નરસિઁહ મહેતાનું જીવન અને કવન – તરુણ મહેતા (Audiocast) 20


શ્રી તરુણ મહેતાની કલમે લખાયેલ નરસિંહના જીવન કવન વિશેનો આ વિસ્તૃત લેખ એક ખૂબ સુંદર અને માહિતિપ્રદ કૃતિ સમ બની રહેશે એ વાતમાં તો કોઈ શંકાને સ્થાન નથી, પણ આ લેખની પ્રેરણાએ તરુણભાઈના જ અવાજમાં લેપટોપ પર હેડફોન અને માઈકના સહારે આ સમગ્ર કૃતિને રેકોર્ડ કરી અને પછી તેને ઍડીટ કરવામાં અનેક મિત્રોનો સુઝાવ રૂપ સહયોગ મળતો રહ્યો છે. વાંચો અને સાંભળો…. પ્રસ્તુત છે ગુજરાતી બ્લોગ જગતની પ્રથમ ઑડીયો પોસ્ટ….

અક્ષરનાદ પ્રસ્તુત કરે છે, ગુજરાતી બ્લોગજગતની પ્રથમ ઑડીયો પોસ્ટ

[audio:http://aksharnaad.com/images/idpd/chapter1.mp3]

શીર્ષક – મધ્યકાલીન કવિતાનું ઇન્દ્રધનુ – નરસિંહ મહેતાના જીવન કવન વિશે વિશેષ અભ્યાસલેખ
સ્વર – તરુણ મહેતા
સ્વર નિયોજન તથા રેકોર્ડિંગ – જિજ્ઞેશ અધ્યારૂ
પાર્શ્વસંગીત – સાભાર યૂટ્યૂબ વિડીયોમાંથી

[audio:http://aksharnaad.com/images/idpd/final%20chapter%202.mp3]

આપણી માનવસૃષ્ટિના અસ્તિત્વના આટઆટલા વર્ષોમાં બહુ ઓછા પ્રાજ્ઞ પુરૂષો થયા, જેમણે અસ્તિત્વને પ્રેમ ભક્તિની અખંડ જ્યોત તરીકે એક ચૈતન્યમૂલક અવસ્થાના પરિણામ સ્વરૂપે સ્થાપિત કરી, જે વ્યક્તિના જીવનને પ્રેમ ભક્તિનું અખંડ ઐક્ય ગણાવી શકાય. કૃષ્ણભક્તિ જ જેના જીવનનું સ્તોત્ર હતું તેવું દિવ્યજીવન જીવતા ભક્ત કવિ નરસિંહ મહેતાના જીવન વિશે કોઈ ઐતિહાસીક દસ્તાવેજી આધારો – શ્રદ્ધામૂલક – પ્રાપ્ત થતાં નથી.

ભક્ત કવિ નરસિંહ મહેતા મૂળ તો વડનાગરા બ્રાહ્મણ – નાગર હતાં. સં ૧૩૬૦માં ઉતર ગુજરાતના છેલ્લા રાજવી કરણઘેલાના સમયમાં તેમના પૂર્વજો ગુજરાત છોડી કાઠીયાવાડમાં તળાજા, જિ. ભાવનગર હિન્દુ રાજવી નાગાર્જુનના રાજ્યમાં આવી વસ્યા. નરસિંહના પૂર્વજ ભાણજી પંડ્યા પ્રખર કર્મકાંડી હતાં. તેમણે રાજાએ આરંભેલ પુત્રેષ્ટિ યજ્ઞમાં સહાય કરી, રાજાને પુત્રપ્રાપ્તિ થઈ. રાજાએ હરખથી ઇશ્વરીયા અને મહાદેવપુર – બે ગામડાં બક્ષિસ આપ્યા. પંડ્યામાંથી જાગીરદાર બન્યા, ત્યારબાદ ગદાધર કારભારી બન્યો – પ્રવૃત્તિમાં ફેરફાર થવાથી પંડ્યામાંથી મહેતા બન્યા.

