સિદ્ધયોગી સાથે મુલાકાત – સ્વામી રામ, અનુ. કુન્દનિકા કાપડીઆ 4


ગુરુજીએ મને પૂછ્યું, “ભગવાન વિશેનો તારો ખ્યાલ શો છે? વ્યાખ્યા શી છે? હું બરાબર તારી વ્યાખ્યા અને ખ્યાલ પ્રમાણેના ભગવાન બતાવીશ. દરેક જણને ભગવાનમાં અચળ શ્રદ્ધા રાખ્યા વિના ભગવાનનાં દર્શન કરવાં હોય છે. તમે શોધ કરતાં હો પણ શોધના વિષય પરત્વે તમને ખાતરી ને વિશ્વાસ ન હોય તો તમને શું મળે? જો હું તને એમ કહું કે તું જે કંઈ જુએ તે ભગવાન જ છે તો પણ તને કોઈ સંતોષ નહીં થાય. ધાર કે હું તને ભગવાન બતાવું અને તું કહે કે ના, એ ભગવાન નથી તો હું શું કરું? એટલે ભગવાન વિશે તું કઈ રીતે વિચારે છે એ કહે તો હું એ ભગવાન તારી સામે રજુ કરું.”

મેં એમને કહ્યું, “જરા થોભો, મને વિચાર કરવા દો.”

તેમણે કહ્યું, “ભગવાન તારી વિચારશક્તિની હદમાં નથી. તારા ધ્યાનના આસન પર પાછો જઈને બેસ, પછી તું તૈયાર હો ત્યારે મને જણાવજે. તારે કેવા પ્રકારના ભગવાન જોવા છે એ તું નક્કી કર પછી તું ગમે તે સમયે મારી પાસે આવજે, હું જૂઠું નથી કહેતો, હું જરૂર તને ભગવાન બતાવીશ, એ મારી ફરજ છે.”

ભગવાન કેવા હોય તેની મેં ઘણી કલ્પના કરી, પણ મનુષ્ય સ્વરૂપથી આગળ મારી કલ્પના જઈ શકી નહીં, મારું મન વનસ્પતિ-સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને પછી મનુષ્યજાતિ પર ફરી વળ્યું, છેવટે મેં એક પ્રજ્ઞાવાન સુંદર અને અત્યંત શક્તિશાળી માણસની કલ્પના કરી. મેં કહ્યું, ‘ભગવાન આવા દેખાવા જોઈએ.’ પછી મને સમજાયું કે હું કેવી મૂર્ખતાભરી માંગણી કરી રહ્યો હતો. મારા મનમાં જ સ્પષ્ટતા ન હોય તો હું કેવી રીતે કંઈ અનુભવી શકું?

છેવટે હું ગુરૂ પાસે ગયો અને કહ્યું, “મહારાજ, મને એવા ભગવાન બતાવો જે અમને દુઃખમાંથી મુક્ત કરે અને અમને સુખી કરે.”

તેમણે કહ્યું, “એ તો સમત્વયુક્ત, શાંતસ્થિર અવસ્થા છે અને એ તારે પોતે કેળવવાની છે.”

મનની સ્પષ્ટતા વિના ભગવાનને જોવાની ઇચ્છા કરવી એ અંધારામાં ફાંફા મારવા જેવું છે. મેં જોયું કે માણસનું મન મર્યાદિત છે અને તે પોતાનાં મર્યાદિત સાધનો અનુસાર જ ચિત્રો ખડાં કરે છે, કોઈ જ મનુષ્ય ભગવાન શું છે એ સમજાવી શકે નહિં કે ભગવાનનો માનસિક ખ્યાલ ઘડી શકે નહિં. આપણે કહીએ કે ભગવાન સત્ય છે, પ્રેમનો ઝરો છે, પરબ્રહ્મ છે અથવા વિશ્વનો પ્રકાશક છે, પણ આ બધાં અમૂર્ત વિચારો છે અને તે ભગવાનના દર્શનની ઈચ્છા સંતોષી શકે તેવા નથી. તો પછી જોવા જેવું શું છે? જેઓ ભગવાનને એક હસ્તીરૂપે માને છે તેઓ એની કલ્પના કરી એવું રૂપ જોઈ શકે, પણ ખરેખર તો મનુષ્યનાં નેત્રોથી ભગવાન કદી જોઈ શકાય નહીં. માણસ આત્મદર્શન કરે પછી જ ભગવાનનો સાક્ષાત્કાર થઈ શકે.

