સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : પુસ્તક સમીક્ષા


સ્નેહ ગંગોત્રીનું અમીઝરણું – વર્ષા અડાલજા 10

શ્રી દિપક મહેતા દ્વારા સંપાદિત ‘માતૃવંદના’ શ્રેણીના ચાર પુસ્તકોમાં પ્રસિદ્ધ થયેલા લેખોમાં આપણા કેટલાક આદરણીય સારસ્વતોએ તેમની માતાના ચહેરાઓની થોડીક રેખાઓ ઝીલવાનો પ્રયત્ન કર્યો છે. માતૃવંદના પુસ્તક ભાગ ૧ નો પ્રથમ લેખ શ્રી વર્ષા અડાલજાનો છે, અને ભાગ્યે જ કોઈ એવો ભાવક મળે જેની આંખ આ સુંદર વૃત વાંચીને ભીની થયા વગર રહે. ‘બા’ શબ્દની સાથે સંકળાયેલી લાગણીઓની અનુભૂતિ ખરેખર શબ્દશઃ ચિત્રણ પામી છે, આજે આ લેખ ‘માતૃવઁદના’ પુસ્તક ભાગ ૧ માંથી સાભાર અહીં પ્રસ્તુત કર્યો છે.


પ્રસંગમાળાના મોતી – સંકલિત 3

‘વાંચનયાત્રાનો પ્રસાદ’ માંથી સાભાર લીધેલા પ્રસંગમાળાના ત્રણ મોતીરૂપ પ્રસંગો અત્રે પ્રસ્તુત કર્યા છે. સંપાદન શ્રી. મહેન્દ્ર મેઘાણીનું છે. શ્રી મનુભાઇ પંચોળી ‘દર્શક’, શ્રી મૂળશંકર પ્રા. ભટ્ટ તથા શ્રી બબલભાઇ મહેતા દ્વારા આલેખાયેલા ત્રણ સુંદર તથા પ્રેરણાદાયક પ્રસંગોથી આ પ્રસંગમાળા શોભી રહી છે.


નરસિઁહ મહેતાનું જીવન અને કવન – તરુણ મહેતા (Audiocast) 20

શ્રી તરુણ મહેતાની કલમે લખાયેલ નરસિંહના જીવન કવન વિશેનો આ વિસ્તૃત લેખ એક ખૂબ સુંદર અને માહિતિપ્રદ કૃતિ સમ બની રહેશે એ વાતમાં તો કોઈ શંકાને સ્થાન નથી, પણ આ લેખની પ્રેરણાએ તરુણભાઈના જ અવાજમાં લેપટોપ પર હેડફોન અને માઈકના સહારે આ સમગ્ર કૃતિને રેકોર્ડ કરી અને પછી તેને ઍડીટ કરવામાં અનેક મિત્રોનો સુઝાવ રૂપ સહયોગ મળતો રહ્યો છે. વાંચો અને સાંભળો…. પ્રસ્તુત છે ગુજરાતી બ્લોગ જગતની પ્રથમ ઑડીયો પોસ્ટ….


ભારેમૂવાંવના ભેરુ – સ્વામી આનંદ (પુસ્તક ડાઉનલોડ) 2

સ્વામી આનંદના પુસ્તક ‘ભારેમૂવાંવના ભેરુ’ ને ખિસ્સાપોથી સ્વરૂપે શ્રી મહેન્દ્ર મેઘાણીએ પ્રસ્તુત કરેલું. એ ખિસ્સાપોથીને આજે ઓનલાઈન ઇ-પુસ્તક સ્વરૂપે વહેંચતા આનંદ થાય છે. પ્રસ્તુત છે સ્વામી આનંદ વિશે શ્રી ઉમાશંકર જોશી અને શ્રી સુરેશ દલાલની વાત. પુસ્તક ડાઊનલોડ વિભાગમાં સૌ વાંચકમિત્રો ડાઊનલોડ કરી શકે તે માટે ઉપલબ્ધ છે. આપ એ કડી પર રાઈટ ક્લિક કરીને Save As… પસંદ કરી તમારા કોમ્પ્યુટરમાં નિરાંતે વાંચન માટે પણ સંગ્રહી શક્શો. પુસ્તક વિશે આપના પ્રતિભાવો આવકાર્ય છે.


કોળી બાપા – મકરંદ દવે 1

આપણી ભાષાના સાહિત્યમાં સંતત્વની પરિભાષા ઉમેરનાર, સાંઇ મકરંદ સ્વ. શ્રી મકરંદ દવેની આજે પુણ્યતિથિ છે. અક્ષરનાદ તરફથી પ્રસ્તુત છે આજે તેમની કલમની ત્રણ પ્રસાદી. આ બીજા લેખમાં તેમણે ઉપસાવેલું એક પાત્રચિત્ર સામાજિક ને આર્થિક દૃષ્ટિએ એ પછાત ગણાતા વર્ગના કોળીબાપાનું છે. તેમના વ્યક્તિત્વમાં એક જાતનું ગૌરવ હતું અને સ્વાભાવિકતાથી એ સહુની વચ્ચે સમાન આસને બેસતા. હસે ત્યારે સરળ નિખાલસ બાળકનું મુક્ત હાસ્ય ઊછળી ઊઠે અને સાદી વાતોમાંથી પણ અધ્યાત્મના સૂક્ષ્મ ચમકારા થતા જાય. એક સક્ષમ પાત્રચિત્ર ઉપસાવવાની તેમની ક્ષમતાનો આ અનેરો પરિચય છે.