ગદાધરને પાંચ પુત્રો થયાં, તેમાંથી એક જ જીવિત રહ્યો, તે પુરૂષોતમ, તેને બે પુત્રો થયામ એક કૃષ્ણ દામોદર અને બીજો પર્વતરાય. બન્નેના લગ્ન તળાજા થયાં. કૃષ્ણ દામોદરને ત્યાં સં. ૧૪૬૫ ના વૈશાખી પૂર્ણિમાએ ભક્તકવિ નરસિંહનો જન્મ થયો. પિતા સિપાહી સાલાર હતાં – વંથલીની લડાઈમાં વીરગતિ પ્રાપ્ત કરી ત્યારે નરસિંહ ફક્ત ૪ વર્ષના હતા. નરસિંહ ભાઈ ભાભીની છત્રછાયામાંજ મોટા થયાં. નરસિંહના લગ્ન ૧૪૮૨માં મજેવડી મુકામે માણેકબાઈ સાથે થયાં. ૧૪૮૬માં પુત્રજન્મ (શામળશા), ૧૪૮૮માં પુત્રીજન્મ (કુંવરબાઈ). કુંવરબાઈના જ વંશમાં સંગીતસાધિકા વિદૂષિઓ તાનારીરી થઈ હતી. નરસિંહ મહેતાનું જીવન અનેક ચમત્કારો અને સંકુલતાઓથી ભરેલું હતું. તેમાં ભક્તિ અને શ્રદ્ધાઓનો સમન્વય થાય છે. તેમના જીવન વિશેનો આખો ઇતિહાસ એક અલગ સંશોધનનો વિષય છે. આપણે તેમના સર્જન અને સર્જકતાનો જ પરિચય મેળવીશું.

નરસિંહનું સાહિત્ય

નરસિંહ મુખ્યત્વે ભક્ત હતાં, તેમને કવિ થવાના કોઈ કોડ નહોતા છતાં તેમની કૃષ્ણપ્રીતીના રસસમુદ્રએ બહોળુ સર્જન કરાવ્યું. તેમના સર્જનને મુખ્યત્વે ચાર વિભાગોમાં વહેંચી શકીએ.

૧. આત્મકથાનક પદો – હાર, હુંડી, મામેરું, શ્રાદ્ધના પદો, ઝારીના પદ, હરિજનોને અપનાવ્યાના પદો.
૨. આખ્યાનકલ્પ કૃતિઓ – ચાતુરીઓ, સુદામાચરિત્ર, દાણલીલા (૭૧ પ્રસંગકાવ્યો)
૩. કૃષ્ણપ્રીતીના ઉર્મિગીતો –
– શૃંગારના પદો જેમાં રાસસહસ્ત્રપદી, વસંતના પદ, શૃંગારમાલા, હિંડોળાના કાવ્યો સહિત ૯૦૦ જેટલા પદો
– વાત્સલ્યપ્રીતિના પદો કૃષ્ણની બાળલીલા સંદર્ભે
૪. ભક્તિજ્ઞાનના પદો
– અધ્યાત્માનુભવની કવિતા.
– પ્રેમલક્ષણા ભક્તિની કવિતા.

[audio:http://aksharnaad.com/images/idpd/chapter%203%20final.mp3]

નરસિંહની સર્જનાત્મક સરવાણી

નરસિંહ ગુજરાતી ભાષાની ગંગોત્રી છે. જ્યાં ગુજરાતી ભાષાનો એક સ્વતંત્ર ભાષા તરીકે આવિષ્કાર થયો હશે એ અગાઊ પણ અનેક જૈન મુનિઓએ સર્જન કર્યું હતું પરાંતુ ત્યારે ગુર્જરી ગિરાને ભાષા તરીકેનું ગૌરવભર્યું સ્થાન પ્રાપ્ત થયું ન હતું. નરસિંહ ગુજરાતી ભાષાના આદિકવિ છે. નરસિંહનું સર્જન સ્વયં કવિતા છે. તેમનું સર્જન વ્યાપક પણ છે. તેમના સર્જનમાં કુળ, જ્ઞાતિ, સાંપ્રત અને ધાર્મિક પ્રવાહોનું અવતરણ થયું છે. તેમની કવિતામાં પ્રેરણા, સ્ફુરણા, ચેતના, કર્મ, જ્ઞાન, વૈરાગ્ય, શ્રદ્ધા અને સંસ્કારનો સમન્વય દેખાય છે. આ બધું હોવા છતાં નરસિંહની કવિતાને આપણે નિસર્ગની લીલા જ ગણાવી શકીએ.

