત્તિ હતી. ભારત પરના પ્રથમ આક્રમણમાં તે હાર્યો, એનો બદલો લેવા માટે બીજી વખત હુમલો કર્યો અને સિંધુના પશ્ચિમ વિસ્તારને કબજે કર્યો.

પાણીપતનું ત્રીજું યુદ્ધ 14 જાન્યુઆરી 1761ના રોજ, મરાઠા અને અહમદ શાહ વચ્ચે થયું જેમાં તેના ભારતીય મુસ્લિમ સાથીઓ એવા મુગલો, ગંગા-જમુના દોઆબના રોહિલ્લા પઠાણો અને અવધના નવાબ શુજા-ઉદ-દૌલા દ્વારા સમર્થન મળ્યું. જો શુજા ઉદ દૌલાએ અહમદ શાહના સૈન્યને ખોરાક, પાણી અને હથિયારોનો પુરવઠો ન આપ્યો હોત તો એનું જીતવું અશક્ય હતું. મરાઠાઓએ પણ શુજાને સાથે જોડાવવા નિમંત્રણ મોકલ્યું હતું પણ ધર્મને લીધે એણે અહમદશાહનો સાથ આપ્યો. મરાઠાઓને તેમણે રીતસર ચોતરફથી ઘેરી લીધા અને પુરવઠો બંધ કર્યો. મરાઠાઓએ ધીરજ પૂર્વક રાહ જોઈ પણ અંતે ધીરજ ખૂટી અને તેમણે એ ઘેરાવો તોડવા મરણીયા થવું જ પડ્યું.

ત્યારે મરાઠા સામ્રાજ્ય અફઘાનિસ્તાન સુધી વિસ્તરેલું હતું અને મુઘલો માટે એનો ભય મોટો હતો. સદાશિવ રાવ ભાઉની આગેવાની હેઠળ મરાઠાઓએ પચાસથી સાહિંઠ હજારની સેના સાથે અફઘાન આક્રમણનો જવાબ આપ્યો. ઇતિહાસકારો કહે છે કે તેમની સાથે લાખ સ્ત્રીઓ અને બાળકો હતાં જે માનવું અશક્ય છે. યુદ્ધે નીકળેલી સાહિંઠ હજારની સેના સાથે લાખ સામાન્ય નાગરિકો? ઇતિહાસકારો લખે છે કે એ સ્ત્રીઓ, વડીલો અને બાળકો સાથે મથુરા, વૃંદાવન, કાશી, ચારધામ જેવા તીર્થોની યાત્રા માટે નીકળ્યા હતાં. શીખ ઈતિહાસકારો આ સ્ત્રીઓ અને બાળકોની સંખ્યા વીસ હજાર આલેખે છે તો ક્યાંક સત્તર હજાર અને ક્યાંક બે હજાર પણ છે.

અહમદ શાહના સૈન્યએ મરાઠા સૈન્યના અનેક વિભાગોનો નાશ કર્યા પછી વિજય મેળવ્યો. વિલાસ રાવ ભાઉ, સદાશિવ રાવ ભાઉ જેવા મોટાભાગના મરાઠા નેતાઓ યુદ્ધમાં માર્યા ગયા જ્યારે હોલકર ગ્વાલિયરની સુરક્ષામાં જતા રહ્યાં. આ લડાઈ 18મી સદીની સૌથી લોહિયાળ લડાઈ માનવામાં આવે છે જેમાં એક જ દિવસમાં લાખથી વધુ સૈનિકોની જાનહાનિ થઈ. મરાઠાઓને રાજપૂત, જાટ અને શીખ રાજ્યોનો સાથ મળ્યો હોત પણ મરાઠાઓના વહીવટ અને આંતરિક જૂથબંધીએ એ કોઈ સાથે ન આવ્યા.

જીત પછી અફઘાન ઘોડેસવારો અને સૈનિકોએ પાણીપતની શેરીઓમાં જઘન્ય નૃશંસતા આચરી. હજારો મરાઠા સૈનિકો અને પાણીપતના પુરુષ નાગરિકોની હત્યા કરી. પાણીપતની શેરીઓમાં આશરો લેતી સ્ત્રીઓ અને બાળકોને ગુલામો તરીકે અફઘાન શિબિરોમાં લવાયા, ચૌદથી વધુ ઉંમરના બાળકોને તેમની માતાઓ અને બહેનોની સામે શિરચ્છેદ કરાયા. અફઘાન અધિકારીઓ કે જેમણે યુદ્ધમાં તેમના સ્વજનો ગુમાવ્યા હતા તેઓને બીજા દિવસે પણ પાણીપત અને આસપાસના વિસ્તારમાં ‘કાફીર’ હિંદુઓનો નરસંહાર કરવાની પરવાનગી આપવામાં આવી. તેઓએ તેમના છાવણીઓની બહાર કપાયેલા માથાના ઢગલા વિજયના પ્રતીક તરીકે ગોઠવ્યા. ઈતિહાસ મુજબ, યુદ્ધ પછીના દિવસે પણ લગભગ ચાલીસહજાર લોકોની ઠંડા કલેજે ઘાતકી હત્યા કરાઈ.

