શાશ્વત ગાંધી – ગાંધીવાણી 2
ભાઈ દાદાચાનજી,
તમારા ૨૩મા કાગળનો આ ઉત્તર છે. બાબાને વિશેની મારી સ્થિતિ સ્પષ્ટ કરવા ઇચ્છું છું. કોઈથી બીજાને ઈશ્વરદર્શન કરાવાય છે એમ માનવામાં મને ઘણો સંકોચ છે. હદય ‘ના’ પાડે છે. પણ જ્યારે બાબા એવો દાવો કરે છે ત્યારે હું કહું, ‘તમે મને ઈશ્વર દર્શન કરાવો તો ઉત્તમ.’ જે કહે કે મેં ઈશ્વરદર્શન કર્યાં છે, તેણે કર્યાં જ છે, એમ માનવું જ જોઈએ એવું કાંઈ નથી. ઈશ્વરદર્શન કર્યાનું કહેનારા ઘણાતો ભ્રમમાં પડેલા જોવામાં આવ્યા છે. ઘણાને સારુ તો એ કેવળ પોતાના મનના પડઘા હોય છે. ઈશ્વરદર્શન એટલે કોઈ બાહ્ય શક્તિનું દર્શન, એવું તો હું માનતો જ નથી. કેમ કે ઈશ્વર તો આપણા બધામાં વસે જ છે, એમ મારી માન્યતા છે. પણ તેને કોઈક જ હદયથી ઓળખે છે. બુદ્ધિથી ઓળખવું બસ નથી. આ દર્શન કોઈ કોઇને ન કરાવી શકે એમ મને લાગ્યા કરે છે.