ભારેમૂવાંવના ભેરુ – સ્વામી આનંદ (પુસ્તક ડાઉનલોડ) 2


(સ્વામી આનંદના પુસ્તક ‘ભારેમૂવાંવના ભેરુ’ ને ખિસ્સાપોથી સ્વરૂપે શ્રી મહેન્દ્ર મેઘાણીએ પ્રસ્તુત કરેલું. એ ખિસ્સાપોથીને આજે ઓનલાઈન ઇ-પુસ્તક સ્વરૂપે વહેંચતા આનંદ થાય છે. પ્રસ્તુત છે સ્વામી આનંદ વિશે શ્રી ઉમાશંકર જોશી અને શ્રી સુરેશ દલાલની વાત. પુસ્તક ડાઊનલોડ વિભાગમાં સૌ વાંચકમિત્રો ડાઊનલોડ કરી શકે તે માટે ઉપલબ્ધ છે. આપ એ કડી પર રાઈટ ક્લિક કરીને Save As… પસંદ કરી તમારા કોમ્પ્યુટરમાં નિરાંતે વાંચન માટે પણ સંગ્રહી શક્શો. પુસ્તક વિશે આપના પ્રતિભાવો આવકાર્ય છે. )

એક એક શબ્દ માટે જીવ કાઢી નાખનાર – ઉમાશંકર જોશી

સ્વામી આનંદ ગુજરાતીના એક અચ્છા ગદ્યકાર તરીકે લાંબા કાળ સુધી જીવે એવી ઉત્તમ કૃતિઓ એમની પાસેથી મળી છે. લખાણને સંઘેડાઉતાર બનાવવા મથનાર, એક એક શબ્દ માટે જીવ કાઢી નાખનાર, એમના જેવા ચીવટવાળા લેખકો કોઇક જ જોયા છે. ગુજરાતી જ નહીં, અંગ્રેજી – મરાઠી ઉપર પણ સ્વામી આનંદનું એટલું જ પ્રભુત્વ હતું. સ્વામીજીની ગળથૂથીમાં સૌરાષ્ટ્રની ગ્રામભાષા, પછી થાણા જિલ્લામાં કામ કર્યું એટલે ત્યાંની લોકભાષા પણ એમની જીભે અને સુરત જિલ્લાની પણ. આમ, સ્વામીજીની ભાષા પંચકણકી જેવી બની રહી. પણ જે શબ્દ એ યોજે તે વાક્યલય, ભાવસંદર્ભ, સમગ્રાર્થ, બધી દૃષ્ટિએ ‘ચોટડૂક’ હોય. જુસ્સો ઊછળતો અને ભાષારિધ્ધિ અઢળક, એટલે સહેજે એમની શૈલી ઓઘવતી બની રહી. વાંચનાર તેમાં તણાય.

સ્વામી આનંદ મરમી જીવનના ફુવારા સમા હતા. એમના બાલસહજ નિર્દોષ વાર્તાલાપમાં સૂક્ષ્મ માર્મિક વાતો ઊભરાતી, એના હૃદયસ્પર્શી પૂર્ણ સૌન્દર્ય સાથે. એક મોડી રાતે એક સાંઇ ફકીરની વાત કરી રહ્યા હતા : “મહારાષ્ટ્રમાં નાના ગામડામાં ગામ છેડે તૂટીફૂટી ઝૂંપડીમાં ફકીર રહેતા. હું જાઉં એટલે કહે, બચ્ચા, પેલું વાંચ. છાપરીમાંથી ફાટેલી ચોપડી કાઢી મારે હંમેશાં એની એ વાત વાંચવાની : મહમ્મદ પયગંબર સાહેબને કોઇ માણસ વાટમાં મળે અને પહેલો હાથ એમણે એની તરફ લંબાવ્યો ન હોય એવું કદી ન બને. આ વાક્ય સાંભળે એટલે ફકીરનો જીર્ણ દેહ ખડો થાય અને એ ‘હાં રે મેરે વલ્લા !’ ગાતા જાય અને નાચતા જાય.”

આ વાત કહેતાં કહેતાં, ખબરે પડે તે પહેલાં, સ્વામી આનંદ પોતે ”હાં મેરે વલ્લા !” ગાતાં ગાતાં નાચવા માંડ્યા. ધન્ય પ્રેક્ષકવૃંદમાં અમે પતિપત્ની જ હતાં. આંખો સમક્ષ હતું પ્રેમઆનંદનું વૈશ્વિક નૃત્ય.