બંદી બનાવાયેલા સૈનિકો શિરચ્છેદ કરાયા. સ્ત્રીઓ અને બાળકીઓને ગુલામ તરીકે અફઘાનિસ્તાનમાં વેચવા લઈ જવાયા. એપ્રિલ-મે 1961માં આ સરઘસ નીકળ્યું. રસ્તામાં અફઘાન સૈનિકો પોતાની વાસના સંતોષવા માટે પણ તેમનો ઉપયોગ કરતાં.

શીખોની વીરતા અને સદભાવના

આ સમય સુધી શીખોએ આ યુદ્ધમાં કોઈ પક્ષ લીધો નહોતો પણ સ્ત્રીઓ અને બાળકોની આ સ્થિતિની જાણ થઈ. અમૃતસર ખાતે તેમની દ્વિ-વાર્ષિક બેઠકમાં મરાઠાઓ દ્વારા પરિસ્થિતિથી માહિતિગાર કરાયા અને મદદ માટે વિનંતી કરાઈ પછી તેમનો રોષ ભભૂકી ઉઠ્યો. કોઈ હુમલાનો ડર ન હોવાથી અને જીતના મદમાં આંધળા એવા અબ્દાલીના સૈન્યની પાછળની તરફ શીખોએ અચાનક હુમલો કરી અબ્દાલીને ચોંકાવી દીધો. સેનાની પાછળ ચાલતી મોટા ભાગની બંદી સ્ત્રીઓને છોડાવવામાં તેઓ સફળ થયાં. તેમનો હેતુ યુદ્ધ નહોતો પણ આ સ્ત્રીઓને મુક્ત કરાવવાનો હતો. આ મુક્તિ પાકિસ્તાનના ગુજરાતમાં વજીરાબાદથી આશરે પંદર કિલોમીટર દૂર આવેલી જગ્યાએ થઈ અને એમાં ઘણાં શીખ સૈનિકો વીરગતિને પ્રાપ્ત થયાં.

મોટાભાગની વિધવા સ્ત્રીઓ પાસે પરત જવા પરિવાર નહોતો. એમાંથી ઘણી શીખ સૈનિકો સાથે પરણી ત્યાં જ સ્થાયી થઈ. તો પણ ઘણી સ્ત્રીઓને અબ્દાલી સાથે લઈ ગયો અને અબ્દાલીના સૈનિકો દ્વારા લાહોર પાસેના વિસ્તારમાં આ સ્ત્રીઓનો દેહવ્યાપાર શરૂ કરાયો હોવાનું મનાય છે જે હીરા સિંહ ડોગરાથી લગભગ એંશી વર્ષ પહેલાની ઘટના છે.