‘કિલ્લોલ’ સંસ્થા : જીવનતીર્થની ઝલક – તરૂણ મહેતા 8

યુવાવસ્થા એ સ્વપ્ન જોવાની અને સ્વપ્ન સાકાર કરવા માટેની, સંઘર્ષ કરવાની અવસ્થા છે. આ અવસ્થા દરમ્યાન વ્યક્તિ પોતાની ઓળખ બનાવવા મથતો હોય છે. દરેક યુવક યુવતીના મનમાં આ સમયે બે બાબતો એક સાથે ઉજાગર થવા પામે છે. તેમાં પ્રથમ તેની કારકિર્દી અને બીજું તેનું લગ્ન જીવન. સારી નોકરી અને યોગ્ય પાત્રની પસંદગી આ સૌથી મોટું લક્ષ્ય હોય છે. પરંતુ કેટલાક યુવક યુવતીઓ અલગ સ્વપ્નો જોઈ નવી કેડી કંડારે છે. આવાં જ એક દંપતિની વાત કિલ્લોલ કૅમ્પસના માધ્યમથી કરવી છે. તે છે ગોપાલભાઈ તથા કૃષ્ણાબેન ભરાડ. તેમના દ્વારા સંચાલિત બાળ શિક્ષણ સંસ્થા ‘કિલ્લોલ’ વિશે તરૂણભાઈ મહેતા દ્વારા આલેખિત આ પરિચય લેખ પ્રસ્તુત છે.


માનવીનું ઘડતર (ક્રાંતિ – નવલ) – નિકોલાઈ ઓસ્ત્રોવસ્કી, અનુ. શાંતા ગાંધી 1

ટોલ્સટોયની ‘વોર એન્ડ પીસ’ ઓગણીસમા શતકના સાતમા દાયકામાં લખાયેલી મહાનવલ છે, રોમાં રોલાની મહાનવલ ‘જ્હોન ક્રિસ્ટોફર’ વીસમાં શતકના ઉપકાળનો પરિપાક છે, તો નિકોલાઇ ઓસ્ત્રોવસ્કીનું ‘માનવીનું ઘડતર’ (અંગ્રેજીમાં ‘હાઉ દ સ્ટીલ વોઝ ટેમ્પર્ડ’), નવા યુગના નવા પરિબળોનો હ્રદયધબકાર છે. પહેલી બે કૃતિઓમાં અજંપો છે તો ત્રીજીમાં છે નવજીવનની અપરિહાર્ય શ્રદ્ધા. નિકોલાઈ ઓસ્ત્રોવસ્કી ઝારશાહીના અંધકારયુગમાં જનમ્યા હતાં. તેમને અગિયાર વર્ષની વયે આજીવિકા મેળવવા શ્રમજીવનનો પ્રારંભ કરવો પડ્યો હતો. મેક્સીમ ગોર્કીને આદર્શ તરીકે રાખીને એકવીસ વર્ષની વયે તેમણે લખવાનું આરંભ્યું, છવ્વીસ વર્ષે તે અપંગ થયા. એ પછીના કાળમાં જ તેમણે તેમની કીર્તિના કળશરૂપ આ નવલકથા લખી. તેમને એ કાળનું સોવિયેત સંઘનૂં સર્વોચ્ચ સન્માન ‘ઓર્ડર ઓફ લેનિન’ અપાયું. બત્રીસ વર્ષની વયે, ૧૯૩૬માં તેમનું અવસાન થયું. તેમની આ કાંતિગાથાનો શરૂઆતનો એક નાનકડો ભાગ અત્રે પ્રસ્તુત છે.


શહેરમાં વસતો માણસ અને માણસમાં વસતું નગર – અખંડ વ્યાસ 16

અખંડ વ્યાસના બે સુંદર પુસ્તકો ‘છાંયડી’ તથા ‘શહેરમાં વસતો માણસ અને માણસમાં વસતું નગર’નું વિમોચન રવિવાર તા. ૨૬ ડિસેમ્બરે અમદાવાદ ખાતે કરવામાં આવ્યું. શ્રી ચિનુભાઈ મોદી, શ્રી ના હસ્તે પુસ્તકનું વિમોચન થયું આ પ્રસંગે ત્રણેય મહાનુભાવોએ ભાવકોને પુસ્તકનો રસાસ્વાદ તથા વિવિધ પાસાઓનું આલેખન કર્યું. આ સુંદર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટેના આમંત્રણ તથા પુસ્તકો બદલ શ્રી અખંડ વ્યાસ અને શ્રીમતિ બિનીતા વ્યાસનો ખૂબ ખૂબ આભાર. કલાકૃતિઓ જેવા સાદ્યાંત સુંદર બંને પુસ્તકોની અપાર સફળતા માટે ખૂબ શુભકામનાઓ.


સિદ્ધયોગી સાથે મુલાકાત – સ્વામી રામ, અનુ. કુન્દનિકા કાપડીઆ 4

ઈ.સ. ૧૯૨૫ માં ગઢવાલમાં જન્મેલા અને હિમાલયમાં અનેક વર્ષો સુધી તેમના ગુરુના માર્ગદર્શન હેઠળ શિક્ષાપ્રાપ્તિ માટે ભ્રમણ કરનાર અને હિમાલયના યોગીઓની સાંખ્યશાખાના વારસદાર એવા સ્વામી રામને ઈ.સ. ૧૯૫૨માં તેમના ગુરુ દ્વારા પશ્ચિમમાં જઈને અધ્યાત્મ અને યોગના ફેલાવા માટે કામ કરવાની પ્રેરણા આપવામાં આવી. એ માટે પશ્ચિમમાં તેમણે હિમાલયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ યોગ સાયન્સ અને ફિલોસોફી ની સ્થાપના કરી. અમેરીકા અને યુરોપમાં તેમના ઈન્સ્ટીટ્યૂટની સભ્યસંખ્યા ખૂબ વધી, જો કે સાથે તેઓ અનેક વિવાદોમાં પણ સપડાયાં. તેમના દ્વારા તેમના હિમાલયના જીવન અને ગુરુ સાથેના સમયને લઈને આલેખાયેલ પુસ્તક, “લિવિંગ વિથ ધ હિમાલયન માસ્ટર્સ” એક અનોખુ પુસ્તક છે, જેનો ગુજરાતી અનુવાદ ૧૯૮૫માં કુન્દનિકા કાપડીઆ દ્વારા કરાયો છે. આજે પ્રસ્તુત છે સ્વામી રામના તેમના ગુરુ સાથેના તથા હિમાલયના અન્ય યોગીઓ સાથેના સંવાદનો એ પુસ્તકમાંથી થોડોક આસ્વાદ.


