દરિયાની પાળે ઊભી રહીને જોઉં છું સૂર્યને અસ્ત પામતો, અને અસંખ્ય વાર જોયેલી આ ક્રિયા ફરી ફરી મને રોમાંચિત કરી ઉઠે છે. આ ગીષ્મનો મધ્યાહ્ન્ કે ઝરમર વરસતું આકાશ કે શિયાળાની ઘન રાત્રિનો ઠંડીનો ચમકાર – ઋતુચક્ર ઘૂમતું રહે છે, પણ બાની સ્મૃતિ કદી ઝાંખી નથી થતી.
સૂની બપોરે બારી પાસે ઊભી છું. સ્મૃતિઓનો ઝંકાર કશેકથી વહી આવે છે અને મારું અંતર ઝંકૃત થઇ ઉઠે છે. બારીના સળિયા પર બેસી ચકલી ક્યારની એકસરખું ચીં ચીં કરે છે. મારા રોજિંદા જીવનની સપાટીમાં છેદ પાડી ચીં ચીં મારા મનમાં ઝમતું રહે છે. ક્ષણભરમાં વ્યસ્ત ગૃહિણીની ખાલ ઉતારી નાખી પળભર હું કોમળ બાલિકા બની મુગ્ધભાવે ચીં ચીં સાંભળ્યા કરું છું. વર્ષોનુ વન વીંધી એ મને લઇ જાય છે મારા બાળપણના પ્રદેશમાં, જ્યારે બાના ખોળામાં માથું મૂકી સૂતાં સૂતાં ‘એક હતી ચકી, એક હતો ચકો’ની વાર્તા હું વિસ્મિત બની સાંભળતી.
બાની કઇ છબી પહેલી સાંભરે છે ? – અપૂર્વ સૌંદર્ય, છેલ્લી ઢબનાં ફેશનેબલ વસ્ત્રો, ઘટ્ટ કાળા લાંબા વાળના અંબોડામાં સુગંધી વેણી, સાયગલ, પંકજ મલિક, જગમોહન અને જ્યુથિકા રેની રેકર્ડ એની ખૂબ પ્રિય. સંગીતનો ખૂબ શોખ. આત્મારામજી એમના અંધ શિક્ષક. હાર્મોનિયમ પર બા અત્યંત મધુર કંઠે ભજન ગાય, ત્યારે, કશું સમજાય નહી છતાં આંખો છલકાઈ જાય. ચાર વર્ષની ઉંમરે મારો રંગમંચ-પ્રવેશ બાએ જ કરાવ્યો. માટુંગામાં ત્યારે અમે રહેતાં. મકાનની બધી ગૃહિણીઓને ભેગી કરી એમણે મહિલામંડળ સ્થાપ્યું હતું. એ સમયે આ વિચાર જ ક્રાંન્તિકારી લાગતો હતો. નવરાત્રિના ગરબા, પિકનિક, મકાનની સફાઈ, ચળવળ વખતે સ્વંયસેવિકાઓની ટુકડીની રચના, ભાગલા પડ્યા ત્યારે નિરાશ્રિતોની ખાવાની-રહેવાની વ્યવસ્થા – કંઈ કેટલાય રચનાત્મક કાર્યો બાએ ત્યારે હાથ ધરેલાં. દેશપ્રેમ વિશે, કંઈક નાટક બાએ તૈયાર કરેલું. પોતે અંગ્રેજ સોલ્જર બની હતી. અને હું ખૂબ નાની હતી ત્યારે મારી પાસે કશીક ભૂમિકા કરાવી હતી. રંગભૂમિનો પહેલો પાઠ બાએ ભણાવ્યો હતો. પ્રેક્ષકોથી કદી ડરવાનું નહીં. જેમ લોકો વધારે તેમ અભિનયની રંગત જામે. પછી તો બાના આવા ઘણા કાર્યક્રમોમાં ભાગ લઉં. નૃત્ય કરતી. નૃત્યની તાલીમ હોઇ શકે, એના વર્ગો ચાલે, એવું કશું તો ત્યારે હતું નહીં. અમે મા – દીકરી આમતેમ હાથ વાળીને કોઈ પણ નૃત્યનો કાર્યક્રમ ઘડી કાઢતાં.