સંજયભાઈની હીરામંડીની હકીકત

અબ્દાલીના સૈનિકોએ સ્ત્રીઓને લાહોર પાસે પુરાની અનારકલી નામના વિસ્તારમાં રાખી હતી, આ વિસ્તાર અકબરની સેવિકા અનારકલીના નામ પરથી જાણીતો છે જે એક નાચ દરમ્યાન સલીમ તરફ જોઈને હસી એટલે એને દીવાલમાં ચણાવી દેવાઈ હતી. કે. આસિફે આ ઇતિહાસ પરથી અનારકલી અને સલીમના પ્રેમની કથા મુગલે આઝમ બનાવી હતી. શું તમને લાગે છે કે ખરેખર અનારકલી અકબરની સામે ‘પ્યાર કિયા તો ડરના ક્યા’ ગાઈ શકી હશે? અલાઉદ્દીન ખીલજીના કાળમાં અને તે પછીથી મુઘલોએ અને પછી અફઘાન શાસન દરમ્યાન આ જ વિસ્તારમાં અફઘાન, ઉઝબેક અને હિંદના વિસ્તારોમાંથી અનેક સ્ત્રીઓને લાવીને નાચગાન અને મોજશોખ માટે રાખી હતી, એમની સાથે કેવો વ્યવહાર થતો હશે એ સમજવું મુશ્કેલ નથી. આપણે જહાંગીરના ન્યાયના પાઠ ભણ્યા છીએ પણ એ જહાંગીરે પરાજિત રાજાની અને પ્રજામાંથી જે ગમે તે સ્ત્રીઓને હરમમાં અને શાહી વેશ્યાલયોમાં રાખવાનો નિયમ બનાવ્યો હતો. લાહૌરના શાહી મહોલ્લામાંથી સ્ત્રીઓને લઈ જવા માટે પરમિટ સિસ્ટમ હતી એમ ઇતિહાસકારો નોંધે છે. આવા મહોલ્લા દરેક શહેરમાં હતાં. ફતેહપુર સીક્રીમાં એને શૈતાનપુરા નામે ઓળખાતો. લાહોરમાં અબ્દાલી પછી અંગ્રેજ રાજ દરમ્યાન એ દેહવ્યાપારનું કેન્દ્ર લાહૌરી ગેટ પાસે બુખારી બજાર ફેરવ્યું પણ એમાં ફાવ્યા નહીં અને એ ટંકશાળ પાસે હીરામંડીમાં ઓગણીસમી સદીમાં આ પ્રવૃત્તિનું કેન્દ્ર બન્યું. ઝાહીર અકાસી તેમના પુસ્તક હીરામંડીમાં આ વાત વિગતે આલેખે છે. આ વિસ્તાર ફરી 1799માં શીખોના હાથમાં આવ્યો પણ ત્યાં સુધી ઘણું બધું બદલાઈ ગયું હતું. કથા છે કે 21 વર્ષના મહારાજા રણજીતસિંહ પણ આવી જ એક મુસ્લિમ કન્યા મોરણના પ્રેમમાં પડ્યા અને એને પત્નીનું સન્માન આપ્યું એ બદલ એમને રાજ્ય તરફથી સો કોરડાની સજા અપાઈ પણ પ્રજાની ભાવનાઓને જોતાં એક જ કોરડો થયો. રણજીતસિંહે મોરણ સરકાર સાથે લગ્ન કર્યા અને રાણીનો દરજ્જો આપ્યો, તેમને માટે મસ્જીદ બનાવી, એમના નામે સિક્કા બન્યા તો વળતાં તેમણે મહારાજ માટે શિવમંદિર બનાવડાવ્યું. પણ બધી સ્ત્રીઓના નસીબ મોરણ જેવા નથી હોતાં.

ડાબેરી ઈતિહાસકારો લખે છે કે શાહી મહોલ્લો કથક શીખવાનું કેન્દ્ર હતો. ઉચ્ચ ઘરાનાની રાજાશાહી અને હિંદુ દીકરીઓ ત્યાં કથક વગેરે નૃત્યો શીખતી અને નવાબો પોતાના સંતાનોને તમીઝ શીખવવા તવાયફો પાસે મોકલતા – જે સાવ જૂઠ્ઠાણું છે. ભૂલેચૂકે પણ નકાબ વગર દેખાતી કોઈપણ કન્યાઓને ઉઠાવી લેવાતી અને એમાંથી મંત્રીઓની દીકરીઓ અને પત્નીઓ પણ સુરક્ષિત નહોતી. અકબરના શાહી હરમમાં પાંચ હજાર સ્ત્રીઓ હોવાનું અબુલ ફઝલ નોંધે છે.

કથકથી મુજરા સુધી

કથક મૂળે ભક્તિ સંપ્રદાયની ઈશ્વર પ્રાર્થનાનો પ્રકાર હતો જેમાં કૃષ્ણ ભક્તિના ગીતો હતાં. મુઘલોએ અનેક મંદિરોનો નાશ કર્યો પછી મંદિરોમાં સેવા આપતી એ નૃત્યાંગનાઓને તેમના દરબારમાં નાચવા લવાઈ અને એની સાથે બધાં અનિષ્ટો શરૂ થયાં. કથકમાં પેમલા-પેમલીઓની કે તૂટેલા દિલની વાતો નહોતી. વળી કથક ઉસ્તાદો કઈ રીતે શીખવી શકે? એને શીખવવા માટે નૃત્ય ગુરુઓ હતાં. જેમ ‘છાપ તિલક સબ છીની મોસે નૈના મિલાઈ કે’ એ ધર્મપરિવર્તનનું ગીત છે એમ જ કથકને તાલે અનેક ઉર્દુ ગીતો અને ગઝલો રચાયાં અને નૃત્યની આખી વિભાવના ફરી ગઈ. એ નૃત્ય વિલાસિતા અને ઉચ્છૃંખલતાનું પરિમાણ બન્યું.

મુજરા નામનો નૃત્યનો કોઈ પ્રકાર છે જ નહીં! મુઘલકાળમાં બાદશાહો, નવાબો અને એમના વજીરોએ કથક નૃત્યાંગનાઓને બળજબરીથી પોતાના મનોરંજન માટે આવા નૃત્યો કરવા રાખી અને એ રાગોમાં ઉર્દુ ગીતો લખાયા જેની પ્રસ્તુતિ મહેફિલ તરીકે ઓળખાતી. મુઘલો પહેલા મુજરાના કોઈ સગડ નથી. મુજરા શબ્દનો મરાઠી અર્થ છે આદર આપવો જેને ઉર્દુમાં ઉત્તેજક નાચ સાથે સાંકળી દેવાયો.