સર્વે નંબર શુન્ય – પુસ્તક ડાઊનલોડ 1

વપરાશમાં તો મીઠું સર્વ પરિચિત છે, પરંતુ મીઠાંના ઉત્પાદનની આંટીઘૂંટી અને વ્યથાકથા આપણે ભૂલી ગયાં છીએ. મીઠાંને લગતા વિચિત્ર કાયદાઓ આજે પણ ઉત્પાદન પ્રક્રિયાને શોષણના ભરડામાં ભીંસી રહ્યા છે. ગુજરાતનો મીઠાના ઉત્પાદન સાથે વિશેષ સંબંધ છે, કેમ કે વિશ્વના ચોથા મહત્તમ મીઠું પકવનારા ભારત દેશનું ૭૦ % મીઠું ગુજરાત પકવે છે. ગાંધી, દાંડી, કચ્છ, કારગીલ, કંડલા – વાવાઝોડું, અગરિયાઓના મોત – આ બધું આજેય ગુજરાત, દેશ અને દુનિયાની જીભે છે. પરંતુ આ મીઠાંનો કાયમી સાથી કોઈ નથી. મીઠાનાં આયોડીનકરણનો પ્રશન તો એકમાત્ર પાસું જ છે. બીજા તો અનેક પાયાના પ્રશ્નો કોઈ ગોખલે કે ગાંધીની રાહ જોતાં ઉભા છે. પ્રસ્તુત છે આ જ અગરિયાઓના જીવનને કચકડે કંડારવાનો એક નાનકડો પ્રયાસ છે, ફોટો સાથે લખેલી વાતો જાણે આપણી સ્વ સાથેની વાતો હોવી જોઈએ એવી લાગે છે. એક અવશ્ય જોવા જેવું પુસ્તક…


સક્કરબાર – ગુણવંતરાય આચાર્ય

ગુજરાતી સાહિત્યના ઉત્તમ લેખકોમાં અવશ્ય સ્થાન પામે એવા એક સર્જક ગુણવંતરાય આચાર્ય (૧૯૦૦-૧૯૬૫) હતાં, માનગૌરવ, ગુજરાતગૌરવ, ગુજરાતી વહાણવટનું ગૌરવ, ભારતીય સંસ્કૃતિનું ગૌરવ ગાતું વિપુલ સાહિત્ય એમણે રચ્યું. જેમાં સવાસો જેટલી નવલકથાઓ, વીસ જેટલા નવલીકાસમ્ગ્રહો, નાતકો, હાસ્યસાહિત્ય, કિશોરસાહિત્ય અને રહસ્યસાહિત્યનો સમાવેશ થાય છે. દરિયાખેડના સાહસો અને એ જમાનાની વાતો સાથે વણાયેલી જીવનપધ્ધતિ સૂચવતી તેમની નવલકથાઓ પૈકીની એક એવી ‘સક્કરબાર’ આપણા સાહિત્યવારસાનો અગત્યનો ભાગ છે, ક્લાસિક છે. સક્કરબાર મારી અનેક મનપસંદ દરિયાઈ સાહસકથાઓમાં શીર્ષ છે. આજે પ્રસ્તુત છે તેમાંથી એક નાનકડો અંશ.


એબ્રાહમ લિંકન – મણિભાઇ દેસાઇ (પુસ્તક ડાઉનલોડ) V. 2.0 2

શ્રી મણિભાઈ દેસાઈનું પુસ્તક જેને શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીએ સંપાદિત કરેલું છે, “એબ્રાહમ લિંકન” આજે એક વખત ફરીથી અક્ષરનાદ પર ડાઊનલોડ વિભાગમાં મૂકતા અનેરા હર્ષની લાગણી થાય છે. એક સત્યકામ, સત્યસંકલ્પ સત્પુરુષની એક ધર્માવતારની આધુનિક સમયના એક પુણ્યશ્લોકની આ જીવનકથા પ્રજા સમક્ષ સાદર કરવાનું શ્રેય મણિભાઈ દેસાઈના ફાળે જાય છે. તેમણે ૧૯૮૦માં ‘એબ્રાહમ લિંકન’ નામનું પુસ્તક આપેલું. આ પુસ્તકનો સંક્ષેપ કરીને શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીએ ખિસ્સાપોથી સ્વરૂપે લિંકન જયંતિ, તા. ૧૨ ફેબ્રુઆરી, ૧૯૯૨ના દિવસે પ્રકાશિત કરેલો. આ આચમનરૂપ પુસ્તકની ઓનલાઈન આવૃત્તિ શ્રી મહેન્દ્રભાઈની જ અનુમતિસહ આજથી સાત મહીના પહેલા અક્ષરનાદ પર ડાઊનલોડ માટે મૂકેલી, અને વાંચકમિત્રોનો પ્રેમ જુઓ કે આ પુસ્તિકાના એક હજાર ડાઊનલોડ પૂરા થઈ ગયાં. આજે તેમાં રહેલી નાની ભૂલો જોડણી વગેરેની ક્ષતિ સુધારીને એક નવા સ્વરૂપે પ્રસ્તુત કરી રહ્યો છું. આશા છે વાંચકમિત્રોને ગમશે.