આજે મને પ્રશ્ન થાય છે; બા આ બધું ક્યાં શીખેલી ? આ સંસ્કાર, આ કલારુચિ, નૈતિક હિંમત – ક્યાંથી બાએ મેળવ્યું હતું આ બધું ?
પતિ-પત્નીના જીવનની પશ્વાદભૂ અને ઉછેર સાવ અલગ. બા કદી શાળાએ ગઈ નહોતી. ખોબા જેવા ગામડાની અત્યંત ગરીબ વિધવા માની ચાર-પાંચ દીકરીઓમાં ચોથો નંબર. જ્યારે પપ્પાજી – સ્વ. ગુણવંતરાય આચાર્ય – નીડર પત્રકાર. સ્વાતંત્ર્ય સંગ્રામના સાહસિક લડવૈયા. ક્રાંન્તિકારી વિચારક. પણ બા કોઇ ઊંડી આંતરસૂઝથી આ સાવ નવી દુનિયામાં તરસી ધરતીમાં જળ પેઠે શોષાઈ ગયેલી. રાણપુરમાં પપ્પા ‘ફૂલછાબ’ માં કામ કરતા ત્યારે કેટલીય રાત્રે ઝવેરચંદ મેઘાણીનાં શૌર્યભર્યા કાવ્યો, સૌની પહેલાં એમના કંઠે સાંભળતી. પપ્પા પર વૉરંટ. જાતજાતના સમાચારો મેળવવા સંતાતા ફરતા. ઘણો વખત ભૂગર્ભમાં ઊતરી જતાં, ત્યારે ઘરની ગરીબી અને બાળકોની માંદગી સામે ગામડાની અભણ નારી જે ખમીરથી ટક્કર ઝીલતી એનું વર્ણન અમે મોટાં થયાં પછી પપ્પા કરતા ત્યારે અમારી આંખો છલકાઈ જતી.
સ્વાતંત્ર્ય આવ્યું ત્યારે પપ્પાએ એ જ લડાયક ખમીરથી રાજકારણમાં ઝુકાવવાને બદલે પહેલી ચૂંટણીમાં પોતાના મિત્રો માટે મન મૂકીને કામ કર્યું – તનમનધનથી. મિત્રો ચૂંટાઈ આવ્યા. પ્રધાનો બન્યા. ગવર્નર, ઍમ્બેસેડર, જાતજાતની સંસ્થાઓમાં મહત્વની જગ્યાએ ગોઠવાઈ ગયા. એમને સત્તાનો અફીણી કેફ ચડતો જોઈ પપ્પા એમનાથી દૂર ખસી ગયા. ચૂંટણી વખતનાં અનેક બિલો સુધ્ધાં પપ્પાએ ભર્યાં. જિંદગીમાં અનેક મુસીબતો ભોગવી, પણ તેમની પાસે જૂની મિત્રતાને દાવે કશું માગ્યું તો નહીં પણ મળવા સુધ્ધાં ન જતા.
જામનગરના રાજાએ મુંબઈ છોડી જામનગર આવવા આમંત્રણ આપ્યું – સ્ટેટના પ્રિંન્ટિંગનો સમગ્ર સંચાલનભાર સોંપવા – અલબત્ત, કશી દખલગીરી વિના. મુંબઈમાં સરદાર ચંદુલાલ શાહ સાથે રણજિત સ્ટુડિયોના વાર્તા વિભાગમાં પપ્પા હતાં. દિવસભર સ્ટુડિયો અને આખી રાત લખવાનું. રાત્રે ચાનો સામાન એમની આરામ ખુરશી પાસે મૂકી બા સૂઈ જાય. સવારે ઊઠીને જુએ તો લખેલા કાગળોની થપ્પી તૈયાર હોય.
મુંબઈ છોડી જામનગર ગયા. ત્રણ-ચાર વર્ષ અત્યંત જાહોજલાલીનાં વીત્યાં. જામનગર સ્ટેટ પ્રેસ, આયુર્વેદિક મુદ્રણાલય અને બાના નામથી પોતાનું નવું પ્રેસ ચાલે, નીલા પ્રિંન્ટિગ પ્રેસ, રજવાડાંઓ ગયાં, વિલીનીકરણ થયું. રાજની માલિકીનું પ્રેસ લઈ લેવાયું, પણ અમારું પ્રેસ પણ સ્ટેટની પ્રોપર્ટી સમજી લઈ લેવાયું. જેની મન મૂકીને ચાકરી કરી હતી તે સ્ટેટનાં રાજારાણીઓએ એની સામે હરફ સુધ્ધાં ન કાઢ્યો. સત્તાસ્થાને બેઠેલા મિત્રો પણ નવી સત્તા સાથે હનિમૂનના મિજાજમાં હતા.