એક ભક્ત તરીકે નરસિંહની અપેક્ષા દર્શનમાત્રની જ છે તેથી તે કર્મયોગનું બયાન કરે છે.

આપણે આપણા ધર્મ સંભાળવા,
કર્મની ભાળ તો કર્મ લેશે.

તેમના મનમાં દ્રઢ ભક્તિના બીજ રોપાયા તેથી તે કહે છે,

હરિના જન તો મુક્તિ ન માંગે,
માંગે જનમ જનમ અવતાર રે,
નિત્ય સેવા, નિત ઓચ્છવ કીર્તન,
નિરખવા નંદ કુમાર રે….

તો તેમની ફકીરી આ રીતે દર્શાવે છે,

અન્ય વેપાર નહીં ભજનતોલે
ભક્તિ વિના બધું ધૂળધાણી,
કૃષ્ણ વિના બીજું સર્વ કાચું.

તો કુંવરના વિદાયપ્રસંગે નરસિંહનો ચિંતાગ્રસ્ત આત્મા પોકારી ઉઠે છે,

કુંવર લાડકી તમે સાસરે સિધાવોને
થતાં પ્રભાત, મરશે તાત, નૃપ જરૂર કરશે ઘાત.

‘હાર’ ના પ્રસંગે કવિ કૃષ્ણની મોઢામોઢ આવી કડક અને શ્રદ્ધાસભર વાણી કહે છે –

પ્રાણ જાશે તોય અવરને નહીં ભજું, હઠીલાને કહું હાથ જોડી,
તારે તો સેવક કોટી છે શામળા, મારે તો એક જ આશ તારી.

જરૂર પડ્યે પ્રભાતી રાગનો ગાનાર કવિ કૃષ્ણને જગાડવા પણ મથે છે –

ઉઠ કમલાપતિ, કાં હજી સૂઈ રહ્યો,
આજ શ્યામા તણી સેજ ભાળી.

આમ લક્ષ્મીને પણ ભક્ત ઠપકો આપે છે.

અંતે ‘હાર’ કાવ્યમાં કવિના ભક્ત હ્રદયનો ભગવાન આગળ વિજય થાય છે ત્યારે કવિતાની ઉન્નત ક્ષણ મળે છે.

‘હાર ઝાલીને સભામાં હરી આવ્યા.’

ભક્તને તો ભગવાન જ સાચો સગો છે. નારાયણનું નામ જ તેને મન સાચું નાણું છે, એટલે જ તેણે કહ્યું,

નારાયણનું નામ જ લેતા વારે તેને તજીએ રે

આખ્યાનકલ્પ કૃતિઓ

ચાતુરીમાં ચાર પંક્તિની કૃતિને લઈને કૃષ્ણભક્તિનું મહિમ્નગાન કર્યું છે. સુદામાચરિત્રમાં ભગવાન કૃષ્ણના અનન્ય મિત્રના કૃષ્ણ સાથેના સંબંધને ભક્ત ભગવાનના ઉતમ ભાવાત્મક દ્રશ્ય તરીકે નિરૂપ્યું છે.

દાણલીલાના પ્રસંગોમાં ૭૧ પદોમાં ગોપીભાવે, ભક્તિભાવે કૃષ્નના ગુણગાન કરવાનો ઉપક્રમ છે. ગોપી માનવવ્યવહાર વડે જ અધ્યાત્મ પામે છે.