ધૂની માંડલિયાના કાવ્યસંગ્રહનો આસ્વાદ લેખ – તરુણ મહેતા 5

સર્જક ધૂની માંડલિયા થકી ગુજરાતી ગઝલોને પણ નવાં સ્થિતંતરો પ્રાપ્ત થયાં છે. ગુજરાતી ગઝલકારોમાં પરંપરાનો આદર કરીને પણ આધુનિક ગઝલક્ષેત્રે જે નવોન્મેષો પ્રગટ થયાં છે, તેમાં ધૂની માંડલિયાનું નામ પુરા આદર સાથે લેવું પડે તેમ છે. અગાઉ “તારા અભાવમાં…” સંગ્રહથી ગુજરાતી ગઝલક્ષેત્રે પ્રસ્થાપિત થયેલ આ શાયરનો આ બીજો ગઝલ સંગ્રહ છે. ‘માછલી સાથે જ દરિયો નીકળ્યો’ સંગ્રહની પ્રથમ આવૃતિ ૧૯૮૨માં પ્રગટ થઈ. ૮૨ના દાયકામાં પ્રગટ થયેલી ગઝલોને આજે ૨૦૧૦માં પણ એટલી જ તરોતાજા અનુભવી શકાય તેમ છે. આજે પ્રસ્તુત છે શ્રી ધૂની માંડલિયાના આ કાવ્યસંગ્રહનો તરુણ મહેતા દ્વારા આસ્વાદ લેખ.


મારી જીવનયાત્રા – બબલભાઈ મહેતા (પુસ્તક ડાઉનલોડ) 1

ઈ પુસ્તક પ્રવૃત્તિનું અક્ષરનાદનું સૌથી મોટું પ્રેરક અને પ્રોત્સાહક બળ જો કોઈ હોય તો વાપીના શ્રી ગોપાલભાઈ પારેખ, મને આ પુસ્તકો ઓનલાઈન મૂકવા માટે સત્તત કહ્યા કરે, અને એ માટે બધાં આયોજન અને મહેનત કર્યા કરે. તેમની જ મદદથી આ ઈ પુસ્તક તૈયાર થઈ શક્યું છે. સમાજોપયોગી જીવન ચરિત્રો વિશે ઈ પુસ્તકો મૂકવાની નેમ કદાચ અજાણતાં જ સાકાર થઈ રહી છે, અબ્રાહમ લિકન, કાશીબહેન મહેતા જેવા પ્રેરક જીવનચરિત્રો આ પહેલા ઈ પુસ્તક સ્વરૂપે અક્ષરનાદ પર પ્રસ્તુત કર્યા જ છે. બબલભાઈ મહેતાનું આ સંક્ષિપ્ત જીવનચરિત્ર ખિસ્સાપોથી સ્વરૂપે લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત થયું હતું. ખિસ્સાપોથીઓને અભૂતપૂર્વ આવકાર મળ્યો હતો અને મળે છે. બાળકો માટે આવા જીવનચરિત્રો પ્રેરણાના પિયુષ બની રહેશે તે નક્કી. પુસ્તકનો એક નાનકડો પ્રસંગ અત્રે મૂક્યો છે. આ પુસ્તક અક્ષરનાદ ડાઊનલોડ વિભાગ માંથી ડાઊનલોડ કરી શકાય છે.


ઝવેરચંદ મેઘાણી : જીવન અને કવન… – દીપક મહેતા 15

શ્રી ઝવેરચંદ મેઘાણીની જન્મતિથિ નિમિત્તે આજે પ્રસ્તુત છે તેમના વિશે પ્રકાશિત શ્રી દીપક મહેતા દ્વારા લખાયેલ પરિચય પુસ્તિકા. ૧૯૯૪માં પ્રકાશિત આ પરિચય પુસ્તિકા સાચા અર્થમાં આપણા રાષ્ટ્રીય શાયરનો પરિચય ખૂબ સુંદર અને વિગતે આપે છે. એક સ્વાતંત્ર્યસેનાનીથી માંડીને અનોખી લેખનપ્રતિભા, એક અનુવાદકથી અનુસર્જક સુધી, ચારણી સાહિત્યથી લોકસાહિત્યના ઉમદા મર્મજ્ઞ અને જાણતલ એવા શ્રી મેઘાણીને આજે અનેકો વંદન અને આ પોસ્ટ અક્ષરનાદ સુધી પહોંચાડવા બદલ વાપીના શ્રી ગોપાલભાઈ પારેખનો ખૂબ ખૂબ આભાર.


વહાલ વાવી જોઈએ - ગૌરાંગ ઠાકર

વહાલની વાવણી…. “મા ફલેષુ કદાચન” – જીજ્ઞેશ અધ્યારૂ 3

સૂરત શહેરની ગુજરાતી ગઝલના સમૃદ્ધ વારસાની મીરાંત જોતાં તેને ગુજરાતી ગઝલનું મક્કા હોવાનું જે ઉપનામ મળ્યું છે, તે સમયની સાથે વધુ ને વધુ સાર્થક થઈ રહ્યું છે. ગઝલકારોની અનેક પેઢીઓ જોઈ ચૂકેલા આ શહેરના અગ્રણી ગઝલકારોની પંગતમાં બેસે તેવું એક જાણીતું નામ એટલે શ્રી ગૌરાંગ ઠાકર. ગઝલના ચાહકોને તેમનો પરિચય આપવાની જરૂરત ન પડે એવી કાબિલેદાદ છબી તેમણે તેમના પ્રથમ ગઝલસંગ્રહ “મારા હિસ્સાનો સૂરજ (મે ૨૦૦૬)” વડે ઉભી કરી છે. તેમની રચનાઓમાં પરંપરાનું અનુસરણ જોવા મળે છે, તો પ્રયોગશીલતા તેમની ગઝલોની જીવંતતા છે. ભાવ ઉર્મિઓની અનેરી અભિવ્યક્તિ તેમની હથોટી છે, તો અધ્યાત્મિકતાનો રંગ પણ તેમાં ભળેલો જોવા મળે છે. તેમની રચનાઓમાં વિષયોની જેટલી વિવિધતા અને વિપુલતા છે, એટલી જ સમૃદ્ધિ અને નાવિન્ય પણ છે. તેમનો બીજો ગઝલસંગ્રહ “વહાલ વાવી જોઈએ” મે ૨૦૧૦માં પ્રકાશિત થયો છે. લાગણીના ખેતરમાં કવિએ જે વહાલ વાવ્યું છે તેનો આસ્વાદ લઈએ.