ગયું, બધું જ ગયું. તણખલે તણખલે કરીને બાંધેલો માળો ક્ષણમાં પીંખાઇ ગયો. પપ્પા ઊંડા આઘાતથી ગંભીર માંદગીને બિછાને પડ્યા. એમાંથી ઊઠવાની આશા ડૉક્ટરોએ છોડી. ગાંઠે કશું નહીં. ચાર બાળકો અને પતિ મરણપથારીએ. પણ બા ! ઢાલ બનીને આડી ઊભી હતી. ‘અરે, ડૉક્ટરો શું દવા કરવાના! મારી માં છે ને હજાર હાથવાળી.’ માતાજીમાં અખૂટ આસ્થા અને રોમેરોમ વ્યાપેલી ભક્તિ.
એ કપરા સંજોગોમાં બા કઈ રીતે જીવી, ઘર કેવી રીતે ચાલ્યું અને મૃત્યુમુખમાંથી સાવિત્રીની જેમ યમરાજ પાસેથી કઈ રીતે પતિના પ્રાણ પાછા લાવી – એ સઘળો આ કળિયુગમાં ચમત્કાર જ કહેવાય. પપ્પા દર દિવાળીએ વહેલી સવારે સૌ પ્રથમ બાનો ચરણસ્પર્શ કરતા એ દ્ર્શ્ય મારી સ્મૃતિમાં સદા કંડારાયેલું રહેશે.
વર્ષો પહેલાંના એ પ્રસંગ પછી બાએ પપ્પા પાસે પાણી મુકાવેલું; કદી નોકરી ન કરવી. ખુમારીથી જીવ્યા છીએ એમ જ જીવશું. ત્યાર પછી પપ્પાએ ૧૯૬૫માં નવેમ્બરની ૨૫મીએ મધરાતે અચાનક વિદાય લીધી ત્યાં સુધી ક્યારેય ન કોઈની સિફારસ કરી, ન કોઈની ચાકરી. સાવજની જેમ એકલા જ લેખિનીને જોરે સ્વમાનભેર જીવ્યા.
સાહિત્ય-સમારંભો થાય, લેખકોની ષષ્ટિપૂર્તિ ઊજવાય, ગુજરાતી સાહિત્યના ઈતિહાસો લખાય, યુનિવર્સિટીમાં સાહિત્યકારોની ટેક્સ બુક્સ થાય, ત્યારે આ ખમતીધર આદમી અને ધુરંધર સાક્ષર ગુણવંતરાય આચાર્યનો ઉલ્લેખ સરખો ન થાય, પપ્પા તો મસ્ત ફકીર પણ અમે વ્યથિત થઈએ ત્યારે બા અમને ગર્વથી કહે, તારા પપ્પાનું સ્થાન તો વાચકોના હ્ર્દયમાં છે. કોઈના કહેવાથી કોઈ મોટું થોડું થાય છે ?
અત્યારની જાણીતી નાટ્યસંસ્થા ‘ઈપ્ટા’ના ઘડવૈયાઓમાં પપ્પા હતા. પપ્પાનું બ્રિટિશરો સામે જેહાદ જગાવતું નાટક ‘અલ્લાબેલી’ ઠેર ઠેર ભજવીને લોકોમાં ચિનગારી પેટાવવા બધા કલાકારો ગામડે ગામડે ફરતાં. એ નાટક પર અંગ્રેજોની કરડી આંખ હતી. ત્યારે ખાનગીમાં સેટ, કોસ્ચ્યૂમ વગર ભજવાતું, પોલીસોનો દરોડો પડે, ત્યાંથી ભાગીને બીજે. સ્વાતંત્ર્ય પછી ‘ઈપ્ટા’ સામ્યવાદ તરફ ઢળતી જાય છે એ જોઈને થોડા કલાકારોએ છૂટા પડીને નવી નાટ્યસંસ્થા સ્થાપી ‘રંગભૂમિ’. પપ્પા મૃત્યુપર્યંત એના ઉપપ્રમુખ રહ્યા. નાટકની દુનિયામાં પપ્પાને સૌ ગુરુજી કહેતાં.