ભલે પરણાવી મારે હરિવર રૂડો
અખંડ પેરાવ્યો ચૂડો રે !

ભક્તિભાવમાં અદ્વૈત છે. જ્યાં લિંગ શરીરનો સંબંધ ઓગળી જાય છે

પાણીડા જાતાં વ્હાલો પ્રેમથી બોલાવે

અથવા

રજનિ સોહાગણ વહિને ગઈ રે ભાણ સોહાગી ઉગો રે !

કે પછી

ગોરસ દાણ ન હોએ રે ગોવાળીયા

ગોપીની શરમાળ ભક્તિનો પરિચય આપતા કવિ કહે છે,

નહીં જાઊં સરોવર પાણીડા, મારગ નંદલાલ મલે.

દ્વારીકામાં કવિએ કૃષ્ણની મૂર્તિના દર્શન કર્યા, અંતરજ્યોત ઉઠી અને કવિતાનું ઝરણું નીકળ્યું. ત્રણ માસના દ્વારીકા નિવાસ દરમ્યાન તેમનો માંહ્યલો કૃષ્ણપ્રેમથી રંગાઈ ગયો અને સાચો સ્વામી શામળીયો છે તેની તેમને પ્રતીતી થઈ. દ્વારિકાથી પછી ગિરિનગર જુનાગઢમાં વસવાટ કરે છે. ત્યાં ભક્તિની ધોધમાર ધારા સાથે સંસારનું રગશિયું ગાડું દારિદ્રયનો બોજ વેંઢારી મંથર ગતિએ ચલાવે છે. ભક્ત વત્સલ ભગવાને નરસિંહના જીવનને ચમત્કૃત કરી ભક્તિની સાથે ભક્તિની ગરિમા વધારી. તરુણવયમાં જ વેદ-ઉપનિષદ, ભાગવત, તત્વજ્ઞાન વગેરે આત્મસાત કર્યા. ભક્તકવિ જયદેવનું ગીત ગોવિંદ તેમની સાહિત્ય યાત્રાનું પ્રેરક બન્યું. નરસિંહની કવિતામાં ભક્તિ, શ્રૃંગાર, શાસ્ત્રીય સમજ વગેરે મંત્રમુગ્ધ કરી દે તેવાં છે. ઝૂલણાં છંદ અને બિલાવલ રાગની બંદિશ ગુજરાતી ગળાની શોભા છે. તેમાંય નાગદમન તો ઉત્કૃષ્ટ સંવાદકાવ્ય છે.

વિશાળ વાંચનની પ્રતીતિ તેમના આખ્યાનકાવ્ય કવિતામાં જોવા મળે છે.

[audio:http://aksharnaad.com/images/idpd/chapter%204%205%20final.mp3]

આપણને જાણીને નવાઈ લાગશે કે નરસિંહની કૃષ્ણપ્રીતી વિષયક ઉર્મિગીતોમાં શૃંગારને લગતા રાસસહસ્ત્રપદી, વસંતનાપદો, શૃંગારના પદો અને હીંડોળાના પદોની સંખ્યા કુલ ૯૦૦ જેટલી છે. આ ઉપરાંત માખણચોરીની કથાઓમાં એમણે શિશુભાવો આલેખ્યા છે, એમાં

આઈ પેલો ચાંદલીયો મુને રમવા આલો !

રાસસહસ્ત્રપદીમાં લખે છે ઉત્કૃષ્ટ રતિરાગ,

ગાન કરે ગોપી શું મલિને, કહાનકામિની રાની રે,
આલિંગન ચુંબન ને તૂરા, અધરામૃત રસ પાની રે.