સત્કાર્યની ધૂપસળી “ગાંડાઓનો આશ્રમ…” – જીજ્ઞેશ અધ્યારૂ 13

આપણાં આદ્ય કવિ નરસિંહ મહેતાએ પાંચ સદી પહેલા વર્ણવેલા વૈષ્ણવજનના લક્ષણો આજના સમયમાં પણ કોઈ એક માણસમાં જોવા મળી શકે એવી વાત જો હું કહું તો કેટલા માનશે? અત્યારના સમયમાં જ્યારે લોભ, લાલચ અને સ્વાર્થનો ભરડો સર્વત્ર જોવા મળે છે અને માણસ જ માણસનો શત્રુ છે, બીજાની નબળાઈનો લાભ લઈ ફાયદો ઉઠાવતા લોકોનો આ વખત છે ત્યારે પરાઈ પીડને જાણતા, પરદુઃખે ઉપકાર કરતાં અને તોય મનમાં લેશ પણ અભિમાન ન લાવતાં, અને એ આખીય પ્રક્રિયાનો મૂળ ભાગ હોવા છતાં તેનાથી સાવ અલિપ્ત જાણે કે એક દ્રઢ વૈરાગી હોય તેવા એક વ્યક્તિ વિશેની આ આખીય વાત કહેવી છે.


પાર્થની આંખે મત્સ્યવેધની ઘટના.. ‘પછી’ – તરૂણ મહેતા 6

કવિ શ્રી હરેશભાઈ ત્રિવેદીના સુંદર કાવ્યસંગ્રહ ‘પછી..’ નું વિમોચન થોડાક દિવસ પહેલા મહુવામાં પૂજ્ય શ્રી મોરારિબાપુ અને ગુજરાતના જાણીતા હાસ્યકાર શ્રી જગદીશભાઈ ત્રિવેદીના વરદહસ્તે થયું. આ પ્રસંગે એક કાવ્યગોષ્ઠિનું પણ આયોજન થયું હતું. અક્ષરનાદને આ સંગ્રહ ભેટ આપવા બદલ શ્રી અલ્પ ત્રિવેદીનો ખૂબ ખૂબ આભાર. શ્રી હરેશભાઈની સર્જનાત્મકતા આમજ વિકસતી – મહોરતી રહે તેવી અમારા અને અક્ષરનાદના અનેક વાંચકો વતી શુભકામનાઓ. આજે પ્રસ્તુત છે એ કાવ્યસંગ્રહનો આસ્વાદ શ્રી તરુણભાઈ મહેતાની કલમે. શ્રી હરેશભાઈની રચનાઓ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થતી રહી છે (પહેલાની રચનાઓ માટે અહીં ક્લિક કરો). આશા રાખીએ કે આ કાવ્યસંગ્રહના નામમાં છૂપાયેલા પ્રશ્ન ‘પછી..’ નો ઉત્તર તેમની કલમ આવા વધુ સુંદર સંગ્રહો વડે આપતી રહે.


મારું વિલ અને વારસો – પં. શ્રીરામ શર્મા આચાર્ય (પુસ્તક ડાઉનલોડ) 3

આચાર્ય શ્રીરામ શર્માની જીવન સાધનાનું બસો પાનાનું આ પુસ્તક પંદર વર્ષની ઉમ્મરથી ૭૫ વર્ષની ઉમ્મરે ૫હોંચ્યા ત્યાં સુધી સત્યની શોધ માટેની સાધકના પુરુષાર્થની એક વાસ્તવદર્શી અનુભવ કથા છે. આ બધા વર્ષો દરમિયાન પોતાને ક્યાંથી કેવી પ્રેરણા મળી. એ પ્રેરણા ૫છી એને સિદ્ધ્ કરવા પોતે કેવોને કેટલો પુરુષાર્થ ક્યો એનુ સુરેખ ને સુવાચ્ય આલેખન સમગ્ર પુસ્તકમાં થયું છે. પંડિત શ્રીરામ શર્મા આચાર્ય માત્ર ગાયત્રીના સાધક જ નથી ૫રંતુ એની મહાસાધના કરીને એમણે આત્મસાક્ષાત્કાર કરી એનુ ઊંડું સંશોધન કરી અનેક ગ્રંથો તૈયાર કરી સૌને પ્રેરણા આ૫તું વિશાળ સાહિત્ય તૈયાર કર્યુ છે એ નાનીસૂની સિદ્ધિ નથી. એક માનવી જાગ્રત જીવન સાધના દ્વારા પોતે કેવી મહાન સિદ્ધિ કરી શકે છે અને એ સિદ્ધિ દ્વારા અનેક માનવીઓને સાધકોને સાધના માટે કેવી પ્રેરણા આપી શકે છે તેનું દર્શન સમગ્ર પુસ્તકમાં પ્રતિ૫ળે થાય છે. “મારુ વિલ અને વારસો” એ એક સાધક ગુરુના જીવનની અનુભવ કથાને સિદ્ધિઓના નીચોડ સમું મહામૂલ્યવાન પુસ્તક બન્યું છે.