સ્કૂલમાં હતી ત્યારથી આ સંસ્થામાં નાટકો કરતી. પપ્પા તો એટલા સ્વતંત્ર મિજાજના હતા કે અમને પુત્રીઓને જે કરવું હોય તેની સદા છૂટ રહેતી, પણ બાએ અમને બધાંને એટલી જ સ્વતંત્રતા આપેલી એટલું જ નહીં પ્રોત્સાહન પણ આપે. ‘રંગભૂમિ’માં, કૉલેજમાં, બીજી સંસ્થાઓમાં ઘણાં નાટકો કર્યા – એવા કાળમાં જ્યારે શનિરવિ નાટકોના હોલ છલકાતા નહીં અને બહુ ઓછી બહેનો નાટકમાં કામ કરવા આગળ આવતી. પણ મારા પર બાની કશી રોકટોક નહિં. રાત સુધી રિહર્સલો, દિવસે કૉલેજ, પણ બા કદી નારાજ ન થાય. ઊલટાની મારા બધા શોઝ જુએ અને મારા અભિનયનું વિશ્લેષણ પણ કરે. “દીકરીઓએ ઘરકામ કરવું જ જોઈએ. રસોઈ શીખો, કાલ ઊઠીને સાસરે જશો તો શું થશે?” – એવાં વાક્યો બાને મોંએ કદી ન સાંભળ્યાં. બા ને પપ્પા અમને એમ જ કહેતાં, “જેટલી પ્રવૃતિ કરવી હોય તે કરો, આ વર્ષો જિંદગીમાં પાછાં નહી આવે.”
પપ્પા અને બા, બત્રીસ વર્ષના દામ્પત્યજીવનમાં વૃક્ષ અને મૂળની જેમ સદા સાથે રહેલાં. પપ્પાજી ઘરે જ લખતાં. કોઈ પ્રકરણ સરસ લખાયું છે એમ લાગે તો પપ્પા સાંજે વાંચે, બા રસથી સાંભળે, પછી પૅક કરી મેટર પોસ્ટ કરી આવે. એમના દામ્પત્યજીવનની મધુરતા અને પ્રસન્નતાએ સૂર્યકિરણની જેમ અમારા જીવનને ચેતનાનો સ્પર્શ કર્યો છે.
– આવો પવિત્ર સંગાથ નંદવાયો. પપ્પા એકલવીર, અલગારી, ધૂની. જિંદગીમાં ઘણું ઘણું ખોયું, શરૂઆતની નોકરીઓ બદલી, કેટલાંય ગામો બદલ્યાં, પપ્પા કદી હિસાબ ન રાખે – પૈસાની ગણતરી જ ન કરી શકે. કેટલાય લોકોએ પૈસા જ ન આપ્યા, બનાવી ગયાં – છતાં બા હસતી હસતી સંસાર ચલાવતી. ‘મારી મૂડી તમે’, બા કહેતી.
પણ મૃત્યુ પાસે બા હારી. ખાલી આરામખુરશીને તાકીને દિવસો સુધી બેસી રહેતી. આંખોનું નૂર ગયું. ચોખ્ખું હીરાકણી જેવું રુપ ગયું. ડૉક્ટરોએ કહ્યું, ‘બા ના જીવનનો આનંદ જ લૂંટાયો છે, બા ઝાઝું નહીં જીવે.’ અમારા બધાનાં ઘરે બા રહે, પણ જીવ ન ઠરે. તરત ચાલી જાય.
રાજકોટમાં અમારું ઘર. બા એકલી જઈને ત્યાં રહી. સમય પસાર કરવા મંદિરે જવા લાગી. બાનું લડાયક ખમીર ફરી સળવળ્યું. એના મીઠા કંઠથી ગવાતાં ભજનોએ કંઈ કેટલીયે બહેનોને બા તરફ ખેંચી. બા વિચારવા લાગી, ‘પતિ નથી, બાળકો સૌ સૌને ઘરે સુખી છે, તો આ જીવનને બીજાના ઉપયોગમાં ખર્ચી ખરો ધર્મ – માનવતાનો ધર્મ કેમ ન આચરવો ?’