અથવા

ગોપી ગેલ કરે ગોવિંદ શું, તન મન ધન સૌ સોંપી રે

તેમની આ કવિતામાં વર્ષા, શરદ, વનશ્રી, નિસર્ગની શોભાનું આહ્લાદક વર્ણન છે. પાંચસો વર્ષ પૂર્વે તેમણે સર્વજન સમાના નું સૂત્ર આપ્યું. રૂઢિચુસ્ત નાગર પરિવાર સામે વિદ્રોહ કરીને તેમણે કરેલું કીર્તન એમનું પ્રગતિશીલ પાસું હતું. જ્ઞાતિજનોના ઠપકા સામે તેમણે ગાયું,

હરિજનથી જે અંતર ગણશે, તેના ફોગટ ફેરા રે !

મહાત્મા ગાંધીજીએ નરસિંહની જ સર્વધર્મની સારરૂપ રચના પ્રાર્થનામાં સમાવી. તે સર્જનાત્મકતા દેશ વિદેશના સીમાડા વટાવી સર્વશ્રેષ્ઠ પ્રાર્થના તરીકેનું ઉમદા સ્થાન પામી. નરસિંહની એ નિધિ ગામડાના ભજનમંડળો, ગોપીમંડળો, વૃદ્ધો, બાળકોના હોઢે ઝળાંહળાં છે.

ભક્તિજ્ઞાનના પદો

સાહિત્યકારની આંતરિક સંવેદનાની અભિવ્યક્તિ કરે ત્યારે તેમાં ભાવ ભાષાનું સાયુજ્ય હાથવગું હોય છે. ચિતના સંવેદનના ચિત્રને રંગ અને રેખા દ્વારા અમૂર્તમાંથી મૂર્ત કરે છે. નરસિંહ મહેતા પાસે ચમત્કારીક સર્જનશક્તિ છે. કૃષ્ણ તરફ નરસિંહ મહેતાને અનન્ય શ્રદ્ધા અને શરણાગતિ છે. તેણે ઉપમા અલંકારથી કૃષ્ણને સંબોધન કરતા જણાવ્યું કે –

ચાલને સખી જોવા જઈએ રે,
ગોકુળ આંબો મોર્યા રે

આંગણમાં નંદકુંવરની શોભા માટે લખ્યું છે,

જશોદાજીના આંગણીયે રે, સુંદર શોભા દિસે !

નંદ, યશોદા, ગોપી, ગોપબાળ, સવત્સધેનુ, વૃક્ષવેલ, યમુના, ગોકુળ, વરસાદ, મોર બધાંને લઈને કૃષ્ણના વિવિધ સ્વરૂપોની તેમણે ઝાંખી કરાવી છે. રાસલીલામાં રતિક્રીડાથી લઈને રસસમાધિ સુધીની ક્ષણને કવિતા લેખે આલેખી છે. ક્યાંક કવિએ રાધા કૃષ્ણને નિમિત બનાવ્યા છે તો ક્યાંક ગોપબાળને નિમિત બનાવ્યા છે. કૃષ્ણને કેન્દ્રમાં રાખીને તેની કવિતા અનન્ય નિર નિરાળા રૂપો ધારણ કરે છે.

કૃષ્ણની રાસલીલા અને અન્ય લીલાઓને સમાવીને કવિતા તો તેમણે કરી છે, પરંતુ તેમાં વિવિધ શાસ્ત્ર – ઉપનિષદના વચનોને પણ કવિતામાં અવતરીત કર્યા છે.

આમ તો કવિતાની વાત કરીએ તો Poetry is nothing unless it transports . નરસિંહની ઉદ્દાત વાણી

સચ્ચિદાનંદ આનંદ ક્રીડા કરે સોનાના પારણા માંહી ઝૂલે

કે પછી

નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તે જ હું તે જ હું તત્વ બોલે,
શ્યામના ચરણમાં ઇચ્છું છું મરણ રે અહીંયાં નથી કોઈ કૃષ્ણ તોલે.

ઉપનિષદધારાને યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મન્ , તૈતરીયની વાતને કહે છે,

અકળ અવિનાશી એ નવ જાયે કળ્યો, અરધ ઉરધ માંહે મ્હાલે,
નરસૈંયાનો સ્વામિ સકળ વ્યાપી રહ્યો, પ્રેમના તંતમાં સંત ઝાલે.