સંજયભાઈ પોતાની વેબસીરીઝને beautiful world of Heera Mandi કહીને આલેખે છે એ હકીકતે દેશવિદેશની અનેક સ્ત્રીઓ અને મહદંશે હિંદુ દીકરીઓ પરના સદીઓના અત્યાચારનું, દમનનું કેન્દ્ર છે. એમને બળજબરીથી દેહવેપારમાં ધકેલાઈ, એમના સંઘર્ષ, તકલીફો અને બદતર જીવનપદ્ધતિને અવાજ આપવાને બદલે સંજયભાઈએ એ આખો દૃષ્ટિકોણ ભવ્ય સેટ, આભૂષણો, ભપકા અને સ્ત્રીઓની ફેશન પરેડમાં ફેરવી નાખ્યો. એ હદે કે એક સમયે જેના વિચારથી સ્ત્રીઓ થરથર ધ્રૂજતી એ જ મુજરા પર અત્યારે રીલ્સ બનાવે છે. ત્યારે એ સ્ત્રીઓ વખાની મારી મરી મરીને જીવન જીવતી મજબૂરીમાં આવા નૃત્યો કરતી, આજે સંજયભાઈને પ્રતાપે રીલ્સને નામે એ મજબૂર સ્ત્રીઓ મજાક બની રહી છે. સમાજના પતનની આવી ઝડપ ભાગ્યે જ જોવાઈ હશે.

સંજયભાઈની ‘ગંગુબાઈ’ રીલીઝ થઈ ત્યારે અનેક નાની બાળકીઓ એની ક્લિપો બનાવતી હતી. સોળ સત્તરમી સદીમાં આક્રાંતાઓ દ્વારા અગિયાર બાર વર્ષની દીકરીઓને બળજબરીથી હીરામંડીમાં ધકેલી દેવાતી અને એમની જિંદગી નરક બની જતી, એમના માતાપિતાનું જીવન બરબાદ થઈ જતું. અનેક કુટુંબો નાશ પામતા પણ સંજયભાઈએ એ હીરામંડીની સ્ત્રીઓની તકલીફો અને દુ:ખનો નઠારો વેપાર કર્યો અને વધુ ઘૃણાસ્પદ એ છે કે લોકો અને ‘કળા’ ને નામે વધાવે છે. મારે એમને પૂછવું છે કે 1940ના લાહોરમાં દિલ્હીની ઉર્દુ, લખનવી વસ્ત્રો અને 2024ની ફેશન સાથે એ ‘કળા’ કઈ રીતે બંધ બેસે છે? સંજયભાઈએ ધાર્યું હોત તો હીરામંડીની સ્ત્રીઓની યાતનાઓ, એમની સંજોગો સામે ઝઝૂમવાની ચાનક, કપરા સંજોગોમાં પણ જીવન ટકાવી રાખવાની પદ્ધતિ વિશે વેબસીરીઝ બનાવી શક્યા હોત, અબ્દાલીથી લઈને હીરા સિંહ અને મુગલોથી લઈને અંગ્રેજો સુધીના ઇતિહાસનો કોઈ પણ કાળખંડ લઈ શક્યા હોત, પણ એમને ઇતિહાસમાં રસ નહોતો, એમનો રસ તવાયફો અને મુજરામાં હતો. જો એ સાચો ઇતિહાસ દેખાડત તો એનો આટલો ભપકો ન હોત, એની રીલ્સ ન બનત, વાઇરલ ન થાત! ધ કશ્મીર ફાઇલ્સ કે કેરાલા સ્ટોરીની જેમ એ લોકચેતના જગાવત જે સંજયભાઈ જેવા સર્જકોને ગમ્યું ન હોત.

હજુ તો સંજયભાઈએ વાપરેલા આમિર ખુસરોના ‘સકલ બન’ ગીતના મૂળ – એના ત્યારથી ચાલતા પ્રોપગેન્ડા વિશે, ગજગામિની ચાલના મૂળથી તદ્દન જુદા બિભત્સ ચિત્રણ વિશે પણ વિગતે લખવું હતું પણ લેખ ખૂબ લંબાઈ જાય એટલે એ ફરી ક્યારેક.

– જિજ્ઞેશ અધ્યારૂ (22 મે 2024)

A Review of Sanjay Leela Bhansali Netflix webseries Heeramandi


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “હીરામંડી – સમાજના કલંકને ભપકાદાર આર્ટ તરીકે ચીતરવાની કુત્સિત વૃત્તિ