બસ, તે દિવસથી બાએ સંસારમાંથી મન ખેંચી લીધું. માયાનું આવરણ મન પરથી સરી ગયું. એકલાં જ રહે. સ્વતંત્રાથી, સ્વમાનથી, પપ્પાની રૉયલ્ટીની રકમ હાથમાં મૂકી દઉં પછી સાવ જ જરૂરિયાત પૂરતું રાખી, બાકીનું ક્યાં જાય તે અમને ખબર ન પડવા દે. મંદિર એની સેવાપ્રવૃત્તિનું ધામ. ગરીબ વિધવા બાઈઓની મદદ કરવી, કોઈને દાણો, કોઈને ફી, કોઈની દવા. ભજનમંડળ સ્થાપ્યું છે. ઘરે ઘરે ભજન ગાવા જઈ, છેલ્લે છેડો ફેલાવી પૈસા માગી, ભજનફંડ ઊભું કર્યું છે. જેમાંથી ગામડેથી ગરીબ વિદ્યાર્થી રાજકોટ ભણવા આવે તેને ફી – ચોપડાં, નાનાં બાળકોને દૂધ, ખીચડી આપવા કેન્દ્ર ચાલે. એક જ ટંક રસોઈ, ચાર જોડી કપડાં અને જાતે ઘરકામ.
પુત્ર – પુત્રીઓના સંસારમાં માથું મારવાની ફુરસદ નથી, અમે કશી કીમતી ખરીદી કરી હોય તે જોઇ રાજી થાય પણ તરત કહેશે, “આટલો ખર્ચો તારી એકલી માટે કર્યો ? મને થોડા રૂપિયા નહીં આપે ? – ફલાણા કામ માટે જોઇએ છે.” વરસમાં એક વાર ઘર બંધ કરી ક્યાંક જાત્રાએ ઊપડી જાય, પછી ન કોઇ પત્ર ન ખબર. અમારાં બધાંના જીવ અધ્ધર થઈ જાય. ઘણી વાર વૃદ્ધ, અપંગ સ્ત્રીઓનેય સાથે લઇ જાય. એને હાથ પકડી બધે ફેરવે, દર્શન કરાવે. કોઇ પણ અજાણ્યા સ્થળમાં ગિરદીમાંય ગમે તેમ જમવાની; ટિકિટની વ્યવસ્થા કરી, સહીસલામત ઘરે પાછાં ફરે. ઉંમર, રોગ શરીરને પીડે તોય ન ગણકારે. મનોબળથી શરીર પાસેથી કસીને કામ લે છે.
બાને એકલતા કે શૂન્યતાએ કદી સતાવી નથી. એણે ફરી પોતાનાં મૂળ, કોઈ અજબ આંતરસૂઝથી શોધી લીધાં છે. અને એટલે જ એમનું જીવનવૃક્ષ સદા લીલુંછમ રહે છે. બાના આ જીવનનો પ્રભાવ, અમારા પર તો ખરો, અમારાં બધાંનાં બાળકો પર પણ ઘણો પડ્યો છે. વેકેશનમાં બધાં બા પાસે જવા થનગની ઊઠે.
બાનું જીવન એટલે ગંગોત્રી. કેટકેટલું અમે જ નહીં, બીજાંય એ અમીધારાથી ભીંજાયાં !
હું મારાં બાળકોમાં પણ એવું કશું રોપી જવા માગું છું જે એમનામાં નિરંતર ઊગ્યા કરે, મોર્યા કરે, જેની સ્મૃતિઓની હુંફ એમનાં જીવનમાં પણ ઉષ્મા પ્રગટાવે અને એમનાં જીવનની પાછલી ઠંડી રાત્રે જ્યારે એમનાં બાળકોથી વીંટળાઈને બેઠાં હોય ત્યારે આવાં મધુર સ્મૃતિચિત્રોને તાજાં કરી શકે ને મને કોઇ સુંદર આથમી ગયેલી સંધ્યાની જેમ સંભારી શકે.