તો નરસિંહ પાસે કબીર જેવી અવળવાણી નથી, તેની વાણીમાં સીધી દ્રશ્યાત્મક અસર વર્તાય છે.

જાગીને જોઉં તો જગત દીસે નહીં, ઉંઘમાં અટપટા ભોગ ભાસે,

રામચરિતમાનસ અને ભગવદગીતાના ભાવને જ દ્રઢ કરતી કાવ્યપંક્તિ જુઓ –

મોહમાયા વ્યાપે નહીં જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે,
રામનામ શું તાળી રે લાગી, સકળ તીરથ તેના તનમાં રે.

રામચરિતમાનસની હરિવ્યાપક સર્વત્ર સમાના ની ભાવનાને કવિ આ રીતે મૂકે છે,

આદ્ય તું, મધ્ય તું, અંત તું, ત્રિકમા,
એક તું, એક તું, એક પોતે !

જાતિ, કુલ ધર્મ લડાઈની વિભાવના સાથે પદ લાલિત્યનો વૈભવ છે –

નારાયણનું નામ જ લેતા, વારે તેને તજીએ રે …

ઉપનિષદના ચાર સૂત્રોને નીચે મુજબ કાવ્યની ભાષામાં ઢાળ્યા છે,

તત્વમસિ – નિરખને ગગનમાં
હિરણ્યમયેન પાત્રસ્થે – ઝળહળ જ્યોત ઉદ્યોત રવિ કોટમાં
યતો વાચા નિવર્તન્તે – અકળ અવિનાશી…
ભ્રહ્મ સત્યં જગન્મિથ્યા – જાગીને જોઉં તો જગત દીસે નહીં.

ગીતાના સાંખ્યને નરસિંહ આ રીતે અભિવ્યક્ત કરે છે,

તું અલ્યા કોણ ને કોને વળગી રહ્યો,
વગર સમજ કહે મ્હારું મ્હારું,
દેહ તારો નથી, જો તું જુગતે કરી,
રાખતા નવ રહે નિશ્ચે જાયે.

આમ ઉપનિષદ, ગીતા, રામાયણ, લોકબોલી, વ્યવહાર, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય જેવાં અનેક આયામોથી નરસિંહની કવિતાને જોઈ શકાય.

ઝૂલણાં છંદ અને કેદાર રાગ નરસિંહની કવિતાના વિશેષ પાસાં રહ્યા છે. કૃષ્નના બાળચરિત્રને આલેખતા આ નરસિંહ ખૂદ ઝૂમ્યા હશે. અને તે જ લય ઝૂલણા છંદનો નિમિત બન્યા. ગુજરાતી ગિરા નરસિંહની કવિતાથી રળિયામણી છે, કારણ નરસિંહે સંસ્કૃતિ, સંસ્કાર અને સમન્વયના વારસાને સમૃદ્ધ રીતે ઝીલ્યો છે. તેથી નરસિંહને નમન કરવાનું મન થાય.

વંદે કવિત્વં અહમ્

– તરુણ મહેતા


આપનો પ્રતિભાવ આપો....

20 thoughts on “નરસિઁહ મહેતાનું જીવન અને કવન – તરુણ મહેતા (Audiocast)

 • aniruddhsinh mawka

  આપનો નરસીહ મહેતા વિશેનો ઉપરોક્ત લેખ ખુબ જ રસપ્રદ અને પ્રેરણાદાયિ લાગ્યો. નરસીહ મહેતા “ન ભુતો ન ભવિશ્યતિ” – આભાર સહ – અનિરુદ્ધ્ સિહ મક્વાણા ના જય શ્રિ ક્રિશ્ન,……

 • czpatel

  બહુજ સરસ….ખુબ ખુબ આભાર… ભાઇ શ્રેી તમારેી પાસે
  ” પ્રભુ તને પ્રસન્ન તે કેમ થાયે, તારા દિલનુ કપટના જાયે..
  હોય તો મોક્લાવ જો …આભાર..erczp@yahoo.com
  from TORONTO ,CANADA
  THANKS A LOT