આનંદપુરુષનું ગર્ભશ્રીમંત ગદ્ય – સુરેશ દલાલ

નામ : હિંમતલાલ રામચંદ્ર મહાશંકર દવે.

જન્મ : સૌરાષ્ટ્રના ઝાલાવાડના શિયાણી ગામે.

જન્મસાલ : 1887, મરણ: 1976 ના જાન્યુઆરીની 25મીએ.

નાનપણથી જ ઓલિયા ફકીર જેવા. આંતરસાહસ ને નિર્ભયતા એમનાં કવચ અને કુંડળ. માતા પાસે અખૂટ ભાષાસમૃધ્ધિ – ભણેલાં નહોતાં છતાંયે. એમના જીવન પર સૌથી વિશેષ પ્રભાવ માતાનો. મુંબઇની ગિરગામ લત્તામાં એમનો ઉછેર થયો. મરાઠી શીખ્યા. પછી ગુજરાતી; રીતસરનું શિક્ષણ લીધેલું જ નહીં.

સ્વામી આનંદ એટલે ગુજરાતી ગદ્યની અલાયદી ઇજ્જત. એમના ગદ્યના ઘડતરની પાછળ જીવનનો એક વિરાટ અને વ્યાપક, ઊંડો અને અખિલાઇભર્યો અનુભવ છે. ઉત્તમ, મધ્યમ અને અધમ અનેક પ્રકારના માનવીઓના સંસારને એમણે અંતરની આંખે નિહાળ્યો છે, અને આ બધું એમની અંતરવહીમાં આપમેળે નોંધાઇને વર્ષો સુધી પડ્યું રહ્યું હતું. એમણે તો સહેજ અનાયાસે કલમ ઉઠાવી અને આપણી પાસે એમનું સાહિત્ય તણખાને સ્પર્શે ઘાસની ગંજી પ્રજવલી ઊઠે એમ, પ્રગટયું.

એમની કલમમાં વાવાઝોડાનો વેગ છે. ગોવર્ધનરામનું પાંડિત્યપ્રચુર ગદ્ય, મુનશીનું નાટ્યાત્મક ગદ્ય, ગાંધીજીનું સરલ અને સોંસરવું ગદ્ય, મેઘાણી-પન્નાલાલ-મડિયાનું તળપદું ગદ્ય, રમણલાલ-દર્શકનું ગાંધીપ્રેરિત ભાવનાશીલ ગદ્ય, કાકા કાલેલકર – સુરેશ જોષીનું કાવ્યમય ગદ્ય – આ બધાંની વચ્ચે કન્યાકુમારી પાસેના સમુદ્રમાંના વિવેકાનંદ – ખડક જેવું સ્વામી આનંદનું ગદ્ય જુદું પડી આવે છે.

સ્વામી આનંદનું ગદ્ય ગામઠી છે, પણ ગામડિયું નથી. તળપદું છે, પણ એમાં તળપદાવેડા નથી. પહાડી છે પણ પથ્થરિયું નથી. આર્દ્ર છે, પણ પોચટ નથી. શીલમાંથી પ્રકટેલી શૈલી છે, પણ શૈલીની કોઇ સભાનતા નથી. બોલાતી ભાષાનો રણકો છે. ગહન છે, પણ પાંડિત્યનો ભાર નથી. જ્ઞાનનું દર્શન છે, પણ પ્રદર્શન નથી. એમનું ગદ્ય ગર્ભશ્રીમંત છે. પણ ઠાઠ – ઠઠારા વિનાનું. અહીં વૈભવ છે, પણ સાદગી અને સરળતાનો. સવારના પહોરમાં ગાંધીજી જે ગતિથી ચાલતા એવી ગતિશીલ સ્ફૂર્તિ એમના ગદ્યમાં છે.

આ ઈ-પુસ્તક ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે. અક્ષરનાદ ડાઉનલોડ વિભાગમાં અહીં ક્લિક કરીને જઈ શકાય છે.


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “ભારેમૂવાંવના ભેરુ – સ્વામી આનંદ (પુસ્તક ડાઉનલોડ)