એ સંતાનો એમના જીવનની પાછલી સંધ્યાએ. . . નિયતિની આ લાંબી શૃંખલાની આપણે એક કડી, જેનો ન આદિ છે, ન અંત.
– વર્ષા અડાલજા
નવભારત સાહિત્ય મંદિર દ્વારા ૧૯૮૩માં જેની પ્રથમ આવૃત્તિ થઈ અને પછી જેના અનેક પુનર્મુદ્રણો થયા છે તેવું શ્રી દીપક મહેતા દ્વારા સંપાદિત સુંદર પુસ્તક ‘માતૃવંદના’ ના અનેક ભાગ પ્રસિદ્ધ થયા છે. આ શ્રેણીના પુસ્તકોમાં પ્રસિદ્ધ થયેલા લેખોમાં આપણા કેટલાક આદરણીય સારસ્વતોએ તેમની માતાના ચહેરાઓની થોડીક રેખાઓ ઝીલવાનો પ્રયત્ન કર્યો છે. આ પુસ્તકના પ્રથમ ભાગમાં, જેમાંથી આ લેખ લેવામાં આવ્યો છે તેમાં વર્ષા અડાલજા ઉપરાંત લાભુબહેન મહેતા, નરોત્તમ પલાણ, રસિક મહેતા, વિઠ્ઠલ પંડ્યા, ચંદ્રકાંત બક્ષી, ભગવતીકુમાર શર્મા, અમૃતલાલ યાજ્ઞિક, રઘુવીર ચૌધરી, યશવંત શુક્લ, ગુલાબદાસ બ્રોકર, મનુભાઈ પંચોળી જેવા વિદ્વાનોની તેમની માતા વિશેની વાતનો સમાવેશ થયો છે, તો અન્ય ભાગોમાં ઉમાશંકર જોષી, અનંતરાય રાવળ, સુંદરજી બેટાઈ, મોહમ્મદ માંકડ, વીનેશ અંતાણી, હસિત બૂચ, જયંત કોટારી, રમણલાલ જોષી, વિનોદ ભટ્ટ, રતિલાલ બોરીસાગર, કુમારપાળ દેસાઈ, જોસેફ મેકવાન, પ્રિયકાંત પરિખ, બકુલ ત્રિપાઠી, ચંદ્રવદન મહેતા, રાસબિહારી દેસાઈ, બાલમુકુંદ દવે, ક્ષેમુ દિવેટીયા, દિલીપ રાણપુરા, જશવંત મહેતા, જયંતી દલાલ જેવા વિદ્વાનોએ તેમના જીવનઘડતરમાં માતાના સ્થાન વિશે લખ્યું છે. પુસ્તકના લેખો માતૃત્વને આદરની અંજલિ આપે છે.
માતૃવંદના પુસ્તક ભાગ ૧ નો પ્રથમ લેખ શ્રી વર્ષા અડાલજાનો છે, અને ભાગ્યે જ કોઈ એવો ભાવક મળે જેની આંખ આ સુંદર વૃત વાંચીને ભીની થયા વગર રહે. ‘બા’ શબ્દની સાથે સંકળાયેલી લાગણીઓની અનુભૂતિ ખરેખર શબ્દશઃ ચિત્રણ પામી છે, આજે આ લેખ ‘માતૃવઁદના’ પુસ્તક ભાગ ૧ માંથી સાભાર અહીં પ્રસ્તુત કર્યો છે.
(પુસ્તક પ્રાપ્તિ માટે – નવભારત સાહિત્ય મંદિર, શામળદાસ ગાંધી માર્ગ, મુંબઈ, કિંમત ૧૨૫ રૂપિયા)
વર્ષાબેન, શ્રી ગુણવંતરાય આચાર્ય જરાય ભૂલાયા નથી એટલી ખાતરી રાખજો. એનું ઉત્તમ ઉદાહરણ હું છું કેમકે હું પરદેશ માં ઉછરી અને 18 વર્ષ ની ઉંમરે ભારત આવી. ગુજરાતી જરાય ન આવડે. મારા માતા પિતા બને પ્રોફેસર એટલે ઘરમાં સાહિત્યિક વાતાવરણ ખરું. પરંતુ ગુજરાતી વાંચવાની ચાનક મને મારી ગુજરાતી સાહિત્ય ની વિદ્યાર્થી મિત્ર તરફથી મળી. પરંતુ મારો ગુજરાતી સાથે નો સંપર્ક ખુબ ટૂંકો રહ્યો અને થોડા વર્ષોમાં હું ફરીથી ભારત બહાર નીકળી ગયી. છતાં શ્રી આચાર્યજી વિષે મેં વાંચ્યું હોય અને અલ્લાબેલી વિષે જાણકારી હોય એ જ પુરવાર કરે છે કે એમને કોઈ ભુલ્યુ નથી.