* * * * * * * *

મેં તેમને પૂછ્યું, “ઉપનિષદોમાં ઘણાં બધા વિરોધાભાસ દેખાય છે, એક જગ્યાએ તેમાં કહે છે કે બ્રહ્મ એક અને અદ્વિતિય છે, વળી બીજે કહે છે કે બધું બ્રહ્મ જ છે, ત્રીજે ઠેકાણે કહ્યું છે કે આ જગત મિથ્યા છે અને બ્રહ્મ જ સત્ય છે તો ચોથે ઠેકાણે વળી કહે છે કે આ બધી વિવિધતાઓ હેઠળ એક જ પરમ સત્ય છે, આ બધાં વિરોધી લાગતા કથનોનો અર્થ કેમ મરવો?”

તેમણે કહ્યું, “તું એ માટે તૈયાર નથી. તું ફૂલી ગયેલો અહંકાર લઈને ફરે છે, તારા મનમાં મારી પરીક્ષા કરવાનો ભાવ છે, તું શીખવા નથી માંગતો, તું તો એ જોવા માંગે છે કે હું તારા પ્રશ્નના જવાબ આપી શકું છું કે નહીં. તું તૈયાર થા ત્યારે મારી પાસે આવજે, હું જવાબ આપીશ.”

બીજે દિવસે બહુ નમ્ર બનીને મેં કહ્યું, “મહારાજ, આખી રાત મેં તૈયારી કરવામાં વીતાવી છે, હવે હું તૈયાર છું.

તેમણે કહ્યું, “ઉપનિષદના જ્ઞાનમાં ક્યાંય વિરોધાભાસ નથી, મહાન ઋષિઓને ધ્યાન અને ચિંતનની ઉંડી અવસ્થામાંથી સીધું આ જ્ઞાન પ્રાપ્ત થયું છે. સાધક જ્યારે સાધના કરવા માંડે ત્યારે ત્યારે તેને સમજાય છે કે આ દ્રશ્યમાન જગત પરિવર્તનશીલ છે, પણ સત્ય કદી પરિવર્તન પામતું નથી. પછી તે જાણે છે કે પરિવર્તનોથી ભરેલું નામ અને રૂપનું જગત ખોટું છે અને તેની પાછળ એક પરમ સત્ય રહેલું છે જે અપરિવર્તનીય છે. પછીના તબક્કામાં જ્યારે તે સત્યને જાણે છે ત્યારે તે સમજે છે કે સત્ય એકમેવ છે અને તે સર્વવ્યાપી છે અને મિથ્યા જેવુ કાંઈ છે જ નહીં. એ ભૂમિકાએ તેને એ સત્યનું જ્ઞાન થાય છે જે સાન્ત અને અનન્ત જગતમાં એક અને સમાન છે, પણ એના કરતાં પણ હજુ વધુ ઉંચી સ્થિતિ છે જેમાં સાધકને જ્ઞાન થાય છે કે કેવળ એક જ પરમ સત્ય છે, બીજું કાંઈ છે જ નહીં અને જે દેખીતી રીતે મિથ્યા લાગે છે તે ખરેખર તો એ પરમ સત્તાનો જ આવિર્ભાવ છે.

* * * * * * * * * *

એ સંન્યાસી ઘણા ભલા ને માયાળુ હતાં. તેમણે ગણિતના માધ્યમ દ્વારા મને તત્વજ્ઞાન શીખવ્યું. ઉપનિષદના શ્લોકો દ્વારા તેમણે શૂન્યથી સો સુધીના એક એક આંકડાનો દાર્શનિક અર્થ સમજાવ્યો.