ગીરની પ્રાકૃતિક સૃષ્ટિનો ધબકાર = અકૂપાર – ધ્રુવ ભટ્ટ 9

નવનીત સમર્પણ માસિકમાં સત્તત લોકપ્રિયતાના શિખરો સર કર્યા પછી શ્રી ધ્રુવ ભટ્ટની ગીર અને ત્યાંની સંસ્કૃતિ અને લોકજીવનનો, એ સુંદર અને પ્રકૃતિના આશિર્વાદોથી લચી પડેલા પ્રદેશની વિશેષતાઓનો અને વન્યસૃષ્ટિ સાથેના માનવના સહજીવનનો, માન્યતાઓનો પરિચય કરાવતી સુંદર નવલકથા અકૂપાર હાલમાં જ ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્રારા પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થઈ ચૂકી છે. ગીરના જંગલોની પ્રાકૃતિક સૃષ્ટિનો ધબકાર રેલાવતી આ કથા દરેક પ્રકૃતિપ્રેમીએ વાંચવી જ રહી. શ્રી ભટ્ટ સાહેબની નવલકથાઓ આમ પણ આગવો ચીલો ચાતરતી રહી છે, અને ગીરની સાથે એક અનોખું આકર્ષણ હોવાને લીધે અને અનેક પાત્રો તેમજ પ્રસંગે જાણે અમારા સાવ પરિચિત હોય તેમ લાગવાને લીધે આ નવલકથા મારા હૈયાની ખૂબ જ નજીક છે. પ્રસ્તુત છે નવનીત સમર્પણના અંક માંથી તેનો એક નાનકડો ભાગ. પુસ્તક પ્રાપ્તિ માટે ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો સંપર્ક ફોન +૯૧ ૭૯ ૨૨૧૪૪૬૬૩ પર કરી શકાય છે. પુસ્તકની કિંમત ૨૦૦/- રૂપિયા છે.


તરાપાથી ૪૩૦૦ માઈલની દરિયાઈ ‘કોન-ટિકિ’ સફર – જીજ્ઞેશ અધ્યારૂ 9

પંદર સૈકાઓ પહેલા દક્ષિણ અમેરિકાના આદિવાસીઓ વાપરતા તેવા વાંસના તરાપા પર ચઢીને વીસમી સદીના મધ્યમાં પેસિફિક મહાસાગરનો ૪,૩૦૦ માઈલનો પટ ઓળંગનારા છ યુરોપી જવાંમર્દોની આ આપવીતી આપણા જમાનાની શ્રેષ્ઠ સાહસકથા બની રહી છે. પંદરથી વધુ ભાષાઓમાં તેના અનુવાદો થયા છે તો લાખો નકલો વેચાઈ ગઈ છે. વાત મૂળ તો લગનની છે. લેખક નોર્વેના વતની છે અને દક્ષિણ અમેરિકા અને ઓસ્ટ્રેલીયા વચ્ચે આવેલા ટાપુઓમાં વસતા લોકોના પૂર્વજો ક્યાંથી ત્યાં પહોંચ્યા એ વિશે મતમતાંતરો હતાં, શ્રી હાયરડાલે સાબિત કરવાનો યત્ન કર્યો કે તેઓ દક્ષિણ અમેરીકાથી જ ત્યાં જઈને વસ્યા હોવા જોઈએ. જો કે તેમના આ દાવાને સજ્જડ ફગાવી દેવાયો. દક્ષિણ અમેરીકાથી મધ્ય પેસિફિકનો આ ૪૩૦૦ માઈલનો પંથ ૧૫૦૦ વર્ષ પહેલા કઈ રીતે પાર કરી શકાય એ પ્રશ્નનો ઉત્તર આપવા તેમણે વાંસના તરાપા પર આ આખોય પ્રવાસ ખેડ્યો. પ્રસ્તુત છે આ પુસ્તક વિશે કેટલીક વાત અને થોડાક અંશો.

raft in museum

નિવૃત્તિની પ્રવૃત્તિ વિશે ભાવ અને અર્થ – હરસુખરાય જોશી 5

શ્રી હરસુખરાય જોશી ભારતીય જીવન વીમા નિગમ, અમદાવાદના રીટાયર્ડ ઉચ્ચ અધિકારી છે. અમદાવાદમાંજ તેઓ હવે તેમનું નિવૃત્ત જીવન ગાળી રહ્યાં છે. અધ્યાત્મિક વાંચન, કસરત, તરવું, યોગ અને ધ્યાન ક્રિયાઓ તથા પ્રવાસ તેઓની ગમતી પ્રવૃત્તિઓ છે અને આ બધુંજ તેઓ નિયમિતપણે કરે છે. તેમના પત્નિ સાથે તેઓ લગભગ આખાય ભારતનું ભ્રમણ કરી ચૂક્યા છે. શ્રી વિજય શાહ દ્વારા સંપાદિત પુસ્તક “નિવૃત્તિ ની પ્રવૃત્તિ” વિશે તેમના વિચારો અત્રે તેમણે પ્રસ્તુત કર્યા છે. પુસ્તક અક્ષરનાદને મોકલવા બદલ શ્રી વિજય શાહ અને શ્રી હરિકૃષ્ણભાઈનો તથા પુસ્તક વિશે આ લેખ આપવા બદલ શ્રી હરસુખભાઈનો ખૂબ ખૂબ આભાર.


જ્ઞાનનો ઉદય – મહેન્દ્ર નાયક (પુસ્તક ડાઉનલોડ) 2

આપણાં માટે જ્ઞાનના મૂળભૂત સ્ત્રોત વેદો અને પુરાણો જ છે, જે આપણને આપણા પૂર્વજ ઋષિ મુનિઓએ વારસામાં આપ્યો છે. આ ઋષિ મુનિઓ પણ મંત્રદ્રષ્ટા જ કહેવાતા, દ્રષ્ટા એટલા માટે કે એમને આ મંત્રોનું કેવળ દર્શન થતું, જ્ઞાન થતું – એ યુગમાં જ્યારે અક્ષરની ઉત્પત્તિ હજી નહોતી થઈ ત્યારે આ મંત્રો એમને અસ્તિત્વ સાથે અનુસંધાન થતાં કેવળ નાદ કે અવાજ રૂપે જ પ્રાપ્ત થતાં અને એક પેઢીથી બીજી પેઢીને અપાતા. આપણે આજે એને શ્રૃતિ અને સ્મૃતિ સ્વરૂપે ઓળખીએ છીએ. આપણા વેદો, પુરાણો અને ઉપનિષદોમાં સંગ્રહાયેલું આ પાયાનું જ્ઞાન વહેંચવાનો આ એક પ્રયત્ન માત્ર છે, અને કોઈપણ ક્રિયા કે મંત્ર કોઈ એક માનવીનું સર્જન ન હોઈ શકે, એ તો કેવળ એની સમજ મુજબ એને અન્યો સમક્ષ રજુ માત્ર કરે છે. આવાં કેટલાક સુંદર વિચારોને અધ્યાત્મિક રીતે મૂકતું પુસ્તક “જ્ઞાનનો ઉદય” અત્રે મૂક્યું છે. અહીં શ્વાસ વિશે, શરીર અને મન વિશે, વિવિધ શક્તિચક્રો વિશે અને મનની કાર્યપ્રણાલી વિશેના વિચારો આ પુસ્તકમાં આવરી લેવાયાં છે. પ્રસ્તુત પુસ્તક ડાઉનલોડ વિભાગમાં સમાવેશ કરવાની પરવાનગી આપવા બદલ શ્રી મહેન્દ્ર નાયક નો ખૂબ ખૂબ આભાર.