 • chauhan Himmat

  જિવન નુ અક કડ્વુ સત્ય …………………
  સચો પ્રેમ હમેશા ખોટિ વ્યક્તિ સાથે થાય છે. અને જયારે સાચિ વ્યક્તિ સાથે થાય છે ત્યારે સમય ખોટો હોય છે. ચૌહણ હિમત

 • Sugam Sangeet .Net

  Thanks for Audio book Mara jeva anekne Reading karvama Taklif padti hati. Have saru thai gayu Aam badha aartical sambhali shakashe.
  Back Ground Music ne slow karvathi spast sambhali sakiye.
  Aabhar from kanti & Harsha Patel Canada

 • kedarsinhji m jadeja

  શ્રાધ્ધ પ્રસંગ
  ઢાળ:- કીડી બાઇ ની જાન નો

  આવ્યો સમય આજે શ્રાધ્ધ નો રે કરે નરશી વિચાર
  મેણા મોટા ભાઇ મારતા, આપે કસ્ટો અપાર
  કરવું પિતાનું મારે શ્રાધ્ધ છે…

  પાંચ બ્રાહ્મણ ને બોલાવશું રે, સંગે ગોર પરીવાર
  વાળી વેચી ને સિધૂ લાવશું, સાથ દેસે સરકાર
  મોટો દ્વારીકા નો નાથ છે…

  લાવ્યા સિધું સૌ સાથમાં રે, ઘી નહિં ઘરમાં લગાર
  આપો ઊધારે આટલું, કરે નરસિ પોકાર
  દેવા મારેતો પછી દામ છે…

  મારે મહેતાને નાગર મેણલા રે, આજ આનંદ અપાર
  આવે તેડાં જો આપના, જાવું ભક્ત કેરે દ્વાર
  લેવો પ્રભૂ નો પરસાદ છે…

  બોલ્યા મહેતાજી ત્યારે ભાવમાં રે, સકળ નાગર સંગાથ
  આવો અમારે આંગણે, લેશું ભોજન સૌ સાથ
  સાચી પ્રભૂજી ની મ્હેર છે…

  નાગર કરેછે ઠ્ઠા ઠેકડિ રે, સુણી નરસિ ની વાત
  સાત માણસ નું સીધું નથી, કહે જમાડું હું નાત
  વાતો કરવામાં હોંશીયાર છે..

  સાચો વહેવાર વંશીધરે રે, નથી નરસિ નું કામ
  કેવાં ભોજન ને કેવી વાત છે, ક્યાં છે દમડી કે દામ
  ફોગટ ફુલણશી ફુલાય છે…

  મળ્યો મહેતા ને એક માલમી રે, આપું ઘી ના ભંડાર
  દામ ન હોય દામોદર ભજો, એજ સાચા કલદાર
  પછી-નરસિ નરાયણ ગાય છે…

  સાદ સૂણીને જાગ્યો જાદવો રે, કિધાં સૌને ફરમાન
  ભક્ત મારો ભજને ચડ્યો, નહિં રહે હવે ભાન
  જાવું મહેતાજી ને દ્વાર છે…

  નાગર બનીને વ્હાલો આવીયા રે, આવ્યા જુનાગઢ મોજાર
  શોભે છે રૂપ નરસિ તણું, હૈયે હરખ ન અપાર
  કરવાં સેવક ના મારે કામ છે…

  કાન ટોપી ધરિ ભૂધરે રે, હાથ લીધી કરતાલ
  ભાલે તિલક અતિ શોભતું, સંગે તંબુર નો તાલ
  ગોવિંદ ગોવિંદ ના ગુણ ગાય છે..