ગણિતમાં ૧ નો અંક હોય છે. બીજા બધા આંકડા એ આ એકનો જ ગુણાકાર છે. એ જ રીતે પરમ સત્ય એક જ છે અને વિશ્વના અન્ય સર્વ નામ તથા રૂપ એ એકના એક જ અનેક આવિર્ભાવો છે. ગંગાની રેતી પર પોતાના દંડ વદે રેખાઓ દોરીને તેમણે ત્રિકોણ બનાવ્યો અને જીવન કેવી રીતે સમાન કોણવાળો ત્રિકોણ છે તે મને સમજાવ્યું. શરીરનો કોણ, આંતરિક અવસ્થાઓનો કોણ અને બ્રાહ્ય જગતનો કોણ જીવનનો સમાન ખૂણાવાળો ત્રિકોણ બનાવે છે. બધાં જ અંક જેમ એક અમાપ બિંદુમાંથી આવેલા છે તે જ રીતે આખું વિશ્વ એક અમાપ શૂન્યમાંથી પ્રગટ થયેલું છે. જીવન એક ચક્ર જેવું છે એમ કહીને તેમણે એને એક વર્તુળ કે શૂન્ય સાથે સરખાવ્યું. ‘આ વર્તુંળ જ બિંદુનો વિસ્તાર છે’ એમ એમણે બીજી એક ઉપમા કહી, જીવન અને મૃત્યુ બે અજ્ઞાત વચ્ચેની લીટી છે. જીવનનો અજ્ઞાત ભાગ તે અનંત રેખા છે.

તેમણે કહ્યું, “એક એક મીંડુ લખ અને પછી એકડો લખ – ૦ ૧. પહેલાં એકડો લખાય તો દરેક શૂન્યનું મૂલ્ય છે; પણ એકડો પહેલાં ન હોય તો શૂન્યની કશી જ કિંમત નથી. દુનિયાની બધી વસ્તુઓ શૂન્ય સમાન છે, જે એકમાત્ર સત્ય છે. તેના પ્રતિ જાગ્રત થયા સિવાય આ બધી વસ્તુઓની કંઈ કિંમત નથી. પણ એ એક સત્યને આપણે જાણીએ છીએ ત્યારે જીવન જીવવા જેવું બને છે.

– સ્વામી રામ, અનુ. કુન્દનિકા કાપડીઆ

( ઈ.સ. ૧૯૨૫ માં ગઢવાલમાં જન્મેલા અને હિમાલયમાં અનેક વર્ષો સુધી તેમના ગુરુના માર્ગદર્શન હેઠળ શિક્ષાપ્રાપ્તિ માટે ભ્રમણ કરનાર અને હિમાલયના યોગીઓની સાંખ્યશાખાના વારસદાર એવા સ્વામી રામને ઈ.સ. ૧૯૫૨માં તેમના ગુરુ દ્વારા પશ્ચિમમાં જઈને અધ્યાત્મ અને યોગના ફેલાવા માટે કામ કરવાની પ્રેરણા આપવામાં આવી. એ માટે પશ્ચિમમાં તેમણે હિમાલયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ યોગ સાયન્સ અને ફિલોસોફી ની સ્થાપના કરી. અમેરીકા અને યુરોપમાં તેમના ઈન્સ્ટીટ્યૂટની સભ્યસંખ્યા ખૂબ વધી, જો કે સાથે તેઓ અનેક વિવાદોમાં પણ સપડાયાં. (જુઓ સ્વામી રામ વિશે વિકિપીડીયા પાનું) તેમના દ્વારા તેમના હિમાલયના જીવન અને ગુરુ સાથેના સમયને લઈને આલેખાયેલ પુસ્તક, “લિવિંગ વિથ ધ હિમાલયન માસ્ટર્સ” એક અનોખુ પુસ્તક છે, જેનો ગુજરાતી અનુવાદ ૧૯૮૫માં કુન્દનિકા કાપડીયા દ્વારા કરાયો છે. આજે પ્રસ્તુત છે સ્વામી રામના તેમના ગુરુ સાથેના તથા હિમાલયના અન્ય યોગીઓ સાથેના સંવાદનો એ પુસ્તકમાંથી થોડોક આસ્વાદ. )


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “સિદ્ધયોગી સાથે મુલાકાત – સ્વામી રામ, અનુ. કુન્દનિકા કાપડીઆ