બા નું નામ ક્યાંય નથી તે સભાનતાપૂર્વક કે શરતચૂક?
વર્ષાબેન એક જગ્યા એ લખે છે “બાના નામથી પોતાનું નવું પ્રેસ ચાલે – નીલા પ્રિન્ટીંગપ્રેસ” – અહીં કદાચ અસભાનતા પૂર્વક નામ જણાવી દીધું હોય તેમ લાગે છે.
સરસ હૃદયસ્પર્શેી લેખ
લતા
આવિ મા સૌને મળે. મા વિશે તો જેટલુ પણ કહેવાય એટલુ થોડુ
વર્ષા અડાલજાની નવલકથા, નવલીકા, નિબંધ કે પ્રવાસ વર્ણન હોય, કે કોઈનું જીવન ચરિત્ર હોય. તેમની કૃતીઓ વાંચવાની મજા આવે છે.
મા તે મા
આવિ મા સૌને મળે. મા વિશે તો જેટલુ પણ કહેવાય એટલુ થોડુ
.
‘મા’ ના ગુણગાન જેટલાં ગાઓ કે કરો તેટલાં ઓછા પડે, ‘ માં’ નો પ્રેમ અને વાત્સ્લ્ય એ આપણે બધાંએ માણ્યું અને અનુભવ્યું હોય છે.જગતનાં બધી ભાષાના સહિત્યમાં ‘માં’ વિશે ઘણું બધું લખાયું છે.મહાન રશિયન લેખક મેકસિમ ગોર્કિની ‘મધર’ નવલકથામાં ‘માં’ ના પ્રેમ અને લાગણીઓ વિશે લેખકે ઘણું સરસ લખેલ છે.ગુજરાતી ભાષાના સાહિત્યમાં પણ ‘મા’ વિશે ઘણુ લખાયું છે પણ
કોઇ એવી નવલકથા નથી રચાઈ કે ‘મા’ ના પાત્રની આસપાસ કે મુખ્ય ભુમિકાએ હોય!!
એક હિન્દી ચિત્ર ‘ દાદીમા’ નું મન્ના ડે અને મહેન્દ્ર કપુરના સ્વરમાં ગવાયેલ ગીત ખુબજ લાગણશીલ શબ્દોમાં છે ‘હે મા તેરી સુરતસે આગે ભગવાનકી સુરત ક્યા હોગી!!
આ છે ‘મા’ નો મહિમા…………
ખુબ જ સુન્દર!
વર્ષા અડાલજાની નવલકથા, નવલીકા, નિબંધ કે પ્રવાસ વર્ણન હોય, કે કોઈનું જીવન ચરિત્ર હોય. તેમની કૃતીઓ વાંચવાની મજા આવે છે.
ગુણવન્તરાય આચાર્યની સર્જત પણ બળકટ હતી.
ધન્યવાદ
દિનેશ્
Aaje savarthi man todu upset hatu, tamri a post vanchi ne kub saru lagyu , thanks
હું મારાં બાળકોમાં પણ એવું કશું રોપી જવા માગું છું જે એમનામાં નિરંતર ઊગ્યા કરે, મોર્યા કરે, જેની સ્મૃતિઓની હુંફ એમનાં જીવનમાં પણ ઉષ્મા પ્રગટાવે અને એમનાં જીવનની પાછલી ઠંડી રાત્રે જ્યારે એમનાં બાળકોથી વીંટળાઈને બેઠાં હોય ત્યારે આવાં મધુર સ્મૃતિચિત્રોને તાજાં કરી શકે ને મને કોઇ સુંદર આથમી ગયેલી સંધ્યાની જેમ સંભારી શકે.