પરમ સખા મત્યુ – કાકા કાલેલકર (પુસ્તક ડાઉનલોડ) 4

કાકાસાહેબ કાલેલકરે આ પુસ્તકની પ્રસ્તાવનામાં લખ્યું છે તેમ, ” આત્મા શું છે? પરમાત્મા શું છે? જીવન શું છે? ધર્મ શું છે? સમાજ શું છે? નાગરિકોનું કર્તવ્ય શું છે? એવા એવા સવાલ મનુષ્યજીવન માટે જેટલા મહત્વના છે, તેટલા જ મહત્વના સવાલ છે: મરણ શું છે? અને એના પ્રત્યે આપણી વૃત્તિ કેવી રહેવી જોઇએ? આથી મનનશીલ મનુષ્યો એ વિશે થોડું વધારે ચિંતન મનન કરવું જોઇએ. આ પ્રકારનું શ્રવણ, મનન અને ચિંતન કરીને હું જે કાંઇ પામ્યો છું તેનો નાનકડો સંગ્રહ કરી, એ તમામનો સાર મેં આ પુસ્તકના લેખોમાં આપ્યો છે.” હીરા વિશે જેમ વર્ણન કરવાની જરૂર ન હોય તેમ આ પુસ્તક વિશે વધુ ન લખતાં તેમાંથી લીધેલા કેટલાક ચિંતન વિચારો અને અંતે પુસ્તક ડાઉનલોડની લિન્ક આપી છે.


“કૃષ્ણાયન” એટલે પરમ સ્વીકાર અને મુક્તિ – જીજ્ઞેશ અધ્યારૂ 13

આપણા ધર્મગ્રંથો, કર્મગ્રંથોના કોઈ પાત્રવિશેષ વિશે જ્યારે નવું પુસ્તક જોઈએ ત્યારે એ પ્રશ્ન સહજ થાય કે સર્વવિદિત પ્રસંગો, આપણા જીવન સાથે સહજપણે વણાઈ ગયેલા, સંકળાયેલા, આબાલવૃધ્ધ સહુના પરિચિત એવા પાત્રો વિશે હવે તો એવો કયો નવો પરિમાણ લેખક કે લેખિકા ઉભું કરી શકે? એમનું દ્રષ્ટિબિંદુ એવું તે શું બતાવવા સમર્થ છે જે આપણે હજુ સુધી જોયું નથી? આ પ્રશ્નનો એક સચોટ અને પૂરતો જવાબ એટલે શ્રી કાજલબહેનની નવલકથા, “કૃષ્ણાયન”. ઘણી વખત એમ થાય કે એક પાત્ર સાથે સંકળાયેલો વાંચક તેના મનોદ્રશ્યમાં થોડોક વખત જ રહે, પરંતુ બબ્બે વખત, એક પછી એક સળંગ બે વખત આ નવલકથા વાંચ્યા પછી પણ હું તેને ત્રીજી વખત વાંચવા ઉત્સુક છું. પ્રેમમાં પડી જવાય એવા સંવાદો સાથેનો આ સુંદર પ્રવાસ દરેક કૃષ્ણપ્રેમીએ કરવો જ રહ્યો. આજે આ પુસ્તક વિશે પ્રસ્તુત છે મારા થોડાક વિચારો.


એબ્રાહમ લિંકન – મણિભાઈ દેસાઈ (પુસ્તક ડાઉનલોડ) 3

શ્રી મણિલાલ દેસાઈનું પુસ્તક જેને શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીએ સંપાદિત કરેલું છે, “એબ્રાહમ લિંકન” આજે અક્ષરનાદ પર ડાઊનલોડ વિભાગમાં મૂકતા અનેરા હર્ષની લાગણી થાય છે. એક સત્યકામ, સત્યસંકલ્પ સત્પુરુષની એક ધર્માવતારની આધુનિક સમયના એક પુણ્યશ્લોકની આ જીવનકથા પ્રજા સમક્ષ સાદર કરવાનું શ્રેય મણિલાલ દેસાઈના ફાળે જાય છે. તેમણે ૧૯૮૦માં ‘એબ્રાહમ લિંકન’ નામનું પુસ્તક આપેલું. આ પુસ્તકનો સંક્ષેપ કરીને શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીએ ખિસ્સાપોથી સ્વરૂપે લિંકન જયંતિ, તા. ૧૨ ફેબ્રુઆરી, ૧૯૯૨ના દિવસે પ્રકાશિત કરેલો. આ આચમનરૂપ પુસ્તકની ઓનલાઈન આવૃત્તિ આજથી અક્ષરનાદ પર વાંચકો માટે ઉપલબ્ધ છે. આ પુસ્તક મેળવવા અક્ષરનાદ ડાઉનલોડ વિભાગમાં જાઓ.