  ગોર બાપા બેઠા રૂસણે રે, નહિં આવું તારે દ્વાર
  કોડીનું દાન કરતો નથી, ખોટો તારો વહેવાર
  વંશીધર સાચા યજમાન છે…

  વિપ્ર બોલાવ્યો એક વિટ્ઠલે રે, નહિં જાણે કોઇ જાપ
  પામ્યો મહેર માધવ તણી, મુખે મંત્રો અમાપ
  વાણી વેદો ની જાણે ખાણ છે…

  પોઠું આવી કોઇ ભાત ની રે, સંગે સાજ શણગાર
  સેવક આવ્યા સૌ સાથમાં, પૂછે નરસિ ના દ્વાર
  ક્યાં મહેતાજી ના મહેલ છે…

  નાગર લાગ્યા સૌ જાણવા રે, ક્યાંથી આવ્યા કયું કામ
  કોના સેવક ને કોના દાસ છો, શુંછે માલિક નું નામ
  કેવું નરસૈયા કેરૂં કામ છે…

  હરિપૂર વાસી હરજીવન, રાખે મહેતા ના માન
  જાણી પ્રસંગ આજે શ્રાધ્ધ નો, એણે કિધાં ફરમાન
  કરવાં મહેતાજી ના કામ છે…

  નાગર બેઠાં સૌ ચીતવે રે, કિધો મોટેરો માર
  ભીખ મંગાને શાની ભીડ છે, ક્યાં છે વળતો વહેવાર
  નથી કંઇ લાજ કે સર્મ છે…

  દ્વારે આવી ને કરે ડોકીયા રે, દિઠાં પિત્રુ પરિવાર
  ભાવે ભોજન આરોગતાં, આપે આશિષ અપાર
  બોલે નરસિનો જય કાર છે…

  વિધ વિધ જાત ની વાનગી રે, જેની ફોરમ ફેલાય
  નાગર લાગ્યા સૌ નાચવા, લ્હાવો છોડ્યો નહિં જાય
  જમવું મહેતાજી ને ધામ છે…

  સઘળાં કૂટુંબ સંગે આવીયા રે, નાગર નરસિ ને દ્વાર
  સોના બાજોઠ બીછાવીયા, આપ્યાં સુંદર શણગાર
  હીરા મોતી થી ભર્યા થાળ છે…

  ભાવતાં ભોજન આવતાં રે, આવ્યાં મેવા મોહનઠાર
  ખાધું પિધું ને ભાતું ભર્યું, બોલે નરસિ જયકાર
  ધન્ય મહેતાજી તારી સેવ છે…

  સોના રૂપા ના દાન દેવાણા, નથી પૈસા નો પાર
  કૂળના ગોર ને રીઝાવીયાં, આપ્યાં અઢળક ઊપહાર
  પછી-દામોદર દામાકૂંડે જાય છે…

  આવ્યા નરસિ જ્યારે આંગણે રે, વાત જાણી વિસ્તાર
  કિધી અરજ ક્રૂપાલને, કરો કરૂણા કિરતાર
  શાને-ભૂખ્યા ભગવાન ને ભક્ત છે…

  આવ્યા દામોદર દોડતાં રે, રાધા રૂક્ષમણા સંગાથ
  ભાવે થી ભક્ત ને જમાડીયા, જમે દ્વારીકા નો નાથ
  ભક્ત વત્સલ ભગવાન છે…

  કરે ભરોંસો જે કાન નો રે, ગીત ગોવિંદ ના ગાય
  કાર્ય સૂધારે એના શામળો, વાસ વૈકુંઠ માં થાય
  “કેદાર” ગુણ ગાન એના ગાય છે…

  રચયિતા
  કેદારસિંહજી મે જાડેજા
  ગાંધીધામ કચ્છ.

 • Suresh Jani

  ખુબ જ સુંદર સંગીત સાથે વાંચન નો આનંદ કઈ જુદો છે
  આશા કરીએ કે આ રીતે સંપૂર્ણ ગુજરાતી પુસ્તક ઓડીઓ બુક સ્વરૂપે મળે.અક્ષરનાદ ને મારા ખુબ અભિનંદન