આથમતી સાંજે ઉમાશંકર – મકરન્દ દવે

મરમી કવિ શ્રી મકરન્દભાઈ દવે સાથે થયેલા પત્રવ્યવહાર અને ધ્વનિમુદ્રિત શબ્દ સંદેશાઓનું સંપાદન અને સંકલન શ્રી નિરંજનભાઈ રાજ્યગુરૂ દ્વારા કરવામાં આવ્યું છે. તેમાંથી આ લેખ સાભાર શ્રી લેવામાં આવ્યો છે. શ્રી ઉમાશંકરભાઈ જોશીના અવસાન પછી, તેમના વિશેના સ્મરણો અને તેમની સર્જનકલા વિશેની વાતો સૂચવતો આ સુંદર લેખ તે સમયે ઉદ્દેશ સામયિકમાં પણ પ્રકાશિત થયો હતો.


અક્ષરની ઉત્પતિ – શિવસૂત્ર પૂર્વભૂમિકા (પુસ્તક ડાઉનલોડ) 3

શિવસૂત્રો સ્વયં શિવ દ્વારા પ્રગટાવેલ જ્ઞાન છે. આજથી આશરે ૧૫૦૦ વર્ષ પૂર્વે આ અણમોલ આધ્યાત્મિક જ્ઞાનનો ખજાનો ઋષિ વાસુગુપ્તને સાંપડ્યો હતો. કાશ્મીરી શૈવવાદનો એ મૂળ પાયો છે; જે માનવ જાતીના ઉત્કર્ષ માટે જ પ્રગટ્યો છે. પારંપારિક રીતે આગમ શબ્દનો અર્થ થાય છે, એવી વ્યવસ્થા અથવા એવા નિયમો જેને ખૂબ જ શ્રદ્ધા પૂર્વક અપનાવવામાં આવતા હોય. શિવસૂત્રો અંગે એટલું સ્પષ્ટ થાય છે કે એ કોઈ માનવીએ નથી લખ્યા અને એ પ્રગટેલા જ્ઞાનને સૌપ્રથમ પામનાર હતા ઋષિ વાસુગુપ્ત. કુલ ૭૭ સૂત્રો ત્રણ ભાગ કે ઉપાયોમાં વહેંચાયેલા છે. યોગ વશિષ્ઠ અને અન્ય આધ્યાત્મિક વિષય ખૂબ ગહન અધ્યયન કરનારા તથા આધ્યાત્મિક સાહિત્યના અનુવાદ કરવામાં ખૂબ આનંદ અનુભવનારા વડીલ એટલે મહેન્દ્રભાઈ નાયક. તેમના દ્વારા પ્રસ્તુત કરાયેલ સુંદર પુસ્તક એટલે શિવસૂત્ર વિશેની પૂર્વભૂમિકા અને સમજણ. આધ્યાત્મિક જ્ઞાનને કોપીરાઈટના બંધનો ન હોવા જોઈએ એવું દ્રઢપણે માનનારા મહેન્દ્રભાઈનો આ પુસ્તક અક્ષરનાદના વાચકો સાથે વહેંચવા બદલ આભાર માનવો ખૂબ ઓછો પડે છે. આ સુંદર અને જ્ઞાનવર્ધક પુસ્તક બદલ તેમને ખૂબ શુભેચ્છાઓ અને ધન્યવાદ.


એક પુસ્તકની જાદુઈ અસર – મહાત્મા ગાંધી 5

વિનોબા ભાવે કહે છે તેમ, “સર્વોદય એટલે સહુનું ભલું. કોઈનું ઓછું અને કોઈનું વધુ ભલું નહીં, સહુની સમાન ચિંતા અને સમાન પ્રેમ. સ્વચ્છ રાજકારણની રચના માટે તેના ભાગરૂપ રાષ્ટ્રીય નેતાઓની કોઈ એક વિશેષ બાજુ નહીં, સર્વગામી વિકાસ થવો જોઈએ, એ સત્યાગ્રહ હોય કે નિસર્ગોપચાર, બ્રહ્મચર્યપાલન કે કરકસર, ગાંધીજીએ બધાંને સરખું મહત્વ આપ્યું. સમાજરચનામાં સામાજીક, ધાર્મિક, આર્થિક અને રાજકીય એમ બધાંજ ક્ષેત્રે પ્રભાવી અને પારદર્શક કાર્યપધ્ધતિનું પાલન એટલે ‘સર્વોદય’. બાપુને રસ્કિનના પુસ્તકમાંથી આ વિશેની પ્રેરણા મળી હતી તે જાણીતી વાત છે. એ પ્રસંગ અત્રે પ્રસ્તુત છે.


મારી અભિનવ દીક્ષા – કાશીબહેન મહેતા (પુસ્તક ડાઉનલોડ) 3

ભાલના મરવા પડેલા માણસો અને નપાણીયા ધરતી પર પગલાં માંડ્યાં અને તે અમૃતા થઈ ગહી. તેની કાંઈક વાર્તા આ નાનકડા પુસ્તકમાં કાશીબહેને, શિયાળ ગામનાં કાશીબાએ કરી છે. આ ‘અભિનવ દીક્ષા’ તેમના અનુભવોની ટૂંકી તવારીખ છે. સંકોચાતાં સંકોચાતાં લખેલ છે એટલે વસ્તુસંકોચ થયો છે. છતાં તવારીખી કડીઓ છે. એક નાની, સરલ, કાંઈક અબોધ બાલિકા, ધર્મ સંસ્કારે કેમ નવા પ્રકારની દીક્ષા પામી અને જન સમાજને દીક્ષિત કર્યો તેનો વૃત્તાંત ગુજરાતને મળે છે. અક્ષરનાદના પુસ્તક ડાઊનલોડ વિભાગની શરૂઆત આ સુંદર પુસ્તક સાથે કરતાં ખૂબ આનંદ થાય છે. કેટલાક પુસ્તકો ફક્ત લોકો સુધી સદવિચાર પહોંચાડી શકાય એ હેતુથી ટાઈપ કરી વહેંચવાની ઘણાં સમયથી અનુત્તર રહેલી ઈચ્છા આ પુસ્તકની ઉપલબ્ધિ સાથે આળસ મરડીને બેઠી થાય છે. સમયાંતરે આવા સુંદર પુસ્તકો અહીં પ્રસ્તુત કરી શકાશે એવી આશા સાથે વીરમું છું.